શરદ કેળકર: તોલ મોલની વાત


થો ડા સમય પહેલા અક્ષયકુમારને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ 'લક્ષ્મી' આવી હતી. દર્શકોએ આ મૂવીને મિશ્ર પ્રતિસાદ આપ્યો. પરંતુ તેમાં 'લક્ષ્મી'ની ભૂમિકાને ભારે ખ્યાતિ પ્રાપ્ત થઈ. વાસ્તવમાં આ પાત્ર અભિનેતા શરદ કેળકરે ભજવ્યું હતું અને તેના કિરદારને અપ્રતિમ પ્રસંસા પ્રાપ્ત થઈ. ઘણાં લોકોએ તો શરદના અભિનયને અક્ષયના અભિનય કરતાં પણ ઉત્તમ ગણાવ્યો.

જોકે શરદ આ વાતનો ઈનકાર કરતાં કહે છે કે ક્યાં અક્ષય અને ક્યાં હું. હું તેમની તોલે ન આવી શકું. મેં આ મૂવીમાં માત્ર ૧૫ મિનિટની ભૂમિકા ભજવી છે. તેથી લોકોને તે નોખી લાગી હશે. જ્યારે અક્ષયકુમારે એકલાએ ચાર ચાર પ્રકારના રોલ નિભાવ્યા છે. કદાચ એવું હોય કે દર્શકોએ અક્ષયની તુલના તેમના જ અન્ય પાત્રો સાથે કરી હશે. બાકી તેમનો અનુભવ, તેમનો અભિનય, તેમની બહુમુખી પ્રતિભા સામે મારું શંા ગજું?

'લક્ષ્મી'ને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ સાંપડયો. પરંતુ શરદના રોલની ચર્ચા હજી પણ સોશ્યલ મીડિયા પર થાય છે. આ બાબતે શરદ કેળકર કહે છે કે દરેક દર્શકની પોતાની પસંદ- નાપસંદ હોય છે. જોકે મારી ભૂમિકા લોકોને આટલી બધી ગમી જશે એવી મેં કલ્પના પણ નહોતી કરી. જ્યારે શૂટિંગ થયું ત્યારે કલાકાર- કસબીઓએ મારા અભિનયની પ્રશંસા કરી હતી. પણ મારા પાત્રને આવો બહોળો પ્રતિસાદ મળશે તેની મને કલ્પના સુધ્ધાં નહોતી. અલબત્ત, આ બાબતે હું દર્શકોનો આભારી છું.

શરદની પત્નીને પણ તેની આ ભૂમિકા અનહદ ગમી હતી. અભિનેતા કહે છે કે મારી પત્ની મારી બધી ફિલ્મો જૂએ છે અને મારા પાત્રો વિશે તટસ્થ મત આપે છે. પરંતુ મારું આ કિરદાર તેને બહુ ગમ્યું હુતં. આ ફિલ્મમાં મારો રોલ જોઈને તેની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે મને ગળે વળગાડીને કહ્યું હતું કે મને તમારા ઉપર ગર્વ છે. મારા માટે આનાથી મોટી પ્રસંસા બીજી કોઈ હોઈ જ ન શકે. તેવી જ રીતે હમણાં હું તમિળ ફિલ્મોમાં કામ કરી રહ્યો છું અને 'લક્ષ્મી' જે મૂવી પરથી બનાવવામાં આવી છે તેના સર્જકે મને કહ્યું હતું કે તે મૂળ ફિલ્મમાં આ કિરદાર નિભાવનાર આર શરથકુમાર કરતાં પણ વધુ સારું કામ કર્યું છે ત્યારે મને આશ્ચર્યનો આંચકો લાગ્યો હતો.

અભિનેતાને જ્યારે 'લક્ષ્મી'ની ભૂમિકા ઓફર થઈ ત્યારે પળનોય વિલંબ કર્યા વિના તેણે તે સ્વીકારી લીધી હતી. શરદ કહે છે કે મેં 'તાન્હાજી'માં જેવી ભૂમિકા ભજવી તેનાથી તદ્દન વેગળું કિરદાર કરવાની ઈચ્છા હતી મારી. તેથી જ્યારે મને આ પાત્ર ઓફર થયું ત્યારે બે વખત વિચાર કર્યા વિના જ મેં તે સ્વીકારી લીધો હતો.

એવું લાગે છે કે શરદને કોશ્ચ્યુમ ડ્રામા વધુ ગમે છે. પરંતુ અભિનેતા કહે છે કે યોગાનુયોગે મને આવા રોલ વધારે પ્રમાણમાં ઓફર થાય છે અને હું માનું છું કે પાત્રનું કોશ્ચ્યુમ તેને વધુ નિખારે છે. અલબત્ત, 'દરબાન'માં હું કોઈ ખાસ પહેરવેશમાં નહીં દેખાઉ.

ઘણાં લોકો એમ માને છે કે શરદે 'બાહુબલિ'માં વોઈસ ઓનર આપ્યું ત્યારબાદ ફિલ્મમાં તેની નોંધ લેવાઈ છે. જ્યારે અભિનેતા કહે છે કે સંજય લીલા ભણશાળીએ મને 'રામલીલા'માં તક આપી ત્યાર પછી મારી કારકિર્દીમાં નવો વળાંક આવ્યો. ટચૂકડા પડદાનો કલાકાર હોવા છતાં ફિલ્મોમાં મને ઘણું કામ  મળવા લાગ્યું. બાકી હું મને સ્માર્ટ એક્ટર માનું છું. લોકો મારી નોંધ લે તેમાં જ હું રાજી થઈ જાઉં છું. મારા મતે મનોજ બાજપેઈ જેવા કલાકારો દિગ્ગજ ગણાય.

અભિનેતા સારો વોઈસ ઓવર આર્ટિસ્ટ હોવા છતાં આ ક્ષેત્રે ઝાઝું કામ કરવા નથી માગતો. તે કહે છે કે જો હું તેમ કરવા જઈશ તો લોકો મારા માથે વોઈસ ઓવર આર્ટિસ્ટનું લેબલ લગાવી દેશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oMQ90t
Previous
Next Post »