ચિઠ્ઠી ચપાટી .


(ગતાંકથી આગળ)

મા રા પિતાનો ચિઠ્ઠી ચપાટીનો શોખ-ઉદ્યોગ જીવનભર ચાલતો રહ્યો. એમની એ 'પ્રતિષ્ઠા જનક' પ્રવૃત્તિથી હું કિશોરવયથી જ એવો બધો પ્રભાવિત હતો કે એમના પછી આપોઆપ એમના એ વારસામાં સંકળાયો.

ચિઠ્ઠી લખવાથી પરોપકાર વૃત્તિને બળ મળે છે. એ સાથે એનું ગૌરવ થાય છે. લોકો આપણી પાસે ચિઠ્ઠી-ભલામણ લેવા આવે એમાં એક પ્રકારની સામાજિક સેવા પણ છે. સમાજ સેવાના વિવિધ પ્રકારો છે. એમાં એક વ્યાપક અને પ્રચલિત સેવા પ્રકાર સલાહ આપવાનો છે. સમાજમાં સલાહ લેનાર કરતાંય સલાહ આપનારો વર્ગ વધી ગયો જણાય છે, અને આપણા કેટલાય સંબંધીઓ તેમજ પરિચિતો પણ સલાહ માટે ઉત્સુક હોય છે. સલાહ મળી એટલે જાણે મફતમાં કોઈની દવા મળી એવો એમને સંતોષ થાય છે.

સલાહ આપવાનો ઈજારો હવે મોટા પ્રતિષ્ઠિત લેખકોનો જ ઈજારો નથી રહ્યો. સામાન્ય અનુભવવાળા ય સલાહ આપવા ઉત્સુક હોય છે.

મને એકવાર આંજણી થઈ હતી. એ વાત પરિચિતોમાં પ્રસરી એટલે આઠથી દસ જણે આંજણી મટાડવાના ઉપાયોની સલાહ આપી હતી. એ બધી સલાહ ભેગી કરીને અજમાવીએ તો આંજણીની તો ઠીક પણ આંખની ય શી હાલત થાય એ મોટું જોખમ.

જેમ સલાહ માટે તેમ જરૂરિયાતો માટે ચિઠ્ઠીચપાટી લખનારાઓનો ય ઉદ્યમ ચાલે છે. એમાં કશી કનડગત નથી. માત્ર નોટપેડના એક કાગળનો જ વ્યય થાય છે અને બોલપેનની નીબ સહેજસાજ ઘસાય છે, પણ એટલી ખોટ વેઠતાંય જરૂરિયાતવાળાને કેટલો સંતોષ આપી શકીએ છીએ? આ સેવા વૃત્તિના પડઘમ વાગતા નથી. ઢોલનગારા વાગતા નથી. એ મૂંગી સેવા છે. માત્ર ચિઠ્ઠી લખનાર અને એ મેળવનાર બે જ જણ પૂરતો જ એ વહેવાર છે.

કેટલીક બાબતો વારસામાં આપોઆપ મળી જતી હોય છે. મિલકત તો મળે ત્યારે મળે. એમાં ભાગલાય પડે, પણ ડાયાબિટિસ, કફ વગેરે વારસને કશી મહેનત વિના સીધે સીધી પ્રાપ્ત થઈ જાય છે.

મને ય મારા પપ્પાના ચિઠ્ઠીલેખનના શોખનો વારસો આપોઆપ મળી ગયો છે.

મારે એ વારસાનો સદુપયોગ કરવાનો એક પ્રસંગ વહેલો આવી ગયો.

એક ખાનગી નિશાળમાં પાણી પાનારી બાઈ છૂટી થઈ ગઈ. એમને તાતી જરૂરિયાત ઊભી થઈ ગઈ. કોઈ વિધવાને જગ્યા ખાલી પડયાની જાણ થઈ હશે. આમ ઓળખાણ વિના ખાનગી નિશાળમાં પણ નોકરી ક્યાંથી મળે.

એ બાઈને કદાચ મારી ચિઠ્ઠીના મહિમાની ખબર હશે. કદાચ પપ્પાના નામની હજી અસર પણ હોય એ મારી પાસે ચિઠ્ઠી લેવા આવી. ચિઠ્ઠી લેવા આવનાર બાઈને જેટલો આનંદ થયો હશે એટલો જ કે એથી અધિક મને ચિઠ્ઠી આપનારને ય થયો.

મેં મારી નવી પેડમાંથી એક પાના પર બાઈને ચિઠ્ઠી લખી આપી. મનમાં અવઢવ તો ખરી જ. પહેલો જ પાણો પોબાર પડશે કે નહિ તેનું કુતૂહલ હતું.

બાઈ તો ચિઠ્ઠી લઈને સલામ કરીને ગઈ. મને આતુરતા કે ચિઠ્ઠી કામિયાબ થઈ હશે કે નહિ?

બે ત્રણ દિવસ સુધી બાઈ જણાઈ નહિ. મને જરા નિરાશા થઈ એટલામાં એ બાઈ હર્ષઘેલી થઈ ને આવીને મને પગે લાગી ઃ 'સાહેબ, ભગવાન તમારું ભલું કરશે. મને મોટા સાહેબે પાણી પાનાર બાઈ તરીકે નોકરી આપી.' આપણે ખુશ આપણો સિક્કો વાગી ગયો.

મારો ચિઠ્ઠી લખવાનો સમય સવારનો હતો. હું સવારે વહેલો મારા ઘરની ઓફિસમાં આવીને બેસતો. મને જેમ કોઈ નવો સવો ડાક્ટર દવાખાનું ખોલીને કોઈ પેશન્ટ આવી ચડે તેની પ્રતીક્ષામાં હોય તેમ હું પણ બેસી રહેતો. મારી પત્ની કેટલીકવાર ખિજાય કે નવરાધૂપ બેસી રહો છો એના કરતાં કોઈ નોકરીમાં જોડાવને! તમારી ચિઠ્ઠી ચપાટી લેવા કયો નવરો આવશે.

પણ આશા અમર છે. એકવાર ટીક્કી ફરી લાગી ગઈ.

મેં મારા સુપુત્રના સ્કૂલ ટીચર પર ચિઠ્ઠી લખી કે મનીષને આજે સંબંધીની વર્ષગાંઠે મિજબાનીમાં જવાનું છે. એને વહેલી રજા આપશો અને ચિઠ્ઠી કામિયાબ નીવડી. પણ આ ધંધો બેકારીનો લાગવા માંડયો. રોજે રોજ કોઈ જરૂરિયાતની રાહ જોવી.

એવામાં નસીબજોગે એક સ્કૂલમાં ક્લાર્ક તરીકે જગ્યા પડી. પત્નીએ મોંઘી સલાહ આપતા કહ્યું કે તમે ચિઠ્ઠીઓ ફાડવાને બદલે આપણા શાહસાહેબની ભલામણ ચિઠ્ઠી લઈ આવો. મેં નાછૂટકે ભલામણમાની હું પોતે શાહસાહેબની ચિઠ્ઠી લેવા ગયો. એમને ત્યાં બે-ત્રણ જરૂરિયાતમંદો હતા. તે ય ચિઠ્ઠી માટે આવ્યા હતા. શાહસાહેબે એમને ચિઠ્ઠી લખી આપી.

મનેય ચિઠ્ઠી લખી અને પડયા પાસા પોબાર. એમની ચિઠ્ઠીથી મને નોકરી મળી ગઈ.

પત્નીએ મારી નોટ પેડ પસ્તીમાં નાખી દઈને નવી નોકરીમાં જોડાઈ જવાની તાકીદ કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KwMyoH
Previous
Next Post »