સૌંદર્ય સમસ્યા .


હું ૨૨ વરસની યુવતી છું. મારી ત્વચા રૂક્ષ છે. કોલ્ડ ક્રીમ લગાડું તો પણ થોડી વાર પછી ચહેરો શુષ્ક થઇ જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (ગાંધીનગર)

ગ્લિસરીનયુક્ત ફેસવોસ ચહેરાની સફાઇ માટે ઉત્તમ છે. ગ્લિસરીન શુષ્ક ત્વચાને કોમળ કરે છે. આ ઉપરાંત એક ઇંડાના પીળા ભાગમાં મુલતાની માટી ભેળવી ચહેરા પર લગાડવી. સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા મુલાયમ તથા ચમકદાર થશે.

હું ૨૪ વરસની યુવતી છું. મારી ત્વચા પર હળવા ધાબા છે તેનાથી છુટકારો પામવાના ઉપાય જણાવશો.

એક યુવતી(અમરેલી)

દૂધની મલાઇ, લીંબુનો રસ, હળદર ભેળવી ચહેરા પર સવાર-સાંજ લગાડવું. તેનાથી ધાબા હળવા તેમજ ઓછા થશે.આ ઉપરાંત ચાર ચમચા દૂધની મલાઇ,   એક  ચમચો સરસવનું તેલ, ખીરાનો રસ, મધ, ગુલાબજળ અને લીંબુનો રસ ભેળવી શીશીમાં ભરી ઠંડા સ્થાને રાખી દેવો. રાતના સૂતા પહેલા હાથ-પગ, ચહેરા અને ગળા પર લગાડવાથી ત્વચા સાફ થાય છે. સવારે રૂના પુમડાથી સાફ કરી સ્નાન કરવું.

હું ૨૮ વરસની યુવતી છું. થોડા સમયથી મારા વાળ ચમકહીન થઇ ગયા છે. મારી આ સમસ્યાથી છુટકારો પામવાનો ઇલાજ જણાવશો.

એક યુવતી (ભરૂચ)

વાળની ચમક મોટા ભાગે આકરો તડકો, ક્લોરિનયુક્ત પાણી, વારંવાર બ્લો ડ્રાઇ કરવાથી અથવા કર્લિંગ રોડનો નિયમિત ઉપયોગ કરવાથી, વાળને બ્લીચ કરવાથી, વધુ પડતા ગરમ પાણીથી વાલ ધોવાથી, મૂસ,જેલ, હેયર સ્પ્રે અથવા કંડિશનર તથા શેમ્પુના વધુ પડતા ઉપયોગથી ચમક ઝાંખી થઈ જાય છે.અઠવાડિયે એકવાર કોપરેલ અથવા ઓલિવ ઓઇલથી વાળમાં શેમ્પૂ કરતા પહેલા મસાજ કરવો. મહેંદીમાં દહીં તથા   ભેળવીને અઠવાડિયે અથવા પંદર દિવસે એક વાર લગાડવું. વધુ પાણી પીવાની આદત પાડવી. રોજિંદા આહારમાં ફણગાવેલા કઠોળ, દહીં, પનીર તથા તાજા શાક તથા પાંદડાયુક્ત ભાજીનું પ્રમાણ વધારવું.

હું ૨૩ વરસની યુવતી છું. થોડા સમય પહેલાં મેં મારા વાળ બ્લિચ કરાવ્યા હતા.હવે મારે વાળને પર્મ કરાવવા હોય તો કરાવી શકું કે નહીં તે જણાવશો.

એક યુવતી (નવી મુંબઇ)

બ્લિચ રસાયણિક પદાર્થ હોય છે. બ્લિચિંગથી વાળની જડ કમજોર થઇ શકે છે. આવા વાળને પર્મ કરાવતી વખતે સૌંદર્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. તે તમારા વાળને જોઇને સમજી શકશે કે તમારા વાળ રસાયણિક પદાર્થને સહન કરી શકશે કે નહીં.ઉપરાંત પર્મ કરાવતાં પહેલાં બ્લિચ કરેલા વાળની કાન પાછળની લટ પર પર્મિંગ સોલ્યુસન ટેસ્ટ કરાવશો.

હું ૪૪ રસની ગૃહિણી છું. મારો વાન ગોરો છો તથા ત્વચા સુંદર છે. તેથી અત્યાર સુધી મેં ચહેરા પર કોઇ પણ પ્રકારની રસાયણિક ટ્રીટમેન્ટ લીધી નથી. પરંતુ હવે પરિવારમાં લગ્ન હોવાથી મારે બ્લિચ, ફેશિયલ મસાજ કરાવવાનો પરિવારનો આગ્રહ છે. પરંતુ મને ડર એ છે કે રસાયણના કુપ્રભાવથી મારી ત્વચા ખરાબ તો નહીં થઇ જાય ને ? મારી આ સમસ્યાના નિવારણનો ઉકેલ જણાવશો.

એક મહિલા(પાલઘર)

તમે બ્લિચ-ફેશિયલ કરાવતી વખતે તમારી બ્યુટિશિયનને જણાવી દેશો કે તમે પ્રથમ વખત કરાવો છો તેથી તે એલર્જી  થાય છે કે નહીં તેની તપાસ પહેલાં કરશે.અને પછી જ તમારી ટ્રીટમેન્ટ કરાવશો.આમ જુઓ તો ત્વચા પર રસાયણિક પદાર્થોનો કુપ્રભાવ લાંબા ગાળે પડે છે. પરંતુ તમે વારંવાર નથી કરાવતા તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી.

- સુરેખા મહેતા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37khwJf
Previous
Next Post »