૨)
વિજય ગભરાઈ ગયો.
વિજયે જળપાત્રમાંથી શીતળ જળ વિજ્યાના મુખ પર છંટકાયું. એકાદ ઘટિકા પછી વિજ્યા હોશમાં આવી કિન્તુ વિજ્યા થરથર ધ્રૂજતી હતી. શું બની રહ્યું તે વિજયને સમજાતું નહોતું. વિજ્ય ખંડમાં દોડાદોડી કરતો હતો. આ પળે શું કરવું તેનો ખ્યાલ આવતો નહોતો.
વિજ્યાના ચહેરા પરથી લાગતું હતું કે ભયભીત થઈ ગઈ છે. વિજયે કહ્યું,'પ્રિયે, તું કંઈક બોલ તું અત્યારે જો કંઈક નહિં બોલે તો હું પાગલ થઈ જઇશ ! તને શું થાય છે ?'
વિજ્યાએ પાસે પડેલા જળપાત્રમાંથી થોડુંક પાણી પીધું. એણે સ્વસ્થ થવા કોશિશ કરી. ધીમેથી બોલી:
'દેવ... તમે...'
વિજ્યા અટકી.
વિજય મૌનમુખ તાકી રહ્યો.
વિજ્યા કહે,'દેવ, તમે જે દિવસે શુકલપક્ષમાં વ્રતપાલની પ્રતિક્ષા ગ્રહણ કરી હતી તે ધર્મસભામાં હું પણ ઉપસ્થિત હતી.'
વિજ્યે મૌન પાળવું જરૂરી માન્યું.
થોડીક ક્ષણો પછી વિજ્યાએ કહ્યું,' દેવ, એ ધર્મસભામાં મુનિરાજે આપેલો ઉપદેશ મેં પણ સાંભળ્યો હતો. તે દિવસે લગ્નની કોઈ ચર્ચા આપણા જીવનમાં પ્રારંભાઈ નહોતી. મેં ગુરુદેવનો ઉપદેશ સાંભળીને મનોમન વિચાર્યું કે હું પણ પ્રત્યેક મહિને..'
વિજ્યા અટકી ગઈ.
વિજય સ્તબ્ધ બનીને સાંભળતો હતો. તેણે અચાનક કહ્યું, 'ઓહ તેં પણ વિચાર્યું કે શુકલપક્ષમાં તું વ્રતપાલન કરશે !'
'ના.' વિજ્યાએ ચીસ પાડી:
'મેં કૃષ્ણપક્ષમાં વ્રતપાલનની પ્રતિજ્ઞાા લીધી છે ! ને વિજ્યા ફરી બેહોશ થઈ ગઈ !
વિજય પણ બેહોશ થઈ ગયો.
ખંડના વાતાયનમાંથી આવતી પવનની શીતળ લહેરખીએ વિજ્ય અને વિજ્યા પર ઝંઝાવતા, ધરતીકંપના આંચકા વાગતા હતા.
મૌનનો એક પ્રલંબ સમય ઝળૂંબી રહ્યો.
વિજ્યા એકદમ ઉભી થઈ અને વિજ્યના ચરણમાં નમી.
તેણે કહ્યું,' દેવ, મેં જે વ્રત લીધું છે તે મારું જીવનવ્રત છે પણ હું તમને મુક્ત કરું છું. હું આ મહેલના એક ખંડમાં જીવી લઈશ પરંતુ તમારે જીવન માણવાનું છે. તમે બીજાં લગ્ન કરી લો.'
વિજ્યા આંખનાં આંસુ અટકાવીને ઊભી રહી. એના ચહેરા પર દિવ્ય તેજ હતું.
વિજ્ય સ્તબ્ધ થઈ ગયો.
એણે શું બોલવું તે સમજાયું નહીં. થોડીક ક્ષણો પછી વિજ્યે કહ્યું,' પ્રિયે, જીવનની પહેલી રાત્રે જ તેં મને આટલો બધો સ્વાર્થી ધારી લીધો ? મેં જે વ્રત લીધું છે એ હું પણ જીવનભર પાળીશ. અને તારા વ્રતભર્યા જીવનનું સન્માન કરીશ. પણ આપણે બંને આપણા વ્રતની કોઈને ખબર પડવા નહીં દઈએ !'
'અને જે દિવસે કોઈને આપણા વ્રતની જાણ થશે એ દિવસે આપણે બંને સંયમવ્રત ગ્રહણ કરીને ધર્મપંથે ચાલી નીકળીશું. વિજ્યાએ કહ્યું.
વિજ્ય કહે 'પ્રિયે, આપણે બંને રહીશું એક જ શયનખંડમાં અને વ્રતનું અખંડ પાલન કરીશું અને પવિત્ર જીવન જીવીશું.'
વિજ્યા કહે,' કબૂલ, પણ એક કામ કરીશું. આપણી બંનેની વચમાં નગ્ન તલવાર રાખીશું અને તલવારની ધાર પર દૃષ્ટિ રાખીને વ્રતની મહાનતા જાળવીશું.'
વિજ્ય કહે,' કબૂલ'.
ઋતુચક્ર સદાય ઘૂમતું રહે છે.
જળમાં કમળની જેમ વિજ્ય અને વિજ્યા જીવન જીવે છે.
સંસાર એ જીવનની સૌરભથી અજાણ છે.
એક વાર નગરમાં મુનિરાજ આવ્યા. પ્રવચનમાં એમણે અન્નદાનનો મહિમા વર્ણવ્યો. એમણે કહ્યું કે,'કર્મનાં પડળ તોડવાં માટે ૮૪ હજાર સાધુઓને જે ભિક્ષાદાન આપે તેને સિધ્ધિગતિ મળે.'
નંદ શેઠ એ સભામાં હાજર હતા. એમણે કહ્યું, 'ગુરુદેવ એટલા સાધુઓને દાન આપવા હું તત્પર છું પણ આટલા બધા સાધુઓ લાવવા ક્યાંથી ?'
મુનિ હસ્યા: 'એવા સાધુઓ શોધવા જવાની જરૂર નથી. તમારા ઘરમાં જ એવા ધર્માત્મા છે !'
'મારા ઘરમાં ?'
ગુરુદેવ બોલ્યા,'હા, તમારા ઘરમાં. તમારો પુત્ર વિજ્ય અને પુત્રવધૂ વિજ્યા વ્રતભર્યું દિવ્ય જીવન જીવે છે. તે એવા જ મહાન આત્માઓ છે !'
'હોય નહીં !'
નંદ શેઠ અને સભાજનો આશ્ચર્ય પામી ગયા. કોઈનેય સમજાતું નહોતું કે એ બંને એવા મહાન વ્રતધર છે ! આમ તો એ બેય એવાં છેલછોગાળાં છે !
નંદશેઠ કહે,' શું કહો છો મહારાજ ? મારાં પુત્ર-પુત્રવધુ એવા મહાન છે ?'
ગુરુદેવ કહે,' જ્યારે વિજ્ય અને વિજ્યા કુમાર અને કુમારિકા હતાં ત્યારે મારી પાસેથી બંનેએ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞાા લીધી હતી. એકે શુક્લપક્ષની અને બીજાએ કૃષ્ણપક્ષની વિધિની વકતા જુઓ ! એ બંને આ વાત જાણતાં નહોતાં અને એ બંનેના લગ્ન થયાં પણ વાહ રે વિજ્ય શેઠ અને વાહ રે વિજ્યા શેઠાણી ! બંનેએ વ્રત લીધું તે લીધું અને પાળીને જીવન ઊજમાળ કર્યું. આવા લોકોના જે ચરણ પૂજે તેને ૮૪ હજાર સાધુની ભક્તિ કર્યાનો મહાન લાભ મળે.'
નંદ શેઠ અને નગરજનો વિજ્ય શેઠ અને વિજ્યા શેઠાણીના ચરણ પૂજવા દોડયાં. એ સમયે આ આખીય ઘટના જાણી ગયેલા વિજ્ય અને વિજ્યા સંયમના પંથે ચાલી નીકળ્યાં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hfAdRR
ConversionConversion EmoticonEmoticon