તે પારધી ન હતો.
પણ રાજા હતો.
પારધીને રાજા બનતાં કે રાજાને પારધી બનતાં વાર લાગતી નથી. પારધી શસ્ત્રો લઈ જંગલમાં પહોંચે તો રાજા બની જાય છે.
રાજા જો અહંકારમાં આવી જાય છે તો પારધી બની જાય છે.
પછી બંન્ને પોતપોતાનું નવું સ્વરૂપ જ જાળવી રાખે છે.
એક પોપટ પોતાનાં બચ્ચાંને ખવડાવતો હતો. માદા હશે તો ખવડાવતી હશે. બચ્ચાં અંદર હતા.
પારધીએ જોયું. મન ફરક્યું. જાળ નાખી પોપટ-માદાને પકડી લીધી.
માદા ચીસાચીસ કરવા લાગી : 'મારા બચ્ચાં, મારા નાનકા, મારા ભૂલકાં ! બહુ નાના છે હજુ પાંખ પણ આવી નથી. મને છોડી દે.. છોડી દે.. છોડી દે..!'
પારધી રાજા કે રાજા પારધી કહે : 'અરે તને એવું સરસ કિંમતી પાંજરૂ બનાવી દઉં. અને ખાવા પીવા હાજરાહજૂર, પાંજરામાં વળી હીંચકોય !!'
તેમ જ થયું. પોપટ માદા સોનેરી પાંજરે પૂરાઈ. પારધી કહે છે તેમ હર પ્રકારના સુખ ભોગવવા લાગી. પારધી રાજા કે રાજા-પાધરી પ્રચાર કરી કરીને કહેવા લાગ્યા. 'જુઓ લોકો, જુઓ મારી દયાનો નમૂનો, પોપટને આવા સુખ તો કદીય મળ્યા જ નહિ હોય ! મળશે જ નહિ !'
કલબલ કરતી કાબરો પાંજરા બહાર
કોકિલગીતો ગાતી હતી.
પોપટ કહે : 'બહેનો ! સખીઓ ! સાહેલીઓ ! મન બહાર કાઢો છો ? મુક્તિ અપાવો છો ?'
કાબર કહે : 'અહા ! અહા ! કેટલી સુખી છે તું ? અને મુક્તિ માગે છે ? અંદર જ રહે અને પાંચે પકવાનનું સુખ ભોગવ. અમને તો તારી ઇર્ષા આવે છે.'
કાગડો કા-કા કરતો હતો.
પોપટ માદા કહે : 'કાકાજી ! મને બહાર કાઢો છો ? મારા બચ્ચાં ભૂખ્યા તરસ્યા..'
કાગડો કહે : ખરી છે તું માતા ! આટલા બહેદ સુખ તો અમેય જોયા નથી ! પાંજરામાં જ રહે. તારા બચ્ચાંઓનો અમે જ ખ્યાલ રાખીશું.
કાબરો ગઈ, કાગડાઓ ય ગયા.
સમડી બાજ, ગરુડ આવી ગયા.
અરે ગીધડાં ય બાકી ન રહ્યાં.
પોપટ માદા બધાંને દયામણી વિનંતી કરતી રહે ? બધાં જ બહારના લોકો કહેતા રહ્યાં : 'અહાહા! કેટલું સુખ છે તારે. અમને તો થાય છે કે અમને ય આવું પાજરું મળે ! અંદરજ છે. જનમ જનમનું સુખ ભોગવ. તારાં બચ્ચાંને અમે અમારા જ બચ્ચાં સમજી શું.'
મીઠુ બોલનારી પોપટ માદા ચીસો પર ચીસો પાડતી રહી. રાજા- પારધી કે પારધી-રાજા લોકોને ભેગા કરીને કહે : આવું અદ્ભુત સુખ કહો કોઈને મળ્યું છે ખરૂં ? અગાઉના લોકોને તો આવો ખ્યાલ જ ન આવે. મારી દયા-માયા- કાર્ય પ્રણાલીમાં સારી દુનિયામાં ડંકા વાગે છે. ભેય વગાડો. ઇતિહાસના પાનાઓ ઉપર સુવર્ણાક્ષરે નોંધ મૂકી દો. પાઠય પુસ્તકમાં ગીતો મૂકી દો કે..
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
પોપટ પાંજરાંની મ્હાંય, ઉની ઉની વાનગી ખાય.
લીલા લહેર કરે, પોપટ મઝા કરે ફરફર, ફરફર, ફરફર તેની ધજા ફરફર-
પોપટ રાજાના ગીત ગાય
પોપટ પારધીના ગીત ગાય !
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gCBtOB
ConversionConversion EmoticonEmoticon