ત્યાગ .


બે ભાઈઓને પ્રસંગોપાત જુદા રહેવાનો સમય આવ્યો. દિવાળી પછી અલગ રહેવાનું ગોઠવ્યું. જોશી મૂર્હૂત કાઢે તે ખરૂ પરંતુ જુદા રહેવાની વાત નક્કી.

પંચે બે ભાઈઓની જમીન, વાસણ, અનાજ અને ઘાસના સરખા ભાગ પાડયા.

મોટા ભાઈ ભારે હૃદયે ખેતરે ગયા, ઘાસની બે ગંજી હતી, સ્પષ્ટ રીતે સરખી જણાઈ આવતી હતી. મોટા ભાઈએ વિચાર્યુ 'નાનાભાઈની શાખ નથી, તેને ઉધાર પણ કોણ આપશે ? એટલે પોતાના ભાગની ગંજીમાંથી થોડા પૂળા નાના ભાઈની ગંજીમાં મૂકી ઘેર આવ્યા.'

નાના ભાઈ અલગ થવાની વેદના સહન કરી શક્યા નહિ, બપોરે ખાધુ પણ નહિ, મોટાભાઈના આવ્યા પછી ખેતરે ગયા. જોયું તો પોતાની પૂળાની ગંજી મોટી લાગી. તેણે વિચાર્યું 'ચોક્કસ પૂળા ગણવામાં ભૂલ થઈ લાગે છે. મારે આટલા બધા પૂળા શું કરવાના ? મોટાભાઈનું કુટુંબ મોટું છે એટલે ખર્ચ પણ વધારે થાય.' પોતાની ગંજીમાંથી થોડા પૂળા મોટાભાઈની ગંજીમાં ખબર પડે નહિ એ રીતે ગોઠવી દીધા.

આમ ત્રણ દિવસ ચાલ્યું. છેવટે બન્ને ભાઈઓએ વિચાર્યું એક રાત્રે જઈ જોવું છે અને એક રાત્રે બન્ને જોવા નીકળ્યા.

તો મોટાભાઈ નાના ભાઈની ગંજીમાં પૂળા ગોઠવતા હતા તે નાના ભાઈએ જોયું.

બન્ને ભેટયા, ખૂબ રડયા, વિશાળ કુટુંબની ભાવનાને અનુભવી બન્ને રાત્રે ઘેર ગયા. કોઈ કારણસર જુદા રહેવાનો પ્રસંગ ઉભો થયો. પરંતુ ઊંઘ ક્યાંથી આવે ?

પંચના માણસો અને ગામના માણસોએ જ્યારે આ વાત સાંભળી ત્યારે નવાઈ પામ્યા.

ત્યાર પછી ગામ લોકો ત્યાગ ની ભાવનાને સમજી ગયા, એ ગામમાં આજ દિન સુધી કોઈ જુદા રહ્યું નથી.

- જયંતી પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JZOYf7
Previous
Next Post »