વાર્તા : મધુરજની .

- 'હું એમને દોષ નથી દેતી. પરંતુ આપણે અહીં હનીમૂન ઊજવવા આવ્યાં છીએ. એકબીજા સામે મોકળા થવા માટે, પ્રેમ અને રોમાન્સ માટે આવ્યાં છીએ., આપણને મુક્ત અને બિન્ધાસ્ત માહોલમળવો જોઈએ... હું તો એમ વિચારતી હતી કે આપણે કોેઈક આલીશાન હોટેલના વૈભવશાળી ખંડમાં રોકાશું, જ્યાં કેવળ તું અને હું, હું અને તુ.... ત્રીજું કોઈ જ બંધન નહિ.' 


'સાંભળો  છો? રાકેશ તેની નવપરિણીતાને લઈને હનીમૂન માટે આવી રહ્યો છે. હમણાં તેનો જ ફોેન  હતો.' વંદનાએ હરખભેર કહ્યું.

મહેશ કોઈ જ પ્રતિક્રિયા વ્યક્ત કર્યા વગર છાપામાં નજર ફેરવતો ચૂપચાપ ચાના ઘૂંટડા પીતો રહ્યો. નૈનીતાલ જેવા હિલ-સ્ટેશન પર રહેનારાઓને મહેમાનોના આગમનના સમાચાર, અખબારોના સનસનાટીસભર સમાચારો સામે સાવ ફિક્કા લાગતા હતા.

'આપણે ત્યાં જ રોકાશે.' વંદનાએ ફરી મહેશનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો.

'હં...હં.... ક્યારે આવવાનો છે?' પૂરેપૂરા સમાચાર વાંચ્યા બાદ અખબાર બાજુ પર મૂકતાં મહેશે નિર્લેપભાવે કહ્યું.

'આ મહિનાની ૨૬મી તારીખે. ત્રણ દિવસનો પ્રોેગ્રામ છે.'

'પણ મેં તો એ સમય દરમિયાન પ્રશાંતના ઘરે જવાનો પ્લાન બનાવ્યો હતો. બિચારો કેટલાંય વરસોથી કહીરહ્યો છે.'

પ્રશાંત મહેશનો ગાઢ મિત્ર છે. અલ્મોડામાં તેનું ફાર્મહાઉસ છે. કામકાજ ખાતર અવારનવાર તે નૈનીતાલ આવતો હોય છે અને દર વખતે પોતાના દોસ્તને મળવા તેમના ઘરે અચૂક આવે છે. બે-ચાર વખત તો પોતાની પત્ની સાથે પણ તે આવીને રહી ગયો છે. વિશાળ ફાર્મ હાઉસમાં પતિ-પત્ની એમ બે જણ જ રહે છે. મહેશની માફક તેમનાં સંતાનો પણ અમેરિકામાં સેટ થઈ ગયાં છે.  વિદેશથી  પુત્રો આવે ત્યારે મહેશ તથા વંદનાને ફાર્મહાઉસ પર આવવાનો તે એટલો બધો આગ્રહ કરે છે કે હવે તેમને ના  પાડતાં બંને શરમ અનુભવે છે. પણ શું થાય? મહેશ પોેતાના કામકાજમાંથી નવરો જ નથી પડતો.  અને હવે આટલાં વર્ષે માંડ પ્રોેગ્રામ બનાવ્યો, ત્યાં રાકેશના આવવાના સમાચાર સાંભળ્યા.

રાકેશ, વંદનાની માસિમાઈ બહેનનો દીકરો છે. વંદના તેનાં લગ્નમાં નહોતી જઈ શકી. પરંતુ લગ્નની શુભેચ્છા આપતી વખતે હનીમૂન માટે નૈનીતાલ આવવાનું ભારપૂર્વક આમંત્રણ આપ્યું હતું. હવે જ્યારે એ સામેથી નૈનીતાલ આવવાનો  છે ત્યારે બંને જણ બીજે ચાલ્યાં જાય, તો કેવું લાગે? વંદનાએ મહેશને પોતાની મજબૂરી જણાવી, તો એ માની ગયો.

'ઓ.કે. ફરી ક્યારેક ફાર્મહાઉસ પર જઈશું.' એટલું કહેતાં તે તૈયાર થવા ચાલ્યો ગયો અને વંદના ઉમંગભેર રાકેશ અને તેની નવવધૂના સ્વાગતની તૈયારીમાં લાગી ગઈ.

મ હેમાનગતીમાં વંદના નાનપણથી જ માહેર હોવાથી ગમે ત્યારે ઘરમાં મહેમાનો આવે ત્યારે વંદના અકળાતી કે મૂંઝાતી નથી. ઊલટુ, તેનો આનંદ-ઉલ્લાસ વધી જાય છે અને વધુ સ્ફૂર્તિથી કામકાજમાં વ્યસ્ત બની જાય છે.

મહેશ કાયમ વહેલી સવારથી નીકળી પડે પછી મોડી રાત્રે ઘેર પાછો ફરે છે. વંદના બિચારી ટીવી, મેગેઝિનો અને કામવાળી સાથે કેટલો સમય પસાર કરે? વળી આવનારા મહેમાનો મોટે ભાગે હરવાફરવા માટે આવતા હોવાથી સવારે નાહીધોઈને નીકળી પડે તે મોડી રાત્રે ડિનર લઈને જ પાછા ફરે છે. એટલે કામકાજનો બોજ પણ વધતો નથી. અને તેમની સાથે ગપ્પાં મારીને વંદના ફરી તાજી થઈ  જાય છે. એ બહાને ચા-નાસ્તા સાથે તેની રસોઈકળાનો કસબ દેખાડવાનો મોકો પણ તેને મળી જાય છે.

મહેશ પણ આવા મોકાની મોજ માણે છે અને ખાણી-પીણી દરમિયાન ઘણીવાર મજાક-મસ્તી કરવામાં  પાછો પડતો નથી. 

'તમારે અવારનવાર અહીં આવતા રહેવું. એનાથી મને પણ ટેસ્ટી ડિશોે ખાવા મળે છે.'

આવું સાંભળીને વંદના મહેશ સામે મજાકમાં આંખો કાઢતી અને પછી મહેમાનો સામે જોેઈને કહેતી ઃ 'જો કે તેમની વાત સાવ સાચી છે. બે જણ માટે રોજે રોજ નવું બનાવવાનું મન પણ નથી થતું. વળી મહેશને  ડાયાબિટીસ હોવાથી પરેજીનું ધ્યાન રાખવું પડે છે. છતાં મહેમાનો આવે ત્યારે તેમનેય થોડીક છૂટછાટ મળી જાય છે.'

પછી કંઈક યાદ આવ્યું હોય તેમ ઝટ ઝટ પાણી ભરવા બાથરૂમ ભણી દોડી. હિલ સ્ટેશન પર પાણીની તંગી રહે છે. થોેડાક વખત માટે જ પાણી મળે છે.

'અરે હાં. તેમને કોઈક ગિફ્ટ તો આપવી પડશે. લગ્નમાં તો ન જઈ શકી, પણ હવે બંને અહીં  આવી રહ્યાં છે તો સારો ચાન્સ છે. પણ.... શું ગિફ્ટ આપું? ઘરેણાં કે કપડાં કે કોસ્મેટિક્? કે પછી ઘર વસાવવા માટેનો કોઈ ઉપયોગી સામાન? પણ એ બધું તોે એમની પાસે  હશે જ. મહેશને તો આવું બધું પુછાય જ નહિ. એને તો આવી વ્યવહારુ  વાતો લપ જેવી લાગે છે. એ બધું મારી પર છોડી દે છે.' વંદના અમૂંઝણ અનુભવી રહી હતી.

આવી મથામણમાં જ તે ઘરનું  કામકાજ આટોપવા લાગી. તેણે વિચાર્યું કે 'રાકેશ આવશે ત્યારે એેને જ પૂછી લઈશ અને જાણી લઈશ કે એમને શું ગમશે.' અને તે નિશ્ચિંત થઈ ગઈ.

થોેડાક સમય બાદ રાકેશ તેની પત્ની સાથે આવી પહોંચ્યો. શ્વેતા ખરેખર એક ઢીંગલી જેવી હતી. નાજુક-નમણી, સંકોેચશીલ અને મૃદુભાષી. આદર્શ વહુ ની જેમ તે દરેક કામમાં વંદનાને મદદ કરવા લાગતી. દુપટ્ટો માથે ઓઢી રાખતી. વંદનાએ અનેકવાર તેને નકામી તકલીફ નહિ લેવા વિનંતી કરી. પરંતુ તે કશું જ બોલ્યા વગર તેને મદદ કરતી રહી.

વંદનાએ એકવાર મહેશને દબાયેલા અવાજે ફરિયાદ પણ કરી જોઈ.  તો  મહેશે શ્વેતાનું ઉપરાણું લેતાં કહ્યું, 'અરે! શું તું એની સાસુ છો? તારી અને એની વચ્ચે ઉંમર અને અનુભવનો કેટલો તફાવત છે. તું શું  એવું ઈચ્છે છે કે એ તારી બહેનણીઓની  જેમ તારી સાથે મજાક-મસ્તી કર્યા કરે?

વંદના મન મારીને ચૂપચાપ સાંભળી રહી. તેને થયું ઃ કદાચ મહેશ સાચું  જ કહે છે. રાત્રે તે રાકેશના રૂમમાં દૂધનો ગ્લાસ દેવા ગઈ ત્યારે અંદરની વાતો સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ.

'તમે  મને પહેલાં કેમ ન કહ્યું કે આપણે અહીં કોઈક ફાઈવસ્ટાર હોટેલના હનીમૂન સ્વિટમાં નહિ, પણ તમારી માસીના ઘરે રહેવાનાં છીએ?' શ્વેતાનો નારાજીભર્યો સ્વર સાંભળીને વંદના ચોંકી ઊઠી.

'અહીં તને શી તકલીફ છે? માસી આપણું કેટલું બધું ધ્યાન રાખે છે? 'રાકેશે દબાયેલા  અવાજમાં કહ્યું.

'હું એમને દોષ નથી દેતી. એ તો જરૂરત કરતાંય ઘણું વધારે કરે છે આપણા માટે. પરંતુ આપણે અહીં હનીમૂન ઊજવવા આવ્યાં છીએ. એકબીજા સામે મોકળા થવા માટે, પ્રેમ અને રોમાન્સ માટે આવ્યાં છીએ., આપણને મુક્ત અને બિન્ધાસ્ત માહોલમળવો જોઈએ... હું તો એમ વિચારતી હતી કે આપણે કોેઈક આલીશાન હોટેલના વૈભવશાળી ખંડમાં રોકાશું, જ્યાં કેવળ તું અને હું, હું અને તુ.... ત્રીજું કોઈ જ બંધન નહિ.' શ્વેતા લાગણીનાં પૂરમાં વહેવા લાગી હતી.

'બંધન તો અહીં પણ કોઈનું નથી, શ્વેતા. માસી તો કશું કહેતાં નથી.' રાકેશના અવાજમાં થોડોક ગુનાહિત ભાવ હતો.

'તું સમજતો જ નથી કે મને શું જોઈએ છે.માસી ભલે કશું નહિ કહે. પણ મને તો એવું લાગે છે ને! નવી પરણીને આવું છું. મારું સાસરું છે આ.  હર ઘડી સંકોેચમાં ઘેરાયેલી રહું છું. તારી સાથે અડપલાં  કરવામાં પણ  ડર લાગે છે. રખે ને કોઈ જોઈ જશે. હું કેટલા ઊમળકાથી સ્કીન-ટાઈટ જિન્સ, મિની સ્કર્ટ, ટ્રાન્સપેરન્ટ નાઈટી અને બીજી કેટકેટલી ચીજવસ્તુઓ સાથે લઈને આવી હતી?'

શ્વેતાના અવાજમાં હતાશા છલકાતી હતી.

આવું બધું સાંભળીને વંદનાના મનમાં ન ઈચ્છવાં છતાં શ્વેતા પ્રત્યે સહાનુભૂતિ જાગી.

'સાચું જ કહે છે ને બિચારી! હનીમૂન માટે એક નવ-વિવાહિતાના દિલમાં કેટકેટલાં આશા-અરમાનોેનાં  પૂર ઊમટતાં હોય એ હકીકત મારાથી બહેતર બીજું કોણ સમજી શકે?' આમ વિચારતાં વંદના પોતાના અતીતની યાદોમાં સરી પડી.

લગ્નના થોેડાક દિવસ પહેલાં જ મહેશ ટૂંકા પગારની નોકરી પર લાગ્યો હતો. હનીમૂન ઊજવવા માટે તેની પાસે પૂરતા પૈસા નહોતા,  એવું  જાણીને મને ઘણો આઘાત લાગ્યો હતો. ફિલ્મો જોઈ જોઈને,  નવલકથાઓ વાંચીવાંચીને અને સખીઓની વાતો સાંભળી-સાંભળીને મધુરજની વિશે જે સપનાં સેવ્યાં હતાં, એ નજર સામે જ તૂટતાં જોઈને કેવી પીડા થઈ હતી!'

આજે મહેશ બધી રીતે સમૃધ્ધ છે. હિલ-સ્ટેશન પર અમારું ઘર છે. દર બે-ત્રણ વરસે એકવાર અમે વિદેશમાં ટૂર  પર જઇએ છીએ. લગભગ આખી દુનિયા ખૂંદી વળ્યાં છીએ. પરંતુ હનીમૂન નહિ ઊજવી શક્યાનો અજંપો આજે પણ કાંટાની જેમ ખટકે છે.  મેગેઝિનોમાં જ્યારે જ્યારે હનીમૂનનાં સંસ્મરણોની વાતો વાંચું છું ત્યારે ત્યારે દિલને ખાલીપો ઘેરી વળે છે. અફસોસ થાય છે કે આવી મધુર ક્ષણોના અહેસાસથી હું કેમ વંચિત રહી ગઇ?

રાકેશ અને શ્વેતાની બીજી વાતો સાંભળ્યા વગર વંદના પોતાની પથારીમાં પડીને સૂઇ ગઇ. સવારે ઊઠી ત્યારે તેનું માથું ભારે થઇ ગયું હતું. શ્વેતાને તેની કથળેલી તબિયતની ખબર પડી ગઇ હતી.

'લાવો, મને કહો મારે શું કરવાનું છે? નાસ્તો હું બનાવીશ.'

'ના રે ના. હમણાં વાસંતી આવશે અને બધું બનાવી લેશે. તું ઝટ ઝટ નાહીધોઇને તૈયાર થઇ જા. અહીં પાણી થોડીક વાર માટે જ આવે છે. ક્યારે  નળમાં પાણી આવે અને ક્યારે જતું રહે તેનું કંઇ ઠેકાણું નથી.'

'ઠીક છે. મારે વાળ ધોવા છે અને કપડાં પણ. થોડી વાર લાગશે.' એમ કહેતી શ્વેતા બાથરૂમમાં ગઇ. મહેશ ઓફિસે જવા નીકળી ગયો હતો.

એવામાં રાકેશનો એક દોસ્ત, જેને તાજેતરમાં નૈનીતાલમાં નોકરી મળી હતી, તેને મળવા આવી પહોંચ્યો. વંદના ચા-નાસ્તો તૈયાર કરવા રસોડામાં પ્રવેશી. બંને મિત્રો વાતોમાં મશગૂલ થઇ ગયા.

'બોલ દોસ્ત, લગ્ન કર્યા પછી કેવું લાગે છે? તું એકદમ ઉદાસ કેમ લાગે છે? ભાભી સાથે ઝઘડો તો નથી થયો ને? હનીમૂન ઊજવવા આવ્યો છે તો મોજ કર ને.'

'ના, ના.  એવું કંઇ નથી. બસ અમસ્તો જ.'

'તું મારાથી કશુંક છુપાવતો લાગે છે. પણ પોતાના  મિત્રથી શું છુપાવવાનું? ઠીક છે, જવા દે. મેરેજ પછી મિત્રો પણ પારકા બની જતા હોય છે.'

ચા-નાસ્તાની ટ્રે લઇને વંદના  આવી પહોંચી. પણ તેના કાન રાકેશ શું બોલે છે એ સાંભળવા આતુર હતા.

'એવી કોઇ વાત નથી, યાર. હકીકતમાં શ્વેતાની ફરિયાદ એ છે કે અમે કોઇક ફાઇવસ્ટાર હોટેલમાં કેમ ન ઊતર્યાં, જ્યાં મોકળા મને મધુરજની મનાવી શકાત.' રાકેશે ધીમા અવાજે ખુલાસો કર્યો.

'હા, તો એમાં ખોટું શું છે? ભાભી બરાબર કહે છે.

'અરે, શું ધૂળ બરાબર કહે છે? તું પણ એની જ  પાટલીમાં બેસી ગયો. મને નોકરી મળ્યાને માંડ એક વરસ થયું છે. મુશ્કેલીથી પૈસા બચાવીને તેને અહીં લઇ આવ્યો છું અને હરવાફરવાનો તથા ખાવા-પીવાનો ખર્ચ કરી રહ્યો છું. ફાઇવસ્ટાર હોટેલમાં ઊતર્યો હોત, તો રૂમના ભાડામાં જ બધી રકમ વપરાઇ ગઇ હોત.'

'તો આ વાત ભાભીને કેમ નથી કરતો?'

'ગઇ કાલે રાત્રે જ વાત કરી હતી. એ કહેવા લાગી કે પહેલાં કહેવું જોઇતું હતું. કોઇકની પાસેથી ઉછીના લઇ લેત અથવા તો અહીં આવત જ નહિ. હવે તું જ કહે, ગૃહસ્થીનો પાયો ઉધારના હનીમૂન પર કેવી રીતે ઊભો કરી શકાય? પાછા ફરીને ઉધારી ચૂકવવામાં જ હનીમૂનનો નશો ઊતરી જાત. અને ઉધારી કર્યા વગર શું હનીમૂન ન મનાવી શકાત? લગ્ન કંઇ રોજ રોજ થોડાં  થાય છે? જિંદગીમાં એકવાર લગ્ન થાય  અને એક જ વાર હનીમૂન.'

'પણ તમે લોકો તો મધુર ક્ષણોનો આનંદ માણવાને બદલે આપસમાં ઝઘડી રહ્યાં છો.'

'એટલે જ તો રાતથી મારો મૂડ ખરાબ છે. શ્વેતાને અહીં એ વાત કહેવાની હિંમત ન થઇ. વિચાર્યું કે અત્યારથી એનો મૂડ શા માટે બગાડું? ઘેર જઇને એને સમજાવી દઇશ. માણસને જેટલું મળે તેનાથી જ તેણે સંતોષ કેમ ન માનવો? કાલે વધુ કમાઇશ, તો તેને પ્લેનમાં દેશ-વિદેશની ટુર કરાવીશ.  મોંઘીદાટ હોટેલમાં ઉતારીશ. પરંતુ યાર, અત્યારે આ બધું મારા ગજા બહાર છે.' રાકેશના સ્વરમાં હતાશા વરતાતી હતી. તેના મિત્રે  દિલાસારૂપે તેના ખભા પર હાથ મૂક્યો અને પીઠ થાપડીને ત્યાંથી વિદાય લીધી.

રાકેશની વાત સાંભળતી વંદનાની આંખમાં ઝળઝળિયાં  આવ્યાં. તેણે તરત આંખો લૂછી કાઢી. રાત્રે તેને શ્વેતા પ્રત્યે સહાનુભૂતિ થઇ હતી. જ્યારે અત્યારે રાકેશ માટે સહાનુભૂતિ ઊપજી. તેને થયું કે કદાચ બંને પોતપોતાની રીતે સાચાં હતાં છતાં  અમુક અંશે ખોટાં હતાં. શ્વેતાએ સમજવું જોઇએ કે પૈસો  ઘણું બધું હોવા છતાં તે 'સર્વસ્વ' નથી. સફળ દાંપત્ય  માટે ડગલે ને પગલે સમાધાન કરવું પડે છે. રાકેશે પણ સમજવું જોઇતું હતું કે શ્વેતાને વિશ્વાસમાં લીધા પછી જ હનીમૂન પર જવું.

બંને જણ ફરવા માટે બહાર નીકળ્યાં એ પહેલાં જ વંદનાએ મનોમન એક નિર્ણય લઇ લીધો હતો.

રાકેશ-શ્વેતા ફરીને આવ્યાં  એટલે  વંદનાએ બંનેને પાસે બોલાવીને કહ્યું કે જુઓ, મને કહેવાનું સારું નથી લાગતું. પણ લાચારી છે. હકીકતમાં અમારે મહેશના  એક ગાઢ મિત્રની પુત્રીનાં લગ્ન માટે જવાનું છે. ઘરની ચાવી તમને  આપું છું. થોડાક દિવસમાં આવતાં રહીશું. તમે નિરાંતે અહીં રહેજો.

પરંતુ રાકેશે ના પાડતાં કહ્યું, 'નહિ. માસી રહેવા દો.  અમે કોઇક હોટેલમાં જતાં રહીશું. આમેય  આખો દિવસ અમે બહાર જ ફરતાં હોઇએ છીએ.'

'તો તમારી મરજી. પણ જો કોઇ હોટેલમાં રહેવાનાં હો, તો મહેશના મિત્રની એક ફાઇવસ્ટાર હોટેલ બાજુમાં જ છે.  તેમાં તમારે માટે એક આલીશાન સ્વીટ બુક કરાવીએ છીએ. અમારા તરફથી લગ્નની એક  ભેટરૂપે તે સ્વીકારજો. આનો ઇનકાર કરશો, તો હું નારાજ થઇ જઇશ.' વંદનાએ સ્પષ્ટતા કરી.

'પણ માસી,  આટલી મોંઘી ભેટ?'

'ભેટની કિંમત કદી ન જોવાય. હવે તમે સામાન પેક કરવા માંડો. હુંય અમારો લગેજ પેક કરું છું.' રાકેશનો ચહેરો ખીલી ઊઠયો હતો. શ્વેતાના મોં પર શરમ  અને પસ્તાવાની મિશ્ર ઝલક ઊપસી આવી હતી. કદાચ એને વંદનાની આ સોગાદ પાછળનો મર્મ સમજાઇ ગયો હતો. વંદનાએ તેના માથે હાથ મૂક્યો કે તરત તે ભાવુક બનીને તેને ભેટી પડી.

પરંતુ સૌથી વધુ ખુશી વંદનાને થઇ હતી. પ્રસન્ન દામ્પત્યની પા-પા પગલીમાં જ લથડી જતાં કદમોમાં તેણે નવું જોમ ઉમેરીને જીવનભરની ખુશીઓ હાંસલ કરી લીધી હતી.

પોતાની પત્નીના પ્લાનને બિરદાવતાં તેની સમજદારી પર આફરીન થયેલા મહેશે કહ્યું, 'વાહ  ડાર્લિંગ, તંે તો એક તીરથી અનેક શિકાર કરી લીધાં. મને પણ રાજી કર્યો અને પેલાં બંનેને પણ.'

-અનામિકા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oSxhNk
Previous
Next Post »