- કૉમ્પ્યુટરાઝેશનને કારણે થયેલ ક્ષતિ સુધારવા માટે અપીલ / રીવીઝન અરજી કરવાની જરૂરત નથી
જમીન વ્યવસ્થાપનનો મૂળ આધાર સર્વે સેટલમેન્ટ થયા બાદ તે આધારિત રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલ તેમજ જમીન મહેસૂલ અધિનિયમમાં હક્કપત્રક (Record of Rights)ની જોગવાઈઓ આધારિત મહેસૂલી રેકર્ડની નિભાવણી તે અગત્યની છે અને જમીન / મિલ્કતના કબજેદાર માલિકી હક્કે પુરવાર કરવા માટે એક માત્ર દસ્તાવેજી આધારભુત રેકર્ડ ગણાય છે જેથી તેનું મહત્વ ધરાવે છે. સામાન્ય જનમાનસમાં મહેસૂલી ગામના અગત્યના નમુનામાં ૭/૧૨ અને ૬ નંબર એટલે કે હક્કપત્રકની નોંધોનો સમાવેશ થાય છે તે પ્રચલિત સ્વરૂપે છે. સર્વે સેટલમેન્ટ થયા બાદ ગામના નમુના નં.૧ જે કાયમી ખરડો ઓળખાય છે તે આધારિત મહેસૂલી રેકર્ડ લખાયેલ છે અને આ રેકર્ડની જાળવણીની જવાબદારી મહેસૂલી રેકર્ડનું કૉમ્પ્યુટરાઝેશન થયું ત્યાં સુધી સબંધિત ગામના મહેસૂલી તલાટીની હતી અને રેકર્ડ હસ્તલિખીત સ્વરૂપે નિભાવવાની તેમજ જે પણ ફેરફાર થાય તો હક્કપત્રકમાં ફેરફારની નોંધ પાડવાની જવાબદારી તલાટીની હતી. મહેસૂલી રેકર્ડ તલાટીની કસ્ટડીમાં હોવાથી તેમજ અમુક તલાટી સ્વમેળે રેકર્ડમાં ફેરફાર કરી દેતા જેથી બિનજરૂરી વિવાદો પણ થતા અને પક્ષકારોને લીટીગેશનમાં ઉતરવું પડતું હતું. એક તબક્કે એવી પણ ફરીયાદો હતી કે તલાટી ગામે લોકોના કામ માટે મળતા ન હતા.
બદલાતા જતા સંજોગોમાં ટેકનોલોજી અને કૉમ્પ્યુટરના ઉપયોગનો વ્યાપ વધવાથી રાજ્ય સરકારે મહેસૂલી રેકર્ડનું આધુનિકરણ કરવાના ભાગરૂપે ૨૦૦૪માં રાજ્યના મહેસૂલ વહિવટને કમ્પ્યુટર નિયંત્રિત, સલામત, સુરક્ષિત, ચેડામુક્ત, ઝડપી અને સુદ્રઢ બનાવવાના ભાગરૂપે હસ્તલિખીત મહેસૂલી રેકર્ડને કૉમ્પ્યુટરાઝડ કરી ઓનલાઈન કરવામાં આવેલ છે અને અગાઉ જે હક્કપત્રકની નોંધ તલાટી દ્વારા ગામે પાડવામાં આવતી તેના બદલે તાલુકા કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં પાડવાનું શરૂ કરવામાં આવ્યું.
આમ તો જમીન / મિલ્કતના જે વ્યવહારો છે, જેમાં વેચાણ, ભેટ, વસીયતનામું, ભાડાપટ્ટા, વારસાઈ, વહેંચણ, બોજાની નોંધ વિગેરે મુખ્ય વ્યવહારો છે. પરંતુ આવા ૪૩ પ્રકારના સ્ટાન્ડર્ડ વ્યવહારોના ફોર્મેટ બનાવવામાં આવ્યા અને તે મુજબ જમીનોના હક્ક સબંધિત માધ્યમથી ઈ-ધરા કેન્દ્રમાં તબદીલ કરી શકાય છે.
જ્યારે હસ્તલિખીત રેકર્ડ કૉમ્પ્યુટરાઝડ કરવામાં આવ્યું તેમાં ડેટા એન્ટ્રી કરતી વખતે ક્લેરીકલ ભુલના કારણે ક્ષતિ રહી ગયેલ હોય તેવા કિસ્સામાં તેમજ જમીનના વિવિધ વ્યવહારોની ફેરફાર નોંધો ઓનલાઈન ઈ-ધરા વ્યવસ્થાપનમાં દાખલ કરતી વખતે ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી દ્વારા ભુલ રહી જવાના સંખ્યબંધ કિસ્સાઓ બનેલ, જેમાં ખાતેદારના નામ, અટકમાં ભુલ, સત્તા પ્રકાર, જમીનનો ઉપયોગ, ક્ષેત્રફળ, આકાર, હુકમ આધાર કરેલ નોંધની વિગત, બીજા હક્કોની નોંધ, બોજાની વિગતો, વારસાઈ થયેલ હોય તો અગાઉના કબજેદારોના નામ વિગેરે અને આ બાબત અગાઉના ૭/૧૨ જે હતા, તેમાં નવીન કૉમ્પ્યુટરાઝ ૭/૧૨ના પ્રમોલગેશનમાં પણ ગણી ભુલો થયેલ અને આવી ભુલો / ક્ષતિઓ ધ્યાનમાં આવે ત્યારે સબંધિત પક્ષકારને અપીલ / રીવીઝન દાખલ કરવાનું જણાવવામાં આવતું તેમજ એફીડેવીટ સ્વરૂપે જણાવવાનું કહેવામાં આવતું અને આવા કિસ્સાઓ સરકાર દ્વારા રી સર્વે થયા બાદ લખાયેલ રેકર્ડમાં પણ સંખ્યાબંધ કેસો ધ્યાનમાં આવતાં, સ્વમેળે કાર્યવાહી કરી ભુલ / ક્ષતિઓ સુધારવા માટે જણાવવામાં આવેલ છે. મહેસૂલ વિભાગના તા.૧૦-૩-૨૦૧૬ના પરિપત્ર ક્રમાંક ઃ સીએમપી / ૧૦૨૦૦૯ / ૨૪ હ-૨ અન્વયે કૉમ્પ્યુટરાઝેશન કરવાથી મહેસૂલી રેકર્ડમાં જે ક્ષતિઓ / ભૂલો કરવામાં આવી છે તે અરજદારને રીવીઝન / અપીલ ફાઈલ કરવાનું જણાવવાને બદલે સ્વમેળે (Suomoto) સુધારવા માટે સબંધિત તાલુકાના મામલતદારને સત્તાઓ આપવામાં આવેલ છે. (ક્રમશઃ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WRj33v
ConversionConversion EmoticonEmoticon