આપણાં દેશમાં લોકો એકટરોને દેવની જેમ પૂજે છે અને એમના મંદિરો પણ બાંધે છે. પરંતુ પડદા પાછળના કસબીઓને ઝાઝુ મહત્ત્વ નથી અપાતું. નાટકો, ફિલ્મો, સિરીયલો અને વેબ સિરીઝ બધાને આ વાત લાગુ પડે છે. દેવ આનંદને એમના ફેન્સ આજે પણ ેવરગ્રીન હિરો તરીકે યાદ કરે છે પણ એમની કરીયર બનાવવામાં મહત્ત્વનો ફાળો આપનાર એમના નાના ભાઈ અને દિગ્દર્શક વિજય આનંદ ઉર્ફે ગોલ્ડી એમની હયાતિમાં જ ગુમનામીમાં ધકેલાઈ ગયા હતા. હવે તો કોઈ એમને ભૂલેચુકેય સંભારતું નથી.
હકીકતમાં વિજય આનંદ એક બુદ્ધિશાળી વ્યક્તિ હતા. ફિલ્મો વિશે ગોલ્ડીમાં એમના બંને મોટાભાઈઓ- ચેતન આનંદ અને દેવ આનંદ કરતા વધુ સૂઝ હતી. એટલે જ તેઓ દિગ્દર્શક તરીકે પોતાના મોટાભાઈઓ કરતા વધુ સારી અને સફળ ફિલ્મો આપી શક્યા. એમણે માત્ર મનોરંજક ફિલ્મો નહોતી બનાવી.
ગાઇડ અને તેરે મેરે સપને જેવી ગંભીર અને અર્થસભર ફિલ્મો પણ આપી આજે એમની ઓલ ટાઇમ હિટ ફિલ્મ 'જોહની મેરા નામ' વિશે વાત કરવી છે. ભાગ્યે જ કોઈને યાદ હશે કે જોહની મેરા નામની રિલીઝને નવેંબરમાં ૫૦ વર્ષ પુરા થયા. ગુલશન રાયની આ પ્રોડયુસર તરીકે પહેલી ફિલ્મ ૧૧ નવેંબર, ૧૯૭૦ ના રોજ રિલીઝ થઈ હતી. ત્રિમૂર્તિ ફિલ્મસની આ સુપર-ડુપર હિટ ફિલ્મ સાથે કેટલીક એવી વાતો જોડાયેલી છે, જેનાથી જનતા અજાણ છે.
દાખલા તરીકે, સદ્ગત એકટર પ્રેમનાથને ગોલ્ડીએ જોહની મેરા નામ માટે વિલ તરીકે સાઇન કર્યા ત્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘણાંને આશ્ચર્ય થયું હતું. એટલા માટે કે પ્રેમનાથ એ અરસામાં લગભગ ભુલાઈ ગયા હતા અને નિવૃત્ત જીવન ગાળતા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે ચેતન અને દેવ આનંદ પહેલા વિજય આનંદનું હીર પારખનાર પહેલી વ્યક્તિ પ્રેમનાથ હતા. ૧૯૫૪માં એક કોલેજની ડ્રામા કોમ્પિટીશનમાં પ્રેમનાથે જજ તરીકે હાજરી આપી હતી.
એમાં 'રિહર્સલ' નામના નાટકને પહેલું ઈનામ મળ્યું હતું, જેના રાઇટર-ડિરેક્ટર યુવાન વિજય આનંદ હતા. પ્રેમનાથ એ સમયે જ ગોલ્ડીની પ્રતિભાને પારખી એમના ભાઈઓને એ વિશે વાત કરી હતી. બાર વર્ષ પછી ગોલ્ડીએ શમ્મી કપૂરને લઈ 'તીસરી મંઝિલ' નામની સસ્પેન્સ થ્રિલર બનાવી અને એમાં વિલનનો રોલ પ્રેમનાથને આપ્યો. કોણ જાણે કેમ પણ પ્રેમનાથને ઐયાશ ખલનાયક બનવાની સારી ફાવટ હતી. એટલે ગોલ્ડીએ જોહની મેરા નામમાં પણ ૧૯૭૦માં એમને ફરી રિપીટ કર્યા.
જોહની મેરા નામથી હિન્દી ફિલ્મોમાં સ્ટ્રીપ ડીઝ કેબરે ડાન્સની શરૂઆત થઈ હતી. પદમા ખન્નાએ 'હુશ્ન કે લાખો રંગ..' ગીત પર કામુક ખલનાયક પ્રેમનાથ સમક્ષ એટલી સેક્સી અદાઓ બતાવી કે લોકો આ એક ગીત માટે ફિલ્મ વારંવાર જોવા ગયેલા. પદમા ખન્નાની અદાઓથી કામાતુર બનેલા ખલનાયકને પ્રેમનાથે પડદા પર આબેહુબ પેશ કર્યો હતો. પ્રેમનાથ પહેલા અને પછી કોઈ વિલને હિન્દી ફિલ્મોમાં આટલો તીવ્ર કામાવેશ બતાવ્યો નથી. ફિલ્મની કમાન ગોલ્ડીના હાથમાં હતી એટલે પ્રેમનાથ અને પદમા ખન્ના સાથે યાદગાર સ્ટ્રીપ ટીઝ ગીતની ક્રેડિટ એમને પણ આપવી પડે.
જોહની મેરા નામના કથાનકમાં ખાસ કોઈ નવીનતા નહોતી. એમાં પણ બે ભાઈઓના નાનપણમાં છુટા પડવાની વાર્તા હતી, જે હિન્દી ફિલ્મોનો એ જમાનામાં એક ટિપીકલ પ્લોટ હતો. છતાં ફિલ્મએ વિજય આનંદની નવીનતા સભર ટ્રીટમેન્ટ, કલાકારોના અભિનય અને કલ્યાણજી-આણંદજીના હિટ ગીતોને લીધે બોક્સઓફિસ પર ધુમ મચાવી દીધી. ફિલ્મને ગોલ્ડીએ લાઇટરમાં કેમેરો ગોઠવીને, અને બેડમિંગ્ટનના રેકેટ તથા તંબુરામાં હીરા છુપાવીને જેમ્સ બોન્ડની ફિલ્મ જેવો ચટ આપ્યો હતો. ગોલ્ડીએ આ ફિલ્મથી પ્રેમનાથની કરીયરને નવો વળાંક આપ્યો અને તેઓ આવનારા વરસોમાં બોલીવુડમાં એકટર તરીકે છવાયેલા રહ્યા. એ જ રીતે પદમા ખન્નાની કરીયર પણ આ ફિલ્મ બાદ સડસડાટ ચાલી નીકળી.
ગુલશન રાય હિન્દી ફિલ્મોના જાણીતા ડિસ્ટ્રીબ્યુટર હતા. એમને પ્રોડયુસર બનવાની ચાનક ક્યાંથી ચડી એની પાછળ પણ એક નાનકડી સ્ટોરી છે. મરાઠી લેખિકા અનિતા પાધ્યેએ વિજય આનંદ સાથે દિવસો સુધી વાર્તાલાપ કરી એમના પર એક પુસ્તક લખ્યું છે. એ મરાઠી પુસ્તકનો તાજેતરમાં હિન્દીમાં અનુવાદ થયો છે, જેનું નામ છે 'એક થા ગોલ્ડી' પુસ્તકમાં અનિતા પાધ્યેએ લખ્યું છે કે એકવાર ગુલશન રાય અને નિર્માતા-દિગ્દર્શક બી.આર. ચોપરા એક પાર્ટીમાં ભેગા થયા.
વાત-વાતમાં ચોપરાસાહેબ એવું બોલી ગયા કે 'એક ડિસ્ટ્રીબ્યુટર કદી ફિલ્મો ન બનાવી શકે.' રાયને એવું લાગ્યું કે ચોપરા મને ટોણ્ણો મારી રહ્યા છે. એટલે એ જ વખતે એમણે પ્રોડયુસર બનવાના સમ ખાઈ લીધા. પુસ્તકમાં એમ પણ જણાવાયું છે કે બે ભાઈઓ (દેવ આનંદ અને પ્રાણ)ની આસપાસ વણાયેલી વાર્તા ધરાવતી ફિલ્મનું ટાઇટલ શરૂમાં 'દો રુપ' રખાયું હતું. એક જ્યોતિષીએ રાયને એવું સૂચન કર્યું હતું કે તમારી ફિલ્મનું નામ 'જે' પરથી રાખો તો ફિલ્મ હિટ થશે. ફિલ્મનું ટાઇટલ શરૂમાં થોડા વખત માટે 'તુમ જહાં હમ વહાં' પણ હતું પણ પછીથી 'જોહની મેરા નામ' પર સર્વસંમતિ સધાઈ.
'જોહની મેરા નામ' અને રાજ કપૂરની 'મેરા નામ જોકર' એકીસાથે થિયેટરોમાં ચાલતી હતી. ગુલશન રાયની ફિલ્મ હિટ થઈ ગઈ અને આર. કે.ની ફિલ્મનું બોક્સઓફિસ પર ધબાય નમ: થઈ ગયું. એમાં એવી વાતો વહેતી થઈ કે ગુલશન રાયે મેરા નામ જોકરની ટિકિટો જથ્થામાં ખરીદી થિયેટરો પર આઠ આઠ આનામાં વેચાવી એમાં ફિલ્મ બેસી ગઈ અને જોહની મેરા નામ હિટ થઈ ગઈ. આ નર્યુ જુઠાણું હતું કારણ કે મેરા નામ જોકર રિલીઝ થઈ એ પહેલા જોહની મેરા નામ ૫ સપ્તાહથી થિયેટરોમાં ચાલી રહી હતી.
જોકર આવી એ પહેલા રાયની ફિલ્મ હિટ થઈ ચુકી હતી. એટલે ગુલશન રાયે જોકરની ટિકિટો બ્લેકવાળાઓ પાસે ચણા-મમરાના ભાવે વેચાવી એ ટાઢા પહોરનું ગપ્પુ જ પુરવાર થયું. સદનસીબે, રાજ કપૂર અને ગુલશન રાય વચ્ચે આ અફવાને લઈને કોઈ ગેરસમજ ઊભી નહોતી થઈ. બંને મોટા મનના માનવી હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n6u7W0
ConversionConversion EmoticonEmoticon