- ચાલો જઈએ જોવા, એ આવે છે કે નહિ? સામે આવશે જાતે, એ ના જ કહેશે નહિ!
- મીર નથી ને અમીર નથી, ને નથી વજીર ભગવાન છે તારા જેવો, સાદો સીધો, ઓળખી લે ભગવાન
ભ ગવાન ઈસુના સાથીનું નામ મોઝીસ.
ભગવાને એને કેટલાંક કામ સોંપ્યાં હતાં.
એક વખત મોઝીસ નદીકિનારે થઈને જતા હતા ત્યારે એક વિચિત્ર દ્રશ્ય તેમણે જોયું. એક ભરવાડ પોતાની જાત સાથે વાત કરતો હતો. તે એ વાતોમાં એટલો તન્મય હતો કે મોઝીસ નજીક આવી ગયાનો પણ તેને ખ્યાલ રહ્યો નહિ.
ભરવાડ પોતાની જાત સાથે નહિ, તે સીધો પરમાત્મા સાથે જ વાતો કરતો હતો. તે ભગવાનને કહેતો હતો, 'ઓ ભગવાન! મેં તારે વિષે ઘણી ઘણી વાતો સાંભળી છે. સાંભળ્યું છે કે તું બહુ સુંદર છે, પ્રિય છે, દયાળુ છે. કોઈક વખત તને મારી પાસે આવવાનું મન થાય તો તું જરૂર આવી પહોંચજે. હું તને મારાં વસ્ત્રો પહેરાવી દઈશ અને જંગલી જનાવરોથી તારું રક્ષણ કરીશ. હા, આ ઘેટાંઓનું રક્ષણ પણ હું જ કરું છું, ઘેટાંઓની જેમ જ નદીમાં તને નવડાવીને ચોખ્ખો કરીશ. નવડાવ્યા પછી તને દૂધ, રોટલો, મધ અને માખણ ખવડાવીશ. મારે માટેનું એ બધું ભાથું હું તને આપી દઈશ. હું તને એટલો પ્રેમ કરું છું કે તું આવશે કે તરત જ ઓળખી જઈશ.'
મોઝીસ તો ભરવાડની આવી વાણી સાંભળી દંગ થઈ ગયો. તેણે પાસે જઈને કહ્યું ઃ 'ભલા ભરવાડ! તું ગાંડો થયો છે કે શું? આ બધો તું કેવો લવારો કરે છે? અલ્યા, જે બધાંને દૂધ, રોટલા તથા મધ, માખણ આપે છે, એને તું ભોજન કરાવશે? ઉપરથી તારાં ગંદાં વસ્ત્રો એને પહેરાવશે?'
ભરવાડ તો સંત મોઝીસની વાત સાંભળી દુઃખી થઈ ગયો. કંઈક ખોટું થઈ જવાનો ભાસ તેને થયો. તે તો નીચે જમીન તરફ જોવા લાગ્યો. તેની આંખમાં પશ્ચાત્તાપનાં આંસુ આવવા લાગ્યાં.
તેનો પગનો અંગૂઠો વેદનામાં ધરતી ખોતરતો હતો અને આંસુ એ ખોદાયેલી માટીમાં ટપકતાં હતાં. પોતે શું કર્યું એ તેને સમજાતું ન હતું.
હવે પોતાનો આ ગુનામાંથી છુટકારો કેવી રીતે થશે, એની કોઈ જ સમજ તેને પડતી ન હતી.
ભલા ભોળા ભરવાડની આ દશા કરીને સાધુપુરુષ મોઝીસ હજી થોડે દૂર ગયો હશે કે તરત જ તેમનો અંતરાત્મા સળવળી ઊઠયો. 'મન કી બાત'ની જેમ અંદરથી અવાજ આવવા લાગ્યો.
જે ભગવાનને ભરવાડ બોલાવતો હતો એ ભગવાન જાતે જ મોઝીસને ઉદ્દેશીને બોલવા લાગ્યા ઃ 'આ શું કર્યું મોઝીસ? મેં તો તને એટલા માટે મોકલ્યો છે કે મારાં વહાલાંઓને તું મારી પાસે લઈ આવે, પણ તેં તો ઊલટું જ કામ કર્યું. તેં તો મારી નજીક આવતાંને દૂર કરી દીધાં. ખુદ ભગવાનનું એવું ભાગ્ય ક્યાંથી કે તે ભક્તનો રોટલો મેળવે તથા ભક્તનાં વસ્ત્રો પહેરે! ભલા સંત! ભગવાનનું રક્ષણ ભક્તો નહિ કરશે તો બીજું કોણ કરશે? જા, એનાં આંસુ લૂછ. એની શ્રદ્ધાને ફરી જાગ્રત કર. અને એને કહે કે તારી આજ્ઞાા ભગવાને સાંભળી છે અને ભગવાન આવી જ રહ્યા છે.'
મોઝીસ પાછા ભરવાડ પાસે દોડયા અને લાંબા થઈ ભરવાડના પગે પડયા.
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38mhJuE
ConversionConversion EmoticonEmoticon