તમારું શરીર તમારા વિચારોનું કહ્યું માને છે


નીપા અને નેહા નામની મહિલાઓ એકસાથે બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહી હતી. ૪૫ વર્ષની નીપા અને ૫૦ વર્ષની નેહાને લગભગ એકી સમયે સ્તન કેન્સરનું નિદાન થયું હતું. બેઉનાં કેસમાં ઘણું સામ્ય હતું. તબીબોએ બંનેને લગભગ એકી વખતે કેમોથેરપી આપી હતી. પરંતુ કેમોથેરપીની તીવ્ર આડઅસર નેહામાં જોવા મળી હતી. નીપાના કેસમાં આ સાઈડ ઈફેક્ટ નહીંવત્ હતી. નેહાએ થોડાં સમયમાં ઓફિસે જવાનું પણ શરૂ કરી દીધું હતું. જ્યારે નીપા સાવ પડી ભાંગી હતી.

અહીં આપણને સહેજે પ્રશ્ન થાય કે આવું કેમ? અલબત્ત, કેમોથેરપીની આડઅસરો તીવ્ર હોય છે એ વાત સર્વવિદિત છે અને પ્રત્યેક દરદીમાં તેનું પ્રમાણ વત્તુઓછું હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે જે મરીજોમાં તેની આડઅસરનું પ્રમાણ ઓછું હોય છે તેની પાછળ તેમની સકારાત્મક્તા મહત્ત્વનો ભાગ ભજવે છે.

નકારાત્મક વિચારસરણી ધરાવતા દરદીઓમાં તીવ્ર આડઅસર જોવા મળે છે અને તેમાંથી બહાર આવતાં પણ તેમને વધુ સમય લાગે છે. તેઓ વધુમાં કહે છે કે આપણે જે વિચારીએ છીએ તેની સીધી અસર  આપણા શરીર પર થાય છે. જો આપણે સારું વિચારીએ તો આપણું શરીર સ્વસ્થ રહે છે, પરંતુ જો નકારું કે નકારાત્મક વિચારીએ તો શરીર તે મુજબ પ્રતિભાવ આપે છે.

તેઓ એક સાદું ઉદાહરણ આપતાં કહે છે કે જો તમે કોઈ વસ્તુ એમ વિચારીને ખાઓ કે તેનાથી તમે માંદા પડશો કે પછી તમારું વજન વધી જશે તો ચોક્કસપણે તમારું શરીર તે મુજબ જ પ્રતિભાવ આપશે. પરંતુ જો તમે એમ વિચારશો કે તમે જે ખાઓ છો તેનાથી તમારા શરીરને પોષક તત્ત્વો મળી રહે છે અને તમારી નાની-મોટી વ્યાધિઓ આપોઆપ દૂર થઈ જાય છે તો તમારું શરીર તમે જે ખાશો તેમાંથી પોષણ મેળવી જ લેશે.

આપણી ગરીબ લોકોને સુકો રોટલો અને મરચું-કાંદો ખાઈને પણ પુષ્કળ શારીરિક શ્રમ કરતાં જોઈએ છીએ. તેનું મુખ્ય કારણ એ જ છે કે તેમના મગજે એ વાત સ્વીકારી લીધી હોય છે કે તેમણે આવો ખોરાક ખાઈને જ કામ કરવાનું છે. વધારાના પોષણ માટે તેમને શાકભાજી, ફળફળાદિ કે સુકો મેવો નથી મળવાના. વાસ્તવમાં તેમના મગજમાં એવા વિચારો જ નથી આવતાં. તેથી તેમનું શરીર સાવ સામાન્ય ભોજનમાંથી પણ પોષક તત્વો 'પેદા' કરીને ચાલતું રહે છે.

નિષ્ણાતો વધુમાં કહે છે કે તમારું મગજ તમારા શરીરને જેવા સંકેતો મોકલે તે પ્રમાણે જ તમારું શરીર વર્તે. નેહા નીપા કરતાં પાંચ વર્ષ મોટી હતી. આમ છતાં તેણે જાણે કે કેન્સર સામે ઝટપટ જીત મેળવી લેવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. તે આ રોગ સામે ઘૂંટણિયે પડવા નહોતી માગતી કે તેની સારવારની આડઅસરોને કારણે પોતાની ટોચ સર કરી રહેલી કારકિર્દીમાં અડચણ પેદા કરવા નહોતી ઈચ્છતી. તેથી તેણે આ બધી બાબતોને ક્ષુલ્લક ગણીને પોતાના ધ્યેય તરફ આગળ વધતા રહેવાનો નિર્ધાર કર્યો હતો.

તેના આ વિચારોની સીધી અસર તેના શરીર પર પડી. તેને કેમોથેરપીની નહીંવત્ આડઅસર થઈ અને પછીથી તે આ મહારોગમાંથી ઝટપટ ઉગરી પણ ગઈ. જ્યારે નીપા નેહા કરતાં પાંચ વર્ષ નાની હોવા છતાં તેમાંથી ઝટ બહાર ન આવી શકી. કમોથેરપી પછી તે સાવ પડી ભાંગી હતી. તે સતત એમ વિચારતી કે હવે હું ક્યારે આમાંથી બહાર આવીશ, મારું શું થશે? ઈત્યાદિ.

આવું જ કાંઈક ડાયટિંગ કરતી મહિલાઓ સાથે પણ થાય છે. તેઓ કાંઈપણ ખાવાથી પહેલા એમ વિચારે છે કે તેનાથી તેમનું વજન વધી જશે. મનોચિકિત્સકો કહે છે કે ઘણી યુવતીઓ સાવ ઓછી કેલરીવાળો ખોરાક લે છે. આમ છતાં તેઓ એવી ફરિયાદ કરે છે કે અમે કડક ડાયટિંગ કરીએ છીએ તોય અમારું વજન કેમ ઘટતું નથી.

વાસ્તવમાં જ્યારે તમે કોઈપણ વસ્તુ એવા ભય સાથે ખાઓ કે તેને કારણે તમારું વજન વધી જશે તો તેમાં નહીંવત્ કેલેરી હશે તોય તમારું વજન વધશે. તેને બદલે તમે કોઈપણ વસ્તુ એમ વિચારીને ખાશો કે તેમાં પુષ્કળ પોષક તત્ત્વો છે અને તમારા શરીરને તેની જરૂર છે, તેને કારણે તમે સ્થૂળ નથી થઈ જવાના, તો તમારું વજન નહીં વધે. ટૂંકમાં એમ કહી શકાય કે તમારું શરીર તમારા વિચારોનું કહ્યું માને છે.

- વૈશાલી ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KnoF2z
Previous
Next Post »