નાતાલનો આ તાલમાં,
નિર્જન નજારો છે અહીં,
આનંદ ને ઉદાસીનો,
જુદો ઝગારો છે અહીં !
છે વિશ્વભરના હાલ ને
તુ-તુની ચાલ પણ
કૂંપળ નવી ખીલશે જગે,
ફરતો ધખારો છે અહીં.
અવસર ભલે સૂનો સહી,
ખુશી ખુશી ગાઓ ચલો,
વીસવીસને છે અલવિદા,
'કોવિદદ કિનારો છે અહીં.
દરિયો તર્યા મુબારકો,
દરિયો ભરી શુભાશિષો.
'જે પોષતું તે મારતુંદ,
એવો મિનારો છે અહીં.
વાંછુ સદા ખોબો ભરી,
નવવર્ષના મુબારકો,
સર્વે ભવો નિરામયા,
દિલના પુકારો છે અહીં.
-દેવિકા રાહુલ ધુ્રવ
વિશ્વના મહાન શિલ્પી માઈકલ એન્જેલો એકવાર એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. એક દેવળની બહાર તેણે શીલા જોઈ. એમને એ બેડોળ પથ્થરમાં એક અદભુત શિલ્પ દેખાયું. દેવળના વ્યક્તિ સાથે એ પથ્થર લઇ જવાની વાત કરી અને જે કિંમત હોય તે ચૂકવવા પણ તૈયાર થયા. ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે 'આ પથ્થર અમારે કંઈ કામનો નથી. ઉલટાનું તમે તેને લઈ જશો તો અહીંથી લઈ જવાની મજૂરી પણ હું આપીશ. '
માઈકલે કહ્યું 'આપે મંજૂરી આપી એ જ ઘણું છે, મજૂરીની જરૂર નથી.'
માઈકલના અનેક મિત્રોએ પથ્થર જોઇને કહ્યું કે 'આ બેડોળ પથ્થરમાંથી સામાન્ય શિલ્પ પણ સર્જવું અઘરું છે. જો તું કામ કરીશ તો તારી મહેનત પાણીમાં જશે.'
માઈકલને શ્રદ્ધા હતી કે આ પથ્થરમાંથી કોઈ અદભુત શિલ્પ સર્જાશે.
ઈશુનું નામ લઈ એમણે શિલ્પ સર્જવાનું શરુ કર્યું. મહિનાઓની મહેનત બાદ એક શિલ્પકૃતિ સર્જાઈ. જેને જોઈ દરેકના મોંમાંથી શબ્દો સરી પડતા હતા 'અદભુત, એન્જેલો...!'
આ અદભુત શિલ્પ એટલે ઈશુ અને માતા મેરીની કલાકૃતિ. જે પછી વિશ્વપ્રસિદ્ધ થઈ. જ્યાં શ્રદ્ધા અને સાહસનો સંગમ થાય ત્યારે આવું મહાન સર્જન થતું હોય છે.
મુક્તિદાતા ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિવસના સ્મરણાર્થે ૨૫મી ડિસેમ્બરના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ખ્રિસ્તી પરંપરા મુજબ અનેક દેશોમાં નાતાલની વિવિધ રીતે ઉજવણી થાય છે. નાતાલની ઉજવણીની તૈયારી ૨૪ ડીસેમ્બરની રાત સુધી ચાલે છે. આ ગાળામાં દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધામક પ્રવૃતિઓ થાય છે. ભક્તિની સંખ્યાબંધ રીતો છે. દેવળોમાં લોકોની વિશેષ હાજરી હોય છે.ધામક નાટકો કે કાર્યક્રમોમાં વગેરેમાં ભાગ લેવો એ અગત્યની બાબત ગણવામાં આવે છે. ખરેખર આ ખ્રિસ્તીધર્મનો તહેવાર હોવા છતાં વર્તમાન યુગમાં ઘણા બધા લોકો હવે એ ઉજવે છે.
વર્તમાન યુગની દોડમાં ઉજવણી માટેનું કોઈ પણ બહાનું શોધીને માણસને મોજમજા કરવી ગમતી હોય છે. એટલે જ ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી બંને ધર્મના વેપારીઓ માટે વેચાણનો આ મુખ્ય સમયગાળો બની જાય છે. આજે તો નાતાલ વિશ્વભરમાં કરોડો ડોલરની ઉથલપાથલ કરતો એક સૌથી વધુ મહત્ત્વનો વ્યાપારી ઉત્સવ બની ગયો છે.
નાતાલમાં લોકોના ઉત્સાહ-ઉમંગ ટોચ પર પહોંચેલા હોય છે. જગતનિયંતા પરમતત્વની કૃપાદ્રષ્ટિ પામવા, એના ક્રોધથી બચવા માટે માણસ ધામક ઉત્સવો ઉજવે છે જ ે પછીથી એક સામાજિક પરંપરા બની જાય છે જેની વૈવિધ્યસભર ઉજવણી પછી ક્રમશથ જીવાતા જીવન સાથે વણાઈ જાય છે. તમામ ધાર્મિક-સામાજિક ઉત્સવોનું મૂળ લક્ષ્ય કદાચ એ જ હોય છે કે માણસને ધર્મના વિષયે કશુંક નક્કર કર્યાનો આનંદ મળે અને સંતોષ સાથે જીવન આગળ વધારવાનું બળ કે ભાથું મળે.
નાતાલની ઉજવણી રૂપે લોકો ગ્રીટિંગ કાર્ડ્ઝ, વિવિધ ગીફ્ટઆર્ટીકલ્સ ખરીદે છે. કેક, બિસ્કીટ કે પેસ્ટ્રી જેવી વાનગીઓ બનાવે છે. ખ્રિસ્તીઓ ક્રિસમસ ટ્રીને રંગબેરંગી લાઈટ્સ, સ્ટાર્સ, બેલ્સ, ફૂલો, ભેટો કે તોરણો લગાવીને શણગારે છે. એકલા અમેરિકામાં જ નાતાલ વખતે ત્રણથી પાંચ કરોડ સાચા નાતાલવૃક્ષ વેચાય છે. અમેરિકામાં નાતાલવૃક્ષ ઉગાડનારી ૨૧,૦૦૦ જેટલી વ્યક્તિ-સંસ્થા છે. આ વૃક્ષ વેચાય એના ૧૫ વર્ષ પહેલા એ રોપાયું હોય છે. દુનિયાનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી બ્રાઝિલના 'રીઓ ડી જાનેરો'માં મુકવામાં આવ્યું છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેની સૌથી ઊંચા વૃક્ષ તરીકે નોંધ પણ લેવાઈ છે. રોકફેલર સેન્ટર ખાતે ૧૯૯૩માં એક પારંપારિક નાતાલ વૃક્ષને ગોઠવવામાં આવ્યું છે.
તેમાં સોલાર એનર્જીથી ચાલતી ૩૦ હજાર એલઈડી લાઈટ્સ શણગારવામાં આવી છે. એક સમયે ક્રિસમસ ટ્રીનો ક્રેઝ અમેરિકનોમાં વધુ જોવા મળતો. આવા વૃક્ષની ઊંચાઈ જર્મનીમાં ચાર-પાંચ ફૂટની જોવા મળતી તો અમેરિકનોમાં તેની ઊંચાઈ ઘરની છતને આંબી જતી. ક્રિસમસ ટ્રીનો ઉછેર અનેક દેશોમાં થાય છે જે અસંખ્ય લોકોને રોજગારી પૂરી પાડે છે. જો કે હવે તો માર્કેટમાં કૃત્રિમ નાતાલ વૃક્ષ પણ જોવા મળે છે. લાલ ટેટાં વાળા સદાપર્ણીનાં વૃક્ષનું નાતાલમાં અલગ જ મહત્વ છે. ભગવાન ઈશુનો જન્મ ગૌશાળામાં થયો હોવાથી આ તહેવારમાં ગૌશાળાનું મહત્વ અલગ જ છે. હિંદુઓમાં જેમ ગોકુળઆઠમમાં પારણું સજાવી તેમાં કૃષ્ણને ઝૂલાવવામાં આવે છે તેમ પ્રભુ ઈશુના સ્વાગત માટે ઘાસ વગેરેથી ગૌશાળા બનાવી તેને સજાવવામાં આવે છે.
જેમાં ખોળામાં બાળક ઈશુ સાથે માતા મરિયમને બેસાડવામાં આવે છે અને બાજુમાં સંત જોસેફ ઊભા હોય તેવું દર્શાવાય છે. સૌ તેના પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સાંતા ક્લોઝ નામનું એક કાલ્પનિક પાત્ર પણ નાતાલનું એક અવિભાજ્ય અંગ છે જે બાળકો માટે મોજામાં અનેક ભેટો ભરીને લાવે છે. તેમને ખુશીઓથી રામાંચિત કરે છે. સાંતા ક્લોઝનો ઉપયોગ સૌપ્રથમ અમેરિકાની એક સોફ્ટડ્રીંક્સની કંપનીએ પોતાની જાહેરાતમાં કરેલો એવું મનાય છે જેમાં લાલ કપડાં સાથે સફેદ દાઢી અને લાલ ગાલવાળો એ નિર્દાેષ, હસમુખો ચહેરો સૌના મનમાં વસી ગયો અને પ્રખ્યાત થઈ ગયો.પછી તો આ સાંતા નાતાલની ઉજવણીનો એક મહત્વનો ભાગ બની ગયો.
શહેરોના મુખ્ય માર્ગો પર આજીવિકા માટે માતાપિતાએ આપેલી સૂચના પ્રમાણે ઘણા ગરીબ બાળકો સાન્તા કલોઝના કોસ્ચ્યુમ વેચતા હોય છે. એ નિર્દાેષ બાળકોને સહેજ પણ ખ્યાલ હોતો નથી કે આ નાતાલ એ શું ચીજ છે અને તે શા માટે એ વેચી રહ્યો છે. નાતાલ પૂરી થતા એ બાળકો રમકડાં કે ફુગ્ગા પણ વેચશે જેથી સાંજ પડે સો-બસો કમાઈ શકે. નાતાલમાં ઘણા માણસો સ્લમ કે ઝુંપડપટ્ટીવાળા વિસ્તારોમાં જઈને ગરીબ બાળકોને ગીફ્ટ પણ આપતા હોય છે. નાતાલની ઉજવણી માણસને એકબીજા પ્રત્યેનો આદર અને સન્માન શીખવે છે.
આવા તહેવારો માત્ર ગરીબો માટે નહીં પરંતુ બીમાર, વૃદ્ધો, અપંગો કે લાચાર સૌ માટે પ્રેમભાવ રાખી, સૌની સેવા કરવાનું ધ્યેય રાખીને જીવન જીવવાની શીખ આપે છે. આપણે કરેલા ગુનાઓની ઇશ્વર પાસે સાચા દિલથી માફી માગી પશ્ચાતાપ કરીએ, દંભ વગરનું જીવીએ તો જ પ્રભુની કૃપા માણસ પર વરસે છે. ફ્રેન્ક બિઆન્કો કહે છે કે 'જો તમે તમારી બધી બાજુએ ઇશ્વરને જોતાં જોતાં જિંદગી જીવવાનું શરુ કરો તો પ્રત્યેક પળ પ્રાર્થના છે.' કરુણાનો પર્યાય એટલે ઈશુ. તેઓ માત્ર ડિસેમ્બરની ડાયરી પૂરતા સીમિત નથી. સમગ્ર માનવજાતને તેઓ પ્રેમનો સદેશ આપતા રહ્યા છે. દુશ્મનને પણ ચાહવાની ચાવી આપે છે.
ધર્મ આપણને સમજાવે છે કે દરેકે પોતાનો ક્રોસ પોતાના જ ખભે વહન કરવાનો હોય છે. 'આપણે આપણી વૃત્તિઓ અને કર્માે દ્વારા આપણા પર જ ખીલ્લાઓ નથી ભોંકી રહ્યા ને ?' એવો સવાલ માણસે ક્યારેક જાતને પૂછવા જેવો ખરો! માનવીએ આવતીકાલની ચિંતામાં આજને ચિતા સમાન બનાવી દીધી છે. ઈશુ કહે છે તેમ 'આવતી કાલ માટે કોઇ 'ચિંતા' કરવી નહી, જ્યારે કે ઈશ્વર પોતે જ તેની ચિંતા કરશે. એક માનવ માટે પણ ફકત 'આજની ચિંતા જ બહુ છે !' ઈશુ સતત માનતા ક ે ઈશ્વર દરેક પળે આપણી દેખરેખ કરે છે આથી જીવનનિર્વાહ માટેની ચિંતા તેના પર છોડવી. ધરતી પરના પંખી કે પ્રાણીઓ જેવા જીવની પણ ઈશ્વર દરકાર કરે છે તો માણસ થોડો બાકાત હોવાનો ! એક સુંદર ગીત યાદ આવે છે કે 'આ તન માળો, પ્રાણ પંખી. દુનિયા પંખીમેળો. ધરતી કોની, નીર કોના, કણ કોણે સરજાવ્યા ? કોના એ નિર્માણ પંખી. દુનિયા પંખીમેળો.' તો ચાલો, આપણે સહુ પણ પંખીની જેમ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાવાન બનીએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WzuBZ9
ConversionConversion EmoticonEmoticon