કો રોનાએ કાળો કેર વર્તાવીને દરરોજ હજારથી ઉપર કેસ ફ્ક્ત ગુજરાતમાં જ નોંધાતા. રોજેરોજનું કમાઈને ખાનારાની હાલત ગંભીર હતી. દોઢ મહિનાથી રોકડ કમાણી વગર ખાવું શું, છોકરાઓને શું ખવરાવવું ?
ઓમનગરની ચાલીમાં રહેતી જીવીબેન દાતણીયાની હાલત બહુ જ ખરાબ હતી. બે નાના બાળકો, છ વરસની બેબી અને ચાર વરસનો બાબો ત્રણ દિવસથી ભૂખ્યાં હતા. ઉધારીયા અને માંગી ભીખીને લાવેલું ખાવાનું કેટલા દિવસ ચાલે ? હવે શું કરવું ના વિચારે તે બેચેન હતી. તેનો વર તો દારૂ પીને ઘરનાં ખૂણે પડી રહેતો, ના એને છોકરાની ચિંતા હતી કે ના એને પોતાને ખાવાની, રોજ તેની સાથે ઝગડો કરીને પણ શું
ફાયદો ?
અચાનક સરકાર તરફથી લોકડાઉનમાં થોડી છૂટછાટની જાહેરાત થઈ. ફક્ત જીવન જરૂરીયાતની ચીજો જેવી કે દૂધ, શાકભાજી, ગ્રોસરી, વિગેરેની છૂટછાટની સોસ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે છૂટછાટ જાહેર થઈ.
જીવીબેનના જીવમાં જીવ આવ્યો. તેણે લારીમાં શાકભાજીનો ધંધો કરવા વિચાર્યું. માલસામાનના દોઢ હજાર રૂપિયા દાગીનો ગીરવે મૂકીને ઉપાડયા. છોકરાઓને ધરપત આપી, બપોરે તમારા માટે ખાવાનું લઈને આવું છું, તેથી બંને રડતાં બંધ થઈ ગયાં.
વહેલી સવારે ઊઠીને મોટી માર્કેટમાંથી દોઢ હજારના શાકભાજી ખરીદી તે ઈદગા સુધી આવી ગઈ, અહી આજુબાજુ ચાલી અને ખોલીવાળા કાંઈક શાકભાજી લેશે, તો બે પૈસા કમાણી થશેના વિચારે તેણે ચાર રસ્તે લારી ગોઠવી.
અચાનક બાઇક ઉપરથી દંડા સાથે જમાદારને ઉતરતા જોઈ, લોકો ગભરાઈ ગયાં. જમાદાર તખુભા મગજના બહુ જ ગરમ હતાં, આખા પોલિસ સ્ટેશનમાં તેમની કડકાઇનો રોલો પડતો હતો. તેમાય છેલ્લા દોઢ મહિનાથી દિવસ રાત જોયા વગર કોરોનામાં ડયુટી કરવાથી તેમનો પિત્તો સાતમા આસમાને હતો.
દંડો ઠોકતા પહોંચી ગયાં જીવીની લારી ઉપર,
'એય, બેન લોકડાઉનમાં લારી કેમ લગાવી છે ?' તખુભા ગરમ થઈને બોલ્યાં.
'સાહેબ, આજે તો શાકભાજીવાળાને લોકડાઉનમાં છૂટ આપી છે' જીવીબેન કરગરતા બોલ્યા.
'મને કાયદો ભણાવે છે ? તારી પાસે લાયસન્સ છે ?' કહીને જમાદારે દંડો લારી પર પછાડયો.
'સાહેબ, ઘરે છોકરાં ભૂખથી રડી રહ્યા છે, દયા કરો' જીવી રડવા જેવી થઈ ગઈ. જીવીએ રડતાં રડતાં ખુબ આજીજી કરી, જમાદારને મફત શાકભાજીની લાલચ આપી, પણ તખુભા આજે તેજ મિજાજમાં હતા?
'એમાં હું શું કરું ? ચાલ લારી ખાલી કર' આટલું કહેતા જમાદારે જીવીને હડસેલી. જીવીએ બહુ વિરોધ કર્યો પણ જમાદારે શાકભાજીની લારી ઊંધી કરી દીધી.
બધા શાકભાજી ધુળમાં પડતાં જોઈ જીવી રડી પડી. જમાદાર પોતાનો મોભો જોઈ મદમાં આવી ગયાં. દુરથી જનતા આ જોઈ હાયકારો ખાઈ ગઈ, બે જુવાનિયાએ તો આની લાઈવ વીડિયો પણ ઉતારી લીધી.
જમાદાર મૂછોમાં તાવ દેતાં વિચારતા હતાં, જોયું કોરોના ફેલાતો અટકાવવા કેવું હિંમતભર્યું પગલું લીધું. આ લોકો સમજશે નહીં ત્યાં સુધી કોરોના અટકશે ક્યાંથી ?
જીવીબેન રડતાં કકળતાં ખાલી લારી સાથે ઘર તરફ ઉપડયા. ત્યાં છોકરાવને આજે શું ખવરાવીશ, તેના વિચારે તે બેહાલ હતાં. ડરતાં ડરતાં ઘરે પહોંચે, ત્યાં તો છોકરાઓ મમ્મી મમ્મી કરતાં વળગી પડયા. આ શું ચમત્કાર થયો ?
બાજુવાળા ધુળીબેને કહ્યું આજે બધાને માટે પુરીશાક આપવા બે માણસો સેવાભાવી સંસ્થામાંથી આવ્યા હતા, તમારા માટે પણ અમે પુરીશાક લઈ લીધા છે, અને છોકરાઓ તે ખાઈને ખુશ છે.
તખુભા ચોકી પર જઈ કોન્સટેબલો આગળ ડંફાસ મારતાં બોલ્યા 'આ શાકભાજીવાળા જ કોરોના કેરિયર્સ છે, આજે તો લોકોમાં દાખલો બેસાડવા એક શાકભાજીવાળીને સીધી કરી નાખી.' બધા તેની વાહવાહ કરશે, તેવો ઉત્સાહ બધાના રોતલ ચહેરા જોઈ ઠંડો પડી ગયો.
સાંજે પોલિસ સ્ટેશનમાંથી ઇન્સ્પેક્ટર દેસાઇ સાહેબ બોલાવે છે, નો મેસેજ આવ્યો, તેમણે વિચાર્યું, 'સાહેબ શાબાશી આપી બઢતીની ભલામણ કરશે, એટલે બોલાવતા લાગે છે.'
પોલિસ સ્ટેશનનું ભારેખમ વાતાવરણ જોઈ તખુભા વિચારમાં ચડયા. ઇન્સ્પેક્ટર દેસાઇ સાહેબે તેમની કેબિનમાં ગુસ્સે થઈ કહ્યું 'તખુભા, આ શું કર્યું ? ગરીબ શાકભાજીવાળીની લારી ઊંધી પાડી તેનો વિડીયો દરેક ગુજરાતી ચેનલ ન્યુઝમાં બતાવે છે, મને પણ ઉપરથી ઠપકો મળ્યો છે.'
'પણ સાહેબ, ત્યાં લોકોની ભીડ થાય તો કોરોના ફેલાઇ જાય ને, એટલે મે કડકાઇ વાપરી' તખુભા ગભરાઈને બોલ્યા.
'એમાં આખી લારી ઊંધી વાળી દેવાય? એક તો આવા ટાઈમે શાકભાજીની ખેંચ છે, અને તમે ગરીબબેનની લારી ઊંધી વાળી ? સરકારેે પણ શાકભાજી અને દૂધવાળાને પરમિશન આપી છે.' દેસાઇ સાહેબ ગરમ થઈને બરાડયા.
ઇન્સ્પેક્ટર દેસાઇ સાહેબ તેમને સમજાવતાં બોલ્યાં, 'ગરીબ શાકભાજીવાળીને માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી શાકભાજી વેચવા જણાવાય. આટલી બધી કડકાઇ કરાતી હશે. કમિશનર ઓફિસ અને ગાંધીનગરથી પણ મારી ઉપર ઠપકાનો ફોન આવી ગયો.
તખુભાને પોતાની ભૂલ સમજાઈ, તે તતપપ કરવા લાગ્યા. ત્યાં સાહેબે ઊભા થઈ કમિશનર ઓફિસથી આવેલો મહિનાનો સસ્પેન્સનનો ઓર્ડર પકડાવતા કહ્યું 'ગરીબો પર રહેમ રાખજો, નહિતર પછી છુટા કરવા પડશે. તેવી ચેતવણી પણ આપેલી છે.'
નીચી મુંડીએ તખુભાને નીકળતા સ્ટાફ મેમ્બર્સ જોઈને મોં ફેરવી ગયા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aNsTf5
ConversionConversion EmoticonEmoticon