સા હિત્યએ જીવનનો અમૃતકુંભ છે. પૂર્વાચર્યો, ઋષિમુનિઓ અને સાક્ષરોએ લોકોને સદાચાર અને ધર્મભિમુખ કરવા કથાઓનો આશ્રય લીધો છે. આ કથાઓમાં માત્ર ચારિત્ર્યવાન પુરુષોનાં ચરિત્રો જ નહીં, પણ પશુ-પંખીઓની સૃષ્ટિ દ્વારા તેમાં રહેલ ગુણોને ઉજાગર કરી પ્રેરણા આપી છે.
રામાયણ અને મહાભારતની કથાઓમાં જટાયુ સીતામાતાને, તો વાનરસેના ભગવાન શ્રીરામને મદદ કરે છે. હાથી, અશ્વ, મોર અને ગરુડ જેવાં પશુ-પક્ષી, જૈન કથાનકોમાં સિંહના જીવનનું પરિવર્તન થતાં તે ભૂખ્યો હોવા છતાં હિંસા કરતો નથી. ચંડકૌશિક સાપ જાતિસ્મરણ જ્ઞાાન થતાં લાખ્ખો કીડીઓનો આહાર બની તેને લગીરે નુકશાન કરતો નથી. પંચતંત્ર હિતોપદેશ, ઇસપની નીતિકથાઓ, જાતકકથાઓ, પરિકથાઓમાં, સસલાં, શિયાળ, શારમ, ગાય, કીડી, પોપટ, ચકલી વગેરે પાત્રોનાં જીવનમાંથી સદ્બોધની સરવાણી ફૂટે છે. સંત દત્તાત્રયે તો પશુ-પંખીના દૈવી ગુણોના દર્શન કરાવી તેને ગુરુપદે સ્થાપ્યાં હતાં.
વનમાં શારમ પશુ શ્વૈરવિહાર કરતું હતું. આ પશુ બળવાન, વેગવાન, રૂપવાન અને તેજસ્વી હતું. શરીરસૌષ્ઠવ સાથે તેના દેહ પર પ્રાકૃતિક રંગો શોભી રહ્યાં હતા. પૂર્વભવના કરુણાના સંસ્કારને કારણે પ્રકૃતિનાં તમામ ઘટકો અને વનનાં પશુ-પંખી, વૃક્ષો સાથે તેને અપાર પ્રેમ છે. તે ઘાસનો અગ્રભાગ ખાય. ગાય અને સંતો જેમ ગોચરી કરે છે અને સરોવર અને નદીનું જળ પીવે છે. જાણે પશુની આકૃતિમાં મનુષ્યનું ચિત્ત છે. બોધિસત્વની કરુણા તેનામાં અભિપ્રેત હતી.
એ પ્રદેશનો રાજા અમૃતનાથ શિકારનો શોખીન હતો. કેટલાક સૈનિકોને સાથે લઈને એ મૃગિયા કરવા નીકળ્યો. તેને પોતાના તીર, નિશાન અને ઉત્તમ ઘોડેશ્વારી પર અભિમાન હતું.
રાજાએ અદ્ભુત સૌંદર્યવાન શારમ પશુને જોતાં તેનો શિકાર કરવાની મહત્ત્વાકાંક્ષાથી ઘોડાની ગતિ તીવ્ર કરી. શારમે એ જોતાં, પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં તેણે પણ તીવ્ર ગતિથી દોડવાનું શરૂ કર્યું અને એક ઝાડીમાંના ઝૂંડમાં અદૃશ્ય થયું. અશ્વની ગતિ એકાએક થંભી જતાં રાજાએ સંતુલન ગુમાવ્યું અને તે રસ્તાની બાજુની ખાઈમાં પડી ગયો. પડવાથી રાજા ઘાયલ થયો. ઘોડાનો અવાજ ન સંભળાતાં તે પશુ બહાર આવીને જુએ છે તો માત્ર અશ્વ જ છે. રાજા કે તેના કોઈ સૈનિકો નથી. આગળ જતાં જોયું કે રાજાનો મુગટ પડી ગયો છે. ધૂળ અને કીચડથી વસ્ત્રો મલિન થયાં છે અને કોમળ શરીર પીડાથી ચિત્કારે છે.
રાજાની નિઃસહાય લાચાર અવસ્થા જોઈ તેણે રાજાને કહ્યું કે,' હું અહીંથી આપને બહાર કાઢવા સહાય કરવા ઇચ્છું છું.' રાજા વિચારે છે કે,' હું આનો શિકાર કરવા પાછળ હતો તે જાણવા છતાં તે કેમ મદદ કરે ? કાંઈક દગો કરે તેમ છે.' તે કહે,' તું મારું વજન ઊંચકી મને બહાર કાઢે તેવી તારામાં તાકાત નથી.' શારમે રાજાના વજન કરતાં વધુ વજનવાળી શિલા પોતાના શરીર પર મૂકી ઉપર ગયો તે જોઈ રાજાને થયું, આ મહાબળવાન છે. તેણે સંમતિ આપી. શારમે તેને બહાર કાઢી ઘોડા પર સવારી કરવા સુધી મદદ કરી. તે વન તરફ જવા લાગ્યો.
રાજા કહે,' હે પશુશ્રેષ્ઠ ! હું અમૃતનગરનો રાજા અમૃતનાથ છું. તમે મારો જીવ બચાવ્યો છે. તમે આ વનમાં દુઃખી થવાને બદલે મારી સાથે ચાલો, મારા મહેલમાં આરામથી રહો.'
શારમ કહે,' અમે પશુઓ વનમાં જ સુખી રહી શકીએ, મહેલમાં નહીં માટે આપ સિધાવો.' રાજાએ પુનઃવિનંતી કરતાં શારમ કહે,' આપ મહેલમાં લઈ જવાને બદલે એક વચન આપો તો તે મારે માટે વધુ કલ્યાણકારી હશે.'
રાજાએ કહ્યું,' વચન આપવા બંધાઉં છું.' શારમ કહે,' આપ રાજા છો. આ સમગ્ર વનનાં વૃક્ષો સહિતની જીવસૃષ્ટિ આપની પ્રજા છે. પશુ-પંખી તો વનની સમગ્ર પ્રકૃતિનો શણગાર છે. આજથી આપ મૃગિયા શિકાર કરવાનું ત્યાગો. આપના નામ પ્રમાણે આપ સમગ્ર જીવસૃષ્ટિ માટે અમૃતરૂપી વાત્સલ્ય વહાવો. આ વનને અભ્યારણ બનાવી દો.'
રાજાએ આ દિવ્ય પ્રાણીને વંદન કરી વચન આપી વિદાય લીધી.
એક પશુના સદાચાર અને દયા-ધર્મના આચરણને કારણે વનની સમગ્ર જીવસૃષ્ટિને અભયદાન મળ્યું.
- ગુણવંત બરવાળિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oWdIDW
ConversionConversion EmoticonEmoticon