જિંગલ બલ્લે બલ્લે : કૌન હૈ ? કહાં સે આયે હૈ યે સાંતાક્લોઝબાપા?


લા ઈક ચોકલેટ્સ એન્ડ કેક્સ,ઇવન દેશી કિડ્સ જસ્ટ લવ સાંતાદાદા. 

જગત તો આપણી દિવાળી ઉજવે છે,પણ આપણે ત્યાં કેટલાક વોટસએપિયા કટ્ટરવાદીઓ જે દેવદિવાળીએ શોધ્યા નથી જડતા એ સાંતાકલોઝ ( સને બદલે આપણે ઝ બોલીએ) કલ્ચરના જ અમેરિકાના સોશ્યલ નેટવર્ક પ્લેટફોર્મ્સ મફત વાપરીને એમાં તુલસીપૂજાના મેસેજીઝ ફટકારવા લાગે છે. ભલે ને માત્ર કોવિડ બ્લડટેસ્ટ જ નહિ, વેક્સીનની વિધિ ય સિરિંજ સહિત ક્રિશ્ચિયન-જ્યુઈશ વેસ્ટર્ન વર્લ્ડમાંથી જ સ્વીકારી લેતા હોઈએ !

જસ્ટ ઈમેજીન. નાતાલનું નામ પડે એટલે આપણા ભારત દેશમાં પણ પહેલુ શું યાદ આવે? ઈસુ ખ્રિસ્તનો શાંતિમય ચહેરો? કે પછી લાલ-સફેદ વસ્ત્રો અને ફૂમતાવાળી ટોપીમાં સજ્જ સાન્તાક્લોઝનો ફનલવિંગ ફેસ ? આપણા માટે તો ક્રિસ્મસ ટ્રી અને સાન્તાક્લોઝ જ આજે ૨૫ ડિસેમ્બરના સિમ્બોલ બની ગયા છે. બાળકોમાં સાન્તાક્લોઝનું બ્રાન્ડ પોઝિશનિંગ ક્રાઇસ્ટ કરતાં વઘુ થાય છે. જેમ ભાગવત-મહાભારતમાં ક્યાંય ઉલ્લેખ ન હોવા છતાં રુક્મિણી કરતા રાધા આપણે ત્યાં જયદેવના ગીતગોવિંદ કાવ્ય બાદ ઘેર ઘેર પહોંચી ગયા એમ જ ! યુરોપ- અમેરિકામાં તો કેટલાક ધર્મચુસ્ત ખ્રિસ્તીઓએ આનાથી કંટાળીને આપણે ત્યાં સનાતન ધર્મની પ્રસ્તુતિનો કોલાહલ થાય છે, 'ક્રિસ્મસમાં ક્રાઇસ્ટને પાછા લાવો'ની ઝૂંબેશ ઉપાડી છે! સાન્તાક્લોઝને ફિલ્મ-મોલ-ટીવી ઇન્ડસ્ટ્રીના વિલન ઠેરવી, મા-બાપને પોતાના બાળકો પર એનું 'માનસપ્રદૂષણ' ન પડવા દેવાની ભલામણ થાય છે!

બડી ગમ્મતની વાત છે. નાતાલની તારીખ ૨૫ ડિસેમ્બરને બિનખ્રિસ્તીઓ પણ ઈસુ ખ્રિસ્તના જન્મદિન તરીકે ઉજવે છે. પણ ક્રિસ્મસ નામના ઉત્સવનું 'ક્રાઇસ્ટ કનેક્શન' એટલું તગડું નથી! ઈસુ ખ્રિસ્તનો જન્મદિન ૨૫મી ડિસેમ્બરે છે, એ વાતમાં જ એક જમાનામાં વિવાદ હતો. ઈ.સ. ૩૫૪માં રોમન ચર્ચે૨૫ ડિસેમ્બરને અધિકૃત રીતે જીસસનો હેપી બર્થ ડે જાહેર કર્યો, એ પહેલાં પૂર્વનાં ચર્ચો વળી જાન્યુઆરીની છઠ્ઠી તારીખે ઈસુનો જન્મદિન મનાવતાં હતાં. કોઇ વળી ૨૪મી એપ્રિલ તો કોઇ મેમાં આ ઉત્સવ મનાવતા હતાં.

તો પછી ક્રિસ્મસ યાને નાતાલનો આ ઉત્સવ ક્યાંથી આવ્યો? મૂળ તો ૨૫ ડિસેમ્બર 'રોમન હોલિડે' તરીકે વિખ્યાત તારીખ હતી. એ વખતે સૂર્યના જન્મનો ત્યાં ભવ્ય ઉત્સવ ઉજવાતો. આ સૂર્યસંક્રાંતિના તહેવારો આપણા સહિત બધે જ પૃથ્વી પર છે. જેનું કનેક્શન હાર્વેસ્ટિંગ સાથે ય ખરું. જે ''નાટાલિસ સોલિસ ઈન્ક્વિટી'' નામે ઓળખાતો. એ પરથી જ 'નાતાલ' નામ આવ્યું- ખ્રિસ્તી ધર્મ રાજકીય રીતે મજબૂત થતાં એની તારીખ યથાવત રહી, પણ કારણો ફરી ગયાં! વળી, આ પર્વમાં 'ક્રિસ્મસ ટ્રી'ની એન્ટ્રી પણ પશ્ચિમના જ સંશોધકો મુજબ 'ધર્મ'ને લીધે નહિ, સાંસ્કૃતિક આદાનપ્રદાનને લીધે થઇ છે. રોમન દેવતા જ્યુપિટર અને શનિ (સેટર્ન) વચ્ચેના વિવાદની ઉજવણીનો ઉત્સવ પણ ડિસેમ્બરના અંતમાં પેગાન ફેસ્ટિવલ આવતો હતો. 

એ ગાળામાં શિયાળાની મઘ્યમાં જર્મન પ્રજા વૃક્ષને શણગારી ઘેર લઇ આવવાનું પર્વ મનાવતી હતી. વૃક્ષને એ લોકો જીવનનું પ્રતીક માનતા હતા. નિષ્ણાતો માને છે કે 'નાતાલ'ની ખ્રિસ્તી ઉજવણીના 'ક્રિસ્મસ ટ્રી' પાછળ આ અસર છે. બાકી, એક મત મુજબ તો બુક ઓફ જર્મિયાકમાંવૃક્ષોને શણગારવાની તો ધર્મમાં ટીકા થઇ છે! કેટલાક અમેરિકન સંશોધકોએ ૧૭૯૦થી ૧૮૩૫ની સાલના 'ધ ટાઇમ્સ'ની આર્કાઇવ્ઝ પર નજર નાખી, ત્યારે માલૂમ પડયું કે આ ગાળામાં ૨૦ વર્ષ એવાં હતાં કે અખબારમાં ક્રિસ્મસ સેલિબ્રેશનના કોઇ સમાચાર જ નહોતા! વાસ્તવમાં એક ધરખમ ઉત્સવ તરીકે ક્રિસ્મસનું એસ્ટાબ્લિશમેન્ટ બ્રિટિશ સામ્રાજ્ઞાી રાણી વિકટોરિયા જેવા શાસકો અને 'ક્રિસ્મસ કેરોલ'ના લેખક ચાર્લ્સ ડિકન્સ જેવા સર્જકોના ઉત્સવપ્રેમને લીધે જગતમાં ઝડપથી થયું!

થર્ટી ફર્સ્ટની ધમાકેદાર, રંગબેરંગી, વૈશ્વિક લોકપ્રિય ઉજવણીમાં શિયાળાની તાજગી અને કેલેન્ડર ઈયરના અંતનો 'ફેસ્ટિવ મૂડ' વઘુ છે, અને ક્રાઇસ્ટ પ્રત્યેનો ધાર્મિક ભક્તિભાવનો ક્રિયાકાંડ ઓછો છે. ક્રિસ્મસના ગ્લબલાઇઝેશનમાં એના 'બર્થ ડે બૉય' જેવા પ્રભુ ઈસુ એના 'બ્રાન્ડ એમ્બેસેડર' નથી. આ જગ્યાએ દરેક લિટલ બૉય અને ગર્લના ચહેતા દાદાજી સાન્તાક્લોસ જ ક્લોઝ થઇ બિરાજ્યા છે!

હવે આ તો વળી ઓર ગમ્મતભરેલી નવાઇ છે. કારણ કે, સત્તાવાર રીતે 'સાન્તા ધ ક્લોઝ'ના પાત્રને ખ્રિસ્તી ધર્મ કે બાઇબલ કે ચર્ચ સાથે નહાવાનિચોવવાનો સીધો સંબંધ નથી. સાન્તાક્લોઝ તો અચાનક આવેલ આઉટસાઇડર કેરેકટર છે! ટ્રેજીકોમેડી એ છે કે, પ્રજાના મોટા ભાગના વર્ગને કદાચ પ્રભુના મોઝિસને સંભળાવેલા 'ટેન કમાન્ડમેન્ટ્સ' યાદ નહિ હોય. સેવન સીન (સાત મહાપાપ)ની ખબર નહિ હોય. ઈસુનાં ગિરિપ્રવચનો વિશે જાણકારી નહિ હોય.

તો પણ સાન્તા ગ્રાન્ડપ્પા અંગે એમનું જનરલ નોલેજ ટકોરાબંધ હશે! સાન્તાક્લોઝ બરફીલા નોર્થ પોલના વહેંતિયા એલ્વ્ઝ જોડે રહે છે. ધ્રુવપ્રદેશમાંથી રેન્ડિયરની સ્લેજ ગાડી પર ઉડતા ઉડતા તહેવારની રાત્રે નીકળી પડે. બાળકો એક મોજું પલંગના પાયે લટકાવીને રાત્રે સૂતા પહેલાં એમને જે જોઇતું હોય, તેની 'વિશ' કરે અને ઘરની ચીમનીમાંથી ઊતરી સાન્તાજી મધરાતના ગુપચુપ એ ગિફ્ટ ત્યાં મૂકી જાય !

સાન્તાક્લૉઝનો કોન્સેપ્ટ હવે તો ભારત-ગુજરાતમાં પણ અજાણ્યો નથી. મોટાં શહેરોના ફેમિલી રેસ્ટોરાં, થિયેટર કે સ્ટોરમાં જાત-ભાતના સાન્તાક્લૉઝ ચોકલેટસ લઇને ઉભા રહી જાય છે. એ બિચારા કર્મચારીઓને પોતાની અસલી જીંદગીમાં કોઇ સાન્તાક્લૉઝ ન મળ્યા હોઇને આવી નોકરી કરીને પેટિયું રળવું પડે છે !

વેલ, વેલ. વિશ્વમાં જીવનનો હિસ્સો બનતી કેટલીયે વાતો કેવી અજીબોગરીબ રીતે આપણા સુધી પહોંચે છે, એનું કૂતુહલ આપણને કદી યે થતું નથી. સાન્તાક્લૉઝને જ નહિ, વિસ્મયમાત્રને સમજવા માટે બાળકની જિજ્ઞાાસાવૃત્તિ જોઈએ. 

મૂળ તો તુર્કી આસપાસ કામ કરનારા સેન્ટ નિકોલસ નામના એક બિશપ હતા એવું કહેવાય છે. હોલેન્ડના ડચ લોકોમાં એમની લોકકથાઓ ચાલતી. એ બાળકોને, પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતા. જર્મન લોકોમાં એવી એક પરંપરા 'ગિફ્ટ બ્રિંગર'ની હતી, જેમાં કૃષ્ણના બાળસ્વરૂપ 'લાલા'ની જેમ 'ક્રાઇસ્ટઇન્લેઇન' યાને બાળ જિસસ ચમત્કારિક ભેટ મૂકી જાય છે, એવું કહેવાતું. આ બંને વાતોનાં ઝરણાં કાળની તળેટીમાં ભેગાં થયાં અને સાન્તાક્લૉઝ નામની સરવાણી બનીને વહેવા લાગ્યાં ! એવું ય મનાય છે કે અમેરિકામાં આવેલા ડચ ખલાસીઓ સેઇન્ટ નિકોલસ જેવા 'સિન્ટર ક્લાસ' નામે ઓળખતા. જે લાલ રંગના ચોપડામાં બાળકોના આખા વરસના તોફાનો નોંધી જે ડાહ્યાડમરા હોય એને નાતાલમાં ભેટ આપતા સારા વર્તન માટે ! એમાંથી અપભ્રંશ થતાં સાન્તાક્લૉસ નામ બન્યું. લોકોને વ્હાલી વ્યકિતઓને મળવા, જમાડવા કે ભેટ આપવા માટે બહાનું જોઇતું હોય છે. 

હાર્વડ યુનિવસટીના સંશોધકોએ આ કલ્ચરલ હિસ્ટ્રીમાં ભળીને લુપ્ત થઇ ગયેલી ધારા પણ શોધી છે. જેના મુળિયા પણ સ્કેન્ડેવિયન/નોર્કિક યુરોપમાં છે. નોકિયાની જન્મભૂમિ અને હવે એજ્યુકેશન માટે સુખ્યાત ફિનલેન્ડમાં ઉત્તરી લેપલેન્ડ પ્રદેશમાં શિયાળામાં ભારે હિમ વરસે. એ વખતે શામન (આ શબ્દનું આપણા શમન સાથે કેવું ગજબ સામ્ય છે !) નામના મિસ્ટિક હીલર્સ ફરતા. હોસ્પિટલનો એ યુગ હતો નહિ. માટે જડીબુટ્ટીવાળા ઝોલાધારીઓ. એ વિસ્તારમાં એક મશરૂમ થાય છે. સાયન્ટીફિક નામ : એમાનિતા મસ્કારા. એ લાલ સફેદ રંગનું હોય છે. આમ ઝેરીલું ગણાય, પણ કોકાના છોડની જેમ સ્થાનિક રેન્ડીયર્સ એ ખાઈને ટ્રાન્સમાં ઝૂમી ઉઠે છે. એ જોઈ અમુક માત્રામાં એનું સેવન અફીણની માફક પેલા શામનોએ શરુ કર્યું. ઠંડી હટાવવા ને દર્દશામક તરીકે ખુદ લે અને પીડાતા લોકોને આપે. રેન્ડીયરની સ્લેજ ગાડીમાં નીકળે. બરફને લીધે ઘરોના દરવાજા દટાઈ ગયા હોય એટલે આ મોસમમાં એ ચીમની વાટે ઉતરે ને ઘરમાં પુરાયેલા લોકો એમનો ચોર ન સમજે અને ભરોસો કરે એટલે ભેટ પણ આપે. મશરૂમનો રંગ રેડ એન્ડ વ્હાઈટ લાઈક સાન્તા ગ્રાન્ડપ્પા !

૧૮૨૧ની સાલમાં વિલિયમ ગિલીએ એક કવિતામાં - સાન્તાક્લૉઝના વાહનરૂપે રેન્ડિયર (હરણ જેવું હિમપ્રદેશનું સુંદર શિંગડાવાળું પ્રાણી) હોવાની કલ્પના કરી. ૧૮૨૨માં ક્લેમેન્ટ કલાર્ક મૂરની કવિતા 'નાઇટ બિફોર ક્રિસમસ'માં આજના વિઝિટ ઓફ સેઇન્ટ નિકના નામે સાન્તાક્લૉઝના સ્વરૂપની વ્યાખ્યા હતી. ચીમની, મોજું, આઠ રેન્ડિયરવાળી સ્લેજ ગાડી ઇત્યાદિ ! જર્મનીમાં બાળક જિસસને 'ક્રિસ ક્રિંગલ' નામથી ઓળખતા. એ જ નામ વડીલ સાન્તાક્લૉસનું પણ પડી ગયું. ૧૮૪૧માં પહેલીવાર અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના જે. ડબ્લ્યુ. પાર્કિન્સને શોપ પર ભાડૂતી સાન્તાક્લૉઝને ઊભા રાખ્યા ! 

એ વખતે 'હાર્પર્સ વીકલી' નામના પત્રમાં સાન્તાક્લાઝના કેરિકૅચર રજૂ થવા લાગ્યા. ૧૮૬૩ની સાલમાં થોમસ નાસ્ટ નામના આર્ટિસ્ટે એને 'ફર'નો પોશાક પહેરાવી રજૂ કર્યા. વેબસ્ટરની કવિતામાંથી ઉત્તર ધ્રુવ આ પાત્રના રહેઠાણ તરીકે જોડાયો. ૧૮૮૫ના વર્ષમાં લૂઇસ પ્રાન્ગ નામના પ્રિન્ટરે પહેલી વખત વાદળીથી જાંબલી સુધીના રંગમાં ય રજૂ થતા સાન્તાક્લાઝને પૂરેપૂરા 'રેડ સૂટ'માં રજૂ કર્યા. ૧૯૨૦ સુધીમાં ઠિંગૂજી સાન્તા આદમકદના દેખાવા લાગ્યા હતા.

એન્ટર ૧૯૩૦. વિશ્વના ટોચના ૧૦ એડવર્ટાઇઝિંગ કેમ્પેઇનમાંનું એક કોકોકોલા જેવી આજની જાયન્ટ સોફ્ટ ડ્રિન્ક બ્રાન્ડે શરૂ કર્યું. એ વખતે પશ્ચિમમાં આર્થિક મહામંદીનો દોર હતો. સામે પૂરે તરવાનું જોખમ લઇને પોતાની બ્રાન્ડ 'કોકોકોલા'ના લાલ અને સફેદ (રેડ એન્ડ વ્હાઇટ) રંગોનું જ પ્રતિનિધિત્વ કરતી સાન્તાક્લૉઝની છબીને કોકોકોલાએ ઝડપી લીધી. હેડન સાન્ડબ્લોમનામના ડિઝાઈનરનો એ તુક્કો હતો. પાડોશના બે બાળકો સાથે વાતો કરી, એનાઆધારે એણે સાંતાના 'સંત'ણા ભારમાંથી બહાર કાઢયા. ચરબીવાળા ને ફાંદને લીધે બચ્ચાંને વ્હાલા લાગે એવા ગોળમટોળ ને સરકસના ક્લાઉન જેવા કપડાં પહેરેલા લાફિંગ બુદ્ધા ટાઈપ હસમુખા સાંતાદાદાનો પીંછીથી પ્રસવ કરાવ્યો !

એનું તીર નિશાને જઇને બેઠું. સાન્તાક્લૉઝના હોર્ડિંગ્સ અમેરિકા-યુરોપમાં છવાઇ ગયા. સાન્તાક્લાઝના નામના ગિફટ હેમ્પર, ડિસ્કાઉન્ટ ઓફર, સાન્તા બાળકો સાથે મળી સોફટ ડ્રિન્ક ગટગટાવે એવી જાહેરાતો... અને ક્રિસ્મસ ગિફ્ટની બજારની દુનિયામાં સાન્તાક્લૉઝને લિફટ મળી ગઇ ! કોકોકોલાએ છેક ૧૯૬૪ સુધી એના પેઈન્ટિંગ્સ પરથી સાન્તાક્લોઝ એડ કેમ્પેઈન જડબેસલાક ભક્તિની જેમ ચલાવ્યું !

પછી તો બસ ચાલી નીકળ્યું ! જેમ કે, તમને ખબર છે એમનુ ગામ કયું ? જ્યાં ૩૬૫ દિવસ જેમ કોઈ ફાઈવ સ્ટાર સ્પામાં રોજ દિવાળીનો ઝગમગ માહોલ હોય, એમ કાયમી ક્રિસ્મસ હોય છે. એ છે નોર્વેમાં ઓસ્લોથી અડધી કલાકમાં પહોંચી શકાય એવું ગામ ડ્રોબાક છે. જ્યાં ૧૮૭૭ની સાલના એક વિશાળ ઘરને ૧૯૮૮થી ટ્રેગાર્ડન જ્યુલુસ નામ આપીને સરકારે ટુરિસ્ટ પ્લેસ બનાવ્યું છે. ત્યાં ગિફ્ટ આઈટેમ્સ મળે છે. પણ એમને માટે ટપાલો ય અસંખ્ય મુલાકાતી બાળકો નાખી જાય છે. જે સાન્તાક્લૉઝનો કઝીન લઇ જઈ એમને પહોંચાડે એવી માન્યતા છે. સાન્તા સાથે સેલ્ફીની નવાઈ તો ભારતમાં ય નથી રહી, પણ અહીંથી સ્પેશ્યલ ટિકિટ લગાડેલી ટપાલ તમારા સ્વજનોને ગિફ્ટ તરીકે મોકલી શકો ! 

ઘડી ઘડી ધામક લાગણીઓ દુભવવાના ધખારા ન કરો, તો ફિલ્મો થકી પુરાતન પાત્રોને નવી પેઢીમાં નૂતન કરી શકો ! કેટકેટલી હોલીવૂડ ફિલ્મો 'આર્થર ક્રિસ્મસ'થી 'પોલાર એક્સપ્રેસ' અને 'રાઈઝ ઓફ ધ ગાર્ડિયન'થી 'એલ્વ' ને 'નાઈટ બિફોર કિસ્મસ'થી 'ક્લોસ' સુધીની સેંકડો. મોટાભાગની બાળકોને ગેલ આપે એવી. અચાનક કોઈક આવી, હોહોહો હસતા ઉડે ને બેલના જિંગલ સાથે મનગમતી ગિફ્ટ આપે એ જાદૂઈ કલ્પવૃક્ષ ટાઈપ ફેન્ટેસી કોને ન ગમે ?

એટલે સાન્તા સાયન્સ પણ આવી ગયું છે ! આઈનસ્ટાઇનનો સાપેક્ષવાદ સમજાવતો ટિપિકલ ગુજ્જુ શેરબજારિયો સવાલ છે. માનો કે સાન્તાક્લોસ છે. તો ઉત્તર ધ્રુવમાંથી એક જ રાતમાં જગતના કરોડો-અબજો બાળકોને એક સાથે મનગમતી ભેટસોગાદો કેમ પહોંચી શકે?

આમ તો ધારવાનું જ છે. પણ આવી રીતે કલ્પનાની કૂકરી ગાંડી કરવાથી જ જગતભરમાં અવનવી શોધો અને કળાઓ, અરે રમતો અને વાનગીઓ પણ જન્મી છે. ઘનચક્કર લાગતા તરંગોમાં રંગપૂરણી કરવાથી! તો પલંગના કિનારે મોજું લટકાવીને ગિફટની વિશ કરીને સૂઈ જતા બાળકો કુલ વસતિના કેટલા ટકા હશે? કેટલા સાન્તા જોઈએ એક જ રાતમાં ગિફટસ ડિસ્ટ્રીબ્યુશન માટે? રોજર હાઈફિલ્ડ નામના ભેજાંબાજ લેખકે તો 'કેન રેન્ડીઅર ફ્લાય?'નામનું એક ઈન્ટરેસ્ટિંગ પુસ્તક જ લખી નાખ્યું છે. જેમાં યુનાઈટેડ નેશન્સના આધારે પૃથ્વી પર ૧૧ વર્ષની નીચેના ૨.૧ અબજ બાળકો છે, એમ સ્વીકાર્યું છે. એક ઘર દીઠ સરેરાશ અઢી બાળકો (હવે આંકડાશાસ્ત્ર આવું જ અળવીતરું હોય છે, જીવતા જાગતા વનપીસ ભૂલકાંને કટિંગ ચાયની માફક અડઘું કરી નાખે! આસ્ક એની સ્ટુડન્ટ!) ગણો તો ક્રિસ્મસની રાત્રે સાન્તાબાપાની પેલી રેન્ડીઅરવાળી સ્લેજ ગાડીએ ૮૪ કરોડ સ્ટોપ કરવા પડે!

જો કે, સાન્તાજી 'ઈશ્માર્ટ ભાભા' હોય, તો એમની પાસે થોડોક એકસ્ટ્રા ટાઈમ પણ રહે. પૃથ્વી પોતાની ધરી પર જે દિશામાં ફરે છે, એનાથી અવળી દિશામાં સાન્તા ક્લોસ પ્રવાસ શરૂ કરે, તો વિવિધ લોકેશન્સ પર અક્ષાંશ-રેખાંશ સાથે સંતાકૂકડી કરતા સૂરજદાદાને પ્રતાપે સાન્તા પાસે ૨૪ને બદલે ૪૮ કલાક ચીમનીમાંથી નીચે સરકીને ગિફટસ વહેંચવા માટે રહે. એ માટે ૦.૨ મિલિસેકન્ડસ એકથી બીજા ઘેર ઠેકડો મારવા માટે મળે. અને એની ગાડી એમણે ૨૦૯૩ કિમી/સેકન્ડની સ્પીડે ભગાવવી પડે! જે આજના કોઈ પણ ઉપલબ્ધ એરક્રાફટની પણ સ્પીડ નથી! અલબત્ત, એ પ્રકાશવેગ કરતા ઘણી ધીમી સ્પીડ હોઈને એમ તો એચિવેબલ છે. પણ કાગળ પર!

હમમમ. એન્જીનીઅરિંગ પ્રોફેસર લેરી સિલ્વરબર્ગ વળી એવું સાયન્ટિફિક લોજીક લડાવે છે કે - સ્પેશ્યલ થીઅરી ઓફ રિલેટિવિટી મુજબ સાન્તાક્લોસ 'રિલેટિવિટી ક્લાઉડ'માં છે. જેને લીધે આખી દુનિયા એમને માટે પોઝનું બટન દબાવેલુ ડીવીડીની માફક ફ્રીઝ થઈ ગયેલી છે. આ ભાંજગડ પડતી મુકો, તો ય એક ક્વેશ્ચન વધે. ટાઈમ અને સ્પેસનું તો સમજ્યા, પણ વજનનું શું? આટલી બધી ગિફટસ આ રેડ એન્ડ વ્હાઈટ દાદાજીના કોથળામાં સમાય? વીસેક લાખ ટનનું વજન ખેંચી શકે બાપડા રેન્ડીઅર્સ?

વેલ, કદાચ એમણે ગિફટસ ક્યાંય ઉંચકીને લઈ જવાની જ ન હોય તો? સકળ આ સચરાચરની સૃષ્ટિ તો અંતે પદાર્થ, તત્વ, રંગ, સોલિડ, લિક્વિડ, એર બધુ જ અણુ-પરમાણુનું બનેલું છે. તો પછી સાન્તાદાદા 'હો હો હો' બોલી રહે, એટલી વારમાં બાળકની ભેટ આસપાસના અણુમાંથી જ ન બની જાય?

તો સાંતાક્લોઝનો ચહેરો દાઢીવાળા આઈનસ્ટાઇન જેવો છે એવું માની એનો ઉપયોગ કરી બાળકોને સાયન્સ ભણાવતા ભૌતિકશાસ્ત્રી કેટી શીન કહે છે કે આટલી સ્પીડમાં ડોપ્લર ઈફેક્ટ લાગુ પડે એટલે ન કશું દેખાય ન સંભળાય. સ્પેશ્યલ થિયરી ઓફ રિલેટીવિટી મુજબ સ્પીડ વધતા ટાઈમ ધીમો પડે. સાન્તા અને ગિફ્ટસનું કદ સંકોચાય અને રોકાય ત્યાં જ મોટું થાય. ઉપરાંત નેચરલી, સમય ધીમો પડતા ઉંમર પણ વધે નહિ !

યાદ રાખજો. માત્ર કોમશયલ એંગલથી કે કેવળ પ્રમોશન કેમ્પેઇનથી કોઇ બાબત આજીવન લોકહૃદયમાં સ્થાન મેળવતી નથી. એ માટે લોકોનો સંવેદનતંતુ તો જ સંધાય જો એની એક છૂપી માંગ પ્રજાના મનમાં હોય. સાન્તાક્લાઝ કોઇ ધર્મ કે દેશના ભેદ વિના કેમ દરેક બાળકના મન પર જાદૂ કરી જાય છે ? ચીકણા મનોચિકિત્સકો તો બુમરાણ મચાવે છે કે 'સારા હશો તો જ સાન્તા મળશે' એવી ધમકી કુમળા બાળકોને ન આપો. ઘણા પંચાતિયા વિવેચકોઅકળાય છે : સાન્તાના નામે મમ્મી-પપ્પા પોતે જ ત્રેવડ ન હોય તો ય ગિફટ લઇ આવીને બાળકને રાજી કરીને જુઠ્ઠાણાની અને ક્યારેક ખરાં પ્રેમાળ મા-બાપની ઉપેક્ષાની ટેવ પાડે છે. બાળકને આવા તરંગોમાંથી બહાર લઇ આવવાં જોઈએ. ઈમોશનલને બદલે ટોટલ રેશનલ બનાવવાં જોઈએ. સાન્તાક્લૉઝ તો રૂપિયા કમાવા માટેનું કંપનીઓનું રમકડું છે.

આવું છે પણ અને નથી પણ. ૧૯૪૭માં બનેલી ને પછી સરસ રીતે કલરમાં રિમેક પણ થયેલી  હોલીવૂડની કલાસિક ફિલ્મ 'મિરેકલ ઓન ધ થર્ટી ફોર્થ સ્ટ્રીટ' આ વાત ઉઠાવે છે. ફેમિનિસ્ટ સિંગલ મધર ડોરોથીની નાનકડી દીકરી સુસાનને સાન્તાચાચામાં અખૂટ ભરોસો છે. એક દિવસ રમકડા કંપનીની એકિઝકયુટિવ ડોરોથીને પોતે સાન્તાક્લૉઝ હોવાનો દાવો કરતો એક વૃઘ્ધ મળે છે - અને રચાય છે કોર્ટરૂમ ડ્રામા ! ફિલ્મમાં ઉપરના પ્રશ્નોનો સચોટ જવાબ છે. 'વાસ્તવિકતાની વેદનાનો સામનો કરવા માટે નાનકડી બાળસહજ બાબતોની કલ્પના જ ઉપયોગી બનશે'.સાન્તાક્લૉઝ કાલ્પનિક છતાં વાસ્તવિક છે, કારણ કે પ્રેમ, આશા અને શ્રદ્ધાની લાગણી હકીકત છે. સાન્તાક્લૉઝ એટલે બાળકો માટે વડીલોનો હસતોનિર્મળ પ્રેમ, સાન્તાક્લૉઝ એટલે સરપ્રાઈઝ ગિફ્ટ થકી ધારી ઈચ્છા પૂરી થવાના સુખનું સપનું ! આપણે કમનસીબે મૃત્યુ પછીના અઢળક લોક પેદા કરી શક્યા, પણ જીવતા બાળક માટે તહેવારોમાં પ્રાચીન ઉપદેશ ને કંટાળાજનક વિધિવિધાનોને બદલે રમવું ગમે એવો એક સાન્તાક્લૉઝ ?

કલ્ચરલ એક્સચેન્જ તો ધરતી પર માનવજાત છે ત્યાં સુધી ચાલ્યા જ કરશે. પોતાના નથી એવા ય કોઈ ચાઈલ્ડના ચહેરા પર સ્માઈલ લઇ આવી શકો એવો જોય ઓફ ગિવિંગ અનુભવો તો સાચું મેરી ક્રિસ્મસ કે હેપી દિવાળી કે ઈદ મુબારક છે. ચલો, રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે !

ફાસ્ટ ફોરવર્ડ

 ''જ્યારે તમને સાંતાક્લોસ જવાન દેખાવા લાગે,ત્યારે સમજવું કે તમે ઘરડા થઈ ગયા છો!'' ( રોબર્ટ પોલ )



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34sSO7N
Previous
Next Post »