બાળક બરાબર સાંભળી શકે છે?


બાળક કેવી રીતે સાંભળે?

કાનના ત્રણ ભાગ છે : બાહ્ય કર્ણ - કાનનો જે ભાગ દેખાય છે તે તથા અંદરની નળી. મધ્યકર્ણ - જેમાં ખાસ પ્રવાહી ભરેલું હોય છે તથા અંતઃકર્ણ જે કાનને મગજના જ્ઞાાનતંતુઓ સાથે જોડે છે. અવાજ બાહ્ય કર્ણમાંથી દાખલ થઈ નળીમાં પસાર થઈ મધ્યકર્ણના પડદા પર વાઈબ્રેશન ઉત્પન્ન કરે છે. જેનો સંકેત અંતઃકર્ણ પર પહોંચે ત્યારે મગજને સાંભળવાનું જ્ઞાાન થાય. શું તમે જાણો છો નવજાત બાળક પણ સાંભળી શકે છે? ત્રણ મહિના સુધીમાં બાળક અવાજ સાંભળતા હલનચલન બંધ કરે, મનુષ્યનો અવાજ વધારે ગમે, મોટા અવાજ સામે નજર ફેરવે. ૭ મહિને અવાજને તથા તેના સ્ત્રોતને જાણી તે બાજુ મોં ફેરવે. તેને પ્રેમથી કે ઘાંટો પાડીને બોલાવો છો તે ખબર પડે અને પોતે અવાજ કરે. ૮ થી ૧૨ મહિના સુધીમાં પોતાના નામથી પ્રતિભાવ આવે તેને બોલાવે તો સામુ જુએ, લોકોને વાતો કરતા જાણે સાંભળે, સુચનાઓનું પાલન કરે. વધારે દુધ જોઈએ? એવું પુછે તો તેનો પ્રતિભાવ આપે. દોઢ વર્ષે તેને કવિતા સાંભળવી ગમે. ઘરની વ્યક્તિઓને નામ દ્વારા જાણે, શરીરના કેટલાક ભાગોને ઓળખે, તમારા બાળકના વર્તનનો અભ્યાસ કરજો. 

વહેલુ નિદાન ખુબ જરૂરી :

બાળકની સાંભળવાની ક્ષતિનું જેટલું બને તેટલું વહેલું નિદાન હશે તો જ તેને સારવારનો ફાયદો થાય. બાળક બોલતા શીખે તે ઉંમરમાં સાંભળવાની નબળાઈ તેને સ્પીચતા વિકાસમાં ખુબ નુકશાન કરશે. કેટલાક બાળકને ખાસ જોખમ રહેતું હોય છે. જે કુટુંબમાં બીજા બાળકો કે માતા-પિતાને વહેલી ઉંમરે સાંભળવાની ક્ષતિ હોય, પ્રીમેચ્યોર - નબળું બાળક, નવજાત શિશુને વધારે કમળો થયો હોય, અમુક ખાસ પ્રકારની દવાઓ વપરાઈ હોય, તેવા નવજાત શિશુને ખાસ ટેસ્ટ કરાવવો. બાળક મોટું થાય તે અરસામાં કાનનું પરૂ કાનમાં વેક્સ કે કચરો, કાનમાં વાગ્યું હોય આ કારણોસર બહેરાશ આવી શકે.

બહેરાશનું માપ કેવી રીતે?

બાળકને સાંભળવાનો ટેસ્ટ અનુભવી ડોક્ટર જ કરી શકે. મોટા ભાગનાં કેસમાં બાળકની હીસ્ટ્રી તથા તેના વર્તણુક દ્વારા જ નક્કી થઈ શકે. કેટલીકવાર ખાસ સાધનો દ્વારા ટેસ્ટીંગ કરવામાં આવે છે. સાંભળવાનું માપ "dB"ની માત્રમાં માપવામાં આવે છે. તેને આધારે 'હીયરીંગ ડેમેજ'નું વર્ગીકરણ સાધારણ, મધ્યમ તથા તીવ્ર એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવે છે. આ ટેસ્ટને 'ઓડિયો ગ્રામ' કહેવાય. તેનો રૂપિયા ૩૦૦ થી ૫૦૦ જેટલો ખર્ચ હશે. આ ઉપરાંત ખાસ નિદાન માટેનો BERA  તથા ASSR  નામના ખાસ ટેસ્ટ આપણા રાજ્યમાં ઉપલબ્ધ છે. બાળકને કયા ટેસ્ટની જરૂર છે તે ઓડીયોલોજીસ્ટ નક્કી કરશે.

શું સારવાર? બાળકની બહેરાશની સારવાર બાળકોના ડોક્ટર, ઓડીયોલોજીસ્ટ તથા સ્પીચ થેરાપીના સંયુક્ત પ્રયત્નથી જ થઈ શકે. સાંભળવાની પ્રક્રિયા સરળ કરવા માટે 'હીયરીંગ એઈડ' વપરાય છે. જે અવાજને મોટો કરી શકે છે. બજારમાં જુદી-જુદી ટેકનોલોજી આધારિત ખીસામાં રાખવાના, કાન પાછળ રાખવાના તથા કાનની અંદર મૂકી શકાય તેવા સાધનો મળે છે. તેની કિંમત રૂપિયા ૫૦૦૦થી માંડીને ૮૦૦૦ સુધીની હોઈ શકે છે.

તમારા ડોક્ટર તમારા માટે કયું સાધન યોગ્ય રહેશે તેનો નિર્ણય કરશે. આ સાધન બાળકે સતત પહેરી રાખવા જોઈએ. બેટરીનું ધ્યાન રાખવું તથા ભીનું ન થવા દેવું. સમયાંતરે બાળકની તપાસ કરાવતા રહેવી જે બાળકોની અંતઃકરણની ખામીની લીધે ખૂબ બહેરાશ હોય તેને માટે 'કોકલીયર' ઈમ્પલાન્ટની સર્જરી થઈ શકે છે. તેનો ખર્ચ ૫ થી ૧૦ લાખ રહેશે. તમારા ડોક્ટરની સલાહ લો અને નિર્ણય લો. શું તમને નથી લાગતું કે કાનની સાંભળવાની ઈન્દ્રિયની અગત્યતા કેટલી બધી છે અને આપણે બાળકના કાનની ખાસ સંભાળ લેવી જોઈએ. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nK4Scb
Previous
Next Post »