આર્યમન યાદવ
તા રીખ સાતમી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના દિવસે સવારે બનેલી ડબલ મર્ડરની ઘટના અંગે ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના તરિયાસુજાન તાલુકા પોલીસ સ્ટેશને પ્રેસનોટ તો બનાવી નાખી પરંતુ એ પ્રેસનોટ મીડિયા સુધી પહોંચાડે એ અગાઉ એક વીડિયો એવો વાયરલ થયો કે પોલીસે એ પ્રેસનોટ કચરાપેટીમાં નાખવી પડી.
આખી ઘટનાના ભેદભરમનું જાળું જબરજસ્ત ગૂંચવાયેલું છે.ગામલોકો જાતજાતની વાતો કરે છે, પરંતુ રહસ્ય હજુ સુધી અકબંધ છે.
વાતનો આરંભ કરીએ આર્યમન યાદવથી. ગોરખપુરના નંદાનગરનો રહેવાસી આર્યમન યાદવ કૉલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. એના પિતા ઉમેશસિંહ યાદવ પ્રોપર્ટી ડિલર હતા, આર્યમનનો મોટો ભાઈ અભિષેક બી.ટેક્ કરતો હતો.
આર્યમનને માલતી નામની એક ગર્લફ્રેન્ડ હતી. (આ નામ કાલ્પનિક છે) સાથે અભ્યાસમાંથી સંબંધ વિકસેલો. લોકડાઉનને લીધે કૉલેજ બંધ હતી એટલે માલતી એના પરિવાર પાસે કુશીનગર પહોંચી ગઈ હતી.
તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરની રાત્રે બરાબર બાર વાગ્યે આર્યમને માલતીને ફોન જોડયો. માલતીની વર્ષગાંઠ તો સાતમી તારીખે હતી. પણ રાત્રે બાર વાગ્યે તારીખ બદલાય ત્યારે સૌથી પહેલી શુભેચ્છા આપવાની હોંશમાં આર્યમને ફોન કરેલો. જન્મદિવસની શુભેચ્છાઓ સાથે દોઢ કલાક સુધી વાતો ચાલતી રહી.
સાતમી તારીખે પરોઢિયે પાંચ વાગ્યે ઉઠીને આર્યમન તૈયાર થયો ત્યારે એની માતા અનીતાદેવીને આશ્ચર્ય થયું. 'અલ્યા, અડધી રાત સુધી તો તું ફોન સાથે રમતો હતો, તોય આટલો વહેલો તૈયાર થઈ ગયો? શીદ જવાનું છે?'
'ક્યાંય નહીં.' આર્યમને માતાને સમજાવ્યું. 'નવું જીમ ખૂલ્યું છે, એમાં મારા દોસ્તાર દિલજીતની જોડે જવાનું છે.' મોટા ભાઈ અભિષેકના સ્કૂટીની ચાવી હાથમાં લઈને એણે ઉમેર્યું. 'જલ્દી પાછા અવાય એટલે સ્કૂટી લઈ જાઉં છું.'
અનિતાદેવીએ સંમતિ આપી અને આર્યમન ઘરની બહાર નીકળ્યો.
બાર વાગ્યે બધા જમવા બેઠા ત્યારે આર્યમનની ગેરહાજરી જોઈને ઉમેશસિંહે પત્ની સામે જોયું. 'આર્યમન કેમ નથી દેખાતો?'
'અભિનું સ્કૂટર લઈને ગયો છે અને હજુ સુધી પાછો નથી આવ્યો એટલે મનેય એની ચિંતા થાય છે.' ચિંતાતુર અવાજે આટલું બબડીને માતાએ મોટા દીકરા સામે જોયું. 'એના ભાઈબંધ દિલજીતની જોડે જીમમાં જવાનું કહેતો હતો. દિલજીતનો નંબર હોય તો ફોન કર.'
અભિષેકે સૌથી પહેલા તો આર્યમનનો મોબાઈલ નંબર ફરી વાર લગાવ્યો. ફોન સ્વીચ આફ છે એવો મેસેજ આવતો હતો એટલે એણે દિલજીતનો નંબર જોડયો.
'ક્યું જીમ?' દિલજીતે આશ્ચર્યથી પૂછયું. 'મારે એવી કોઈ વાત નથી થઈ. ગઈ કાલે સાંજે મેં આર્યમનને જોયેલો. એ પેલા જિજ્ઞાાસુની સાથે લસ્સી પીતો હતો.'
'જિજ્ઞાાસુનો નંબર છે?' અભિષેકના અવાજમાં હવે ચિંતા ભળી. 'હોય તો તરત વોટસેપ કર.'
દિલજીતે જિજ્ઞાાસુનો નંબર તો આપ્યો પણ એય સ્વીચઑફ આવતો હતો એટલે અભિષેક ઘરની બહાર નીકળ્યો. આર્યમનના બીજા એક મિત્રનું ઘર એણે જોયેલું હતું ત્યાં પહોંચી ગયો. આસપાસમાં જેટલા પણ યુવાનો સાથે આર્યમનને સંબંધ હતો એ બધાને મળીને અભિષેકે વાતચીત કરી અને પછી ઘેર આવ્યો ત્યારે માતા-પિતા ચિંતાતુર બનીને બેઠા હતા.
'આપણો હીરો તો જબરા ખેલ પાડે છે.' આર્યમનના મિત્રો પાસેથી મેળવેલી માહિતીના આધારે અભિષેકે માતા-પિતાને કહ્યું. 'એના ક્લાસમાં ભણતી એક છોકરી ભાઈની ખાસ બહેનપણી બની ગઈ છે. કૉલેજ બંધ છે એટલે એ છોકરી અત્યારે એના ઘેર કુશીનગરમાં રહે છે. એના દોસ્તોએ કહ્યું કે અગાઉ બે-ત્રણ વાર આર્યમન ત્યાં જઈ આવેલો છે. બસમાં જતો હશે પણ આજે એ હીરોઈનનો જન્મદિવસ છે એટલે આપણો હીરો મારું સ્કૂટી લઈને ત્યાં દોડયો છે. ગર્લફ્રેન્ડ પાછળ ગાંડા થઈને એ ડોબાએ સાંઈઠ કિલોમીટરનો ધક્કો ખાધો છે. આપણે ધમકાવીશું એ બીકમાં સાહેબે ફોન બંધ કરી દીધો છે!'
'પરોઢિયે ઉઠીને એ તૈયાર થયો ત્યારે મનેય નવાઈ લાગેલી. મેં પૂછયું ત્યારે એણે જીમની વાત કહેલી.' અનીતાદેવીએ પતિ અને પુત્રને આદેશ આપ્યો. 'એ આવે એટલે ધમકાવજો. આવા ધંધા ના શોભે.'
ઉમેશસિંહને બૅન્કમાં જવાનું હતું એટલે પત્નીની વાતમાં હોંકારો ભણીને એમણે કબાટ ખોલ્યું. રાત્રે મૂકેલા એ પૈસા તો અકબંધ હતા. એની ઉપરના ખાનામાં એમની લાયસન્સવાળી રિવોલ્વર કાયમ પડી રહેતી હતી એ અત્યારે ત્યાં નહોતી!
ઉમેશસિંહ ચમક્યા. 'અભિ, મારી રિવોલ્વરને તું અડેલો?' ઉચાટને લીધે એમનો અવાજ તરડાઈ ગયો. 'રાત્રે પૈસા મૂક્યા ત્યારે તો એ ત્યાં હતી. અત્યારે નથી. તો એ ગઈ ક્યાં?'
અભિષેક અને અનીતાદેવી પણ ભડક્યા. એક જ સેકન્ડમાં ઘરનું વાતાવરણ ભારેખમ થઈ ગયું. આર્યમન પરોઢિયે ઘરમાંથી ગયો ત્યારે એ પોતાની સાથે રિવોલ્વર લઈ ગયો હશે એ વાતની ત્રણેયને ખાતરી થઈ ચૂકી હતી.
'ગર્લફ્રેન્ડની બર્થડેમાં તો ગુલદસ્તો લઈ જવાય, આ રખડેલ રિવોલ્વર કેમ લઈ ગયો?' બાપે ઉચાટથી કહ્યું. 'લાયસન્સ મારા નામે છે. આ ગાંડિયો કંઈક નવાજૂની કરશે તો ઉપાધિ થઈ જશે.'
'આજકાલ બર્થડે પાર્ટીમાં ફાયરિંગ કરીને વટ મારવાની ફેશન છે.' અભિષેકે પિતાને સમજાવ્યું. 'બહેનપણી અને દોસ્તારોમાં રોલો પાડવા એણે આ મૂર્ખામી કરી હશે.'
આર્યમન કે એની સાથે ગયેલા જિજ્ઞાાસુનો ફોન તો બંધ જ હતો એટલે માતા, પિતા અને મોટાભાઈ માટે રાહ જોઈને બેસી રહેવા સિવાય બીજા કોઈ વિકલ્પ નહોતો.
બપોરે ત્રણ વાગ્યે અભિષેકનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન ઉપર આર્યમનનું નામ જોઈને એણે સીધું જ ખખડાવવાનું શરૂ કરી દીધું. 'છોટુ, અહીં બા-બાપા કેટલી ચિંતા કરે છે એનું ભાન છે તને? આવી બેજવાબદારી શોભે છે તને?'
'એક મિનિટ..' સામેથી કોઈ અજાણ્યા ભારેખમ અવાજે એને અટકાવીને પૂછયું. 'આ મોબાઈલ કોનો છે?'
'આર્યમન ઉમેશસિંહ યાદવનો. એ મારો નાનો ભાઈ છે.' મનમાં અનેક શંકા-કુશંકા વચ્ચે અભિષેકે પૂછયું. 'કોણ બોલો? આ ફોન તમારી પાસે ક્યાંથી આવ્યો?'
'તરિયાસુજાન પોલીસ સ્ટેશનમાંથી ઈન્સ્પેક્ટરહરેન્દ્રકુમાર મિશ્રા બોલું. તમારા ભાઈનો અકસ્માત થયો છે. આ મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટમાં બડે ભૈયા જોઈને તમને ફોન કર્યો. વધુ કંઈ પૂછયા વગર ફટાફટ રામપુર બંગરા ગામે આવી જાવ. એ સિરિયસ છે.'
દસ મિનિટમાં જ ઉમેશસિંહ, અભિષેક, અનીતાદેવી અને બીજા પાંચેક પાડોશીઓ જીપમાં ગોઠવાઈ ગયા. જીપ ધમધમાટ કુશીનગર તરફ આગળ વધતી હતી.
હવે આપણે જોઈએ કે સવારે શું બન્યું હતું?આર્યમન સ્કૂટી ચલાવતો હતો અને એનો મિત્ર જિજ્ઞાાસુ પાછળ બેઠો હતો. માલતીનું મકાન કુશીનગરના સૈનિકકુંજમાં હતું.
ત્યાં જવાને બદલે આર્યમને સ્કૂટીને બાજુના રામપુર બંગરા ગામ તરફ વાળ્યું એટલે જિજ્ઞાાસુને આશ્ચર્ય થયું. 'અલ્યા, સૈનિકકુંજનો રસ્તો ભૂલી ગયો?' એણે હસીને પૂછયું. 'અહીં એક કામ છે.' સ્કૂટી ચાલુ રાખીને આર્યમને જવાબ આપ્યો. 'વીસેક મિનિટમાં એ કામ પતાવીને માલતીને ત્યાં જઈશું.' એના અવાજનો બદલાયેલો રણકો પારખીને જિજ્ઞાાસુ ચમક્યો. 'શું કામ છે?' એણે પૂછયું પણ એને જવાબ આપવાના બદલે ગામના એક મકાનની ડેલી પાસે આર્યમને બ્રેક મારી.
સવારે સાડા આઠ વાગ્યે શેરીમાં લોકોની ખાસ્સી અવરજવર હતી.
'કામ શું છે એ બોલ.' આર્યમન સામે જોઈને જિજ્ઞાાસુએ મક્કમતાથી કહ્યું. 'તું મોં નહીં ખોલે તો હું નહીં આવું.'
'ના આવવું હોય તો ચૂલામાં જા. ભાગ અહીંથી.' આર્યમને ઉશ્કેરાઈને કહ્યું. પોતાના મિત્રનું આવું રૂપ અગાઉ ક્યારેય જોયું નહોતું એટલે જિજ્ઞાાસુ ડઘાઈ ગયો. વધુ અપમાન સહન કરવાને બદલે એ સડસડાટ આગળ વધી ગયો. કોઈને રસ્તો પૂછીને એણે બસસ્ટેન્ડ તરફ પગ ઉપાડયા.
આર્યમને ડેલીનું બારણું ખખડાવ્યું. પચીસેક વર્ષની યુવતીએ બારણું ખોલીને પૂછયું. 'આપ કોણ? કોનું કામ છે?'
'ગોપાલગંજમાં ટીચર છે એ સુધીરસિંહનું જ આ ઘર છેને?' આર્યમને પૂછયું અને પેલીએ હકારમાં માથું હલાવ્યું. 'હું ગોરખપુરથી આવું છું. સુધીરસિંહના મોટાભાઈ રાજેશસિંહ અમારે ત્યાં શિક્ષક તરીકે નોકરી કરે છેને? એ મારા મિત્ર છે.'
પોતાના જેઠના મિત્રને આવકારવા માટે સુધીરસિંહની પત્નીએ આર્યમનને અંદર આવવા માટે કહ્યું.
ઘરમાં બીજી ત્રણેક સ્ત્રીઓ પણ હતી. 'આ ભાઈ કોણ છે?' સાસુએ પૂછયું. 'ગોરખપુરથી આવ્યા છે. મોટાભાઈના દોસ્તાર છે.' પેલીએ જવાબ આપ્યો અને આર્યમન સામે જોયું. 'એ અબીહાલ બાથરૂમમાં
ગયા છે. આપ આરામથી બેસો.' આર્યમન ખાટલા પર બેઠો અને ચા પીધી. થોડી વારમાં સુધીરસિંહ ઝભ્ભો અને લેંઘો પહેરીને બહાર આવ્યા. એમણે ખાટલામાં બેઠેલા આર્યમન સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
'રાજેશસિંહનો મિત્ર છું.' ખાટલા પરથી ઊભો થઈને આર્યમન સુધીરસિંહ પાસે ગયો. તદ્દન નજીક જઈને એણે વીજળીની ઝડપે પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો. સુધીરસિંહ કંઈ સમજે-વિચારે એ અગાઉ ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને આર્યમને એમની છાતીમાં બે ગોળી ધરબી દીધી. લોહીના ફૂવારા ઊડયા અને સુધીરસિંહ ફસડાઈ પડયો. આ દ્રશ્ય જોઈને હબકી ગયેલી સ્ત્રીઓએ ચીસાચીસ કરી મૂકી. ધડાકાના અવાજ અને ચીસાચીસથી લોકો દોડી આવે એ અગાઉ ભાગવા માટે આર્યમન બારણાં તરફ દોડયો પણ લોકોને દોડતાં આવતાં જોઈને એણે ડેલીનું બારણું અંદરથી બંધ કરી દીધું અને ફળિયામાં હતી એ સીડી પર ચડીને ઘરના ધાબા ઉપર પહોંચી ગયો. સ્ત્રીઓ હજુ ચીસો પાડતી હતી. સુધીરસિંહની લાશ પાસે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.
બહાર લોકોની ભીડ વધી ગઈ હતી. બધા આર્યમનને જોઈ શકતા હતા. આર્યમન એમને જોઈ શકતો હતો. ભીડમાંથી કોઈએ આઠ કિલોમીટર દૂર આવેલા તરિયાસુજાન પોલીસ સ્ટેશને ફોન કરીને કહ્યું કે રિવોલ્વરના બે ધડાકા થયા છે અને એ કરનારો અજાણ્યો યુવાન હાથમાં રિવોલ્વર લઈને ધાબામાં ઊભો છે.
આગની જેમ ખબર ફેલાઈ એટલે ગામના બીજા લોકો પણ દોડી આવ્યા. નીચે ચારસો માણસનું ટોળું જોઈને છટકવાનો રસ્તો શોધવા આર્યમન ઘાંઘો થયો. કોઈ રસ્તો નહોતો એટલે ભીડને ડરાવવા માટે એણે ધડાધડ હવામાં ફાયરિંગ શરૂ કર્યું. પરંતુ ટોળું તો અડીખમ ઊભું જ રહ્યું.
સ્ત્રીઓને રિવોલ્વરની ધાક બતાવીને આર્યમને બારણું ખોલવાની ના પાડી હતી. સુધીરસિંહની લાશ જોઈને આમેય એ લોકોને હૈયાફાટ રડવા સિવાય કોઈ સૂઝ નહોતી બચી.
કલાક પછી પોલીસની જીપ આવી. પોલીસે આર્યમનને શરણે થવા આદેશ આપ્યો. હાથમાં રિવોલ્વર સાથે જ આર્યમન નીચે આવ્યો અને ઘરના એક ઓરડામાં ઘૂસ્યો એ દરમ્યાન બહાર પોલીસ આવી ગઈ છે એ જાણીને સુધીરસિંહની પત્નીએ ડેલીનું બારણું ખોલી નાખ્યું. ચાર કોન્સ્ટેબલ અંદર આવ્યા. રિવોલ્વર ખાલી થઈ ચૂકી હતી એટલે આર્યમન હવે બચવાનો ઉપાય શોધતો હતો. એવામાં કોન્સ્ટેબલોએ હિંમત કરીને બારણું તોડી નાખ્યું અને આર્યમનને પકડી લીધો. લોહીથી લથબથ સુધીરસિંહની લાશ જોઈને ગામલોકો વિફર્યા. બે પોલીસ આર્યમનને પકડીને જીપ તરફ લઈ જતા હતા ત્યારે જ ટોળામાંથી કોઈકે હિંમત કરીને આર્યમનને લાકડી મારી. એ જોઈને બીજા લોકોને પણ ઝનૂન ચડયું. ટોળાએ પોલીસના હાથમાંથી આર્યમનને ખેંચી લીધો અને મારવાનું શરૂ કર્યું. ચારસો માણસના ટોળા સામે પોલીસ લાચારીથી મૂક પ્રેક્ષકની જેમ ઊભી રહીને તમાશો જોતી રહી. પથ્થર, લાકડીઓ, લોખંડની પાઈપ-જેના હાથમાં જે આવ્યું એ લઈને લોકો કચકચાવીને આર્યમનને મારતા રહ્યા.આ ખેલ ચાલીસેક મિનિટ ચાલ્યો અને આર્યમનના શ્વાસ અટકી ગયા!
આર્યમનને લોકોએ ઝૂંટવી લીધો કે તરત એક કોન્સ્ટેબલે ફોન કરેલો એટલે ઈન્સ્પેક્ટર હરેન્દ્રકુમાર મિશ્રા દોડી આવ્યા, પરંતુ એ પહેલા આર્યમન મરી ગયો હતો. ભીડમાંથી કોઈ એને ઓળખતું નહોતું એટલે એના મોબાઈલનું કોન્ટેક્ટ લિસ્ટ જોઈને એમાં બડે ભૈયા લખેલો નંબર જોડીને મિશ્રાએ વાત કરી. માઠા સમાચારને બદલે સિરિયસ છે એમ કહીને જલ્દી આવવા સૂચના આપી.
હત્યાનો આરોપી પોલીસના જાપ્તામાં હોય અનેએને ઝૂંટવીને ટોળું મારી નાખે એ વાત પોલીસ માટે શરમજનક કહેવાય, એટલે વાર્તાને વળાંક આપી દીધો.આરોપીને સરન્ડર થવા માટે પોલીસે મનાવી લીધેલો, પરંતુ એ અગાઉ લોકોએ બારણું તોડીને આરોપીને પકડીને મારી નાખ્યો. વાર્તા પૂરી.
આ રીતની ગોઠવણથી મિશ્રાજી ધરપત અનુભવતા હતા. પરંતુ ગામના એક યુવાને પોલીસ આવી ત્યારથી જ વીડિયો ઊતારવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ જાપ્તામાં આર્યમન અને એ પછી લોકો ઝૂંટવી જાય એ પળેપળનું રેકોડગ એણે કરેલું. એ વીડિયો વાયરલ થયો અને જિલ્લા પોલીસ વડાએ હરેન્દ્રકુમાર મિશ્રા અને ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા અને ઘટનાના મૂળ સુધી જવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની પણ જાહેરાત કરી. બંને લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટસ્ આવી ગયા. સુધીરસિંહને બે ગોળી વાગેલી. એમાંથી એક પેટની આરપાર નીકળી ગયેલી અને બીજી ગોળી કરોડરજ્જુમાં ઘૂસીને ફસાઈ ગયેલી-એ મોતનું કારણ બની. આર્યમનની લાશ ઉપર મોટા ચૌદ ઘા હતા અને બ્રેઈન હેમરેજ એના મોતનું કારણ બન્યું. એક એફ.આઈ.આર. આર્યમન સામે અને બીજી ચારસો માણસના ટોળા સામે કરવામાં આવી છે.
આર્યમન કે એના પરિવારમાંથી કોઈને સુધીરસિંહનો સહેજ પણ પરિચય નહોતો. તો પછી આર્યમને આ હત્યા કેમ કરી એ રહસ્ય હજુ ઉકેલાયું નથી.
રાત્રે આર્યમને માલતી સાથે લાંબી વાત કરી, એમાં જ આ ઘટનાનો છેડો સંકળાયેલો હશે એવી મારી ધારણા છે. માલતીના પરિવારને સુધીરસિંહ સાથે દુશ્મનાવટ હોય એ એક કારણ હોઈ શકે અથવા એમના પ્રેમપ્રકરણમાં સુધીરસિંહ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આડખીલીરૂપ બને એવું કંઈક કારણ હોય. માલતીના પરિવારે પોલીસને સખ્તાઈથી જણાવી દીધું છે કે આમાં અમારી દીકરી ક્યાંય પિક્ચરમાં નથી એટલે ખોટી હેરાનગતિ ના કરશો.
આર્યમન હવે બોલવાનો નથી અને માલતી મોં ખોલવાની નથી એટલે આ રહસ્ય ક્યારે અને કઈ રીતે ખૂલશે એ તો આવનારો સમય જ કહેશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38JFZHn
ConversionConversion EmoticonEmoticon