- 'માતા કૌશલ્યા, ધન્ય છે તમને. તમારી કૂખે જ બ્રહ્મને જન્મ લેવાનું મન થાય તે સહજ છે. પણ એથીય વધુ તમારે મુખેથી આ વાણી સાંભળીને તો એમ થાય છે કે જે કુળમાં રામ કરતાંય ભરતને વિશેષ ચાહનારી જનની હોય, એ કુળમાં જન્મ લેવો એ પણ ધન્યભાગ્ય છે.'
અ યોધ્યામાંથી શ્રીરામના રાજ્યાભિષેકની સઘળી સામગ્રી સાથે આવેલા સહુ કોઈના મનમાં એવું હતું કે ચિત્રકૂટમાં જઈને રઘુકુળતિલક રામનો રાજ્યાભિષેક કરવો. કુલગુરૂ વશિષ્ઠ અને ત્રણેય માતાઓ પણ સહુની સાથે આવ્યા હતા તેમજ રાજ્યાભિષેક અર્થે અયોધ્યાની સેના પણ ઉપસ્થિત હતી, પરંતુ રામને કોણ આ વાત કરે ? ભરતના મનમાં ભારે ગડમથલ હતી, જ્યારે કુલગુરૂ વશિષ્ઠ તટસ્થ હતા. વળી એક વચની રામને આગ્રહ કરીને પાછા લાવવાનું કૌશલ્યા કદી વિચારે નહીં. આથી અંતે શ્રીરામને નિર્ણય કરવાનું આવ્યું અને શ્રીરામે સ્વયં નિર્ણય કરવાને બદલે ભરતને નિર્ણય કરવાનું કહ્યું, ત્યારે ભરતને વિમાસણ હતી કે રામના નિર્ણયને સદાય શિરોધાર્ય કરનાર એ કઈ રીતે એમને કોઈ નિર્ણય કે આદેશ આપી શકે ?
આવે સમયે માતા કૌશલ્યાએ ચિત્રકૂટમાં આવેલા મહારાજ જનકના રાણી સુનયનાને વાત કરી, ત્યારે સુનયના પરિસ્થિતિ પામી ગઈ. કૌશલ્યાએ કહ્યું કે મહારાજ જનક અમારી આ મડાગાંઠ ઉકેલી આપે, પણ સાથોસાથ એમને ખાસ કહેજો કે ભરતના દિલને દુઃખ ન થાય એનું ધ્યાન રાખે.''
આ વચનો સાંભળતા જ સુનયનાને પારાવાર આશ્ચર્ય થયું. માતા કૌશલ્યા એમના પુણ્યવંતા પુત્ર શ્રીરામને માટે નહીં, બલ્કે કૈકેયીપુત્ર ભરતની ચિંતા સેવે છે અને તે પણ એટલી બધી ચિંતા કે જનકરાજનો નિર્ણય ભરતને દુઃખ આપનારો ન નિવડે તેની.
ભરતના સાત્ત્વિક વ્યક્તિત્વનો પ્રભાવ જ એવો છે કે જ્યાં વેર, દ્વેષ કે સ્વાર્થ ટકી શકતા નથી. એની સાત્ત્વિકતા એટલી પ્રભાવક છે કે એના ગુણ અને જ્ઞાાનને સહુ કોઈ નમન કરે છે. આથી જ સ્વયં શ્રીરામે કહ્યું હતું કે,
'મિટિહહિં પાપ પ્રપંચ સબ, અખિલ અમંગલ ભાર ।
લોક સુજસુ પરલોક સુખુ, સુમિરત નામુ તુમ્હાર ।। ૨૬૩ ।।'
'હે ભરત ! તમારા નામનું સ્મરણ કરતાં જ સર્વ પાપ, પ્રપંચ (અજ્ઞાાન) અને સમસ્ત અમંગળનો સમૂહ નષ્ટ થઈ જશે, તેમ જ આ લોકમાં સુંદર યશ અને પરલોકમાં સુખ પ્રાપ્ત થશે.'
આવા વૈરાગી ભરતને કોણ ન ચાહે ? રામજનની માતા કૌશલ્યા આથી જ સુનયનાને કહે છે કે એ ભરતના ભીતરની ભાવનાને જાણે છે અને જો એની એ ભાવનાને ઠેસ પહોંચે તો કદાચ ભરત ચૌદ વર્ષ પર્યંત જીવંત પણ ન રહે. સુનયનાને આ સાંભળીને આશ્ચર્ય થાય છે. જનસમૂહમાં એવી વાયકા પ્રસિદ્ધ હતી કે ભરતને અયોધ્યાનું રાજસિંહાસન મેળવવાની ઇચ્છા હતી અને એથી જ એ રાણી કૈકેયીના વરદાન અને રાજા દશરથના વચન સમયે એના મોસાળમાં ચાલ્યો ગયો હતો. કોઈ કહેતું કે એણે જ માતા કૈકેયીને આવાં બે વરદાન માગવાનું કહ્યું હતું, જેને કારણે આવો મહાઅર્થ થયો. સુનયનાના ચહેરા પરનાં ભાવો માતા કૌશલ્યા કળી ગયા. એમણે કહ્યું, સુનયના, આ ભરતનું હૃદય એ તો ત્યાગી અને તપસ્વીનું હૃદય છે. એને સંસારમાં કોઈ રાગ કે સત્તાનો કોઈ મોહ સહેજે સ્પર્શતા નથી. આથી જ મારા રામના સોગંદ ખાઈને કહું છું કે તમે ભરતનું દિલ દુભાય નહીં તેનો ખ્યાલ રાખશો. જો એનું દિલ દુભાશે, તો ન એ જીવી શકશે કે ન હું જીવી શકીશ.''
માતા કૌશલ્યાના આ લાગણીભર્યા શબ્દો સાંભળીને સુનયના મૌન બની ગઈ. ઓહ, સાચા સ્નેહની કેવી ભવ્યતા ! સંસારના સંબંધો પણ એના પ્રભાવ આગળ ઓગળી જાય છે. એને સગાઈના સીમાડા નડતા નથી. સ્વાર્થનું ગણિત એને અટકાવી શકતું નથી. બીજાના અંતરમાં થનારી પીડાનો એને અહેસાસ આવે છે. માતા કૌશલ્યાની વિનંતી સાંભળીને સુનયના સ્તબ્ધ થઈ ગઈ અને આ ત્યાગ અને ઔદાર્યની ભવ્યતા જોઈને એની આંખો ભીની થઈ ગઈ. રઘુકુળની આ સ્નેહરીતિ જોઈને એણે કહ્યું,
'માતા કૌશલ્યા, ધન્ય છે તમને. તમારી કૂખે જ બ્રહ્મને જન્મ લેવાનું મન થાય તે સહજ છે. પણ એથીય વધુ તમારે મુખેથી આ વાણી સાંભળીને તો એમ થાય છે કે જે કુળમાં રામ કરતાંય ભરતને વિશેષ ચાહનારી જનની હોય, એ કુળમાં જન્મ લેવો એ પણ ધન્યભાગ્ય છે.'
મહારાજ જનકને સુનયના મળે છે ત્યારે એમને માંડીને સઘળી વાત કરે છે અને કહે છે કે માતા કૌશલ્યાના હૃદય પર એ વાતનો ભાર છે કે આપના નિર્ણયથી ભરતનું દિલ દુભાય નહીં તો સારું. ભરતના હૃદયની ભાવનાઓનું પારખું માતા કૌશલ્યા માને છે કે જો તમારા નિર્ણયથી ભરતનું દિલ દુભાશે, તો ભરત ચૌદ વર્ષ પર્યંત જીવિત નહીં રહે.
મહારાજ જનક બોલ્યા, 'સુનયના, ચિત્રકૂટમાં આપણું આગમન મારે માટે અપાર પ્રસન્નતા અને વિકટ પ્રશ્નાર્થ લઈને આવ્યું છે. એક બાજુ અતિ આનંદ છે, તો બીજી બાજુ પારાવાર અવઢવ છે. એક તરફ મનમાં સાત્વિકતાની મહેક છે, તો બીજી બાજુ સમસ્યાઓનો ભાર છે.'
'એટલે ? કઈ છે આપની પ્રસન્નતા.'
'મારી પ્રસન્નતા છે ત્યાગી ભરતના દર્શન. કોઈ વસ્તુનો ત્યાગ કરે, કોઈ સત્તા કે સંપત્તિનો ત્યાગ કરે, પરંતુ અહીં તો ત્યાગ અને પ્રેમ પરાકાષ્ઠાએ વિરાજે છે. જ્યાં જ્ઞાાનનો કોઈ ભાર નથી, ભક્તિનું અતિ પ્રાગટય નથી કર્મ કે પુરુષાર્થ નથી, જ્ઞાાન, ભક્તિ અને કર્મ એ સઘળું ઓગળી જાય અને માત્ર વૈરાગ્યનો પ્રેમ રહે તેવું મને રાજપુત્ર ભરતમાં અનુભવવા માંડયું. મારે માટે આ એક વિરલ અનુભવ છે. એવો અનુભવ કે જ્યાં માત્ર વૈરાગ્યના આકાશનો અનુભવ છે અને એ આકાશ પ્રેમના આારે ટકેલું છે ?'
'અને સમસ્યા કઈ ?'
'અયોધ્યાના રાજસિંહાસન પર ક્યો રાજપુત્ર બિરાજમાન થશે એની છે. એક બાજુ મહારાજ દશરથનાં વચનનો સ્વીકાર કરનાર આજ્ઞાાંકિત પુત્ર રામ છે, તો બીજી બાજુ રામની આજ્ઞાામાં સદા રમમાણ એવા ભરત છે. આ બંને આજ્ઞાાપાલકને જોઈને મારા મનમાં સમસ્યા ઊભી થઈ છે. હવે કરવું શું ? રામ ભરતના પ્રેમમાં ગળાડૂબ છે અને ભરત રામના. જ્યાં આવો પ્રેમ હોય, ત્યાં સત્તા કે સિંહાસન સાવ તુચ્છ ભાસે છે. જ્યાં કોઈ વિવાદ હોય, ત્યાં ઉકેલ હોય, જ્યાં સંવાદ હોય ત્યાં કોઈ સમસ્યા જ ન હોય, તો પછી એનો ઉકેલ ક્યાંથી આવે ?'
સુનયનાએ કહ્યું, મહારાજ, તમારી દ્વિધાને હું સમજું છું. પણ સાથે એટલું પણ કહીશ કે એવો નિર્ણય આપજો કે ત્યાગી ભરતના વૈરાગી દિલને ઠેસ ન પહોંચાડે.''
પછીના દિવસે પુનઃ સભા મળી. મંત્રી સુમંત્રએ સભાની સઘળી વ્યવસ્થા કરી. જાણે ચિત્રકૂટ પર્વત પર અયોધ્યા નગરી ઊભી થઈ ગઈ ! પ્રારંભમાં કુલગુરુ વશિષ્ઠના મંત્રોચ્ચાર પછી એમનો વાણીપ્રવાહ વહેવા લાગ્યો. એમણે કહ્યું, 'રઘુવંશના કુલગુરુ તરીકે આ સમય એ મારો કપરી કસોટીનો સમય છે. એક બાજુ મહારાજ દશરથે આપેલાં વચનોનું પાલન થાય, તે જોવું એ કુળગુરૂ તરીકે મારું કર્તવ્ય છે, પણ આ બુદ્ધિ સામે ભાવનાની લડાઈ છે.
અયોધ્યાથી પ્રયાણ કરીને અમે અહીં સુધી આવ્યા ત્યાં સુધી મેં પ્રતિક્ષણ ભરતની રામભક્તિનો સાક્ષાત્ અનુભવ કર્યો. મારા વિચાર પર મારી ભાવનાએ આધિપત્ય મેળવ્યું છે, એથીય વિશેષ મારે તમને સહુને વારંવાર કહેવું છે કે 'ભરત ભગતિ બસ ભઈ મતિ મોરી.' (મારી બુદ્ધિ ભરતની ભક્તિને વશ થઈ ગઈ છે.)
એક બાજુ લૌકિક કર્તવ્યનો બોજ છે, તો સામે સ્નેહભાવના છે. કર્તવ્યનો વિચાર કરું કે સ્નેહનો વિચાર કરું ? વચનની ગાંઠ મજબૂત છે કે પ્રેમની ગાંઠ ? આને કારણે કુલગુરૂ તરીકે મારે તમને માર્ગદર્શન આપવું જોઈએ પણ આ પરિસ્થિતિમાં હું કોઈ નિશ્ચિત નિર્ણય આપવા સર્વથા અશક્તિમાન છું. જ્યાં પ્રેમની ગાંઠ આવી બંધાયેલી હોય, ત્યાં વળી આવી મડાગાંઠનો શો ઉત્તર હોઈ શકે ? મારા જેવો પરમ વેદાંતી પણ આનો પાર પામી શકતો નથી. તમે બંને બંધુજનો એક સાથે મળીને આનો નિર્ણય કરો તો તે ઉચિત થશે.'
સભા આશ્ચર્યમાં ડૂબી ગઈ. જગતનાં રહસ્યોને ઉકેલનારા ઋષિ વશિષ્ઠ આ મડાગાંઠ ઉકેલી શક્યા નહીં. હવે શું ? (ક્રમશઃ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pi14PS
ConversionConversion EmoticonEmoticon