બ ધાં ગામડાં ય કાંઈ દુધે ધોયેલા હોતાં નથી. એમાં ય ઝઘડા, ટંટા, અદેખાઈ, દ્વેષ અને જૂના વેરઝેર ક્યાંક ઘર કરીને રહેલા જણાઈ આવે. પ્રત્યેક ગામમાં નાના મોટા ઝઘડા હોય જ, કોઈના શેઢાનો, કોઈના રસ્તાનો, કોઈના ખેતરનો, કોઈએ વાડ આગળ પાછળ કર્યાનો... કોઈનું આંગણું બગાડયાનો... કોઈની જમીનમાં માલિકી કરી લીધાનો... કોઈનો ભાગ પડાવી લીધાનો... કોઈનું નામ કમી કરાવીને પોતાની હુશિયારી વાપરી બધું પોતીકું કરી લેવાનો... આથી આગળ કોઈના ખેતરમાં પાણી નહિ આપવાનો, ભેલાણ કરવાનો, શેઢા ભાગવાનો અને મહોલ્લાનાં કૂતરાઓ ભસવાનો... આવા અઢળક કારણો ગામડાની તંદુરસ્તી બગાડવા માટે જવાબદાર છે જ.. મશ્કરી, ઠ્ઠઠ્ઠા, કુથલી અને ભાન વગરની ભાષા પણ ક્યારેક ચકમકનું કારણ બની વ્યાપક રૂપ લે છે. ઉકરડા કોઈની જમીનમાં વરસો સુધી કરે જવા અને પછી ભોગવટો કરી લેવાની વૃત્તિ ગામડાના માણસમાં નથી હોતી એવું નથી. ગામડાનો માણસ હવે સાવ ભોળો રહ્યો નથી એના ભોળપણમાં ય શહેરનું ઉછીનું શાણપણ ક્યાંકથી એનામાં પ્રવેશવા માંડયું છે...
ગામના મુખી અને સરપંચો પણ આવા પ્રપંચના ભાગીદારો હોય એવા ય કિસ્સા જોવા અવશ્ય મળે કોઈક જ વિશુદ્ધ ગામ ભાગ્યે જ જોવા મળે કે જ્યાં ઝઘડા- ટંટા- અદાવતોને અવકાશ ન હોય. ભાઈ- ભાઈનો પક્ષ કરે પણ અંદરથી વિરોધ કરતો હોય એવાં બે પક્ષમાં પગ રાખનારા પણ દેખાય... દહીં અને દૂધ બંનેમાં રહેવાથી નુકસાન ઓછું થાય એવી એની ગણતરી રહેવાની, પણ એને ખબર નથી હોતી કે સરવાળે એના વ્યક્તિત્વનું એ વૃત્તિમાંથી માપ નીકળી જતું હોય છે. પોતાના પૂર્વજોની ખાનદાની વફાદારીને એ પેઢીનો વંશજ વિસારે પાડી રહ્યો છે. આમ ગામડા માટે માંડેલા ગણિત ખોટાં ય પડતા જાય છે ગામડામાં ય હવે ધૂતારા અને લોભિયા, ચોર અને લંપટ માણસોની ખોટ નથી રહી ભલે એ વૃત્તિ શહેરમાંથી ગામડે પહોંચી પણ ગામડાંય અપવિત્ર બન્યા છે, અભડાઈ ગયાં છે હવે તો ગામડાની છોકરીઓ પણ ચબરાક બનવા માંડી છે કેવી રીતે ભાગી જવાય અને કેવી રીતે મા-બાપને મનાવી લેવાય તે બધુ શીખવા માંડી છે.
રેડિયો, ટી.વી., મોબાઇલ વગેરે સાધનોએ તેને પ્રેમ કરતા શીખવ્યું, ભાગી જતાં શીખવ્યું, જુઠ્ઠું બોલતા શીખવ્યું - જીવન સુધારતા ઓછું અને બગાડતા ઝાઝું શીખવ્યું છે. ગામના છોકરા પણ હવે શહેરના છોકરા જેવા જ ચબરાક અને ચાલાક બનતા જાય છે. ગામના છોકરાને ય હવે છોકરીઓ ફસાવતા આવડે છે, માયાજાળ પાથરતા ફાવે છે. હવે શેહ- શરમ રહ્યા નથી. મોટાની આમાન્યા જાળવવી પડે એ શાસ્ત્રોની વાત છે, બોલવા- કહેવાની જ વાત છે. બાકી વર્તન જુદાં જ જણાય છે. ગામડા ધરમૂળથી બદલાવા માંડયા છે, એનાં ઘણાં કારણો છે.
ગામડામાં ય વિસ્તારવાદીઓ સામે વાસ્તવવાદીઓની સંખ્યા ઘટવા માંડી છે. માર્ગે ચાલનારો વર્ગ મોટો હતો રસ્તો ફંટાઈને ચાલનારા વધવા માંડયા છે. બાપદાદાએ- વંશજોએ આપેલા વચનો પછીની પેઢી હવે પાળી શકતી નથી. પૂર્વજોએ બંધાવેલી પરબ પછીની પેઢીને પોષાતી નથી તે બંધ કરવા બેઠો છે, પછી એ ખેતર હોય કે કથા-વારતા બાધા- આખડી હોય કે માનતા... પૂર્વજોની હોય પણ પછીની પેઢીને એમાં શ્રદ્ધા ઓછી થતી જાય છે... એ પૂર્વજો સ્વીકારવા તૈયાર જ નથી.
પિતરાઈ ભાઈ હોય કે કુટુમ્બી ભાઈ હોય પણ બે- ત્રણ પેઢી પછી દુશ્મનીનો ભાવ ઉભો થયો છે - સ્પર્ધા વકરી છે ખબર નથી પડતી હૂંફ ક્યાં ગઈ ? કુટુમ્બી ભાઈઓ વધતા ભાઈ-ભાગ પડતા જમીનો ઓછી થઈ અને પૂર્વજોએ ભાગ પાડતા ભાઈને કાઢી આપેલા રસ્તા ત્યારે તો ભાઈચારાની ભાવનાથી કાઢી આપ્યા હોય. સો સવાસો વર્ષથી એ રસ્તે ભાઈ જતા હોય પણ જમીનો મોંઘી થઈ, નવી પેઢીના વંશજોની દાનતો બગડે છે અને એ રસ્તા ખેડી કાઢી પેલા કુટુમ્બી ભાઈના ખેતરને બુચ મારી દે છે... પૂર્વજોની ભાવનાને ઠેસ પહોંચાડે છે.
ભાઈ- ભાઈના ભૂતકાળને પોતાના, બાપ દાદાની ભાવના સામે જોયા વગર બસ પોતાના અહમને અને વિસ્તારવાદી વૃત્તિ વલણને કારણે રસ્તાઓ બંધ કરે છે - ખેડી નાખે છે. ઝઘડા થાય છે. કોર્ટ કચેરીના ધક્કે ગામ ચઢે છે - આવી દુર્વૃત્તિ ગામડામાં ક્યાંથી પ્રવેશી ? પેલી અસલ ભાવના ક્યાં લુપ્ત થઈ ગઈ ? વિસ્તારવાદી માનસિકતા કેવળ પડોશી દેશોમાં જ નથી, ગામડાંય સલામત રહ્યાં નથી.
ગામડામાં હજુ સત્યને ટેકો આપનારો જૂજ વર્ગ જીવે છે. અલબત્ત ગામડામાં હજુ સાચું કહેનારો, બોલનારો એ વર્ગ સાવ નાબુદ થયો નથી. કેટલાક માણસો ગરીબ જરૂર છે પણ સત્ય માટે જાન આપવા તૈયાર છે- કેટલાક વેચાઈ પણ જાય છે, કેટલાક ફરી જાય છે - થોડા બદલાય છે પણ જે થોડા ઘણા સત્યને પકડી રાખે છે. સત્યની સાથે રહે છે એમના સતના કારણે ગામડાં જીવે છે. એ સતને આધારે આકાશ ટક્યું છે. ગામડામાં એવા સત્યપ્રિય માણસો કશી લાલચમાં આવતા નથી. કોઈનાથી લોભાતા નથી... તેઓ તો બસ 'સાચાની સાથે' રહેવાનો જ આગ્રહ રાખે છે. ચારેતરફ બધું જ બગડવા બેઠું છે ત્યારે આવા સત્યવીરો જ એક આશ્વાસન બને છે. સત્યનો જય થાઓ. તેઓને કારણે સત્ય નામના તત્ત્વને બળ મળતું રહે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38lyNkv
ConversionConversion EmoticonEmoticon