આભાસી વાસ્તવિક્તાઃ નવા યુગમાં કલ્પના અને હકીકત વચ્ચે સંતુલન રાખવું જરૂરી


ક્વોરન્ટિનના આ કાળમાં લોકો જે અગાઉ નહોતા કરતા તે પણ હવે કરવા માંડયા છે. પુરુષો રસોડામાં ધ્યાન આપવા લાગ્યા તો મહિલાઓ કમ્પ્યુટર અને લેપટોપ પર નવું શીખવા લાગી. પણ તમામને એક બાબત આ લોકડાઉનમાં નડી ગઈ છે. આ છે તાણ.

વારંવાર ઝૂમ મીટિંગમાં ભાગ લેવાથી સતત એવો આભાસ થયા કરે છે કે હું કેવો લાગું છું કે હું કેવી લાગુ છું. મારા દાંત તો સારા છે ને, મારા વાળ લીસા તો છે ને, મારા શરીર પર ચરબીના થર તો નથી દેખાતા, મારા ખીલથી મારો દેખાવ કેવો લાગશે જેવા સવાલ તમામ સ્ત્રી અને પુરુષોને સરખે ભાગે સતાવતા થયા છે. પરિણામે લોકો જે બાબત પર અગાઉ ક્યારે પણ ખર્ચ કરવાનો વિચાર પણ નહોતા કરતા એના પર ખર્ચ કરતા થઈ ગયા છે.

લોકડાઉનના સમયમાં ચામડીના વિશેષજ્ઞા ડોકટરોને તડાકો પડયો છે. હાલની આભાસી વાસ્તવિક્તામાં સૌને સુંદર દેખાવું છે. હમણાં જ એક ફેશિયલ પ્લાસ્ટિક સર્જરીના સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખ મુજબ અમેરિકામાં લોકડાઉન દરમ્યાન પ્લાસ્ટિક સર્જરી કરાવનારાની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. એના પરથી સવાલ ઉત્પન્ન થાય છે કે શું આ વર્ચ્યુઅલ મીટિંગ આપણી માનસિક શાંતિ તો છીનવી નથી રહી ને? શું ભારતમાં પણ આવું બની રહ્યું છે?

અગાઉ જે વ્યક્તિઓ ક્યારે પણ ચામડીના વિશેષજ્ઞા પાસે નહોતા જતા તે હવે સૌંદર્ય પ્રસાધનો પાછળ પાણીની જેમ પૈસા વાપરે છે. આ બાબતે એક સ્કિન સ્પેશિયાલિસ્ટે જણાવ્યું કે આવું માત્ર વર્ચ્યુઅલ મીટિંગને કારણે થાય છે એવું માનવું ભૂલ ભરેલુ છે. લોકડાઉનમાં લોકો ઘેર હોવાથી તેમને પોતાને નીરખવાનો વધુ સમય મળે છે.

એથી તેઓ પોતાનું નિરીક્ષણ કર્યા કરે છે. બીજી તરફ એક અન્ય સ્પેશિયાલિસ્ટ જણાવે છે કે લોકડાઉન દરમ્યાન વિવિધ લોકોને વિવિધ સમસ્યા સર્જાઈ છે. લોકો પોતાના દેખાવ પાછળ વધુ નાણા ખર્ચી રહ્યા છે. અગાઉ જ્યારે વાસ્તવિક મીટિંગ હતી ત્યારે લોકોને પોતાના દેખાવ વિશે આટલી ફિકર નહોતી. પણ હવે ઝૂમ મીટિંગમાં પોતાનો ચહેરો કેવો દેખાશે એના વિશે વધુ ચિંતિત થયા છે. ઉપરાંત આ ગાળા દરમ્યાન ક્રાયોલિપોલાઈસીસ કરવાનારા લોકોની સંખ્યા પણ વધી છે.

ક્રાયોપોલાઈસીસ એટલે શરીરમાંથી ચરબી ઓગાળવાની એવી પદ્ધતિ જેમાં શરીરમાં ક્યાંય પણ સોય ભોંકયા વિના ચરબીના થરને થીજાવીને તોડી નાખવામાં આવે છે. એનાથી શરીરના બીજા સારા કોષોને કોઈ નુકસાન નથી થતું. ડાયટ અને કસરતથી પણ જેમના શરીરમાંથી ચોક્કસ જગ્યાએથી ચરબી નથી ઘટતી એવા લોકો માટે આ પદ્ધતિ બહુ ઉપયોગી સાબિત થઈ છે.

લોકડાઉનની બીજી એક દેન છે ડાયમોર્ફિક ડીસઓર્ડર. આ એક એવી અવસ્થા જેમાં વ્યક્તિને પોતાના દેખાવ બાબત કોઈને કોઈ દોષ લાગ્યા કરે છે. એનાથી તેઓ ઉચાટ, તાણ અને અન્ય માનસિક બીમારીનો ભોગ બને છે. ખાસ કરીને લોકડાઉન ખુલતા જ લોકો પોતાના દેખાવ બાબતે ડોકટરની સલાહ લેવા દોડી જતા જોવા મળ્યા છે. તેમને પોતાના પાસેથી અવાસ્તવિક અપેક્ષા થવા માંડી છે.

તેમને સમજાવવા ડોકટરો માટે આકરું બની ગયું છે. કેટલાક લોકો તો પ્લાસ્ટિક સર્જન પાસે પોતાનો ફોટોશોપ કરેલો ફોટો લઈને જાય છે અને કહે છે મને આવો દેખાવ કરી આપો. ડોકટરોના મતે આ ડિસઓર્ડર છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે પણ લોકડાઉન પછી તેનું પ્રમાણ અતિશય વધી ગયું છે. કેટલાક કેસમાં તો લોકોને પોતાના દેખાવથી એટલી નિરાશા થાય છે કે તેમને મનોચિકિત્સકની સલાહ લેવી પડે છે.

એક વાતનો સૌએ સ્વીકાર કરવો પડશે. હવે વર્ચ્યુઅલ મીટિંગમાં વધુ સમય પસાર કરવાનો છે. ઘણા લોકો આવી મીટિંગમાં માત્ર શરીરના ઉપરના દેખાતા ભાગનું જ એટલે કે ચહેરાનું ધ્યાન રાખે છે. પણ એનાથી તેમનામાં આત્મવિશ્વાસને હાનિ પહોંચે છે. ઘણા લોકો શરીરની ઉણપ ઢાંકવા સારા કપડા પહેરે છે. ડોકટરોના મતે આ ઉપાયો યોગ્ય નથી. સમગ્ર સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

માત્ર શરીરના કોઈ એક ભાગનું ધ્યાન ન રાખી શકાય. જો ચહેરો સારો લગાડવો હોય તો સમગ્ર આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. મીટિંગ અગાઉ કોઈ નિષ્ણાંત પાસે ચામડીની સારી સંભાળના ઉપાય મેળવી લેવા. હાલ આપણી પાસે સમય વધુ રહેશે. એથી આ સમય છે પોતાનું ધ્યાન રાખવાનો. સારી ચામડી માટે ઘેર જ બનાવેલા ક્રીમ વાપરી શકાય. યોગ્ય ડાયટ અને વિટામીન્સથી ચામડી અને વાળ બંને સારા થશે. પોતાના દેખાવ વિશે વધુ વિચાર કરવા કરતા પોતાના આરોગ્યનો જ વિચાર કરવો. એનાથી આત્મવિશ્વાસ વધશે. ઝૂમ મીટિંગ હવે નવા વિશ્વની વાસ્તવિક્તા છે. એને સહજ રીતે સ્વીકારવાથી લાભ થશે. આપણા દેખાવ વિશે કાલ્પનિક વિચારો છોડી દેવા પડશે. કોઈનો દેખાવ સારો કે ખરાબ નથી હોતો. પણ આરોગ્ય જ મહત્વનું છે એમ સમજીને હવે નવા વિશ્વનો સ્વીકાર કરવો પડશે.

- ઉમેશ ઠક્કર 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3phOUqj
Previous
Next Post »