અનુષ્કા શર્મા: આજીવન અભિનય કરવાની અભિલાષા


ઓ ગસ્ટ મહિનામાં પોતે ગર્ભવતી હોવાનું જાહેર કરનાર અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના ફોટા સોશ્યલ મીડિયા પર અવારનવાર મૂકતી રહે છે. તેની ગર્ભાવસ્થાને પગલે મોટાભાગના લોકો માન માનતાં હતાં કે તે હવે કામમાંથી બ્રેક લેશે. પરંતુ તાજેતરમાં તેણે કેટલીક કમર્શિયલ માટે શૂટિંગ કરીને બધાને અચંબામાં નાખી દીધાં છે. અલબત્ત, શૂટિંગ માટે જવાથી પહેલા તેણે પોતાની તેમજ પોતાની ટુકડીની સુરક્ષાની ખાતરી કરી લીધી હતી. મઝાની વાત એ છે કે હજી તેનું શીશું અવતર્યું પણ નથી, તેનાથી પહેલાં તો તે પ્રસૂતિ પછી થોડા સમયમાં જ ફરી કામે ચડવા ઉતાવળી બની છે.

પોતાના તાજેતરના શૂટિંગ વિશેના અનુભવ વિશે અનુષ્કાએ જણાવ્યું હતું કે સેટ પર પગ મૂકતાં જ હું આનંદમાં આવી ગઈ હતી. થોડાં દિવસ સુધી શૂટિંગ કરતી વખતે હું મારી સમગ્ર ટીમને પણ મળી હતી તેથી મારું મન ખુશીથી ઝૂમી ઉઠયું હતું. અલબત્ત, આ વર્ષ આ ઈન્ડસ્ટ્રી માટે ખાસ્સું મુશ્કેલ રહ્યું છે, પરંતુ હવે કલાકાર- કસબીઓ અગાઉ જેવા જ ઉત્સાહ સાથે કામ કરી રહ્યાં છે તે પણ ખુશીની વાત છે.

જોકે તાજેતરનું શૂટિંગ કરવાથી પહેલા અનુષ્કાએ કોરોના સામેની સલામતીના સઘળાં પાસાંનો વિચાર કર્યો હતો. તે કહે છે કે મેં એ વાતની પૂરેપૂરી ખાતરી કરી હતી કે કોરોના સામે સલામતીના પગલાં લેવામાં આવે અને તેને લગતાં નિયમોનો કડક અમલ થાય. તેનો સઘળો સ્ટાફ અને કસબીઓ શૂટિંગ ચાલતું હોય ત્યાં સુધી દર થોડાં દિવસે કોવિડ-૧૯નું પરીક્ષણ કરાવતાં રહે. તેની ટીમ પણ તેના વિશે અત્યંત સાવધાન રહેતી હતી. તેઓ તેમના કામ સિવાય કોઈને નહોતા મળતાં. અનુષ્કા વધુમાં કહે છે કે હું સારી રીતે જાણતી હતી કે શૂટિંગ દરમિયાન મને માસ્ક પહેરવા નથી મળવાનું. તેથી સેટ પર સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત હોય તે અત્યાવશ્યક હતું. મને આનંદ છે કે બધાએ જરૂરી નિયમોનું પાલન કર્યું હતું.

અનુષ્કા ઉમેરે છે કે વાઈરસ ક્યાંય જવાનો નથી. તેથી આપણને ન્યુનોર્મલ સ્વીકારીને કડક સલામતીના પગલાં સાથે જીવવાનું છે અને હું એ જ કરી રહી છું. મારા શિશુના જન્મ પછી પણ હું થોડા સમયમાં ફરીથી મારું કામ શરૂ કરી દઈશ. અલબત્ત, ઘરમાં હું એવી વ્યવસ્થા ગોઠવીશ કે હું મારા બાળક, ઘર અને શૂટિંગ વચ્ચે યોગ્ય સંતુલન સાધી શકું. બાકી હું કામ કરવાનું છોડવાની નથી. બલ્કે હું આજીવન કામ કરવા માગું છું. કારણ કે અભિનય મને અંતરની ખુશી આપે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Zpb1i
Previous
Next Post »