ચાલુ વર્ષ દરમિયાન કોરોનાએ લગ્નોત્સવમાં ભાંગભોડ કરીને ભારે કરી ! હરખઘેલા કેટલાય વરરાજાઓએ સીવડાવેલા મોંઘા ડ્રેસના ખર્ચ માથે પડયા. કરફ્યુગ્રસ્ત કોરોનાએ તો જાનમાં આવનારા કેટલાય જાનૈયાના દિલ તોડી નાખ્યા. કારણ જો કોરોનાનું કદિ અને ક્યાંય અસ્તિત્વ જ ન હોત તો લગ્નની સીઝનમાં અમદાવાદ જેવા બડા શહેરોમાં ફૂલોથી શણગારેલી મોટરકારો જોવા મળત ! અરે ! પિત્તળના વાજામાં ફૂંક મારીને ફિલ્મી ગીતો વગાડનારા બજવૈયા આપણી ગુજરાતણ સન્નારીઓને ભર રસ્તે રાસ-ગરબા દ્વારા નચાવવાના દ્રશ્યો પણ માણવાના ઓરતા ઓગળી ગયા ! જમવાના શોખીનો માટેના જમણવારો પણ ગયા.. રાત્રિના દાંડીયા રાસ પણ ઓગળી ગયા ભઇ, આ રાસડા દરમિયાન કંઇક કુંવારા મુરતિયાઓના સંબંધો થઇ જતા હોય છે... અરે, હળવદ જેવા બ્રાહ્મણીયા ગામમાં તો લગ્નના આગલે દિવસે બપોરે ભોજનમાં શીરો-ભજીયાનો પ્રબંધ રાખ્યો હોય છે. પાણી છાંટીને શુધ્ધ કરાયેલી શેરીમાં બધા શીરો ઓછો પણ ભજીયા વધારે ઝાપટતા હોય છે. દરમિયાન સમડીઓ તાસકમાં લઇને પીરસાતા ભજીયા ઝાપટ મારીને ચાંચમાં ઉપાડી જતી બચાવવા ઘરડા વડીલો હાથમાં અરીસો લઇને ખાટલે બેસી તડકે સમડીઓની આંખો આંજી દેવા આમથી-તેમ અરીસો ગોઠવતા રહે છે. અને સાંજે ચુરમાના લાડુનો અસલી હળવદીયો જલ્સો હોય છે.
આ બધું હવે સ્વપ્ના સેવવામાં ગયું.. હવે તો લગ્નની કંકોતરીઓ ય છપાવવાનો ક્યાં મોકો મળે છે ? અરે, કોરોનાએ તો લગ્નોના વરરાજા, જાનૈયા, બેન્ડવાજા, કંકોતરી છાપવાવાળા, મંડપ બાંધવાના કોન્ટ્રાક્ટરો, હસ્તમેળાપને કેમેરામાં કેદ કરવાવાળા, પરણાવવાની વિધિ કરનારા ગોર મહારાજો, એમ આવા પ્રસંગોએ ઝૂમી ઊઠયા વિનાનો કોરો રહી ગયેલો મોટો સમૂહ બાપ..! અરે, કેટલાયે તો ફ્લેટની અગાસીમાં હસ્તમેળાવ કરાવી નાખેલી- ફ્લેશના ઝબકારે યાદગીરી થઇ ગઇ- ત્યાં ખાલી આઇસ્ક્રીમનો ખર્ચ !! ક્યાંક વળી ઢોલવાળા ધ્રીબાંગ - ધ્રીબાંગની દાંડી પીટીને શુકન કરાવી જઇને બે પૈસા રળી લેતા.. આ બધું ગાયબ થઇ ગયું ! હસ્તમેળાપ ચૉરીમાં થતા એ ચાલુ દિવસે હોટેલમાં થઇ જતા. ક્યાંક લગ્નવિધિ પતી ત્યાં સગાવ્હાલા સિવાય કોઇ જોવા ન મળે ! આવી પરિસ્થિતિમાં આ ઢોલ વગાડવાવાળો નિરાશ વદને કોઈના બચનન ની પ્રતીક્ષા કરી રહ્યો છે !!!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3roCvm0
ConversionConversion EmoticonEmoticon