ઓટીટી પ્લેટફોર્મસનું વિષય વૈવિધ્ય ટીવીનો સુવર્ણ યુગ પાછો લાવી શકશે?


જગત પરિવર્તનશીલ છે. મનોરંજન ઉદ્યોગમાં પણ આ નિયમ પ્રમાણે પરિવર્તન આવતું રહે છે. ૧૯૫૦થી ૬૦ નો દાયકો હિન્દી ફિલ્મોનો સુવર્ણ યુગ (ગોલ્ડન ઇરા) ગણાય છે. એ જ રીતે ૧૯૮૦થી ૯૦ સુધીનું દશક ટીવીનો ગોલ્ડન ઇરા મનાય છે. એ સમયગાળામાં ટીવી પર હમ લોગ, ખાનદાન અને બુનિયાદ જેવા અફલાતુન સોપ ઓપેરા દર્શકોને જોવા મળતા હતા. એ પછી ૧૯૯૪માં સાસુ-વહુ વચ્ચેની નોકઝોક દર્શાવતી રીમા લાગુ અને સુપ્રિયા પિલગાંવકરની સિરીયલ 'તુ તુ મૈં મૈં' આવી. એમાં સાસુ-વહુ વચ્ચેના વેરઝેરના મેલોડ્રામા વગરનું નિર્ભેળ મનોરંજન હતું, જેને દર્શકોએ વધાવી લીધું.

૨૦૦૦ની સાલમાં નવુ મિલેનીયમ શરૂ થાય એના થોડા મહીનાઓ પહેલા દુનિયા આખીમાં ખળભળાટ મચાવી દેતી એવી આગાહી થઈ કે 'વાયટુકે' બગ જગતના તમામ કોમ્પ્યુટરોને કામ કરતા બંધ કરી દેશે. જગતનો અંત આવવાની થતી આગાહીઓની જેમ આ આગાહીનું પણ સુરસુરીયુ થઈ ગયું. જોકે, નવા મિલેનીયમમાં એક જુદા જ પ્રકારનું 'સંકટ' આવ્યું. એ હતું વરસોના વરસો લંબાતી જતી મેલોડ્રામાથી ભરપુર સાસ-બહુ સિરીયલો.

આપણે કાંઈ સમજીએ કે જાણીએ એ પહેલા ખટપટો અને કાવતરાંતી છલકાતા આ સોપ ઓપેરાએ આપણા ડ્રોઇંગ રૂમમાં કબ્જો જમાવી લીધો. ખાસ કરીને સ્ત્રી વર્ગને સોમથી શુક્ર સુધી રોજ પ્રાઇમ ટાઇમમાં પ્રસારિત થતી આવી સિરીયલોનું વળગણ થઈ ગયું. ચેનલોના ટીઆરપી કૂદનેને ભુસકે વધવા લાગ્યા. એમાં એકતા કપૂર બ્રાંડની આવી સિરીયલોની જબર્જસ્ત ડિમાંડ નીકળી અને દર્શકો પોતાના મગજ કોરાણે મુકીને કલાકોના કલાકો આવા અર્થહીન મેલોડ્રામા માણતા થઈ ગયા.

સવાલ એ છે કે આજ સુધી ટીવીના સોપ ઓપેરાની કન્ટેન્ટ (કથા-વસ્તુ) આટલી ભંગાર અને વખોડવા લાયક કેમ છે? એના માટે સિરીયલોના પ્રોડક્શનની મોડસ ઓપરેન્ડી સમજવી પડશે. ૧૯૯૬-૯૭ માં ડીડી નેશનલ પર આરોહણ નામનો એક શો આવતો, જે હીટ થઈ ગયો હતો.

આ શોમાં એક મુખ્ય પાત્ર ભજવનાર અભિનેત્રી પલ્લવી જોશી સિરીયલોના પ્રોડક્શનનું મિકેનીઝમ સમજાવતા કહે છે, 'આરોહણ ચાલતી હતી એ સમયમાં ડેઇલી શોપ્સનું ચલણ નહોતું. અમારે સાપ્તાહિક સિરીયલોમાં જ કામ કરવાનું આવતું, જેના મહીને માંડ ચાર કે પાંચ એપિસોડ પ્રસારિત થતા. આટલા એપિસોડ શૂટ કરવા ૧૪ થી ૧૬ દિવસ મળતા. એનો અર્થ એવો થયો કે પ્રત્યેક એપિસોડ માટે અમને અઢીથી ત્રણ દિવસ મળતા.

એને કારણે અમે એકટરો દરેક સીનને પુરતો ન્યાય આપી શકતા. ડેઇલી શોપ્સ આવ્યા બાદ એ બધુ ગણિત ઉંધુ-ચત્તુ થઈ ગયું.  એક મહીનામાં તમારે ૨૨ એપિસોડ પુરા કરવા પડે. એમાં ગુજરાતી અને મરાઠી સિરીયલોના તો મહીને ૨૬ એપિસોડ પ્રસારિત થાય. સોમથી શનિ સુધી રોજ એ સિરીયલો આવે. એટલે ડેઇલી સોપ્સનું શૂટીંગ એકટરો માટે માથાનો દુખાવો બની રહે છે. તેઓ સેટ પર સ્ટ્રેસ અનુભવે છે.

પ્રોડયુસર અને ડિરેક્ટરને પણ ડેડલાઈન પહેલા  એપિસોડનું શૂટીંગ પુરુ કરવાની ઉતાવળ રહે છે. એમાં એકટરો, ડિરેક્ટર, રાઇટરો કે ટેકનીશ્યનો કોઈ ક્વોલિટી પર ધ્યાન નથી આપી શકતા. એકટરોને રિલેક્સ થવાનો ટાઇમ મળતો ન હોવાથી તેઓ પોતાના પરફોર્મન્સમાં ઇન્ટેનસિટી નથી લાવી શકતા. બધા સીનમાં ઉંડા ઉતર્યા વિના છબછબીયા કરતા હોવાથી આજની સિરીયલોમાં મિડીયોક્રિટી જ દેખાય છે,' એમ પલ્લવી વધુમાં જણાવે છે.

'અલબત્ત, નેટફ્લિક્સ અને એમેઝોન જેવા ગેમ ચેન્જર્સે ટીવીમાં પ્રવેશ કર્યો ત્યારથી આવા ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મસ ભારતીય ટીવી ક્ષેત્રનો ગોલ્ડન ઇરા (સુવર્ણ યુગ) પાછો લાવશે. એવી આશા જાગી છે. આવી અપેક્ષા જાગવાનું એક વ્યવહારુ કારણ પણ છે. એ સમજાવતા ૯૦ના દાયકામાં મહેશ ભટ્ટની સિરીયલ સ્વાભિમાનથી ડેબ્યુ કરનાર અભિનેતા રોહિત રોય જણાવે છે કે ઓટીટી શોમાં સૌથી મોટુ સુખ એ છે કે ફિલ્મમેકર પોતાના મનગમતા વિષય પર અને પોતે ઇચ્છે એ રીતે શો બનાવી શકે છે.

એમને માર્કેટની ડિમાંડ પ્રમાણે માલ સપ્લાય કરવાની ફરજ નથી પડતી. ટીવી અને ઓટીટી વચ્ચે આ જ મોટો તફાવત છે. શહેરના કે ગામડાના દર્શકોને ગમશે કે નહિ એનું ટેન્શન રાખ્યા વિના હું મુક્ત મને મારી વાર્તા કરી શકું છું. તમે એમ કહી શકો કે ઓટીટી ટેલિવીઝનનું વધુ મોટુ અને વધુ સારુ ફોર્મેટ છે. અને સૌથી સારી વાત એ છે કે એની ડિમાંડ વધતી જાય છે,' એવા શબ્દોમાં રોહિત પોતાની  વાતનું સમાપન કરે છે.

સિટકોમ દેખ ભાઈ દેખમાં સંજુએ રોલ કરનાર વિશાલ સિંઘ ઓટીટી પ્લેટફોર્મસ પર બતાવાતા શોઝથી ખુશ છે. 'ધ ફેમિલી મેન' એનો ફેવરીટ શો છે. 'ઓટીટી ૧૦૦ ટકા ટીવીનો ગોલ્ડન ઇરા પાછો લાવશે. આ શોઝ જોયા પછી મને વિચાર આવે છે કે અમે પણ ભૂતકાળમાં આવી જ સિરીયલો બનાવતા હતા.' જોકે, બૌદ્ધિકોને એવો ભય છે કે ભૂતકાળમાં ટીવી સાથે બન્યું હતું એમ એક અરસા બાદ ઓટીટી પ્લેટપોર્મસ પણ મિડીયોકર કન્ટેન્ટ પીરસતા થઈ જશે. કોઈ પણ મિડીયમમાં જ્યારે વિવિધ પ્રકારના લોકોનો પ્રવાહ આવવા માંડે ત્યારે એમાં થોડી-ઘણી મિડીયોક્રિટી આવવાની જ. પરંતુ પ્લેટફોર્મસ પર ક્વોલિટી ચેક રાખનારા લોકો હોય તો આવું દુષણ ચોક્કસપણે ખાળી શકાય. ઓટીટી પર બતાવાતી વેબ સિરીઝમાં ગાળોનો છુટથી ઉપયોગ થાય છે અને સેક્સી દ્રશ્યો પણ વધુ હોય છે એવી એક સામાન્ય ફરિયાદ છે.

એ વિશે કમેન્ટ કરતા એક સમયની લોકપ્રિય સિરીયલ 'તારા'માં મુખ્ય રોલ કરનાર અભિનેત્રી નવનીત નિશાન કહે છે, 'ઓટીટી શોઝમાં ગાળાગાળી અને સેક્સી સીન્સ હોય છે એ સાચી વાત છે. પરંતુ એ તો બનવાનું જ હતું. ધીમે ધીમે એ બધુ ઓછુ થઈ જશે. આ એક નવુ ક્ષેત્ર ખુલ્યુ છે, જેમાં દરેક વ્યક્તિ વધુને વધુ શોકિંગ કથા-વસ્તુ સાથે ઝંપલાવી રહી છે અને આપણને પણ એની ભૂખ હતી. સેન્સર બોર્ડની કડકાઈને કારણે દર્શકોને પણ આ બધુ જોવાની તૃષ્ણા છે.'

'બહુ લોકપ્રિય થયેલી સિરીયલ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'માં સાસુ માયા સારાભાઈનું પાત્ર ભજવનાર આ ચર્ચામાં મધ્યમ માર્ગ અપનાવતા એવી ટીપ્પણ કરે છે કે કોઈ પણ નવા ક્ષેત્રને ગોલ્ડન ઇરામાં ખપાવવો એ અપરિપકવતાની નિશાની છે એવું મારુ માનવું છે. ભૂતકાળમાં પણ કોઈ ગોલ્ડન ઇરા નહોતો અને ભવિષ્યમાં પણ એ આવતો નથી દેખાતો. અગાઉ આપણે થોડીક સારી સિરીયલો બનાવી અને આપણે કોઈક મુકામ પર પહોંચવાના ત્યારે જ સાસ-બહુ શોઝ વચ્ચે આવી ગયા. અત્યારે તો બધા વિમાસણમાં છે. ' એ ન ભુલતા કે આપણે ભારતીયો વિજયને પરાજયમાં પલટવામાં એકદમ માહિર છીએ. રત્ના શાહની આ ધારદાર ટીપ્પણ એકદમ માયા સારાભાઈને શોભે એવી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gz0Z78
Previous
Next Post »