હીરાજડિત આભૂષણોનો ક્રેઝ .


સોનાની કિંમત ગમે તેટલી વધે પણ ભારતીયો માટે આ મોંઘી ધાતુ ખરીદવાનો મોહ ક્યારેય ઓછો નહિ થાય. ભારતના ગોલ્ડ બજારમાં મંદીની અસર કદી પણ જોવા નહિ મળે. 

આનું  મુખ્ય કારણ એ  છે કે સરેરાશ ભારતીયના  મનમાં પીળી ધાતુ ખરીદતી વખતે એક વિચાર અચૂક હોય છે. 'અણીના વખતે કામ આવે'  અને આ માનસિકતા વંશપરંપરાથી ચાલી આવે છે. પરિવારની સ્ત્રીઓને ભલે પેઢી દરપેઢીથી જાળવી  રાખેલા સુવર્ણાલંકારો પ્રેમથી પહેરાવવામા આવતા. પણ જો કુટુંબ પર આર્થિક વિપદા આવે તો આ માનુનીઓ પળનોય વિચાર કર્યા  વિના આ ઘરેણા  પુરુષો સામે મૂકી દઈને ઘરની ઈજ્જત સાચવી લેતી. અલબત્ત, આજે પણ  સ્વાભિમાની સ્ત્રીઓ સંકટ કાળમાં  પતિને કોઈની સામે  હાથ લંબાવવા નથી  દેતી પણ પોતાના દાગીનાની પોટલી ખુલ્લી મૂકી દે છે.

પરંતુ વિડંબણા એ છે કે મોટા ભાગે સોનુ  વેંચવા જનારાઓ ઝવેરીઓના હાથે છેતરાય છે. તેમને તેમના સુવર્ણની પૂરી કિંમત ભાગ્યે જ મળે છે. જો કે  આવી છેતરપિંડીમાંથી બચવાનો માર્ગ બતાવતાં ઝવેરી ધર્મેન્દ્રભાઈને ચોક્સી કહે છે કે સોનું ક્યારેય જુનું ન થાય, તેની ડિઝાઈન  જુની થાય. તેથી ઘટ  કસરના નામે થતી છેતરપિંડીથી ગ્રાહકો સાવધાન રહેવું જોેઈએ. વાસ્તવમાં જ્યારે દાગીનાને ઓગાળવામાં આવે ત્યારે તેનો અડધો ટકો જ ઘટ થાય છે. તેથી હોલમાર્ક દાગીના જ ખરીદવા અને વેચતી વખતે તેની પૂરી વેલ્યુ મેળવવી.

તેઓ  સવિસ્તર માહિતી આપતાં કહે છે કે સોનાની ગુણવત્તા માટે સામાન્ય  રીતે 'ટચ' શબ્દ વપરાય છે. 'ટચ' એટલે 'ટકા'. ૧૮  કેરેટ સુવર્ણ એટલે ૭૫૦૦ ટચ, ૨૪ કેરેટ સોનું એટલે ૧૦૦ ટચ અને ૨૨ કેરેટ અને ૯૧૬૦ (એક કેરેટ એટલે ૪.૧૬ ટચ) 

તેઓ વધુમાં કહે છે કે છેલ્લા ઘણા સમયથી આ પીળી ધાતુના ખરીદદારો માટે સ્ટડેડ જ્વેલરીનો ટ્રેન્ડ આકર્ષણનું કેન્દ્ર બનતો જાય છે. સોનામાં હીરા અથવા વિવિધ રંગના સ્ટોન્સ જડીને બનાવાયેલા દાગીનાની લોકપ્રિયતા સમાજના દરેક સ્તરની મહિલાઓમાં વધતી જાય છે. 

હીરાએ પણ વિશ્વની દરેક સ્ત્રીના દિલમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે. એવી કોેઈ મહિલા કે યુવતી નહિ હોય જેને સાચા હીરા કે તેના ઘરેણાં પસંદ ન હોય. માનુનીઓની આ મહેચ્છા વિવિધ પ્રકારની આકર્ષક ડિઝાઈનો ધરાવતા દાગીના બનાવતા ઝવેરીઓ પૂરી કરે છે. દિલ્હીના એક અગ્રણી જ્વેલર કહે છે, ''આ વરસે સોનુ અને હીરાનું ચલણ વધારે રહેશે. મહિલાઓ હવે જુની ડિઝાઈનનાં રોયલ ટચ ધરાવતાં, જાળીદાર ઘરેણાં પસંદ કરવા લાગી છે. પોલકીઝ અને અનકટ ડાયમન્ડ પણ માનુનીઓનું મન લલચાવવામાં સફળ થઈ રહ્યા છે.''

ડાયમન્ડ્સ, પોલકી અને કલર્ડ સ્ટોન્સ પસંદ કરનારી ભારતીય નારી તેની અનુકૂળતા અને આર્થિક સગવડ મુજબ સ્ટડેડ જ્વેલરી બનાવડાવવા લાગી છે. આ બાબતે વાત કરતા મુંબઈના એક  અગ્રણી જ્વેલરે કહ્યું હતું, ''આ વરસે લગ્નની સિઝનમાં મોટા ભાગની મહિલાઓ ડાયમન્ડ જ્વેલરી બનાવવાનું પસંદ કરશે. હીરાના કટ અને ક્વોલિટી પર તેમાંથી બનતા ઘરેણાંની કિંમતનો આધાર હોય છે. તેથી પોતાના બજેટ અનુસાર મહિલાઓ વિવિધ ડિઝાઈનો ધરાવતા દાગીનામાંથી તેમને ગમતા હોય તેવાં પસંદ કરી શકશે. 

જોકે ડાયમંડ જ્વેલરી ખરીદવાનો વિચાર કરતી માનુનીઓ માટે ધર્મેન્દ્રભાઈનો નવો કોન્સેપ્ટ ફાયદાકારક પુરવાર થઈ શકે. તેઓ તેમના ફેક્ટરી આઉટલેટમાં જ પોેતાના મેનુફેક્ચર કરેલા સોના અને હીરાના દાગીના રિટેલમાં વેંચે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે ખરીદદાર પાસે અલંકારો પહોંચે તેનાથી પહેલા મેન્યુફેક્ચરર પાસેથી થઈને  હોલસેલર, સેમી હોલસેલર અને પછી રિટેલરના હાથમાં જાય. સ્વાભાવિક રીતે  જ આ બધાના ેનફો ગ્રાહક પાસેથી જ વસૂલાય.

વળી રિટેલ શોરૂમનો ખર્ચ પણ ખરીદદારના ખિસ્સાને જ ભારે પડે. તેથી અમે થોડા સમયથી અમારા બનાવેલા આભૂષણો સીધાં જ ફેક્ટરી આઉટલેટમાં વેંચવાનું શરૂ કર્યું છે. સ્વાભાવિક રીતે જ ગ્રાહકોને તેનો સીધો  લાભ મળશે. તેમને મેન્યુફેક્ચરર પાસેથી  ખરીદી કરવા મળતા ૨૦ ટકા જેટલો ફાયદો થશે.  

વળી તેઓ અમારે ત્યાં અલંકારો શી રીતે બને છે તે પણ જોઈ શકશે. જોકે દરેક નવવધૂને અમારી એક જ સલાહ છે કે ભલે તમે એક ઘરેણું ખરીદો પણ તે ઉત્તમ ક્વોલિટીના ડાયમન્ડવાળું જ ખરીદજો. એનું કારણ છે- 'હીરા હૈ સદા કે લિયે.''' 

આજકાલ લાઈટ વેઈટ (ઓછા વજન) જ્વેલરીનો ટ્રેન્ડ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. કારણ કે સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા હોવાથી ઝવેરીઓ પોતાના ગ્રાહકો માટે ઓછી કિંમતમાં પણ આકર્ષક ડિઝાઈન વાળાં ઘરેણાં બનાવી આપે છે. મહિલાઓ વધુ વજનના આભૂષણોને બદલે ઓછા વજનમાં પણ વધારે મોટી દેખાય એવી જાળીદાર અને નાજુક ડિઝાઈનવાળી જ્વેલરી બનાવરાવવાનું પસંદ કરે છે. એમાં પણ સોના સાથે હીરા જડીને બનાવવામાં આવેલા કડાં, બંગડીઓ, કાનની બુટ્ટી તેમજ ગળાના હાર ખૂબ જ આકર્ષક લાગે છે.

એ જ રીતે થોડું સોનું લઈ તેમાં પોલકી અથવા અનકટ ડાયમંડ તેમજ  રંગીન પથ્થર જેવાં કે રુબી, માણેક વગેરે જડાવવાથી ઘરેણું મોટું અને કલાત્મક બને છે. સાથે જ તેની કિંમત પણ પરવડે એવી હોય છે. આવાં આભૂષણો કોઈ પણ શુભ પ્રસંગે પહેરી શકાય એવા પારંપારિક ભારતીય તેમજ પાશ્ચાત્ય પોશાક સાથે મેળ ખાય એવાં હોય છે.

એક જાણીતા જ્વેલરી ડિઝાઈનરના મતે, આધુનિક ફેશન મુજબ રહેવું હવે મહત્ત્વનું બની ગયું છે. આજકાલ વ્હાઈટ ગોલ્ડ પણ ઘણું લોકપ્રિય છે જે સોનાની સરખામણીએ થોડું સસ્તું છે. તમે જ્યારે પણ કોઈ જ્વેલરી ખરીદો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે એ તમારા વ્યક્તિત્વને નિખારે એવી હોવી જોઈએ. ૨૦થી ૩૦ વર્ષની વય ધરાવતી માનુનીઓએ ચોકર સેટ્સ, મોટી ચૂંક કે બંધ ગળાના હાર પસંદ કરવા જોઈએ.

એ જ રીતે ૩૦થી ૪૫ વર્ષની મહિલાઓ પર પ્લેન લાઈન સેટ્સ અને ચારથી પાંચ સેરવાળા હાર વધુ શોભે છે. મોટી ઉંમરની સ્ત્રીઓએ બને ત્યાં સુધી તેમના ઠરેલ વ્યક્તિત્વને છાજે તેવા સાદી ડિઝાઈનનાં આભૂષણો ખરીદવાં જોઈએ. જોકે હળવી ડિઝાઈનના ભારે સેટ્સ પણ તેમને સારા લાગશે. સોનાનાં ઘરેણાં હવે માત્ર અમુક જ ડિઝાઈનો પૂરતા સમિત ન રહેતા ઘણા આધુનિક બની રહ્યા છે.

મીનાકારીના ઉપયોગને લીધે સોનાના દાગીનાનો દેખાવ વધુને વધુ આકર્ષક બનતો જાય છે. ઉપરાંત આજની મહિલાઓ વ્હાઈટ ગોલ્ડ, પિન્ક ગોલ્ડ જેવી રંગીન ધાતુ સાથે અવનવી ડિઝાઈનનાં ઘરેણાં પહેરતી થઈ છે જે તેમને એક જુદો જ લુક આપે છે. એક સ્થાનિક ઝવેરીએ જણાવ્યા મુજબ મહિલાઓ ફરી એક વખત પારંપરિક ડિઝાઈનો તરફ વળી છે. તેથી અમે વ્હાઈટ ગોલ્ડનો વધુ ઉપયોગ કરીને ખાસ નવવધૂઓ માટેનાં વિવિધ પ્રકારના રંગીન સ્ટોન્સ જડેલા દાગીના બનાવીએ છીએ જે તેમના વ્યક્તિત્વને અને તેમના બજેટને અનુકૂળ થાય.''

- નીપા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nq7Brm
Previous
Next Post »