પિતાના પુત્રીપ્રેમથી પત્તાનો જન્મ

- પત્તાની રમત રમવાની શૈલી અને તેના કાર્ડ્સમાં અલગ-અલગ ખંડમાં વિવિધતા જોવા મળે છે


તાં ગ વંશના રાજા યિઝોંગનું ઈતિહાસમાં સૌથી મહત્વનું યોગદાન શું છે?  આ પ્રકારનો સવાલ પૂછવામાં આવે તો તેનો જવાબ ખોળવા માટે ઈતિહાસમાં રૂચિ ધરાવતી વ્યક્તિ પણ સંભવતઃ થોડી ક્ષણો પૂરતો માથું ખંજવાળે તે સ્વાભાવિક છે. આ યિઝોંગના યોગદાન વિશે જાણવા માટે આપણે ફ્લેશબેકમાં નવમી સદીમાં જવું પડશે. વાત એમ બની કે, યિઝોંગને તેની પુત્રી તોંગચોંગ જીવથી પણ વધારે વ્હાલી. તોંગચોંગને કોઇ જ મિત્ર નહીં એટલે તે આખો દિવસ મહેલમાં એકલા-એકલા કંટાળી જતી. પુત્રીનો આ કંટાળો દૂર કરવા માટે તાંગચોંગે વૃક્ષ પરના કેટલાક પાંદડા તોડાવી તેના પર પોતાના ચિત્રકાર પાસેથી કેટલીક આકૃતિઓ દોરાવડાવી.

વિવિધ આકૃતિ પરના પાંદડા સાથે અલગ-અલગ રમત રમવાને લીધે પુત્રી તોંગચોંગનો સમય ઝડપથી પસાર થવા લાગ્યો. યિઝોંગે છેક નવમી સદીમાં પુત્રીના સમય પસાર કરવા માટે શોધેલા આ સાધનનો આજે પણ આપણે અવાર-નવાર ટાઇમપાસ માટે ઉપયોગ કરીએ છીએ અને આપણે તેને 'પત્તા' તરીકે ઓળખીએ છીએ. આપણે ત્યાં કેટલાક લોકો જન્માષ્ટમી હોય ત્યારે લાલજીના દર્શન કરવા માટે એકસમયે ન પણ જાય પણ પત્તા રમવાનું ભૂલતા નથી. બસ,કંઇક આવી જ રીતે અમેરિકામાં પણ ક્રિસમસની રજાઓમાં પત્તા રમવાને અવશ્ય યાદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ક્રિસમસ અને નવા વર્ષની બરાબર વચ્ચે પડતા દિવસ એટલે કે ૨૮ ડિસેમ્બરે 'નેશનલ કાર્ડ પ્લેઇંગ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. 

યિઝોંગે પુત્રી બનાવેલી પત્તાની આ રમતની લોકપ્રિયતામાં ધીરે-ધીરે વધારો થવા લાગ્યો. ૧૨મી સદી સુધી ચીનમાં આ રમતે ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી લીધી. બ્રિટિશ ઈતિહાસકાર વિલિયમ હેનરી વિલિયમ્સનના મતે ઈસ ૧૨૯૪માં સૌપ્રથમ વાર પત્તાને કાગળ પર વૂડબ્લોક્સ દ્વારા પ્રિન્ટ કરવામાં આવ્યા હતા. એ સમયે જે પત્તા પ્રિન્ટ કરવામાં આવતા તેનો 'મની કાર્ડ' તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો.

આ 'મની કાર્ડ' સાથે જ પત્તાની રમતને બદનામ કરે તેવા જુગારનો પણ એકરીતે પ્રવેશ થઇ ગયો તેમ કહી શકાય. પત્તાની રમત માટે કેટલાક આજેપણ 'ગંજીફા' શબ્દનો ઉપયોગ કરતા હોય છે. હકીકતમાં ગંજીફાએ પશયન ભાષાનો શબ્દ છે. ભારતમાં ૧૬મી સદી દરમિયાન મોગલો પત્તાની રમત લાવ્યા હતા અને તેઓ પણ આ રમતને 'ગંજીફા' તરીકે ઓળખતા હતા.  પત્તાની રમત રમવાની શૈલી અને તેના કાર્ડ્સમાં અલગ-અલગ ખંડમાં વિવિધતા જોવા મળે છે.

જોકે, આપણા દેશમાં જેવા પત્તાનું ચલણ છે તેવા જ બ્રિટનમાં જોવા મળે છે. આપણા અને બ્રિટનમાં પત્તા પર જોવા મળતા ચિહ્ન ફ્રાન્સના એક ચિત્રકારે ૧૬મી સદીમાં તૈયાર કર્યા હતા. આ કારણે કિંગના પત્તામાં આપણે ફ્રાન્સના રાજવી પરિવાર ટયુડર રાજાની વેશભૂષા જોવા મળે છે. પત્તાનો સંબંધ નક્ષત્ર વિદ્યા સાથે પણ અવશ્ય છે. એ વાતને જ પત્તાની સંખ્યા ૫૨  નિર્ધારીત હોવાનું કારણ ગણી શકાય છે. ૫૨ પત્તાએ વર્ષના ૫૨ સપ્તાહ છે. ૧૫મી સદી સુધીમાં રાજાને ૧૨ શાહી પત્તા(કિંગ, ક્વિન, ગુલામ) ૧૨ મહિનાના પ્રતિક છે. આપણે ત્યાં પત્તાની જે રમત સૌથી વધુ લોકપ્રિય છે તેમાં રમી, જજમેન્ટ, ગુલામચોર, નેપોલિયન, સત્તોપિસ, બ્રિજ, દો-તીન-પાંચ, તીન પત્તી મુખ્ય છે.

તીન પત્તીની રમત આમ તો પોકરનું ભારતીય વર્ઝન કહેવામાં આવે છે. તીન પત્તીમાં ફક્ત અને ફક્ત નસિબ-થોડું નિરીક્ષણ જ્યારે પોકરમાં ફક્ત અને ફક્ત તમારું નિરીક્ષણ-ભેજાની કસરત કામ કરે છે. હવે તો લોકો ઓનલાઇન પત્તા જ નહીં જુગાર પણ રમતા થયા છે.'ગેમ ઓફ થિયરી'ની શોધ કરનારા જોન વોન ન્યુમેન-યુવા એન્જિનિયર રિચાર્ડ ફિનમેન ૧૯૪૪-૪૫માં કામનો થાક ઉતારવા લાસ વેગાસના જુગારધામમાં જતા. બંનેએ લાસ વેગાસને આખરી અલવિદા કહી ત્યાં સુધી તમામ કેસિનો તેમને રહેવા-જમવાની સુવિધા સામે ચાલીને મફત આપતા. શરત માત્ર એટલી કે તેમણે 'બ્લેકજેક' અથવા '૨૧'ના નામનો જુગાર નહીં રમવાનો. કેમકે, તે બંને ગણિતનું જ્ઞાાાન કામે લગાડી બ્લેકજેકમાં એટલી મજબૂત જીત મેળવતા કે જુગારખાનાને વેચાઇ જવાની નોબત આવતી. પત્તાની રમત અને જીવનની ફિલસૂફીને સાંકળતી એક મશહૂર પંક્તિ છે કે, 'થોડી ગેરસમજથી સારું જીવાય છે, ખુલાસા કરવાથી દુઃખી થવાય છે, જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી, બાકી તો ત્રણ એક્કામાં પણ હારી જવાય છે...' 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38x5mfg
Previous
Next Post »