એક મજાની વાર્તા : કલંક


'અરે , જુઓ આ તો પશાભઈની  તુલસી !! એ જ ને જે  પેલા શે,રના છોરા હારે ...!! ' ગામના લોકોના અવાજો સ્પષ્ટ સંભળાતા હતા.

' ઘોર કળજગ છે બાપ .... આજની છોરીયું માબાપનું કઈ હોભરે જ નહીને, બાપ તો બચારો એ ગઈ તે દિદ નું  મોઢું નથ દેખાડી હકતો! અવ હુ લેવા પાછી આવી? ભારે ચકચાર જાગી ઉઠયો.. 

તુલસી રસ્તા પર  નાનું કપડાંનું પોટલું છાતી સરસુ દબાવીને  દોડતી જઈ રહી હતી. જોરજોરથી હાંફતી હતી, પરસેવા અને ધૂળથી શરીર ભરાઈ ગયું હતું . વાળ હવામાં ઉડીને બરછટ થઈ ગયા હતા. થાકી ગઈ હતી. તેના પગ અનાયાસ નદી તરફ વળ્યા. 

નદીના તટ પર પહોંચતા જ તુલસી ઢગલો થઈ ગઈ. ચારે તરફ બસ અંધકારનું સામ્રાજ્ય હતું. રામપરા હજુ એટલું વિકસ્યું નહોતું. એમાંય આ તો નદીકિનારો એટલે સાવ નિર્જન અને થીજી ગયેલું અંધારું હોય. નજીકમાં આવેલા મંદિરમાં પણ સાંજની આરતી થઈ ગઈ હોવાથી એકલદોકલ માણસ સિવાય કોઈ ખાસ અવરજવર નહોતી. ત્યાંથી આછું અજવાળું મંદિર પૂરતા વિસ્તારમાં પથરાયેલું હતું. વળી આવા સમયે  નદી કાંઠે ખાસ કોઈ ફરકતું નહીં.

તુલસીના હૃદયમાં તોફાન મચેલું હતું . સવાલોના વમળમાં ભિસાઈ રહી હતી.'હું વાંક હતો મ્હારો ? પ્રેમ કયરો એ જ ? 'નરેને તો જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું, એટલે જ તો એની જોડે ભાગી હતી .'મને હું ખબર કે એ આવો દગાખોર  નીકળશે  સા....  હરામખોર !!' એનું મગજ ફાટફાટ થતું હતું. મોટાભાઈએ એક-બે વાર ટકોરી પણ હતી' જોજે આ તો શેદરથી થોડા દહાડા ફરવા આયવો  સ...... એટલે જરા હાચવીને  રેદજે.' પણ.... પોતે કેટલી ઘેલી થઈ ગઈ હતી કે કઈ  દેખાતું જ નહોતું નરેન સિવાય. ' અરે નીનાએ પણ તો હમજાવીદતી ને ...?' ખાસ સખીએ સમજાવી તો જાણે કયા ગુમાનમાં બોલી હતી એ ' આટલો હારો સોકરો મને મયલો તે તાર 'થી ભળાતું નથ ?' 

એ સમય પણ કેવો હતો! નદીકિનારે એ પહોંચે ત્યારે નરેન એની વાટ જોતો તપતો હોય તડકામાં.. એ શરમથી લાલ લાલ થઈ જતી. નમણી અને ઘાટીલી તુલસીને  નજરોથી એની અંદર ઊતરતો હોય એમ જોયા કરતો. તરત જ બોલી ઊઠતો ' કેમ આજે મોડી આવી ?  તારી રાહમાં અડધો થઈ ગયો ..હું તો..' પછી હળવેકથી એનો હાથ પકડીને પોતાની જોડે બેસાડતો.તુલસીને તો જાણે આખું આભ એકસાથે એના પર વરસ્યું હોય એવી ભીંજાઈ જતી. ભરબપોરે કિનારો મહેકી ઊઠતો. એક નદી બહાર અને બીજી તુલસીના હૃદયમાં વહેતી. એની આખી દુનિયા નરેનની આસપાસ ફરતી હતી. 

 આખરે એક મેઘલી રાતે નરેન સાથે એ આંખોમાં હજારો સપના લઈને,  કોઈને ખબર ના પડે એમ ગામ છોડી ગઈ હતી . એ તો જાણે આકાશમાં ઊડતી હતી, યૌવનનો થનગનાટ ભાન ભુલાવી બેઠો હતો. એક પોટલામાં બે-ત્રણ જોડી કપડાં અને થોડા પૈસા લઈને અડધી રાતે ઘરનાં સહુને ભરનીંદરમાં છોડીને ચાલતી થયેલી. પછી તો નરેન એના કોઈ દોસ્તના ઘેર લઈને ગયો હતો. એનું ઘર ખાલી જ હતું. ત્યાં જ થોડા દિવસ મોજમજા કરતાં રહયા હતા. ભોળી  તુલસીને તો એમ કે એનાથી વધારે સુખી કોઈ આ જગતમાં કોઈ નહીં હોય ! 

એ જ્યારે નરેનને ઉત્સાહથી પૂછતી 'તારું ઘર તો બતાય !! આપણે લગન કેદદિ કરશું? ત્યારે નરેન કહેતો ' મારા ઘરે હમણાં કોઈ નથી, બધાં બહારગામ ગયા છે, આવે ત્યારે વાત કરીશ.અને તુલસીના ઉત્સાહ પર પાણી ફરી વળતું. તુલસીને મનમાં અજંપો રહેતો, એ વિચારે ચડી જતી.  નરેન તો થોડા દિવસમાં મન ભરાઈ ગયું અને પૈસા પણ ખલાસ થઈ ગયા એટલે તુલસીને ' પછી ફરી આવીને લઈ જઈશ , હમણાં તો મારે નોકરી માટે બહાર જવું પડે એમ છે.'ફોસલાવી પટાવીને ગામને પાદર છોડીને ચાલતો થયેલો. ગામમાં પગ મૂકતાં જ લોકોની વેધક નજર પરથી તેને પોતાના પર લાગેલા કલંકનો અંદાજ આવી ગયેલો .

નાની ઉમરમાં એ આ શું ભૂલ કરી બેઠી હતી ? એ હવે સમજાઈ રહ્યું હતું. 'હૂ મોઢું બતાવીશ માબાપને, ભાઈને ? બચારા મારી ચિંતામાં અડધા થઈ ગ્યાં અસે.' રાત વધુ ઘેરી , વધુ કાળી , બનતી જતી હતી. વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ તુલસીના હૈયામાં વધુ ઉથલપાથલ પેદા કરતી હતી. વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું.  ' હુ કરું ? અહી રહું,  બાદર જતી રહું ? કે પસી .... ' એની નજર નદીના પાણી પર સ્થિર થઈ ગઈ. રાત અને વિચારો એકસાથે વહેતા રહ્યા નદી સાથે. 

સૂરજના આગમને તુલસીના મનમાં નવી આશાઓનો સંચાર કર્યાે. શરીરમાં નવું જોમ આવ્યુ. એણે  કપડાં તેમજ વાળ સરખા કર્યા. નદીના પાણીમાં જઈને હાથપગ મોઢું ધોઈને સૂર્યને નમન કરી, હાથ આકાશ તરફ પહોળા કરીને  ઊભી રહી ત્યારે સુંદર સોનલવર્ણી ઓઢણી ઓઢીને ઊભેલી વિરાંગના સમી ભાસી રહી......મંદિરમાં ઘંટનાદ થઈ રહ્યો હતો.એણે દ્રઢતાથી ગામ તરફ પગ ઉપાડયા....

ઘેર પહોંચી ત્યારે પશાભાઈ આંગણામાં જ બેઠા હતા. દીકરીને જોતાં જ તેમનો  રોષ ભભૂકી ઉઠયો. ઘરમાંથી મા દોડીને બહાર આવી પરંતુ, તરત જ બીકની મારી ઉંબરા પર જ અટકી ગઈ. એટલીવારમાં ભાઈ આવી પહોંચ્યો એ કઈ બોલે તે પહેલા તો પશાભાઈએ ત્રાડ પાડી !!

'ખબરદાર ! તુલસી... જો ઘરમાં પગ મેલ્યો છે તો ... ક્યાં હતી આટલા દહાડાથી ? કઈ લાજશરમ જેવુ છે કે નહીં ? તારા બાપને કેટલાય લોકોએ ફોલી ખાધો? લોકો તો ઠીક તને અમારા કોઈનોય વિચાર ના આયવો ?' પશાભાઈ ગુસ્સાથી ધુ્રજતા હતા. 

તુલસીની આંખો પસ્તાવાથી છલકાઈ ઉઠી. એ તો પશાભાઈના પગ પાસે જઈને બેસી પડી. બાપના ખોળે માથું મૂકીને ધુ્રસકે ધુ્રસકે રડી પડી. પશાભાઈએ નજર ફેરવી લીધી. પાછળ ઊભેલી માનું હૃદય ભરાઈ આવ્યું. ' દીકરી આટલે દહાડે હેમખેમ ઘેર પાછી આવી એ કૈં ઓસુ સે? એને આટલો વખત જાવા ધ્યો.' આખરે બાપનું હૈયું ક્યાં સુધી હાથમાં રહે !! પશાભાઈનો હાથ લાડકી દીકરીના માથે હેતથી ફરવા લાગ્યો. ચોધાર આંસુએ રડતી તુલસી એમની સામે જોતાં બોલી. 'મને માફ કરી ધ્યો બાપા.' ઘરના સૌએ દીકરીની નાજુક ક્ષણોને જાળવી લીધી. જો કે ગામના લોકોમાં ગુસપુસ તો ચાલતી રહી.  તુલસી હળવી તો થઈ પણ મનની અંદરનો જ્વાળામુખી હજુયે ક્યાં શમતો હતો ! રોજ નદીના કાંઠે જઈને કલાકો સુધી બેસી રહેતી. મનની અંદર તુમુલ યુદ્ધ ચાલતું રહેતું. નીના પણ આવતી. સહારો આપવાના પ્રયાસ કરતી. હવે એનું મન કાઠુ કરતાં તો એણે શીખી લીધું હતું, છતાંય મનના ઘાવ હજુ તાજા જ હતા. રાતદિવસ એ એનો પીછો નહોતા છોડતા. સમય વહેતો રહ્યો. જોતજોતામાં તો એક વર્ષ પસાર થઈ ગયું. 

 એક દિવસ નીના દોડતી આવી, અને તુલસીને હાંફતી કહેવા લાગી.

 ઓલો પાસો આયવો સ ગોમમાં!!

'તુલસીના કાન ચમક્યા! 

એકદમ ઊભી થઈ ગઈ '

 હે.. .. કુણ .. નરેન !!

' હં.. મી જોયો એને, કેવો નફ્ફટની જેમ ફરે સ ! હુ લેવા આયવો સ અવ..' નીનાના અવાજમાં ક્રોધ સાથે વેદના ભળી હતી. 

તુલસીની આંખોમાં આવેલી એક વિચિત્ર ચમક જોઈને નીના થોડી ડરી ગઈ. તુલસી  ઠંડા કલેજે બોલી 'એને કેય કાલે રાતે આંહી મને મલવા આવે.....  જા અબઘડી. 'નીના તો આભી બની ગઈ ! કહે ' અલી તારું મગજ ઠેકોણે છે કે ? ગાંડી થઈ ગઈ સ !!'

' તું કેદજે એને કેદદિની વાટ જુએ સ તારી.... !!' તુલસીનો સ્વર ઊંડે ઉંડેથી આવતો હતો. બિચારી નીના તો હજી આઘાતમાંથી બહાર જ નહોંતી આવી શકતી. 

બીજે દિવસે નદી કાંઠે અંધારપટ છવાયો હતો. રાત વધી રહી હતી. દૂરથી કૂતરાઓના ભસવાના અવાજો આવીને બંધ થઈ જતાં હતા. ગામ જંપી ગયું હતું. અચાનક ઝાડીઓમાંથી એક કારમી ચીસ ઉઠીને  અંધકારમાં ખોવાઈ ગઈ. લોહીથી ખરડાયેલું દાતરડું નદી તરફ જોરથી ઉછળ્યુ.... શાંત વહેતા પાણીમાં રાતા વમળો સર્જાયા. એ સાથે કોઈકના જીવતરનો રંગ બદલાયો હતો. હૈયામાં ટાઢક વળી હતી. એક ઓળો એ તરફથી નીકળીને ઝડપથી ગામની શેરી તરફ ફેલાતી આગની જેમ આગળ વધી રહ્યો....દૂરથી આવતા આછા પ્રકાશમાં શાલથી લપેટાયેલો સળગતી મશાલ સમો નારીદેહ  અદ્રશ્ય થઈ ગયો!!

- જિગીષા પાઠક 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p6ln2G
Previous
Next Post »