કોરોનાની થપાટમાં નડિયાદની મફતલાલ કાપડની મિલ બંધ થવાના ભણકારા વાગ્યાં


- મિલના ૧૪૦૦માંથી ૯૩૨ કર્મચારીઓને વીઆરએસ લેવા વિનંતી કરાઈ : કોરોના કાળથી ઉત્પાદન સદંતર બંધ કરાયું

નડિયાદ, તા 24 ડિસેમ્બર 2020, ગુરુવાર

નડિયાદની આઈકોનિક ન્યુ શોરોક મિલ તરીકે પ્રખ્યાત મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ  બંધ થવાની વાતો ચાલે  છે. કર્મચારીઓના અસંતોષના સમાચારોને કારણે અત્યારે આ મિલ ચર્ચામાં છે. ૧૯૦૫માં શરૂ થયેલી આ મિલ દાયકાઓ સુધી નડિયાદ શહેરની પ્રતિષ્ઠા રહી છે. મિલનો વિશાળ સંકુલ અને વ્યાપક નામના એક સમયે તેણે અર્જિત કરેલી પ્રતિષ્ઠાની સાક્ષી પૂરે છે.

મિલ બંધ થવાની છે એવી ચર્ચાએ નડિયાદ પંથકમાં જોર પકડયું છે,  ત્યારે મિલના અત્યારના જનરલ મેનેજર નવનીત શર્મા તથા ભૂતપૂર્વ મેનેજર અશોક દવે એક સ્વરે કહે છેઃ ના, મિલ બંધ નથી થવાની, પણ દર્દી મરી ન જાય એટલે ડોક્ટર સર્જરી કરે એમ મિલ બંધ ન થાય એ માટેની સર્જરી અમારે હાથ ધરવી પડી છે. આ સર્જરી છે ૧૪૦૦માંથી ૯૩૨ કર્મચારીઓને વીઆરએસ લેવા વિનંતી કરવાની, સ્પષ્ટતા કરી લઈએ કે વિનંતી કરવાની, ન કે એમને બળજબરી છૂટા કરવાની.

હાલ મિલના સલાહકાર તરીકે સેવા આપતા અશોક દવેના જણાવ્યા પ્રમાણે મોટાભાગના કર્મચારીઓ ૫૦થી વધુ ઉંમરના છે. એમનું કહેવું છેઃ બોમ્બે ઈન્ડસ્ટ્રીઝ એક્ટમાં આપેલી ૧૫ દિવસના પગારની જોગવાઈમાં ૨૭.૫ દિવસ ઉમેરી મહિને કુલ ૪૨.૫ દિવસના પગાર ગણી કામના વરસો પ્રમાણે વી.આર.એસ.ની  રકમ આપવાનો પ્રસ્તાવ કર્મચારીઓ સામે મૂક્યો છે. એ માટે પણ કાયદાકીય રીતે યુનિયનને જણાવી, યુનિયનની ૭૮ સભ્યોના પ્રતિનિધિમંડળને બતાવી એ મંજૂર કરાવ્યો. આ પછી પણ હવે જે કર્મચારીઓને આ સ્કીમ મંજૂર હોય તે એનો લાભ લઈ બીજી જગ્યાએ નોકરી શોધી શકે છે. આ પ્રસ્તાવ કોઈ પણ કંપની દ્વારા કાયદાકીય રીતે કર્મચારીને આપવામાં આવતો સારામાં સારો પ્રસ્તાવ છે. અમે જે બે વિભાગ બંધ કરવા માગીએ છીએ એ પ્રમાણે ૯૩૨ કર્મચારીનું લક્ષ્ય છે, જેમાંથી ૪૩૨ કર્મચારીએ તો ખુશીથી રાજીનામાં આપી દીધાં છે. 

કોઈને બળજબરીપૂર્વક કે દબાણ કરીને નીકાળવાની વાત જ નથી. હાલને હાલ મિલ બંધ નથી થવાની. જેટલા કર્મચારીઓને આ વીઆરએસ સ્કીમનો લાભ નહીં લેવો હોય તે કામ ચાલુ રાખી શકશે. જોકે એ લોકોએ પ્રોસેસિંગ વિભાગમાં શિફ્ટ થવું પડશે.

કર્મચારી યુનિયનના પ્રતિનિધિ અવધિશભાઈના જણાવ્યા પ્રમાણે બધા કર્મચારીઓ સાથે ચર્ચાવિચારણા કરવા માટે ઘણો સમય લીધો હતો. છેલ્લા ૮ મહિના બધાએ ઘરે બેઠા પગાર મેળવ્યો હતો. કર્મચારીઓ સાથેની ચર્ચાઓમાં મિલની પરિસ્થિતિ વર્ણવી એ પણ જણાવ્યું કે  ઓફર કરાયેલી આ વીઆરએસ સ્કીમમાં કોઈ નુકસાન નથી. એનો લાભ લેવા બધાને વિનંતી કરવામાં આવી છે. બીજી નોકરી શોધવા સુધી આમાંથી ઘણું જ સારું વળતર મળે એમ છે.નિવૃત્ત થયેલા ઘણા કર્મચારીઓ અત્યારે તો બીજે સ્થાને નોકરીએ લાગી ગયા છે.

ખોટ જતા કાપડની મિલમાં માત્ર પ્રોસેસિંગનો વિભાગ જ ચાલુ રખાયો

ગઈ સદીમાં કાપડ મિલોએ એમનો સુવર્ણકાળ જોઈ લીધો પછી ૧૯૮૪ આવતાં સુધીમાં મોટાભાગની મિલો પડી ભાંગી, એ પરંપરામાંથી મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ અપવાદ નહોતી.વર્ષ ૨૦૦૦થી તો મિલ સત્તાવાર રીતે ખોટમાં ચાલી રહી છે. આંકડાઓ પ્રમાણે છેલ્લાં વીસ વરસથી દર મહિને મિલે આશરે ૨ કરોડ રૂપિયાનું નુકસાન એટલે કે કુલ સાડા ચાર અબજ રૂપિયા જેટલું નુકસાન વેઠી ચૂકી છે. મિલના જનરલ મેનેજર નવનીત શર્માએ જણાવ્યા પ્રમાણે આનું મુખ્ય કારણ કોટનના બહાર મળતા તૈયાર દોરા બે રૂપિયામાં વેચાય, જ્યારે અમારે ત્યાં એનઉત્પાદિત કરવામાં ચાર રૂપિયા લાગે છે. એનો કોઈ ઉપાય નથી. કોરોના કાળ શરૂ થયો ત્યારથી મિલનું પ્રોડક્શન સદંતર બંધ છે. એક સમયે દર મહિને ઓછામાં ઓછું પંદર લાખ મીટર કાપડ બનતું હતું ત્યાં ઉત્પાદનનો આંકડો ઝીરો મીટર પર ઊતરી આવ્યો. જોકે હવે અંતે મેનેજમેન્ટે એવું નક્કી કર્યું કે વીસ વરસથી સદંતર નુકસાનીમાં ચાલતા વિવિંગ અને સ્પીનિંગ એ બે વિભાગ બંધ કરી માત્ર પ્રોસેસિંગનો વિભાગ ચાલુ રાખવો. જેથી બધાની રોજગારી ન છીનવાય.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WJaFTB
Previous
Next Post »