20,000 લીગ્સ અન્ડર ધ સી : સમુદ્રની અનોખી સફર

- સમુદ્ર સફરની કોઈ નવાઈ નથી પરંતુ, જૂલે વર્ને લખેલી વાર્તા 'ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી'માં રજૂ થયેલી સમુદ્રી સફર બેશક નવાઈપ્રેરક છે અને હંમેશા નવાઈપૂર્ણ જ રહેશે. એ સફર અહીં ફિલ્મ સ્વરૂપે રજૂ થઈ છે. સાહસ પ્લસ સાયન્સ કથાની અદ્ભૂત રજૂઆત બદલ ફિલ્મને બે ઑસ્કર મળ્યાં હતાં

- આ ફિલ્મ ડિઝની સ્ટૂડિયોએ બનાવી હતી અને ડિરેક્ટર તરીકે રિચાર્ડને પસંદ કર્યા ત્યારે સૌ કોઈને સરપ્રાઈઝ થયું હતું. કેમ કે ડિઝનીના હરિફ એનિમેટર મેક્શ ફ્લેશરના એ પુત્ર હતા

ડિરેક્ટર રિચાર્ડ ફ્લેશર

કલાકાર : જેમ્સ મેસન, કર્ક ડગ્લાસ, પોલ લુકાસ, પિટર લોર

રિલિઝ  : ડિસેમ્બર,૧૯૫૪

લંબાઈ : ૧૨૭ મિનિટ

વર્ષ ૧૮૬૮નું હતું.


પ્રશાંત મહાસાગરમાં કોઈ નવા પ્રકારનો દરિયાઈ દૈત્ય જોવા મળી રહ્યો છે એવા સમાચાર સમુદ્રી આલમમાં ફરી વળ્યાં. ડર વ્યાપી ગયો. એટલે પછી દૈત્ય કોણ છે તેની તપાસ માટે અમેરિકી નૌકાદળનું એક જહાજ રવાના થયું. જહાજ પર સમુદ્રીજ્ઞાાનના નિષ્ણાત તરીકે ફ્રાન્સના પ્રોફેસર પિયરી એરોનાને પણ લેવામાં આવ્યા. એરોના સાથે તેમના ટૂંકા કદના આસિસ્ટન્ટ કોન્સિલ પણ હતા. દરિયાઈ મોન્સ્ટરની શોધ માટે જહાજ રવાના થયું અને લગભગ એકાદ મહિનો પ્રશાંત મહાસાગર પર આમ-તેમ રખડયું. 

એક દિવસ અચાનક દૂર સમુદ્રમાંથી કંઈક આકાર બહાર આવતો દેખાયો. બસ એ જ હતો દૈત્ય. જહાજના કેપ્ટનને ખાસ કંઈ સમજાય એ પહેલા દૈત્યની જહાજ સાથે અથડામણ થઈ, જહાજ ડૂબ્યું, પણ ત્રણ જણ બચી ગયા, જેમાં પ્રોફેસર અને કોન્સિલ ઉપરાંત શિકાર નિષ્ણાત નેડ લેન્ડનો પણ સમાવેશ થતો હતો. ત્રણેય તરતાં રહ્યાં ત્યાં દૈત્ય નજીક આવ્યો અને હવે તેનો આકાર વધારે બહાર આવ્યો હતો. નજીકથી જોયું તો ખબર પડી કે દૈત્ય માનવામાં આવે છે એ તો કોઈક જહાજ છે, પણ સમુદ્રની ઉપર નહીં, સમુદ્રની નીચે ચાલી શકે એવું! આવું જહાજ હોય એવી ત્યારે કોઈને કલ્પના પણ ન હતી, એટલે સૌ તેનાથી ડરતા હતા.

પ્રોફેસર-કોન્સિલ-નેડ ત્રણેય જહાજમાં અંદર ઉતર્યાં. અંદર બાંધકામ ભવ્ય હતું, નાના-મોટા વિભાગો હતા, કેબિનો હતી, જાત-જાતના યંત્રો-ચકરડાં-પાઈપલાઈનોનો પાર ન હતો. પેટાળમાં ચાલી શકતું જહાજ રવાના થયું, તેનો કેપ્ટન સામે આવ્યો અને પોતાની ઓળખ 'નેમો' તરીકે આપી. પોતાના જહાજનું નામ 'નોટિલસ' જણાવ્યું. નેમો પ્રોફેસરને જોઈને ઓળખી ગયો એટલે તેણે કહ્યું કે સારું થયું તમારા જેવા નિષ્ણાત મારા જહાજમાં આવી ગયા. સમુદ્રની જાણકારી મેળવવાની હવે મજા આવશે. ધીમે રહીને ત્રણેયને સમજાયું કે તેઓ હવે જહાજમાં કેપ્ટનના મહેમાન છે અને નેમોની ઈચ્છા વગર બહાર નીકળઈ શકે એમ નથી. ટૂંકમાં જહાજ પર નજર કેદ છે. ત્રણેયને રહેવા માટે ચેમ્બરો ફાળવી દેવાઈ.

નોટિલસ તો સમુદ્રમાં ધમધમાટ કરતી આગળ વધતી હતી. બન્ને તરફ રાખેલી કાચની વિશાળ બારીઓ દ્વારા સમુદ્રના અવનવાં સજીવો જોવાં મળતાં હતાં. નેમોએ પ્રોફેસરને સમજાવ્યું કે પોતે સંપૂર્ણપણે સમુદ્રનિર્ભર છે. ખાવા-પીવાથી માંડીને વસ્ત્રો સહિતની તમામ જરૂરિયાત સમુદ્રના પેટાળમાંથી મળી રહે છે. એટલે મારે આ દંભી દુનિયાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી, એટલે જ નોટિલસનું અસ્તિત્વ સમગ્ર દુનિયાથી ગુપ્ત છે. માત્ર તમે ત્રણ નોટિલસ વિશે જાણો છો. પોતે યુદ્ધમાં દેશ માટે લડત આપી પણ દેશે પોતાની કદર ન કરી તેનો વસવસો પણ નેમોએ વ્યક્ત કર્યો.

આગળ જતાં એક ટાપુ પર ગુલામીપ્રથા ચાલતી જોવા મળી. નેમોએ ગુલામી કરાવનારા જહાજના સભ્યોને જ ઉડાવી દીધા. આ રીતે એ જેમનું શોષણ થતું હોય તેમની મદદ કરતો હતો, જે શોષણ કરતાં હોય એમને ઠેકાણે પાડતો હતો. એ છૂપો રોબિનહૂડ હતો.

પ્રોફેસરને સમુદ્ર સફર દરમિયાન સાવ નવી જાણકારી મળતી હતી. કોન્સિલ તેનો આસિસ્ટન્ટ હતો એટલે ચૂપ બેઠો હતો. પણ નેડને આ રીતે કેદ રહેવાનું પસંદ ન હતું. એક દિવસ કેપ્ટનની કેબિનમાં જઈ તેણે જાણી લીધું કે નેમોનું હેડક્વાર્ટર સમુદ્રમાં ક્યાં છે. એ સરનામું લખીને તેણે નોટિલસ સપાટી પર આવે ત્યારે કેટલાક સંદેશા લખેલા શીશા સમુદ્રમાં રવાના કર્યા. જહાજ ન્યુ ગીની પાસે ઉભું રહ્યું. અહીં નેડ અને કોન્સિલે નજીક દેખાતા ટાપુ પર ફળ-ફૂલ લેવા જવાની મંજૂરી માંગી. કેપ્ટને રજા આપી એટલે બન્ને કાંઠે પહોંચ્યા. તેમનો ભાગી જવાનો ઈરાદો હતો. પણ એ ટાપુ પર માનવભક્ષી વનવાસી રહેતા હતા. એ દોડયા એટલે નેડ-કોન્સિલ ઉભી પૂંછડીએ ભાગીને પાછા નોટિલસમાં આવી ગયા. ટૂંકમાં નોટિલસમાંથી ભાગી છૂટવાનું કામ આસાન ન હતું. 

નોટિલસ ચાલી જતી હતી ત્યાં અચાનક તેની કોઈ સાથે અથડામણ થઈ. જોયું તો કદાવર સમુદ્રી ઓક્ટોપસ હતો. ઓક્ટોપસ લાંબા અને શક્તિશાળી પગ વડે નોટિલસને રોકી લીધી. કેપ્ટન નેમો અને તેની ટીમ ઓક્ટોપસ સામે લડવા બહાર આવી. નોટિલસ સપાટી પર હતી, ત્યાં વળી સમુદ્રમાં તોફાન ઉપડયું. એટલે ઓક્ટોપસ સામે નેમોનું કંઈ ચાલતું ન હતું. ઓક્ટોપસે પોતાનો એક પગ નેમોને વિંટાળી કેદ કરી લીધો. સદ્ભાગ્યે એ  વખતે નેડ ઉપર આવ્યો અને પોતાની શિકારકળા વડે તેણે ઓક્ટોપસને ખતમ કરી દીધો. 

નોટિલસ આગળ જતાં નેમોનો અડ્ડો હતો એ જ્વાળામુખીની મુખ જેવા ટાપુ પાસે પહોંચી. ત્યાં અનેક જહાજો આવી પહોંચ્યા હતા, નેમોને કેદ કરવા. ટાપુની જમીન નીચે પાણીમાં રસ્તો હતો, જ્યાંથી નોટિલસ અંદર લઈને નેમોએ જ્વાળામુખીના મુખમાં રહેલો અડ્ડો વિસ્ફોટથી  ઊડાવી દીધો. કેમ કે પોતાના અસ્તિત્વના કોઈ પુરાવા એ જગતને આપવા માંગતો ન હતો. ત્યાં સુધીમાં સૈનિકોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, એક ગોળી નેમોને લાગી.

હવે નિર્ણાયક ઘડી આવી હતી. નોટિલસ પણ ડૂબવાની હતી. ઘાયલ કેપ્ટન અને તેની ટીમે નક્કી કર્યું કે નોટિલસ સાથે જ જળસમાધિ લેવી છે. પ્રોફેસર-નેડ-કોન્સિલે પોતાની રીતે નિર્ણય કરવાનો હતો અને તેમણે કર્યો પણ ખરો....

જૂલે વર્ને ૧૮૭૦માં લખેલી આ કથા જગતભરમાં લોકપ્રિય છે, એકથી વધુ ફિલ્મો બની છે અને ગુજરાતી સહિતની ભાષાઓમાં અનુવાદો પણ થયા છે. આધુનિક સબમરિન ન હતી ત્યારે જૂલે વર્ને તેની કલ્પના રજૂ કરી હતી, જે પાછળ જતાં સાચી પડી. કેપ્ટન નેમો દરિયાઈ સંશોધક હતો અને આજના સંશોધક જહાજો નોટિલસ જેવા જ હોય છે.

ફિલ્મ તો અડધી સદી કરતાં વધારે જૂની છે. એ વખતની ટેકનોલોજી પ્રમાણે આઠપગો ઓક્ટોપસ ફિલ્મમાં દર્શાવાયો છે, પણ આજેય ઓક્ટોપસ સાથેની એ લડાઈનું દૃશ્ય એટલું જ રસપ્રદ લાગે છે. ત્યારે તો આ દૃશ્યએ દર્શકોને ઘેલાં કર્યાં હતા. ફિલ્મ ટેકનિકલ રીતે ખાસ્સી અઘરી હતી એટલે શૂટિંગ વખતે ૪૦૦થી વધારે લોકોની ટેકનિકલ ટીમ કામે લાગી હતી. ફિલ્મમાં જે અન્ડરવોટર ગુફા દર્શાવાઈ એ જગ્યા જમૈકામાં છે અને ત્યાં હવે રિસોર્ટ છે. ફિલ્મની જરૂર પ્રમાણે થોડો-ઘણો ફેરફાર કરવાં છતાં વાર્તા સરવાળે યથાવત અનેે એટલી જ રસપ્રદ રીતે રજૂ થઈ  છે. ફિલ્મ ૩ ઑસ્કર માટે નોમિનેટ થઈ હતી અને તેમાંથી 'આર્ટ ડિરેક્શન' અને 'સ્પેશિયલ ઈફેક્ટ' માટેના બે એવૉર્ડ મળ્યા હતા.

આ ફિલ્મ ડિઝની સ્ટૂડિયોએ બનાવી હતી અને ડિરેક્ટર તરીકે રિચાર્ડને પસંદ કર્યા ત્યારે સૌ કોઈને સરપ્રાઈઝ થયું હતું. કેમ કે ડિઝનીના હરિફ એનિમેટર મેક્શ ફ્લેશરના એ પુત્ર હતા. પણ વોલ્ટ ડિઝનીએ કહ્યું કે 'હરિફ કે જે હોય એ આ ફિલ્મ બનાવવા માટે તેનાથી સારો બીજો ડિરેક્ટર ન હોઈ શકે!'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nkTPWZ
Previous
Next Post »