મેચ ફિક્સિંગના કલંકને મીટાવીને ફૂટબોલમાં વર્લ્ડ ચેમ્પિયન બનવા સુધીની પાબ્લો રોસીની રોમાંચક સફર


મા નવ માત્ર ભૂલને પાત્ર એ કહેવત દરેકની જિંદગીની સાથે વણાયેલી છે. આ પૃથ્વી પર જાણે-અજાણે ભૂલ કરનારા અનેક છે અને ડાયોજિનિસની જેમ ધોળા દિવસે ભૂલ વિનાનો માણસ શોધવા માટે દીવો લઈને નીકળીએ તો પણ ન મળે. ભૂલ કરવી એ ગુનો નથી, પણ ત્યાર બાદ સતત તેનું પુનરાવર્તન કર્યા કરવું એ સૌથી મોટો અપરાધ છે. આ જ કારણે કહેવાય છે કે, પહેલી ભૂલ તો ભગવાન પણ માફ કરી દે છે. મનુષ્ય હોવાની સૌથી આદર્શ સ્થિતિ એ છે કે, બીજાની ભૂલોમાંથી પદાર્થપાઠ મેળવવો અને જો એ ન થાય તો પોતાની ભૂલોમાંથી તો અવિસ્મરણીય જ્ઞાાન પ્રાપ્ત થતું જ રહે છે. જેને આટલી અમથી વાત સમજાઈ જાય છે, તે ભૂલ કરવા છતાં પણ મનુષ્યત્વની અને વ્યાવસાયિક જિંદગીમાં નવી ઊંચાઈને સ્પર્શી શકે છે. 

કોરોના કાળમાં જ્યારે લોકો દરરોજ સવારે ઉઠીને પોતાની અને આસપાસના લોકોની આયુષ્યરેખા સાબૂત છે કે નહિ એની ચકાસણી કરતાં જોવા મળે છે. આવા ટૂંકા ગાળામાં ફૂટબોલ જગતે બે મહાન પ્રતિભાઓને ગુમાવી દીધી છે, જેમાં આર્જેન્ટિનાનો લેજન્ડરી ફૂટબોલર ડિએગો મારાડોના અને ઈટાલીના સુપરસ્ટાર પાબ્લો રોસીનો સમાવેશ થાય છે. મારાડોનાની વિશેષતાં તેની રમતની સાથે તેના મોહક વ્યક્તિત્વ અને આગવા અંદાજમાં છુપાયેલી હતી. જ્યારે પાબ્લો રોસીની જિંદગીએ વિશ્વને દેખાડયું કે પોતાની ભૂલોને કારણે તમે ગમે તેટલી ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયા હો તો પણ જો તમે ધારો તો તેમાંથી બહાર આવીને લોકપ્રિયતાના શિખર સુધી પહોંચી શકો છે. એક સમયે મેચ ફિક્સર તરીકેનું કલંક ધરાવતા રોસીએ તેની પ્રતિભાને બળે ઈટાલીયન ફૂટબોલમાં જ નહીં, પણ વિશ્વ ફૂટબોલમાં પોતાની અમીટ છાપ છોડી છે. 

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં જર્મની તેની નવી ટેક્નિક્સને કારણે જાણીતું છે. તેવી જ રીતે બ્રાઝિલ તેના વિશિષ્ટ કૌશલ ધરાવતા ખેલાડીઓની જાદુઈ રમતને કારણે લોકપ્રિય છે. આવી જ રીતે ઈટાલીની ટીમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેના મજબૂત ડિફેન્સને કારણે જાણીતી છે. એવા એ ડિફેન્ડરોની ટીમનો રબર સ્ટેમ્પ ધરાવતી ટીમના કેટલાક સુપરસ્ટ્રાઈકર્સની સફળતા ફૂટબોલના આકાશમાં ધુ્રવ તારક સમી ઝળહળતી જોવા મળે છે અને તેમાં રોસીનો સમાવેશ થાય છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડીને મળતાં ગોલ્ડન બૂટ અને વર્લ્ડ કપના બેસ્ટ ફૂટબોલર તરીકેનો ગોલ્ડન બોલ એવોર્ડ પણ કોઈ એક જ ખેલાડીને મળે તો તેની પ્રતિભાની ઊંચાઈ કેટલી હશે તેની તો કલ્પના જ કરવી ઘટે ! આવી ત્રેવડી સિદ્ધિ મેળવનારા થ્રી સ્ટાર્સમાં એક નામ પાબ્લો રોસીનું છે અને ૧૯૮૨માં તેમણે મેળવેલી આ વિશિષ્ટ સિદ્ધિ બાદ આજ દિન સુધી એક પણ એવો ખેલાડી ફૂટબોલમાં પાક્યો નથી કે, જેણે એવોર્ડ્સની ત્રેવડી સિદ્ધિ મેળવી હોય. પાબ્લોનું નામ બ્રાઝિલીયન લેજન્ડ ગરિન્ચા અને મારિયો કેમ્પેસની હરોળમાં સ્થાન ધરાવે છે. 

ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં સર્વાધિક ગોલ ફટકારવાના રોસીના સીમાચિહ્નની રોબર્ટો બેજીયો અને ક્રિસ્ટીયન વિયરી બરોબરી કરી ચૂક્યા છે અને હજુ તેમના રેકોર્ડને કોઈ ઓળંગી શક્યું નથી. ઈટાલીના ટસ્કાનીમાં આવેલા પ્રાટોમાં ૨૩મી સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ જન્મેલા રોસીએ સ્થાનિક કોચના માર્ગદર્શનમાં જ ફૂટબોલ શીખવાની શરૂઆત કરી દીધી. અનુભવી કોચ અને હાઈ લેવલે રમતાં સિનિયરોની હાજરીના કારણે તેની રમતમાં વધુ નિખાર આવ્યો. શાળાજીવનમાં પણ તેનું ચિત્ત અભ્યાસને બદલે ફૂટબોલમાં વધુ રહેતું. જોકે, શાળામાં હોવાના કારણે તેનો ફૂટબોલનો શોખ વધુ સારી રીતે પૂરો થતો હોવાથી તે ટકી રહ્યો હતો.

તારૂણ્યમાં પ્રવેશેલા રોસીની પ્રતિભા દિન-પ્રતિદિન નિખરી રહી હતી અને આ સમયે યૂવેન્ટસ કલબની નજર તેના પર પડી. તેમણે રોસીને કરારબદ્ધ કરવા માટે એક પ્રતિનિધિને મોકલ્યો. તેના માતા-પિતા નહતાં ઈચ્છતાં કે રોસી તેમને મૂકીને દૂર જાય અને તેમાંય અભ્યાસ છોડવાની વાતને સ્વીકારવા તેઓ તૈયાર નહતા. જોકે, રોસીનું મન ફૂટબોલમય બની ચૂક્યું હતુ અને આખરે તેણે તેના માતા-પિતાને મનાવી લીધા અને તેની ફૂટબોલર તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. ઈટાલીના ઘરઆંગણાના ફૂટબોલમાં કસોટીના એરણે ચઢેલા રોસીને કોચ જીઓવાન બાતિસ્તા ફાબ્રીએ વિંગરમાંથી સેન્ટર-ફોરવર્ડની જવાબદારી સોંપી અને તેની પ્રતિભાને જાણે પાંખો મળી ગઈ.

ઈટાલીના ઘરઆંગણાના ફૂટબોલમાં રાઈઝિંગ સ્ટાર તરીકેની ઓળખ ધરાવતા રોસીને ખુબ જ સરળતાથી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળી ગયું. ઈ.સ. ૧૯૭૮ના ફિફા વર્લ્ડ કપમાં રોસીની પ્રતિભાએ તેનો ચમકારો દેખાડયો અને વિશ્વના ટોચના સ્ટ્રાઈકર્સમાં તેની ગણના થવા માંડી. ઈટાલીયન ટીમે ૧૯૭૮ના વર્લ્ડ કપમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતુ, જે પછી ઈટાલીયન કલબ યૂવેન્ટસે આ યુવા સુપરસ્ટારને કરારબદ્ધ કરી લીધો. જોકે યુવાનીના જોશ અને સફળતાના નશામાં ભાન ભૂલેલો રોસી ગેરમાર્ગે દોરાયો અને મેચ ફિક્સિંગની રિંગમાં સામેલ થઈ ગયો. ઈ.સ. ૧૯૮૦માં ઈટાલીયન ફૂટબોલમાં સપાટી પર આવેલા મેચ ફિક્સિંગ કૌભાંડમાં તેને ત્રણ વર્ષના પ્રતિબંધની સજા ફટકારવામા આવી. આ કારણે તેને યુરોપીયન ચેમ્પિયનશિપ ગુમાવવી પડી. જોકે પ્રતિબંધ સામેની તેની અપીલ માન્ય રાખવામાં આવી અને તેના પરનો પ્રતિબંધ એક વર્ષ માટે ઘટાડવામાં આવ્યો. 

મેચ ફિક્સિંગ કૌભાંડમાં થયેલી સજાના સમયગાળામાં રોસીને જિંદગીનો પદાર્થપાઠ શીખવા મળ્યો અને આ ઘટનાએ તેને વધુ જવાબદાર બનાવ્યો. સ્થાનિક ચાહકોની નજરમાં વિલન તરીકેની છબી ધરાવતા રોસીને ૧૯૮૨ના ફૂટબોલ વર્લ્ડ કપ માટેની ટીમમા સામેલ કરવામાં આવ્યો ત્યારે જ ઘણો વિરોધ થયો હતો. જોકે, રોસીએ તેના ટીકાકારોએ ફેંકેલા પથ્થરોને પગથિયામાં ફેરવી નાંખ્યા અને ધમાકેદાર પર્ફોમન્સ કરતાં ઈટાલીને ચેમ્પિયન બનાવ્યું. તે સમયે યુવા વયમાં પ્રવેશેલા મારાડોનાની આર્જેન્ટાઈન ટીમને પણ રોસીના જાદુએ પછડાટ આપી હતી. એટલું જ નહી, બ્રાઝિલ જેવા સુપરપાવર સામે ઈટાલીના ૩-૨થી થયેલા વિજયમાં રોસીની ગોલ હેટ્રિકે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

ઈટાલીને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા રોસીને ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલ એમ બેવડા એવોર્ડ્સથી નવાજવામાં આવ્યો. સુપરહિરો બનીને સ્વદેશ પાછા ફરેલા રોસીને ઈટાલીયન ફૂટબોલ જગતે ભારે માન-અકરામ અને સન્માન આપ્યા અને લોકહૃદયમાં તો તેણે પોતાનું એક કાયમી સ્થાન બનાવી લીધું. આ સફળતાએ તેની જિંદગીને બદલી નાંખી. લોકચાહનાની સાથે સાથે જંગી નાણાંની કમાણી કરનારા રોસીએ ઈટાલીયન ફૂટબોલમાં પ્રભુત્વસભર દેખાવ જારી રાખ્યો. ફ્રાન્સના સુપરસ્ટાર માઈકલ પ્લાટીનીનો કટ્ટર હરિફ હોવા છતાં રોસી તેમનો અંતરંગ દોસ્ત પણ હતો. 

યુરોપીયન કલબ ફૂટબોલમાં ગોલ સ્કોરિંગ કૌશલ્યને કારણે નવા-નવા અનેક સીમાચિહ્નો હાંસલ કરનારા રોસીએ ટીમને ૧૯૮૫માં યુરોપીયન ચેમ્પિયન પણ બનાવી હતી. જે પછી ૧૯૮૬ના ફિફા વર્લ્ડ કપ માટેની ઈટાલીયન ટીમમાં તેને સ્થાન મળ્યું હતુ, પણ ઈજાએ તેના મિશન વર્લ્ડ કપનો અકાળે અંત આણી દીધો. આ પછી તેણે ૧૯૮૭માં ફૂટબોલ જગતમાંથી નિવૃત્તિ લઈ લીધી. ફૂટબોલ વર્લ્ડ કપમાં ઈટાલી તરફથી નવ ગોલ ફટકારવાનો રેકોર્ડ ધરાવતા રોસીએ નિવૃત્તિ બાદ ફૂટબોલ એક્સપર્ટ તરીકેની કારકિર્દીને પણ ન્યાય આપ્યો. ઈ.સ. ૨૦૦૪માં પેલેએ ફૂટબોલના ૧૨૫ લિવિંગ લેજન્ડ્સની યાદી તૈયાર કરી, તેમાં પણ રોસીને સ્થાન મળ્યું હતુ. 

વૈશ્વિક ફૂટબોલમાં ઈટાલીના પ્રભુત્વને સ્થાપિત કરનારા રોસીને ફેફસાંનું કેન્સર થયું અને તે જ આખરે તેની અંતિમ વિદાયનું કારણ બન્યું. આમ છતાં તેની સફળતાની સોનેરી યાદો અને તેના માઈલસ્ટોન આજે પણ અકબંધ છે, જે ઈટાલી જ નહીં, દુનિયાના યુવા ફૂટબોલરોને પડકારી રહ્યા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rbcOFz
Previous
Next Post »