અક્ષય કુમાર હવે ગેંગસ્ટરના પાત્રમાં


અ ક્ષય કુમાર પોતાની ફિટનેસ, શિસ્ત અને ઝડપ માટે બોલીવુડમાં જાણીતો છે. એના આ ગુણોને લીધે જ એ નિર્માતા-દિગ્દર્શકોનો માનીતો એકટર છે. સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ સાથે ખિલાડી અત્યાર સુધીમાં નવ ફિલ્મો કરી ચુક્યો છે. મિત્ર સાજિદ સાથેની અક્ષયની દસમી ફિલ્મ 'બચ્ચન પાંડે' નું શૂટીંગ જાન્યુઆરીમાં શરૂ થઈ માર્ચમાં પુરુ થઈ જશે. ટુંકમાં ૫૨ વર્ષનો આ અભિનેતા ઇન્ડસ્ટ્રીનો સૌથી વ્યસ્ત સ્ટાર છે.

કોરોનાવાયરસને કારણે મુકાયેલા લોકડાઉનમાં મોટાભાગના એકટરો પોતાના ઘરમાં કે ફાર્મ હાઉસમાં ફરજિયાત વેકેશન માણી રહ્યા હતા ત્યારે અક્ષય ઓગસ્ટમાં સ્કોટલેન્ડ જઈને પોતાની પિરીયડ સ્પાય થ્રિલર 'બેલ બોટમ'નું શૂટીંગ પતાવી આવ્યો હતો. અત્યારે એ મુંબઈના એક સ્ટુડિયોમાં ઐતિહાસિક ફિલ્મ 'પૃથ્વીરાજ'નું શૂટીંગ કરી રહ્યો છે. ૨૦૨૦નું વરસ પુરુ થાય એ  પહેલા અક્ષય આનંદ એલ. રાયની લવસ્ટોરી 'અતરંગી રે'નું પોતાના ભાગનું શૂટીંગ આટોપી લેશે.

બોલીવુડનો ખિલાડી મોટાભાગે સળંગ એક જ શેડયુલમાં ફિલ્મ કરવામાં માને છે. એને કારણે એક્ટર વર્ષમાં કમસેકમ ચાર ફિલ્મો પુરી કરી નાખે છે. ઝડપની સાથોસાથ અક્ષય કુમાર વિવિધતામાં પણ માને છે. એ પોતાની દરેક ફિલ્મમાં કોઈક નવુ પાત્ર ભજવે છે. નવા વિષય અને નવી ભૂમિકાનો પડકાર ઝીલવામાં એકટર કદી પાછીપાની નથી કરતો. સાજિદ નડિયાદવાલાની 'બચ્ચન પાંડે'માં અક્ષય એક એવા ગેંગસ્ટરના પાત્રને ન્યાય આપશે જે એકટર બનવાની અભિલાષા રાખે છે.

ફિલ્મમાં એની હિરોઈન ક્રીતિસેનોન છે, જે એક પત્રકારના રોલમાં છે. વ્યવસાયે પત્રકાર હોવા છતાં ક્રીતિને ગેંગસ્ટર અક્ષયની જેમ સિનેમાનું ઘેલુ છે. એ ફિલ્મ દિગ્દર્શક બનવાના સપના સેવે છે. ફિલ્મનું આખુ કથાનક નાયક અને નાયિકાના ફિલ્મો માટેના પેશન આસપાસ ગુંથાયેલું છે અને એમાં અક્ષયના ફેન્સને ડ્રામા, એકશન અને રમુજનો પુરતો ડોઝ મળી રહેશે.

નડિયાદવાલાની નજીકના એક સૂત્રના જણાવવા મુજબ બચ્ચન પાંડેમાના અક્ષયના રોલ માટે પ્રોસ્થેટીક મેકઅપનો ભરપુર ઉપયોગ થવાનો છે. ફિલ્મમાં સેનોન  ઉપરાંત એક બીજી અભિનેત્રી પણ મહત્ત્વની ભૂમિકા અદા કરશે. આ રોલ માટે સાજિદ નડિયાદવાલા ૨-૩ એકટ્રેસો સાથે વાતચીત ચલાવી રહ્યા છે. જેની ડેટ મળસે એને સાઇન કરી લેવાશે. એકાદ પખવાડીયામાં બચ્ચન પાંડેની આખી કાસ્ટ ફાઇનલ થઈ જશે અને એમાં કેટલાક મોટા નામ પણ હશે.

અક્ષય કુમારની બીજી ફિલ્મોની જેમ બચ્ચન પાંડેનું શૂટીંગ બે મહીના લાંબા એક જ શેડયુલમાં આટોપી લેવાશે. ફિલ્મનું શૂટીંગ રિયલ લોકેશન પર કરવા અક્ષય, ક્રીતિ અને દિગ્દર્શક ફર્હાદ સામજી સહિત આખુ યુનિટ જેસલમેર જશે. પ્રોડક્શન ટીમે ગયા મહીને શૂટીંગ માટેના સ્પોટ્સ ફાઈનલ કરી તમામ જરૂરી પરવાનગીઓ મેળવી લીધી છે.

અત્રે યાદ અપાવવું ઘટે કે સાજિદ, અક્ષય, ક્રીતિ અને ફર્હાદની ૨૦૧૯માં રિલીઝ થયેલી પિરીયડ - કોમેડી ફિલ્મ 'હાઉસફુલ ૪'નું શૂટીંગ પણ જેસલમેરમાં જ થયું હતું. એ ફિલ્મ સાથે જોડાયેલા ઘણાં આર્ટિસ્ટો અને ટેકનીશ્યનોને બચ્ચન પાંડે પણ રોડી લેવાયા છે. આખી ટીમ જેસલમેરની એક પેલેસ હોટલમાં રોકાવાની છે. હોટલમાં પણ કેટલાક ઇન્ડોર સીન્સનું ફિલ્માંકન થશે.

કોરોનાનો ઉપદ્રવ ઓછો થવાનું નામ નથી લેતો. એટલે ફિલ્મો અને ટીવી સોના દરેક સેટ પર સરકારની ગાઇડલાઈન્સ મુજબના સેફટી ઓપરેટિંગ પ્રોસીજર્સ (એસઓપી)નું ચુસ્તપણે પાલન થાય છે. સાજિદ નડિયાદવાલા પણ એમાં બિલકુલ કચાશ નહિ રાખે. એમના પ્રોડક્શનના એક સ્ત્રોતના જણાવવા મુજબ બચ્ચન પાંડેના સેટ પર કોવિદના તમામ સુરક્ષા નિયમોનું પાલન થાય એ માટે સાજિદે અત્યારથી મુંબઈના ડોક્ટરોની એક ટીમ બનાવી છે, જે યુનિટ સાથે જેસલમેર જશે.

શૂટીંગ દરમ્યાન સેટ પર લોકો એકબીજાના શારીરિક સંપર્ક ન આવે એ માટે સંપૂર્ણ ટીમ માટે એક વર્કશોપનું આયોજન થશે. એટલું જ નહિ, ડિસેંબરના અંતમાં સંપૂર્ણ કાસ્ટ અને ક્રુએ ફરજિયાતપણે કોવિદ ટેસ્ટ કરાવવાનો રહેશે. શૂટીંગ શરૂ થયા પહેલા ક્રુ મેમ્બરો ૩ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેશે. જેસલમેરમાં અલાયદા મેડીકલ રૂમ્સ તૈયાર કરાયા છે અને શૂટીંગ પહેલા આગલી રાતે સંપૂર્ણ લોકેશનને સેનેટાઈઝ કરાશે. ટુંકમાં, બચ્ચન પાંડેનો સેટ બીજી ફિલ્મોના શૂટીંગ માટે એક રોલ મોડલ નબની રહેશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gCKTtu
Previous
Next Post »