પૂર્વ- પશ્ચિમનો સુભગ સમન્વય રેપર રાજાકુમારી


કોઈ છોકરી અમેરિકામાં જન્મીને ત્યાં જ ઉછરી હોય તેમ છતાં તેનું મૂળ ભારતીય હોવાથી તેને ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય, રીતભાત પ્રત્યે અનેરુ આકર્ષણ- ખેંચાણ હોય એ જાણીને થોડી નવાઈ લાગે. પરંતુ આમ થવું અસંભવ નથી એ વાત રેપર ગાયિકા રાજા કુમારીએ પુરવાર કરી બતાવી છે. રાજાકુમારીનું મૂળ નામ શ્વેતા યલ્લાપ્રગદા રાવ છે. રાજાકુમારી તેનું સ્ટેજ પરનું નામ છે. આજની તારીખમાં ભારતીય- અમેરિકન રેપર, ગીતકાર તરીકે વૈશ્વિક સ્તરે નામના મેળવનાર રાજાકુમારી કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેની સંગીતયાત્રા શી રીતે શરૂ થઈ તે જાણવું પણ રસપ્રદ થઈ પડશે.

રાજાકુમારી કહે છે કે હું કેલિફોર્નિયામાં જ ઉછરી હતી. હું ૧૧-૧૨ વર્ષની હોઈશ ત્યારે મને ત્યાં રહેતા એક ભારતીય છોકરા પ્રત્યે ગજબનું ખેંચાણ થયું હતું. પરંતુ તેને બ્લુ આંખોવાળી અમેરિકન છોકરીઓ જ ગમતી. હું એમ માનવા લાગી હતી કે જેમ હું તેને પસંદ કરું છું તેમ તેણે પણ મને પસંદ કરવી જોઈએ. પણ એવું બન્યું નહીં તેથી મારું હૈયું ભાંગી ગયું. મને એમ માનવા લાગ્યું કે હું બહુ સુંદર નથી અને મારું પહેલું ગીત પણ તેમાંથી જ બન્યું.

જોકે હવે તે આવી ગ્રંથિમાંથી બહાર આવી ગઈ છે. અલબત્ત, તેને આવી ગ્રંથિમાંથી બહાર આવતા ઝાઝો સમય નહોતો લાગ્યો અને તેનું કારણ હતું તેનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો અનેરોલગાવ. તે માત્ર સાત વર્ષની હતી ત્યારથી ભારતીય શાસ્ત્રીય નૃત્ય શીખતી હતી. રાજાકુમારી કહે છે કે હું મારા મૂળ ઊંડાણપૂર્વક ચાહતી હતી.

તેની આ ચાહતે જ તેની ભારતીયતા સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે કહે છે કે મારા સંગીતમાંથી નીકળતી ધ્વનિના મોજાં પશ્ચિમ અને પૂર્વ વચ્ચે સેતૂ બન્યા. આ કારણે જ તેના બધા વિડિયોમાં પશ્ચિમી અને ભારતીય સંગીતનો સુભગ સમન્વય રચાયો છે. એટલું જ નહીં, તેના લગભગ બધા- વિડિયોમાં માયથોલોજી (પૌરાણિક) અને ટેકનોલોજી ઉપરાંત પશ્ચિમી અને ભારતીય શાસ્ત્રીય નૃત્યનું ખૂબસુરત જોડાણ છતું થાય છે. તેના પોશાકમાં પણ પૂર્વ- પશ્ચિમની છટાનું મિશ્રણ હોય છે. રાજાકુમારીનો બોડી સુટ સાથે હાફ સાડી, ક્રોપ ટોપ સાથે કપાળે ચાંલ્લો જેવો પહેરવેશ તેની અંદર ધબકતી  ભારતીય નારીનો પુરાવો આપે છે.

તેનું લેટેસ્ટ ગીત 'શાંતિ' તેનું પહેલું હિન્દી સિંગલ છે. આપણને કદાચ એમ લાગે કે 'શાંતિ' તેનો અધ્યાત્મ તરફનો પહેલો પડાવ છે. આના જવાબમાં રાજાકુમારી કહે છે કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તમને સેલિબ્રિટી ગણાતા દુષ્ટોનો સામનો કરવો પડે, તેમના સંપર્કમાં આવવું પડે, પરંતુ મને મેડિટેશન, યોગ ઈત્યાદિમાં શાંતિ મળે છે. તે કહે છે કે મારી વધતી જતી વય સાથે મેં કોઈને મારા જેવા નહોતા ભાળ્યા. મારા માટે આ સૌથી મોટો પડકાર હતો. સમગ્રપણે પશ્ચિમી સંસ્કૃતિમાં રંગાયેલા લોકો વચ્ચે મને મારી ઓળખ ઊભી કરવાની હતી, મારી ભારતીયતા જાળવી રાખવાની હતી. પરંતુ મારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં મને પશ્ચિમી રંગે રંગવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મારા મેનેજરો મને મારા વાળ રંગવાનું, ઓછા વસ્ત્રો પહેરવાનું, મારું નામ બદલવાનું કહેતા, પણ મેં તેમનું કહ્યું ન માન્યું. હું મને દેવી માનતી. નાનપણથી હું 'મહાભારત'થી અત્યંત પ્રભાવિત હતી. ડાન્સ કરતી વખતે 'દ્રૌપદી' મારું પ્રિય પાત્ર રહેતું.

જોકે રાજાકુમારીના પ્રયાસો અને પરિશ્રમ રંગ લાવ્યા. તેણે ગ્વેન સ્ટીફન, ઈગી અઝાલીયા, પાચવા હાર્મની, ચાકુ પાર્ટી, ફોલ આઉટ બોય જેવા નામાંકિત કલાકારો સાથે કામ કર્યું. વર્ષ ૨૦૧૬માં તેને 'બીએમઆઈ પોપ એવોર્ડસ', 'ગ્રેમી પુરસ્કાર' માટે નામાંકિત કરવામાં આવી. ગીતકાર તરીકે તેણે ખાસ્સી નામના મેળવી. તેણે 'ગલી બોય'માં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું હતું. તેણે સૌપ્રથમ રેપ રીઆલિટી શો 'એમટીવી હસ્ટલ'નું સંચાલન કર્યું હતું અને પોતાનો શો 'ધ ન્યુ ઈન્ડિયા' પણ બનાવ્યો હતો.

મઝાની વાત એ છે કે રાજાકુમારી પોતે આજે જે છે તેનો તેમજ તે મુંબઈ આવી તેનો યશ ઘણા અંશે સ્ટીફનીને આપે છે. તે કહે છે કે હું તેને જોઈ જોઈને મોટી થઈ છું અને તેજ એક એવી સેલિબ્રિટી હતી જે પશ્ચિમમાં પણ ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરતી હતી. તે ટી.વી. પર આવતી ત્યારે ચાંદલો લગાવતી. તે વધુમાં કહે છે કે ત્રણ વર્ષ માટે મુંબઈ આવવું એ મારા માટે પહેલી વખત પોતાના ઘરે આવવા જેવું હતું. મને એવું લાગ્યું જાણે હું મારા પોતાના લોકો વચ્ચે આવી ગઈ છું. ભારત રંગોનો, ભાવનાઓનો દેશ છે. હું જ્યારે અમેરિકામાં હોઉં છું ત્યારે પણ ભારતીયતા રજૂ કરવાનો પ્રયાસ કરું છું.

રાજાકુમારીએ તેનો સૌપ્રથમ ભારતીય શો 'બકાર્ડી એનએચડી વીકેન્ડર' વર્ષ ૨૦૧૬માં યોજાયો.  તે કહે છે કે આ ભવ્ય શો પછી મેં જ્યારે મારો ૩૦મો શો ભારતમાં કર્યો ત્યારે પ્રેક્ષકગણમાં ઘણી છોકરીઓ પણ હતી. આ પરિવર્તન જોઈને મને એમ લાગ્યું હુતં કે મેં અહીં છોકરીઓ માટે સલામત વાતાવરણ ઉભું કર્યું છે. આ મહિલાઓ જાણથી હતી કે મારા શોમાં હીપ- હોપ સાથે ફૂલો અને અલંકારો પણ હશે.

આજે રાજાકુમારી હીપ- હોપ આર્ટિસ્ટ તરીકે ટોચ પર છે. તે કહે છે કે હીપ- હોપ પૂર્વ- પશ્ચિમ બંને સંસ્કૃતિને સાંકળે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34iWgSr
Previous
Next Post »