'વર્ડ ઓફ ધ યર'ની શરૂઆત ક્યારથી થઈ?


બુશલિપ્સ.

અંગ્રેજી ભાષાનાં પ્રથમ 'વર્ડ ઓફ ધ યર'નું સમ્માન આ શબ્દને મળે છે. એનો અર્થ સમજતા પહેલાં ત્રીસ-બત્રીસ વર્ષ પહેલાંના ઈતિહાસમાં 'વૉક' કરવું પડશે!

વાત છે ૧૯૮૮ની. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ રહી હતી. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જ્યોર્જ એચ. બુશ (સીનિયર) અને ડેમોક્રેટિક પાર્ટીના માઈકલ ડુકાકીસ વચ્ચે બરાબરનો જંગ જામ્યો હતો. છેલ્લી બે ટર્મથી અમેરિકામાં રિપબ્લિન પાર્ટીના રોનાલ્ડ રેગન પ્રમુખ હતા અને જ્યોર્જ બુશ વાઈસ પ્રેસિડેન્ટ હતા. આઠ વર્ષ દરમિયાન અમેરિકન નાગરિકોમાં રિપબ્લિન પાર્ટી સામે જે થોડી ઘણી નારાજગી હતી તેનો લાભ લેવા માટે ડેમોક્રેટિક ઉમેદવાર માઈકલ ડુકાકીસે બરાબર તૈયારી કરી હતી.

પરંતુ સીનિયર બુશે હુકમનું પાનું ઉતરતા એક ચૂંટણીસભામાં સૂત્ર આપ્યું: 'રીડ માય લિપ્સ, નો ન્યૂ ટેક્સ'. આ વાક્ય પછી તો આખી ચૂંટણીમાં ગાજ્યું. એ વાક્ય પરથી અમેરિકન મીડિયામાં સમાચારો અને કાર્ટૂન્સ બન્યા. સીનિયર બુશની ટેક્સ ન વધારવાની વાતમાં સરેરાશ અમેરિકન નાગરિકોએ ભરોસો કર્યો અને તેમને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા.

ચૂંટણીમાં વાયદાઓ આપવા અને જીત્યા પછી એ પૂરા કરવા - એ બંનેમાં અમીર-ગરીબની આવક કરતાં પણ મોટું અંતર છે! સત્તાનો કાંટાળો તાજ પહેર્યા પછી સીનિયર બુશને સમજાયું કે ટેક્સમાં વધારો ન કરવાની વાત શક્ય બને તેમ નથી. અમેરિકન કોંગ્રેસમાં વિપક્ષ ડેમોક્રેટ્સનો કંટ્રોલ હતો. એ સમયગાળામાં યુદ્ધો વગેરેના કારણે અમેરિકન સરકારની તિજોરી પર ભાર વધ્યો હતો એટલે આવક-જાવકનો હિસાબ સરભર કરવા વિપક્ષની બહુમતી ધરાવતી અમેરિકન કોંગ્રેસે ટેક્સમાં વધારો કર્યો. સીનિયર બુશે અમેરિકન કોંગ્રેસ સાથે વાટાઘાટો કરી. ટેક્સ ન વધારવાની ભલામણો કરી. પણ બહુમતી સામે આખરે પ્રમુખે નમતું મૂકવું પડયું. અમુક પ્રકારના ટેક્સમાં વધારો ઝીંકાયો તેના પર નાછૂટકે બુશે સહી કરવી પડી.

૧૯૯૦ના બજેટમાં ટેક્સ વધ્યો એના કારણે અમેરિકન મીડિયામાં સીનિયર બુશ 'ટ્રોલ' થયા. રાજકીય પત્રકારો અને કટારલેખકોએ 'રીડ માય લિપ્સ, નો ન્યૂ ટેક્સ'ના બુશના સૂત્રને કોથળામાંથી બહાર કાઢ્યું! અખબારોના કાર્ટૂન્સમાં ફરી વખત એ વાક્ય છવાયું. જે વાક્યથી ચૂંટણીમાં વિજય મળ્યો હતો એ જ વાક્ય સીનિયર બુશને ગળામાં હાડકાની જેમ ફસાઈ ગયું.

આ ઘટના અંગ્રેજી ભાષાના પ્રથમ 'વર્ડ ઓફ ધ યર' માટે નિમિત્ત બની.

;;;

૧૮૮૯માં સ્થપાયેલી અમેરિકન ડાયલેક્ટ સોસાયટીની વાર્ષિક બેઠક દર વર્ષે ડિસેમ્બરમાં મળતી હતી. મેકમેરી કોલેજના ભાષાભવનના વિદ્વાન પ્રોફેસર એલન મેટકાફ અમેરિકન ડાયલેક્ટ સોસાયટીના સેક્રેટરી હતા એટલે વાર્ષિક સંમેલનની વ્યવસ્થા તેમના ભાગે આવતી. છેલ્લા ૩૦ વર્ષથી સેક્રેટરી તરીકે કાર્યરત એલન મેટકાફને આ એકનું એક કામ કરીને કંટાળો આવતો હતો.

દેશભરમાંથી સોસાયટીના વિદ્વાન સભ્યો મીટિંગમાં ભાગ લેતા. અંગ્રેજીના પ્રોફેસરો, ભાષા-નિષ્ણાતો, ભાષા-પ્રેમીઓ એકઠાં થઈને વર્ષે એક વખત ભાષા અને બોલીઓની વાતો કરતા અને ભોજન લઈને છૂટા પડતા. સોસાયટીમાં ઘણાં ખરા સભ્યો ભાષાના પ્રોફેસરો હતા. કોલેજમાં વિદ્યાર્થીઓને ભાષામાં કેવી રીતે વધારેમાં વધારે રસ લેતા કરવા તેનું ઉપરછલ્લું ચિંતન થતું. નવા વિચારો રજૂ કરવાના નામે જૂના આઈડિયા રજૂ થતાં અને એમ દર વર્ષે બેઠકો સંપન્ન થતી.

૧૯૯૦ના વર્ષે શિકાગોમાં બેઠક મળવાની હતી. એ જ વખતે સોસાયટીના સેક્રેટરી એલન મેટકાફને અંગ્રેજી ભાષાના 'વર્ડ ઓફ ધ યર'નો આઈડિયા આવ્યો હતો. બેઠકમાં આઈડિયા રજૂ કરતા એલન મેટકાફે કહ્યું: 'જેમ દર વર્ષે 'ટાઈમ પર્સન ઓફ ધ યર' જાહેર થાય છે એમ આપણે પણ 'વર્ડ ઓફ ધ યર' જાહેર કરવો જોઈએ. એડિટર્સ અને રીડર્સના ઓપિનિયરના આધારે આપણે દર વર્ષે એક નવો શબ્દ જાહેર કરીએ તો નવી પેઢી ભાષામાં રસ લેતી થશે'

સર્વસંમતિથી બધા જ સભ્યોએ નવા વિચારને વધાવી લીધો. બ્રેક પછી મળનારા સાંજના સેશનમાં નવા શબ્દો લઈ આવવાનું નક્કી થયું. ઘણાં શબ્દોનો પ્રસ્તાવ આવ્યો. એમાંથી કેટલાક નવા શબ્દો પણ બનાવીને નિર્ધારિત સમિતિ માટે રજૂ થયા. ૧૯૯૦ના બજેટમાં બુશની હા-ના વચ્ચે ટેક્સ વધ્યો હતો એટલે બુશે ટેક્સ ન વધારવાનો જે વાયદો કર્યો હતો એનું સૂરસૂરિયું થઈ ગયું હતું. એ ઘટનાને ધ્યાનમાં રાખીને અને સીનિયર બુશનું પેલું વાક્ય: 'રીડ માય લિપ્સ, નો ન્યૂ ટેક્સ' ૧૯૯૦માં ફરીથી ખૂબ ચર્ચાયું હતું એટલે સોસાયટીના સભ્યોમાંથી કોઈએ બુલશિટ (બકવાસ)ની પેરોડી કરતો શબ્દ 'બુશલિપ્સ' સજેક્ટ કર્યો, જેનો અર્થ કરાયો હતો: બુશનો બકવાસ!

ચર્ચા વિચારણાને અંતે એ વર્ડ સોસાયટીએ માન્ય રાખ્યો. ૧૯મી ડિસેમ્બર-૧૯૯૦ના દિવસે 'બુશલિપ્સ' ૯૦ના વર્ષ માટે 'વર્ડ ઓફ ધ યર' જાહેર થયો. એ સાથે જ અંગ્રેજીભાષામાં 'વર્ડ ઓફ ધ યર'ની પરંપરાનો પ્રારંભ થયો.

;;;

'વર્ડ ઓફ ધ યર'નો મૂળ વિચાર જર્મનીમાં ઉદ્ભવ્યો હતો. જર્મનીમાં સરકારના ફંડથી જીએફડીએસ નામે એક લેંગ્વેજ સોસાયટી કાર્યરત છે. સવા સો વર્ષથી આ સોસાયટી જર્નલ પબ્લિશ પ્રસિદ્ધ કરે અને ૪૦ દેશોમાં એ એકેડમિક જર્નલ પહોંચે છે. ૧૯૭૧માં ડિસેમ્બરના અંકમાં પ્રથમ વખત 'વર્ડ ઓફ ધ યર' કેટેગરી હેઠળ એક શબ્દ પબ્લિશ થયો. વર્ષભર જર્મનભાષામાં જે શબ્દની સૌથી વધુ ચર્ચા રહી હશે એને વાર્ષિક શબ્દ જાહેર કરાશે - એવી જાહેરાત થઈ, પણ પછી બીજા પાંચ વર્ષ સુધી વાર્ષિક અંકમાં એ કેટેગરી જોવા ન મળી.

૧૯૭૭ના વર્ષથી ડિસેમ્બરના અંકમાં ફરીથી 'વર્ડ ઓફ ધ યર' કેટેગરી પ્રસિદ્ધ થઈ. ત્યારથી દર વર્ષે ડિસેમ્બરમાં એક વાર્ષિક શબ્દ જાહેર કરવાની પરંપરા જર્મન લેંગ્વેજ સોસાયટીએ જાળવી રાખવી છે. ટૂંકમાં, અંગ્રેજીભાષામાં વાર્ષિક શબ્દ જાહેર કરવાનું શરૂ થયું તેના દોઢેક દશકા પહેલાંથી જ જર્મનીમાં એ ટ્રેડિશન ચાલતી હતી.

અંગ્રેજીમાં સૌ પ્રથમ અમેરિકન ડાયલેક્ટ સોસાયટીએ ૧૯૯૦માં વાર્ષિક શબ્દ જાહેર કર્યો એના એકાદ દશકા સુધી એ એક જ સંસ્થા હતી, જે આવી પ્રવૃત્તિ કરતી હતી. આ સોસાયટીએ જ 'વર્ડ ઓફ ધ ડિકેડ'નો ટ્રેન્ડ પણ સેટ કર્યો. જેના નામે આખો દશકો બોલતો હોય એવો કોઈ વર્ડ જાહેર કરવાની પરંપરા ૯૦ના દશકામાં 'વેબ' શબ્દથી શરૂ થઈ હતી. ૨૦૦૦ના દશકામાં 'ગૂગલ' શબ્દ 'વર્ડ ઓફ ધ ડિકેડ' બન્યો હતો. પછી તો સોસાયટીએ ૨૦મી સદીનો શબ્દ પણ જાહેર કર્યો હતો.

અમેરિકન ડાયલેક્ટ સોસાયટીના પગલે પગલે અન્ય સંસ્થા/ડિક્શનરીએ ૨૧મી સદીના આરંભે 'વર્ડ ઓફ ધ યર'ની પરંપરામાં ઝંપલાવ્યું. લિંગ્વિસ્ટિક સોસાયટી ઓફ અમેરિકાએ ૨૦૦૦ના વર્ષમાં પહેલી વખત વાર્ષિક શબ્દ જાહેર કર્યો. ૨૦૦૩માં મેરિઅમ વેબસ્ટરે 'ડેમોક્રેસી'ને વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો. ઓક્સફર્ડ ડિક્શનરી અને ન્યૂયોર્ક ટાઈમ્સે ૨૦૦૪થી આ ક્લબમાં એન્ટ્રી લીધી. ઓસ્ટ્રેલિયન નેશનલ ડિક્શનરી સેન્ટર ૨૦૦૬થી, ડિક્શનરી ડોટ કોમ ૨૦૧૦થી, કોલિન્સ ઈંગ્લિશ ડિક્શનરી ૨૦૧૩થી 'વર્ડ ઓફ ધ યર'ની અંગ્રેજી ટ્રેડિશનનો હિસ્સો છે.

જર્મની-ઈંગ્લિશના પગલે પગલે દુનિયાભરની ઘણી ભાષાઓમાં આ પરંપરા શરૂ થઈ છે. જાપાનમાં ૧૯૯૫થી જાપાનીઝ 'વર્ડ ઓફ ધ યર'ની સ્પર્ધા થાય છે. રશિયનભાષામાં ૨૦૦૭થી પોલના આધારે વાર્ષિક શબ્દ જાહેર થાય છે. ડેન્માર્કમાં ૨૦૦૮થી, પોર્ટુગલમાં ૨૦૦૯થી, નોર્વેમાં ૨૦૧૨થી અને યુક્રેનમાં ૨૦૧૩થી વાર્ષિક શબ્દ આપવાનું શરૂ કરાયું છે.

પછી તો 'વર્ડ ઓફ ધ યર'માં ઘણી કેટેગરી ઉમેરાઈ. એડિટર્સ ચોઈસ, રીડર્સ ચોઈસ, સૌથી ઉપયોગી શબ્દ, વર્ષનો બિનજરૂરી શબ્દ, ભયાનક શબ્દ, મોસ્ટ પ્રોડક્ટિવ, મોસ્ટ નોટેબલ, મોસ્ટ હેશટેગ - જેવાં કેટલાક શબ્દો દર વર્ષે જાહેર થાય છે. એક શબ્દને બદલે વર્ષભર ચર્ચામાં રહેલાં ઘણાં નવા શબ્દોની યાદી ઘોષિત થતી રહે છે.

;;;

સૌથી વધુ મીડિયા માઈલેજ ઓક્સફર્ડ અને મેરિઅમ વેબસ્ટરના શબ્દોને વધુ મળે છે. વળી, તેની પ્રક્રિયા પણ અસરકારક મનાય છે. વિદ્વાન ભાષાશાસ્ત્રીઓની મદદ લેવાની સાથે સાથે સાંપ્રત પ્રવાહો પર નજર રાખવાના કારણે દર વર્ષે એવો શબ્દ જાહેર થતો રહે છે, જે લોકોમાં ક્લિક થાય છે.

મેરિઅમ વેબસ્ટર અને ડિક્શનરી ડોટ કોમે ૨૦૨૦ માટે 'પેન્ડેમિક'ને 'વર્ડ ઓફ ધ યર' જાહેર કર્યો છે. મેરિઅમ વેબસ્ટરે તે પહેલાંના વર્ષોમાં જસ્ટિસ, ફેમિનિઝમ, કલ્ચર, સાયન્સ વગેરે વર્ડ્સ વાર્ષિક શબ્દો બની ચૂક્યા છે. ઓક્સફર્ડે છેલ્લાં દશકામાં જાહેર કરેલાં શબ્દો છે - ક્લાઈમેટ ઈમરજન્સી, ટૉક્સિક, યુથક્વેક, પોસ્ટટ્રુથ, ઈમોજી, સેલ્ફી. આ શબ્દોમાં નવીનતા, સાંપ્રત પ્રવાહ ઉપરાંત જરૂરી મેસેજ પણ બરાબર ઝીલાયો છે. 

'વર્ડ ઓફ ધ યર'ની શરૂઆત થઈ ત્યારે જ એક વણલખ્યો નિયમ ઘડાયો હતો - માત્ર શબ્દની પસંદગી કરવાની ન હતી, એમાં એ વર્ષનો મેસેજ પણ બરાબર ઝીલાતો હોવો જોઈએ. આ મૂળ વિચાર જેમણે જાળવી રાખ્યો એ મીડિયા-સોશિયલ મીડિયામાં ચમકે છે, બાકીના શબ્દો ઘોંઘાટમાં ખોવાઈ જાય છે!

વેલ,૨૧મી સદીના બીજા દશકા માટે કોઈ એક શબ્દ પસંદ કરવાનો હોય તો કોના પર પસંદગી ઉતારી શકાય?

હિન્દીના વાર્ષિક શબ્દો

ઓક્સફર્ડ હિન્દીભાષાનો શબ્દ ૨૦૧૭માં જાહેર કર્યો હતો. ઓક્સફર્ડ ડિક્શનરીની ભારતમાં બનેલી ટીમ દર વર્ષે હિન્દીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા શબ્દને વર્ડ ઓફ ધ યર ઘોષિત કરે છે. ૨૦૧૭માં 'આધાર' વર્ડ ઓફ ધ યર બન્યો હતો. ૨૦૧૮માં 'નારીશક્તિ' અને ૨૦૧૯માં 'સંવિધાન'ને વર્ડ ઓફ ધ યર બનાવાયા હતા. એ માટે નવેમ્બર માસથી યુઝર્સ પાસે ઓનલાઈન એન્ટ્રી મેળવવામાં આવે છે. એમાં મળેલા શબ્દોનું વિશ્લેષણ થયા પછી જાન્યુઆરીમાં વાર્ષિક શબ્દ જાહેર થાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h3xKcR
Previous
Next Post »