ગાંડા બાવળ દૂર કરાવવાના કામ સાથે જેટ્રોપા નાખવાનું ખરાબાની કે પડતર જમીનમાં વાવેતર કરાવી શકાય
ક્રૂડની આયાત ઘટાડી શકાય
આપણો દેશ ક્રૂડની આયાત પાછળ અંદાજે ૭.૨ લાખ કરોડથી વધુનો ખર્ચ કરી રહ્યો છે. ૨૦૧૯-૨૦ની આયાતના આ આંકડા છે. આયાત વધારે છે કારણ કે ભારતની ફ્યુઅલની-ઇંધણની કુલ જરૂરિયાતના ૮૦ ટકા ઇંધણ આપણે વિદેશથી આયાત કરીએ છીએ. ભારતમાં કુલ જરૂરિયાતના ૨૦ ટકા જ ઇંધણ પેદા થાય છે. આ ખર્ચ બચાવવામાં આવે તો વિદેશી હૂંડિયામણ સારી ટેક્નોલોજીની આયાત પાછળ ખર્ચીને આપણે વધુ સારી રીતે વિકાસ સાધી શકીએ તેમ છે. કૃષિ ઉપજની વાત કરવામાં આવે તો સો ટકા કઠોળને બાદ કરતાં આપણ ેબહુધા આત્મ નિર્ભર બની ગયા છે. હવે પેટ્રોલ-ડીઝલની આયાત ઘટાડીને તેના વિકલ્પે ઓછું પ્રદુષણ કરતાં બાયો ફ્યુઅલને પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે. બાયોફ્યુઅલ હવે એક સારો વિકલ્પ ગણાવા માંડયો છે.
ડીઝલ પર્યાવરણને ખાસ્સું નુકસાન પહોંચાડે છે. આ ડિઝલનો વિકલ્પ શોધવાનો અને તેનો ઉપયોગ કરવાનો સમય હવે પાકી ગયો છે. સીએનજીથી દોડતા વાહનો આવી ગયા છે. ઇલેક્ટ્રિક વેહિકલનો યુગનો ઉદય થવા માંડયો છે. હવે સોલાર પાવરથી વીજળી પેદા કરતી પેનલો કારની છત પર લાગેલી હોય અને તેના થકી જનરેટ થતી વીજળીથી દોડતી કારનો યુગ પણ બહુ દૂર તો નથી જ નથી. સૌર ઉર્જાથી ઉડતા વિમાન થકી હજારો કિલોમીટરનો પ્રવાસ થઈ ચૂક્યો છે. આ સંજોગોમાં સૌર ઉર્જીથી પેદા થતી વીજળીથી દોડતી મોટરકારનો વિચાર કરવો ખોટો નથી. ગુજરાતના નવસારી વિસ્તારમાં જ એક નવ યુવાને બાઈકના મશીનને સોલાર પેનલથી જોડીને આખો દિવસ બાઈક ચલાવી દેખાડયું છે. આ પણ નવી આશાનો સંચાર કરતી સિદ્ધિ છે.
ભાયોફ્યુઅલ જેટ્રોપામાંથી બનાવી શકાય છે. તેમ જ મૃત પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ જ રીતે રાંધવામાં વપરાયેલું અને વારંવાર વપરાયા કરવાથી કેન્સર જન્ય બની જતું કૂકિંગ ઓઈલનો ઉપયોગ કરીને પણ ેબાયોફ્યુઅલ બનાવી શકાય છે. આ બધાંમાંથી બનતું બાયોફ્યુલ અંદાજે લિટરદીઠ રૂા. ૩૫ની આસપાસના ભાવે મળી શકે છે. હા, તેનાથી રોજગારી પણ ખાસ્સી નિર્માણ થઈ શકે છે. સોયાબીનના તેલમાંથી પણ બાયોફ્યુઅલ બની શકે છે. આર્થિક રીતે પરવેડે તેટલા ખર્ચમાં તેના પ્લાન્ટ નાખી શકાય છે. આમ તો એરંડા, કણજી અને લીંબોડીની તેલમાંથી પણ બાયો ફ્યુઅલ બનાવી શકાય છે. પરંતુ હવે આ બધાં તેલનો ઉપયોગ મેડિસિનમાં થતો હોવાથી તેના કોસ્ટિંગ પરવડે તેવા રહ્યા નથી. ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો તેનાથી ઇકોનોમિક વાયેબિલિટી રહેતી નથી.
બાયો ફ્યુઅલના પ્લાન્ટ નાખવા માટે ૧૦થી ૨૦ લાખનો ખર્ચ કરવો પડે છે. ગુજરાતના એક ગામમાં એક પ્લાન્ટ નાખે અને સ્થાનિક જરૂરિયાત પૂર્ણ કરે તો ૧૮,૦૦૦ લોકોને રોજી આપી જ શકે છે. હવે મિનિટ્રેક્ટર પણ બાયો ફ્યુઅલથી ચાલી શકે છે. આ માટે પણ તેના એન્જિનમાં સહજ ફેરફાર કરી દઈ શકાય છે. તેના ફાયદાની વાત કરીએ તો ગામડામાં ભારે પ્રદુષણ ફેલાવતા ડીઝલને બદલે ઓછું પ્રદુષણ કરતાં બાયોફ્યુઅલ વપરાશે અને પર્યાવરણ પરનો લૉડ ઓછો થઈ જશે.
વાહનોના કે અન્ય ઉપકરણોના એન્જિનની ડિઝાઈનમાં થોડા ફેરફાર કરીને બાયો ફ્યુઅલનું ઉત્પાદન વધારવાનું આયોજન કરી શકાય છે. બાયોફ્યુઅલમાં ડીઝલની જેવા ઇગ્નિશન પોઈન્ટ મળી આવે છે. પરિણામે બાયો ફ્યુઅલ પર વાહનો ચલાવી શકાય છે. ગુજરાતની જ વાત કરીએ તો ગાંડા બાવળની સમસ્યા વકરી રહી છે. તેને કાઢવા માટે સરકાર સતત મનરેગામાં કામ કરાવ્યા કરે છે. ગાંડા બાવળ કઢાવીને તેને સ્થાને પડતર જમીનમાં જેટ્રોપાની ખેતી કરાવવાનું આયોજન કરી શકે છે. મોટી જમીન ધરાવતા ખેડૂતો શેઢા પર પઁણ જેટ્રોપાની ખેતી કરી શકે છે. ક્રૂડની આયાતના બિલનો લૉડ ઓછો કરવા માટે સરકાર આ દિશામાં વધુ સારી કામગીરી કરીને કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવી શકે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hnRmsu
ConversionConversion EmoticonEmoticon