સ્ત્રી શત્રુ - સાયટીકા .


'સાયટીકા' શબ્દ આજ-કાલ ખૂબ કોમન બની ગયો છે. ઘણી બધી સ્ત્રીઓમાં આ રોગ જોવા મળતો હોય છે. પરંતુ સ્ત્રીઓમાં અને તેમાં પણ ૩૫-૪૦ વર્ષની ઉંમર પછી આ રોગ વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે.

સાયટીકા સામાન્ય ભાષામાં ''રાંઝણ'' અને આયુર્વેદમાં ''ગૃધુસી'' તરીકે આ રોગને ઓળખવામાં આવે છે. વાયુદોષથી ઉત્પન્ન થતો આ નાડીરોગ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. જેનો દુઃખાવો પણ ઘણો તીવ્ર હોય છે.

આધુનિક મતાનુસાર કરોડરજ્જુના અંતિમ ભાગમાં આવેલાં પાંચ મણકાઓમાંથી આ સાયટીકા નળી નીકળતી હોય છે. મણકામાં દબાણ પડતાં આ નાડી ખેંચાય છે, અને દુઃખાવો શરૂ થઇ જાય છે. કમરથી શરૂ કરીને કોઇ પણ એક કે બંને પગની એડી સુધી જતી એક નસ જકડાઇ જવાથી વ્યક્તિ પગ સારી રીતે માંડી કે ઉપાડી શકતો નથી. તેને ઊઠતાં, ચાલતાં બેસતાં ભારે પીડા થાય છે. આથી વ્યક્તિ લંગડાય છે અને ચાલતાં ભારે મુશ્કેલી અનુભવે છે. સાયટીકા નાડી નિતંબથી શરૂ કરી પગનાં પંજા સુધી અનેક શાખા-પ્રશાખાઓમાં વહેંચાતી જાય છે.

રાંઝણ-સાયટીકા થવાનાં કારણો:-

(૧) વાયુની દુષ્ટિ કરે તેવાં આહાર-વિહારનો ઉપયોગ, ખોરાકમાં લૂખી, સૂકી વસ્તુ કે કઠોળનું વધુ પડતું સેવન, કબજીયાત, વધુ પડતાં ઉપવાસ કે એકટાણાં કરવા, વધારે પ્રમાણમાં ચાલવું, વધુ પડતી ચિંતા, શોક હોય જેવા માનસિક કારણોનાં સહયોગથી ગૃધુસી - રાંઝણ રોગ પેદા થાય છે.

રાંઝણ-સાયટીકા બે પ્રકારની થાય છે. (૧) શુધ્ધ વાયુજન્ય (૨) વાત કફ કે આમદોષજન્ય.

રાંઝણનાં લક્ષણો:-

આ રોગમાં દર્દી ગીધની જેમ ટુકડે-ટુકડે થોડું ચાલે છે. પગની આ નાડીમાં સંકોચ-ખેંચાણ થઇ જાય છે. તેથી તેની કુદરતી સંકોચ-વિકાસની શક્તિ ઘટી જાય છે. તે નાડી સાથે માંસપેશીઓ તથા કંડરામાં તીવ્ર પીડા તથા ઝણઝણાટી થવા લાગે છે. ક્યારેક આ દુઃખાવો એટલો બધો વધી જાય છે કે દર્દી ઊંઘી પણ શકતો નથી અને દુઃખાવાનાં લીધે ક્યારેક તાવ પણ આવી જાય છે. એક પગમાં થયેલી રાંઝણની મૂળગામી સારવાર સમયસર ન કરવામાં આવે તો આ દર્દ બંને પગમાં થઇ શકે છે. આ દર્દ ખાસ રાત્રીનાં સમયે હલન-ચલન કરતી વખતે તથા વરસાદ અને ઠંડીનાં સમયે રોગ ખાસ વધી જાય છે. તે સિવાય વધુ પડતી ઠંડી કે હીમ પડે, દર્દી વરસાદમાં પલળે કે પાણીમાં તરે ત્યારે પણ દર્દ વધી જાય છે જ્યારે રાંઝણનો રોગ ખૂબ વધી જાય ત્યારે છેલ્લી સ્થિતિમાં દર્દીને પગમાં શૂન્યતા, સ્પર્શજ્ઞાાનનો અભાવ, જડતા, ઝણઝણાટી, પગ ખોટો પડી જવો અને પગની માંસપેશી સૂકાઇ જવી એવાં લક્ષણો થાય છે.

રાંઝણ રોગની મૂળગામી સમયસર સારવાર ના કરવામાં આવે તો તેમાંથી તીવ્ર પીડા સાથે તાવ, મંદાગ્નિ, અરુચી, છાતીમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, બેચેની અને ચાલી શકવામાં અસમર્થતા આવી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે.

સાયટીકાની સારવાર:-

સાયટીકામાં જો વાયુદોષ પ્રબળ હોય તો દર્દીને સ્નેહ વિરેચન તથા વમન - ઉલટી કરાવવી જોઇએ. આમદોષ કે કફદોષ હોય ત્યારે વમન કરાવવું જોઇએ. ઉર્ધ્વાંગની શુધ્ધિ ન થાય ત્યાં સુધી વાત રોગમાં શ્રેષ્ઠ ગણાતી બસ્તીની અસર નથી થતી. દર્દી આમદોષ રહીત પ્રદીપ્ત જઠરાગ્નિ વાળો હોય ત્યારે તેને તેલની બસ્તિ આપવી જોઇએ. આભ્યાંતર અને બાહ્ય ઔષધોથી ઉપચાર કરવા જોઇએ.

આભ્યાંતર ઔષધોમાં દશમૂળ કવાથ, મહારાસ્નાદિ કવાથ, રાસ્નાપંચક વગેરેમાંથી કોઇ એકનું વૈદ્યકીય સલાહ લઇને સેવન કરવાથી ફાયદો થાય છે.

- મહાયોગરાજ ગુગળની ૨-૨ ગોળી ભૂકો કરી પાણી સાથે લેવી.

- સાયટીકામાં ત્રયોદશાંગ ગુગળ, રાસ્નાદી ગુગળ, એકાંગવીર રસ, બૃહત વાતચિંતામણી રસ, વગેરેનું નિષ્ણાંત વૈદ્યની સલાહ લઇને સેવન કરવું.

સાયટીકા માટે પંચગુણ તેલ, નિર્ગુંડી તેલ, મહાનારાયણ તેલ, વિષગર્ભ તેલ, પ્રસારણી તેલ, બલાતેલ વગેરેમાંથી કોઇ પણ એકનું મસાજ કરવું જોઇએ.

સાયટીકા માટે પથ્યા-પથ્ય:-

સાયટીકાના દર્દમાં દર્દીએ મધુર, ખારા તથા ગરમ, સ્નિગ્ધ અને ભારે પદાર્થો, ઘઉં, ચોખા, દૂધ, ઘી, સરસીયું, તલનું તેલ, દિવેલ, પરવળ, તાંદળજાની ભાજી, ભાત, મેથીની ભાજી, મધ, હિંગ, રાઈ, અજમો, સરગવો, રીંગણા, દાડમ, સૂંઠવાળું ગરમ પાણી ફાયદાકારક છે. આ ઉપરાંત

(૧) નરમ પોચી પથારીમાં આરામ કરવો.

(૨) દુઃખતા પગનું હલન-ચલન ન કરવું.

(૩) દુઃખતા પગે ગરમ પાણીનો શેક કરવો.

(૪) નગોડનાં પાનને ગરમ કરીને દુઃખાવા ઉપર લગાવવા.

(૫) ઠંડીમાં ગરમ કામળો ઓઢી રાખવો. શેક તથા તાપ લેવાં. સૂર્યકિરણો પગ ઉપર પડવા દેવાં. આ બધું સાયટીકામાં ફાયદાકારક છે.

અપથ્ય:- બધાં જ કઠોળ, મમરા, વાયડી વસ્તુ, સૂકા શાક, મગ, મઠ, ઠંડી, વાસી વસ્તુ, ફ્રીજનું પાણી, બરફ, ઠંડા પીણાં, ઠંડા પવનમાં ફરવું, પગ ખુલ્લો રાખવો, ઉપવાસ, એકટાણા, વધુ પડતી ચિંતા, શોક વગેરે સાયટીકાનાં દર્દીને નુકશાનકારક છે.

સાયટીકાનાં દર્દીએ રોગની શરૂઆતમાં જ નિષ્ણાંતની સલાહ લઇ સારવાર શરૂ કરવી જોઇએ, જેથી રોગ ઝડપથી કાબૂમાં આવી જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mLNdji
Previous
Next Post »