આ પણાં લોકોને દવાઓ ઉપર ખૂબ જ વિશ્વાસ ચોંટી ગયો છે. દવા સિવાય રોગો મટે જ નહીં તેવું આપણે માનતા થઈ ગયા છીએ. અભણ અને ભણેલા બન્નેની દશા આવી જ છે. થોડીક પણ તકલીફ થાય કે દવાખાને જવાનું શરૂ થઈ જાય છે. આપણે જાણતા નથી કે રોગ એ લાલ સિગ્નલ છે. અસ્તવ્યસ્ત-આહાર-વિહાર જીવનશૈલી વિગેરેને નિયમીત કરવા ઇશ્વર આપણને, આપણાં શરીરમાં વિકૃતિઓ ઉત્પન્ન કરી લાલ સિગ્નલ રૂપે રોગ પ્રગટ કરાવે છે. આયુર્વેદની ચરકસંહિતામાં શરીર યંત્ર તંત્ર ઘર કહી એક યંત્ર સ્વરૂપે બતાવ્યું છે. યંત્રને જેમ આરામ-ઓઈલ-પાણી-સાફસૂફીની જરૂર પડે છે તેમ શરીરને પણ જરૂરી આરામ-વ્યાયામ-યોગ-શાંતિ-આધ્યાત્મિક અનુસરણ-સ્વાસ્થ્યનાં નિયમોનું પાલન વિગેરે જરૂરી છે.
શરીર સારૂં, નિયમિત જીવન સ્વસ્થવૃત્ત પાલન કરનાર હશે તો તે લગભગ બિમાર નહિં પડે અને જો ક્યારેક બિમાર પડશે તોય થોડા ઉપચારો-દવાઓ-પરેજીથી જલ્દી સારૂં થઈ જશે.
આયુર્વેદ દવાઓનાં અતિઉપયોગને 'ગદાત્તિચાર' નામનો રોગ કહેલો છે... દવાઓનો આડેધડ ઉપયોગ પણ રીએકશનો સર્જે છે. ઘણા દરદીઓ તો રોગથી નહીં પણ રોગની દવાઓના રીએકશનથી મૃત્યુ પામેલાનાં કિસ્સાઓ જોવામળ્યા છે. આથી ભાવપ્રકાશ અને સુશૃતે કહ્યું છે. જેનાથી રોગ મટે તેજ સાચુ ઔષધ છે રોગ મટાડે અને બીજા ઉપદ્રવો (કોમ્પ્લીકેશન) ઉત્પન્ન ન કરે તેજ સાચી સારવાર કે ચિકિત્સા છે. એક રોગને મટાડે અને અન્ય ઉપદ્રવો કે રોગોને ઉત્પન્ન કરે તે સાચી સારવાર નથી. (સુશ્રુત).
દવાઓ આપતી વખતે વિચારવું જોઈએ કે આ દવાથી આને બીજું કોઈ રીએકશન નહીં આવે ને.
ખોટી જાહેરાતો, કામોત્તેજક દવાઓ વિગેરેની જાહેરાતોથી દરદીઓએ ભરમાવું જોઈએ નહીં. આયુર્વેદની દવાઓ પણ નિર્દોષ હોવાથી ગમે ત્યારે ગમે તેટલી લેવામાં વાંધો નહિ એમ માનવું ભૂલ ભરેલું છે. દવાઓ જરૂર પડે તોજ અને આવશ્યક હોય એટલી જ દવાઓ ના છૂટકે જ ડૉક્ટરો-નિષ્ણાંતોની સલાહ મુજબ જ લેવી જોઈએ. દવાઓ ચોક્કસ જરૂરી છે. પણ એમાં વિવેક જળવાય એ જ જરૂરી છે. અતિશય દવાઓ-વીર્યવાન દવાઓ, કામનાઓ (સેક્સ) વધારનારી દવાઓ, જાહેરાતની દવાઓનો તો ઉપયોગ નિષ્ણાંતોની સલાહ વિના ટાળવો જોઈએ. માત્ર પથ્ય-પરેજી પાળવાથી ૭૦ ટકા દવાઓ ઓછી થઈ જાય છે ''પથ્યે સતિ ગણ તસ્ય કિં ઔષધ નિષેવણ''- જે દરદી પરેજી પાળે છે તેને ઝાઝી દવાઓની જરૂર શું છે ? આવું સૂત્ર ''વૈદ્યજીવનમાં આપેલું છે.''
દવાઓનો વિરોધ નથી પરંતુ દરેક દરદીએ પોતાનાં સ્વાસ્થ્યની-રોગોની સંભાળ પોતે જ રાખવી જોઈએ. માત્ર ડૉક્ટરો કે વૈદ્યો ઉપર રાખવો જોઈએ નહીં.
- ઉમાકાંત જે. જોષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rnrLEr
ConversionConversion EmoticonEmoticon