ચાર્લ્સ યેગર : સુપરસોનિક ઝડપે ઊડનારા પ્રથમ માનવી

- બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના 13 વિમાન તોડી પાડયા

- વિવિધ 341 પ્રકારના મિલિટરી વિમાનો ઊડાવ્યા

- વિએટનામ યુદ્ધ વખતે બોમ્બિંગ મિશનમાં ભાગ લીધો

- રશિયન મિગ-15 ઊડાવનારા શરૂઆતી અમેરિકી પાઈલટ

- 2013માં 90મા જન્મદિવસે સ્કાય ડાઈવિંગ કર્યું

- 89 વર્ષની ઉંમરે ફરીથી સુપરસોનિક ઝડપે વિમાન ઊડાવ્યું

- બોઈંગના કદાવર વિમાન બી-29ના તળિયે ફીટ થઈ રહેલું એક્સ-1, ફીટ થયા પછી બન્ને વિમાનો હવામાં અને ફ્લાઈટ સફળ રહ્યા પછી એક્સ-1 સાથે યેગર

- બી-29માં એક્સ-2 ગોઠવીને ઊડાન ભરી

- 20 હજાર ફીટની ઊંચાઈએ બી-29માંથી એક્સ-1 અલગ પડયું

- 43 હજાર ફીટે સુપરસોનિક ઝડપ હાંસલ કરી

- 18 સેકન્ડ સુધી સુપરસોનિક વેગે ઊડયા

- સુપરસોનિક સ્પીડ પછી સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું.


'હ જુ તો દૂર ક્ષિતિજમાં સૂર્યના થોડા કિરણો બહાર ડોકાઈ રહ્યા હતા. હું કેલિફોર્નિયાના 'મુરોક આર્મી મથક (વર્તમાન નામ : એડવર્ડ એર બેઝ)' ના હેંગરમાં પહોંચ્યો. મારા સાથી-સહાયકોએ મને ચશ્માંની જોડી આપી, ઊડવા માટે જરૂરી બીજો કેટલોક સામાન આપ્યો, નાસ્તો કરવા એક ગાજર આપ્યું. મને અનેક પ્રકારની સૂચના આપવામાં આવી જેમાં એક સૂચના એવી હતી કે જરાય શંકા લાગે તો સ્પીડ ઘટાડીને પરત આવતા રહેજો. મારી સામે કેસરી કલરનું 'એક્સ-૧એ (જેનું નામ બાદમાં ટુંકાવીને એક્સ-૧ કરાયું હતું)' વિમાન પડયું હતું. 

આગલા દિવસે ઘોડેસવારીમાં મારી બે પાંસળી જરા તૂટી હતી. પણ મેં એ વાત કોઈને કરી ન હતી. હું લોખંડની નાનકડી સીડી ચડીને એક્સ-૧ વિમાનમાં ગોઠવાયો. મારું વિમાન વળી કદાવર બોમ્બર વિમાન 'બી-૨૯'ના પેટાળ સાથે ફીટ થયેલું હતું. થોડી વાર પછી અમે ઊડ્ડયન ઇતિહાસનું નવું પ્રકરણ રચવા રવાના થયા... '

;;;

આ વર્ણન કરનાર પાઈલટનું નામ કેપ્ટન ચાર્લ્સ યેગર (લાકડું નામ : ચક). જે દિવસની વાત કરે છે એ તારીખ હતી ૧૯૪૭ની ૧૪મી ઓક્ટોબર. યેગર જે સાહસ કરવા જઈ રહ્યા હતા એ અવાજ કરતાં વધારે ઝડપે પ્રથમવાર પ્રવાસ કરવાનું હતું. ૧૯૦૩માં રાઈટ  બ્રધર્સે વિમાન ઊડાવ્યા પછી સાડા ચાર દાયકામાં કોઈએ એવી સ્પીડ હાંસલ કરી ન હતી. એ સ્પીડ હાંસલ કરી દેખાડનાર જનરલ યેગરનું ૭મી ડિસેમ્બરે ૯૭ વર્ષની વયે નિધન થયું. તેઓ 'ફાસ્ટેસ્ટ મેન અલાઈવ' તરીકે જાણીતા હતા. 

આજે તો ઘણા ફાઈટર વિમાનો અવાજ કરતા વધારે ઝડપ (એટલે કે સુપરસોનિક સ્પીડ) હાંસલ કરી શકે છે. પણ ૧૯૪૭માં જ્યારે આજના જેવા શક્તિશાળી વિમાની એન્જીનો ન હતા, કે ન હતી સરળ ટેકનોલોજી ત્યારે યેગરે અવાજની ઝડપ કરતાં વધારે વિમાન ઊડાવીને ઈતિહાસમાં પોતાનું નામ અમર કર્યું.

;;;

બીજા વિશ્વયુદ્ધના શરૂઆતી વર્ષોમાં અમેરિકા શામેલ ન હતું. માટે અમેરિકી સંશોધકો એ વિચાર કરતા હતા કે ઝડપી વિમાન કેમ તૈયાર કરી શકાય. ભવિષ્યની અવકાશયાત્રાઓ માટે પણ ઝડપી ટેકનોલોજી જરૂરી હતી. એ સંભવિત વિમાનને પણ રોકેટ-વિમાન નામ અપાયું હતું. ત્યારનું સૌથી ઝડપી વિમાન સાડા આઠસો કિલોમીટર કરતા આગળ વધી શકતું ન હતું. અવાજની ઝડપ (સમુદ્ર સપાટીએ) ૧૨૩૬ કિલોમીટર છે, તેનાથી વધુ ઝડપે વિમાન ઊડાવવું હોય તો કેટલીક મુશ્કેલીઓ સર્જાય. વિમાન એ સ્પીડ ક્રોસ કરે ત્યારે વિમાન આગળ ભેગો થયેલો હવાનો પડદો તૂટે. એ તૂટવાનો પ્રચંડ અવાજ આવે. આ અવાજને 'સાઉન્ડ બેરિયર' એવું નામ તો છેક ૧૯૩૫માં બ્રિટિશ વિજ્ઞાાની ડબલ્યુ.એફ.હિલ્ટન આપી ચૂક્યા હતા. 

બેરિયર એટલે કે વિઘ્ન તોડવા માટે અવાજની ઝડપ કરતા વધારે ઝડપ હાંસલ કરવી પડે એ વાત સંશોધકો જાણતા હતા. પણ તેનો અખતરો કર્યા વગર તો એવા ઝડપી વિમાનો બની જ શકે ને! એટલે અમેરિકાની 'બેલ લેબોરેટરી'એ એવું વિમાન તૈયાર કરવાની જવાબદારી લીધી. વિશ્વયુદ્ધ ખતમ થયું એ જ વર્ષે ૧૯૪૫માં આ વિમાન પણ તૈયાર થઈ ચૂક્યું હતું. 

વિમાન તૈયાર થયા પછી ઉડાવશે કોણ? એ માટે પાઈલટની શોધ ચાલી અને એમાંથી એ વખતે કેપ્ટનનો હોદ્દો ધરાવતા ચાર્લ્સ યેગરની પસંદગી કરવામાં આવી. ચાર્લ્સની ઉંમર ત્યારે ૨૪ વર્ષ હતી.

;;;

ચાર્લ્સ મૂળભૂત રીતે ગોવાળ (કાઉબોય) પરિવારમાં જન્મેલા ધરતીના બાળક હતા. વેસ્ટ વર્જિનિયાના સાવ નાના ગામ માયરામાં ૧૯૨૩ની ૧૩મી ફેબુ્રઆરીએ તેમનો જન્મ થયો હતો. યુવાની વખતે વિશ્વયુદ્ધ આવી પહોંચ્યુ એટલે ચાર્લ્સ ૧૯૪૧માં અમેરિકી સૈન્યની એર વિંગમાં ભરતી થયા (ત્યારે અમેરિકી વાયુસેનાનું અલગ અસ્તિત્વ ન હતું). પાઈલટ બનવું હતું પણ એ માટે ૨૦ વર્ષ અને કોલેજ સુધીનો અભ્યાસ જરૂરી હતો. ચાર્લ્સ પાસેે એ કંઈ ન હતું. એર કોરની ગ્રાઉન્ડ ટીમમાં થોડો સમય કામ કર્યું ત્યાં અમેરિકામાં પાઈલટોની (આમ તો બધા પ્રકારના સૈનિકોની) અછત સર્જાઈ. એટલે વિમાનના અનુભવી ચાર્લ્સને પાઈલટ બનવાની તક મળી ગઈ.

થોડા વખતમાં જ ઉડ્ડયન પર કાબુ મેળવી લીધો અને તુરંત ચાર્લ્સને યુરોપના મોરચે જર્મની સામે લડવા મોકલી દીધા. જર્મનો સામે કુલ ૬૩ વખત ઉડાન ભરી, જર્મનીના ૧૩ ફાઈટર વિમાનો તોડી પાડયા. એક વખત તો એક જ ફેરામાં પાંચ વિમાન તોડી પાડી 'ફ્લાઈંગ એસ (હુકમનો એક્કો)' કહેવાતી ઓળખ પણ મેળવી.

ફ્રાન્સ મોરચે જર્મની સામે લડતા એક વખત જર્મન તાબાના પ્રદેશમાં એમનું વિમાન તૂટી પડયું. જર્મનો તેમને શોધીને કેદ કરે એ પહેલા જંગલમાં ચાલતા ચાલતા ચાર્લ્સ ત્યાંથી બહાર પણ નીકળી આવ્યા. 

;;;

યુદ્ધ ખતમ થયું એટલે કેટલાક સ્વયંસેવકો નક્કી થયા જે એેક્સ-૧ વિમાન ઉડાવી શકે. એમાં ચાર્લ્સની પણ પસંદગી થઈ. ત્યારના ઘણાખરા પાઈલટો અને એરોનોટિક્સના જાણકારો એ માનવા તૈયાર ન હતા કે અવાજ કરતા વધુ ઝડપે ઊડી શકાય. જો ઊડવાનો પ્રયાસ થાય તો વિમાન ભર આકાશે જ ફાટી પડે.. એ માન્યતા માનીને સ્વયંસેવક તરીકે નામ પાછુ ખેંચી લેવું કે પછી ઊડી બતાવીને ઈતિહાસ સર્જવો.. ચાર્લ્સ પાસે બે વિકલ્પ હતા. ચાર્લ્સે બીજો વિકલ્પ પસંદ કરી લીધો.

;;;

સાઉન્ડ બેરિયર તોડવા ઊંચાઈ પર જવું પડે અને સ્પીડ પકડવી પડે. એ બન્ને થઈ શકે એવું વિમાન ન હતું. જે વિમાનો હતા તેનું બળતણ જરૂરી ઊંચાઈ પહોંચતા પહેલા જ ખતમ થઈ જાય. બેલ લેબોરેટરીએ બનાવેલું વિમાન એક્સ-૧ ઘણુ નાનુ હતું. લંબાઈ ૩૦.૯ ફીટ, ઊંચાઈ ૧૦.૮૫ ફીટ, પાંખોની પહોળાઈ ૨૮ ફીટ હતી. વજન સાડા પાંચ હજાર કિલોગ્રામ માત્ર. મોરાનો આકાર બંદૂકની બૂલેટ જેવો હતો. કલર કેસરી હતો અને તેને ચાર્લ્સે તેમની પત્નીના નામે 'ગ્લેમરસ ગ્લેનિસ' નામ આપી દીધું હતું. એ વિમાને જમીન પરથી સીધા ઊડીને હવામાં પહોંચવાનું ન હતું. તેને અમેરિકાના પ્રખ્યાત કદાવર બી-૨૯ બોમ્બર વિમાન નીચે ગોઠવાયું હતું. જાણે વાનરના પેટે બચ્ચું ચોંટેલું હોય.

પેટાળમાં ગોઠવાયેલા વિમાન સાથે બી-૨૯ ઉડયું. સવારે ૧૦ કલાકે ૨૦ હજાર ફીટની ઊંચાઈએ પહોંચ્યા પછી એક્સ-૧ અલગ પડયું. ચાર્લ્સે પોતાના વિમાનના સિલિન્ડર ધમધમતા કર્યા અને એક્સ-૧ વિમાને ઝડપ તથા ઊંચાઈ બન્ને હાંસલ કરવાની શરૂઆત કરી. થોડી વાર પછી વિમાન ૪૩ હજાર ફીટની ઊંચાએ પહોંચ્યુ અને એ વખતે સ્પીડ વધતી વધતી ૧૧૨૭ કિલોમીટરે પહોંચી (એ ઊંચાઈએ અવાજની ઝડપ પણ ઓછી હોય). એ ક્ષણે જ ચાર્લ્સ અવાજ કરતા વધારે ઝડપે ઊડનારા પ્રથમ માનવી બન્યા. બેલ લેબોરેટરીના અધિકારીઓ આગળ અને પાછળ બીજા બે વિમાનમાં સફર કરીને અવલોકન કરી રહ્યા હતા.

એ સ્પીડે વિમાન સતત ૧૮ સેકન્ડ ઊડયું, જે સમય નાનો લાગતો હોવા છતાં એવિએશન-એરોનોટિક્સના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ હતો. ચાર્લ્સે પછી પોતાના સંસ્મરણોમાં લખ્યું : 'અગાઉ કોઈ મનુષ્યએ ન હાંસલ કરી હોય એટલી સ્પીડે હું ઊડયો. સાઉન્ડ બેરિયર તોડતી વખતે મને કે વિમાનને કશું થયું નથી. કોઈ ઝટકો લાગ્યો નહીં કે કોઈ ભય અનુભવાયો નહીં. કોઈ ઝડપી કારમાં પ્રવાસ કરતો હોઉં એવું લાગ્યું. સૌથી મજાની વાત એ હતી કે હું જીવતો જ હતો.'

;;;

એ સિદ્ધિ અને સાહસ એક વર્ષ સુધી ગુપ્ત રખાયા હતા. ૧૯૪૮માં જ્યારે આ વિગતો જાહેર થઈ ત્યારે રાતોરાત ચાર્લ્સ હીરો બની ગયા અને આજીવન હીરો રહ્યા. અવાજની ઝડપથી વધારે સ્પીડે ઊડવાનું શક્ય છે એવુ સાબિત કરી દીધા પછી ચાર્લ્સે બીજા દસેક મહિના સુધી આવી પ્રેક્ટિસ ચાલુ રાખી સુપરસોનિક વિમાન માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. વાયુસેનામાં તો સક્રિય હતા જ એટલે વિએટનામ વોર વખતે બી-૫૭ બોમ્બર વિમાન લઈને ઊડયા અને આગળ જતાં અમેરિકી વાયુસેનાની ફાઈટર પાઈલટ સ્કૂલના હેડમાસ્ટર પણ રહ્યા. સમગ્ર કરિયર દરમિયાન ૩૪૧ પ્રકારના ફાઈટર વિમાનો ઊડાડયા, હવામાં કુલ ૧૮ હજાર કલાકથી વધારે સમય રહ્યા.

એરફોર્સમાં ઉજળી કારકિર્દીને કારણે યેગર પ્રમોશન પામતા પામતા છેવટે ૧૯૭૫માં બ્રિગેડિયર જનરલ તરીકે નિવૃત્ત થયા. પરંતુ તેમનો ફ્લાઇંગ પ્રેમ ઓછો ન થયો. ૨૦૧૨માં સાઉન્ડ બેરિયર તોડયાના ૬૫ વર્ષ થયા. ત્યારે ચાર્લ્સ ફરીથી આધુનિક ફાઈટર વિમાન 'એફ-૧૫'માં ઊડયા અને સુપરસોનિક સ્પીડ પણ હાંસલ કરી. ત્યારે તો કેલિફોર્નિયાના એ જ મોહાવે રણવિસ્તાર ઉપર ૩૦ હજાર ફીટે વિમાનનો ઝડપ કાંટો ૧૬૦૦ કિલોમીટરે પહોંચાડયો હતો.

ઝડપ હાંસલ કરી લીધા પછી એ ઝડપે લાંબો સમય ઊડતા રહેવું એ બીજો પડકાર હતો, જે પણ હવે એવિએશન ટેકનોલોજીને કારણેે મુશ્કેલ નથી. આ પ્રયોગ પાછળનો મૂળ ઉદ્દેશ સુપરસોનિક રોકેટ તૈયાર કરીને અવકાશમાં આગળ વધવાનો હતો. જે પણ થોડા વર્ષોમાં જ અમેરિકા પુરો કરી શક્યું. 

સુપરસોનિક સ્પીડનો લાભ શું?

સ્પીડ.. સ્પીડનો લાભ એ કે વધુ સ્પીડમાં પ્રવાસ કરી શકાય છે. જોકે આ લાભ સામાન્ય નાગરિકો માટે નથી, કેમ કે પેસેન્જર વિમાનોમાં સુપરસોનિક સ્પીડ બહુ મોંઘી પડે છે. ફ્રાન્સ-બ્રિટન વચ્ચે સુપરસોનિક વિમાની વ્યવહાર ૧૯૬૯માં શરૂ થયો હતો અને પાંત્રિસેક વર્ષ ચલાવ્યા પછી આર્થિક રીતે મેળ ન પડતા ૨૦૦૩માં બંધ કરી દીધો. હવે ફરીથી કેટલીક કંપનીઓ સુપરસોનિક વિમાનો તૈયાર કરવામાં લાગેલી છે. 

મોટો લાભ અવકાશ સંશોધન માટે થયો છે. અવકાશમાં વધારે દૂર જવાનું છે અને ઝડપે પણ જવાનું છે. તેના પાયામાં આ સુપરસોનીક સ્પીડ કામ લાગે છે. બીજો ઉપયોગ નવાં નવાં રોકેટ-મિસાઇલ બનવવા થઈ રહ્યો છે. ભારતે આ વર્ષે જ અવાજ કરતાં છ ગણી ઝડપ (હાઈપરસોનિક સ્પીડ) હાંસલ કરી શકતી ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું. ફાઈટર વિમાનો તો સ્વાભાવિક રીતે સુપરસોનિક ઝડપે જ ઊડે છે. એટલે વાયુસેનાના એરબેઝ ધરાવતા વિસ્તારમાં (જેમ કે જામનગર) ક્યારેક રહેવાસીઓને સુપરસોનિક ધડાકા સંભળાતા રહેતા હોય છે. 

૧૯૭૧ના યુદ્ધમાં યેગરને ભારતીય પાઈલટોનો ભેટો

૧૯૭૧થી ૧૯૭૩ દરમિયાન પાકિસ્તાનમાં અમેરિકી એમ્બેસેડરની ટીમમાં યેગરને મોકલાયા હતા. તેમનું કામ પાકિસ્તાની વાયુસેના એડવાઈઝર તરીકેનું હતું. ત્યારે ભારતીય વાયુસેનાના પાઈલટોએ પાકિસ્તાની વિમાનો તોડી પાડયા હતા. રાવલપીંડીના ચકાલા એરબેઝ પર બોમ્બમારામાં યેગરનું પાર્ક થયેલું વિમાન પણ નુકસાનગ્રસ્ત થયું હતું (એ પાઈલટ બાદમાં ભારતીય નૌકાદળના નામ બન્યા, નામ એડમિરલ અરૂણ પ્રકાશ. એમણે વાપર્યું હતું એ હન્ટર વિમાન બંગાળના કાલાઇકુંડા એરફોર્સ સ્ટેશને સચવાયેલું છે). ભારતમાં ઈન્દિરાનું રાજ હતું અને એ વખતના અમેરિકી પ્રમુખ નિક્સનને ઈન્દિરા અને ઈન્ડિયા પ્રત્યે ભારે દાઝ હતી. યેગરનું કહેવું એવું હતું કે મારું વિમાન ધ્વસ્ત કરવા ઈન્ડિયન એરફોર્સના પાઈલટોને ઈન્દિરાએ ખાસ આદેશ આપ્યો હતો. માટેે તેમને ઈન્દિરા પ્રત્યે વિશેષ નફરત હતી. 

એ યુદ્ધ વખતે ભારતના કેટલાક ફાઈટર પાઈલટ પાકિસ્તાનમાં યુદ્ધકેદી બન્યા હતા. એમાના એક પાઈલટ હતા ફ્લાઈટ લેફ્ટનન્ટ માલવિન્દરસિંહ ગ્રેવાલ. ગ્રેવાલનું વિમાન સુખોઈ-૭ હતું. અમેરિકા માટે રશિયન બનાવટનું એ વિમાન જીજ્ઞાાસાનો વિષય હતું. માટે પાકિસ્તાની અધિકારીઓએ તો ભારતીય યુદ્ધકેદીઓની પૂછપરછ કરી, પરંતુ વિમાનની ટેકનિકલ માહિતી મેળવવાના હેતુથી પૂછપરછ કરવા યેગર પણ આવ્યા હતા. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r9dpYx
Previous
Next Post »