વિ શ્વના જોવાલાયક સ્થળો કોરોના અને લોકડાઉનના લીધે એ હદે વેરાન અને ડરામણા ભાસતા હતા કે એવો અહેસાસ થયો કે શિલ્પ, સ્થાપત્ય કે સ્મારક ભલે બેનમૂન, કલાત્મક અને બાંધકામની રીતે ઐતિહાસિક હોય પણ ખરેખર તેની શાન અને મહત્તા પ્રવાસીઓ અને કદરદાનોને આભારી છે. સૌંદર્ય અને સર્જનને જોનાર, માણનાર કે તેની મુલાકાત કે ગૌરવ લેનાર જ કોઇ ન હોય તો? આ બધા એવા સ્થળો છે જેની સદેહે એક ઝલક લેવી તે કોઇપણ માનવીના જીવનનું સ્વપ્ન હોય છે પણ 'જેમ અંધારા પણ આપણને બોલાવે છે' તેવી કહેવત છે તેમ આ સ્થળો પણ જાણે આપણને પૂકાર કરે છે કે ''આવો અમારી સાથે સેલ્ફી ખેંચો. કેમ રિસાઇ ગયા છો.'' પ્રેમિકાના વિરહમાં રાહત ફતેહ અલી ખાનના કંઠે ગવાયેલ ગીતના શબ્દો આ ઈમારતો માટે પણ લાગુ પડે છે. ''જગ સૂના સૂના લાગે... વીરાની સી વીરાની હૈ તન્હાઇ સી તન્હાઇ હૈ.''
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી : કોરોનાના કહેરનુ મૂક સાક્ષી
અમેરિકાના ન્યુયોર્કની ''સ્ટેચ્યુ ઓફ લિબર્ટી'' એટલે કે સ્વાતંત્ર્ય દેવીની આઇકોનિક પ્રતિમા જોવા રોજના સરેરાશ ૧૦,૦૦૦ મુલાકાતી આવતા હોય છે, ૨૬ કરોડ ડોલર્સની કમાણી વર્ષે નેશનલ પાર્ક સર્વિસને કરાવી આપે છે. કોરોના પીક પર હતો ત્યારે આ સ્થાન સૂમસામ લાગતું હતું.
એફિલ ટાવર કરફ્યુ જેવી સ્થિતી
પેરિસની જ નહીં પણ ફ્રાંસની શાન એવા એફિલ ટાવરને હિન્દી ફિલ્મોમાં એક જમાનામાં કંડારાતો ત્યારે દર્શકો એફિલ ટાવરના દ્રશ્યો જોવા માટે તે ફિલ્મની ટિકીટ ફડાવતા. આજે પણ પ્રવાસીઓને એફિલ ટાવર જોઇને ધન્યતાનો એહસાસ થાય છે. ૨૦૧૯માં ૩.૫૪ કરોડ પ્રવાસીઓએ પેરિસની મુલાકાત લીધી હતી. ૨૦૨૦માં કરફ્યુ જેવી સ્થિતિ હતી.
'લંડન આઈ' : જોનાર જ કોઇ ન હતું
થેમ્સ નદીના કિનારે જગવિખ્યાત ''લંડન આઈ'' ૧૩૫ મીટરની ઊંચાઇ ધરાવતું જાયન્ટ વ્હીલ છે જેમાં ગ્લાસની ૩૨ જેટલી કેબિન છે. તેને જોવા વર્ષે ૩૫ લાખ પ્રવાસીઓ આવે છે. તેમાં બેસીને લંડનનો ૩૬૦ ડીગ્રી અદ્ભૂત નજારો જોઇ શકાય છે. કોરોનામાં ''લંડન આઈ''ને વિશ્વ પ્રવાસીઓની જ 'આઈ' ન મળી.
લાસ વેગાસ : કુદરતે પત્તુ ફેંક્યું અને...
મનોરંજન, સેક્સ શો, ખાણીપીણી, રંગીન ફુવારા, ચમકદમક સાથેની હોટલો અને કેસિનો જૂગારની નગરી અમેરિકાના લાસ વેગાસની રંગત પર કુદરતે કોરોનાનું પત્તું ફેંક્યું અને જાણે બાજી સમેટાઈ ગઈ.
ડિઝનીલેન્ડ : બાળકોના કિલ્લોલની જગાએ સોપો પડી ગયો
ડિઝનીલેન્ડનો તો ભલા પરિચય આપવાનો હોય. ફ્લોરિડા અને કેલિફોર્નિયા બંનેના ડિઝનીલેન્ડમાં કોરોનાને લીધે ડરામણો સોપો પડી ગયો હતો. જ્યાં પરિવારો સાથે બાળકોનો કિલ્લોલ સંભળાતો હોય. વર્ષે ૧.૮૬ કરોડ પ્રવાસીઓ ડિઝનીલેન્ડની મુલાકાત લેતા હોય છે. ગત જૂલાઇથી ૫૦૦૦ રોજના મુલાકાતીઓની મર્યાદા સાથે ખુલ્લો મૂકાયો છે.
વોશિંગ્ટન મેમોરિયલની આજુબાજુ જ કોરોના સેન્ટર !
અમેરિકાના વોશિંગ્ટન મેમોરિયલની આજુબાજુના વિસ્તારો જ કોરોનાની પકડમાં આવી ગયા હતા. અમેરિકાની સત્તાની કેન્દ્રની નજીકનું સ્થળ હોઇ વર્ષના ૮ લાખ પ્રવાસીઓ વગર એકલું પડી ગયું હતું.
મેનહટન... અમેરિકાનો ધબકાર
ન્યુયોર્કના મેનહટન વિસ્તારમાં પ્રવાસી જાય તો જ અમેરિકામાં હોવાનો પૂર્ણતાનો એહસાસ અનુભવે. ઊંચી ઈમારતો, અવનવી ડિઝાઈન, વિશ્વની પચરંગી પ્રજા, ઓફિસો, હેડક્વાર્ટર, નિયોન લાઇટ્સથી ચમકતા મેનહટનને આ રીતે જોવું તે જ કોરોના શું હતો તેની ગવાહી બની રહેશે. આ તસવીર ટાઈમ સ્કવેરની છે.
બકિંગહામ પેલેસ : શાહી ઠાઠ મહેલમાં જ કેદ
લંડનમાં રાજા-રાણીનું પરિવાર જ્યાં નિવાસ કરે છે તે બકિંગહામ પેલેસ પણ પ્રવાસીઓનું આકર્ષણ છે. પ્રવાસીઓ શાહી ઠાઠ તેના સંકૂલ સુધી જઇને જોઇ શકતા. જો કે ટિકિટ મોંઘી હોય છે. ૫,૫૦,૦૦૦ પ્રવાસીઓ વર્ષે આવતા હોય છે. ૨૦૨૦ના વર્ષમાં નિમ્ન આંકડાનો રેકોર્ડ સર્જાયો.
વેટિકન : પ્રવાસીઓ પર પાબંદી
વેટિકનના પોપ જ કોરોના પોઝિટિવ થતા તમામ પાદરીઓએ સ્વયંશિસ્ત બતાવી બહાર નીકળવાનું બંધ કર્યું. પ્રવાસીઓ તેમજ વિશ્વભરના નાગરિકોને પોપે અપીલ કરી કે 'ઈશ્વર માનવ જગતની કસોટી લઈ રહ્યો છે. આપણે જાહેર કરાતા તમામ નિયંત્રણોનું પાલન કરીશું.' વેટિકન વિશ્વ યુધ્ધ પછી પ્રથમ વખત આ રીતે સૂમસામ લાગ્યો.
સેંટ પીટરબર્ગ... રશિયન શાનમાં રૂકાવટ
વર્ષે એક કરોડ પ્રવાસીઓને આકર્ષતું રશિયાનું પ્રવાસન સ્થળ ૨૦૨૦માં શાન બતાવી ન શક્યું. યુરોપિયન સ્થાપત્યની લાલ અને સફેદ મારબલની કમાલ તો છે જ પણ ૩૦૦ કિલોમીટરની પાણીની નહેર પણ છે.
સિડની ઓપેરા : દૂરથી જ દર્શન થઇ શક્યા
સિડનીની ઓળખ એટલે સિડનીનું ઓપેરા હાઉસ મલ્ટી પર્ફોમિંગ આર્ટ સેન્ટર છે. તે તેની ડિઝાઇનથી જગવિખ્યાત છે. સિડની હાર્બર પર આવેલું હોઇ તેનો નજારો નયનરમ્ય છે. વર્ષે ૮૫ લાખ પ્રવાસીઓ આવે પણ કોરોનાના વર્ષે ઓસ્ટ્રેલિયનો પણ મહિનાઓ સુધી તેને દૂરથી જ જોઇ શકતા હતા.
વેનિસની બોટિંગ, ક્રુઝ વગર સૂની વહેણ
ઈટાલીમાં તો કોરોનાએ લાશોના ઢગલા કરી દીધા હતા. યુરોપના પ્રવાસે ઈટાલીના રોમ અને વેનિસ તો હોય જ ને ! કેનાલમાં બોટિંગ અને ક્રુઝ કરતી વખતે પ્રવાસી હીરો કે હીરોઇનના વહેમમાં હોય છે. કોરોનાએ બોટિંગ, યૉટ, ક્રુઝ બધું જ પાર્ક કરાવી દીધું. ૪૭ લાખ પ્રવાસીઓ ૨૦૧૯માં આવ્યા હતા. ૨૦૨૦માં વેનિસન એમ્બ્યુલન્સની સાયરનથી ગૂંજતું રહ્યું.
રોમ... પ્રવાસીઓથી ધમધમતા સ્થાપત્યો ખંડહર જેવા
ઈટાલીના રોમમાં સ્થાપત્યો જોવા પ્રવાસીઓ ઉપરાંત આ ક્ષેત્રના વિશ્વભરના વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે. રોમનું કોલાસેયમ, રોમન ફોરમ અને પાલાટાઈન હિલ મુખ્ય આકર્ષણ હોય છે. તેવી જ રીતે બોર્ધેસ ગેલેરી તેમજ નયનરમ્ય ફાઉન્ટેઈન પણ છે. વર્ષે ૯૦ લાખ પ્રવાસીઓને આકર્ષતુ રોમ કોરોનાને લીધે ખંડહર જેવું લાગતુ હતું.
બેઈજિંગ : વિશ્વનો સૌથી પહેલો લોકડાઉન
ચીનનું વુહાન કોરોનાનું એપિસેન્ટર રહ્યું. વુહાનમાં તો જડબેસલાક લોકડાઉન રહ્યો પણ વિશ્વભરના બિઝનેસમેન, કોર્પોરેટ સ્ટાફ તેમજ નાગરિકોથી ધમધમતુ રહેતું બેઈજિંગ પણ જાણે વિશ્વથી અળગું થયું હોય તેમ જોવા મળ્યું.
બેંગકોક, બાલી બીચ જાણે અજાણ્યા ગ્રહ
સૌથી વધુ પ્રવાસીઓની રીતે બેંગકોક ૨.૭ કરોડ વાર્ષિક પ્રવાસીઓ સાથે ટોપ પર છે. તેવી જ રીતે ઈન્ડોનેશિયાનું બાલી પણ બીચ ટુરિઝમમાં વર્ષે ૬૩ લાખ સાથે અવ્વલ છે આ બીચ પર સામાન્ય વર્ષોમાં દૂરથી પ્રવાસીઓ કીડી મકોડા જેવા દેખાય તેવી ભીડ હોય છે. કોરોનામાં આ બીચ કોઇ અજાણ્યા ગ્રહની ભૂમિ જણાતાં હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37MELf5
ConversionConversion EmoticonEmoticon