દાતાઓના દાતા અને દાદાઓના દાદા વહાલસોયાં ભૂલકાંઓના એ છે સંતદાદા


બા ળક જ્યારે નાના હોય છે ત્યારે તેને કોઈ તેના આખા નામથી બોલાવતું નથી. વિનોદને વિનિયો કહે છે, અશોકને અશિયો કહે છે. નેમચંદને નેમિયો કહે છે, પ્રભુદાસને પરભુ કે પરભુડો કહે છે.

એવું જ છોકરીઓનું. રાધાને ઘરનાં રાધલી કહેશે, લક્ષ્મીને લખમી કે લખુડી કહેશે. મીનાક્ષીને મીનાક્ષીબેન કોઈ નહિ કહે: 'અલી મીનુડી ક્યાં ગઈ? નામ તો ફોઈએ સરસ મજાનું પાડયું હોય વસુમતી, પણ ઘરનાં કુટુંબના અને સગાંવહાલાં કહેશે: 'આપણી વસુડી બહુ હોશિયાર છે હોં!'

ભૈ, નામનું આવું આપણે ત્યાં જ નથી. વિદેશોમાં ય ખરું જ. વિલિયમ ક્લિન્ટનને બધાં બીલ કહેશે, બેન્જામિનને બેન્જો કહેશે. બોબસન કે બોબમુલરને બધાં બોબ જ કહેશે, થોમસનને ટોમસ કહેશે અને ડિકીબર્ડને ડિક કહેશે તથા હેરિસનને હેરી જ કહેશે. લારા, હિક, ટીમ, ટુસ, ક્રો, ડુલ, નેલ, મિન્ડ જેવાં નામ તો હવે મૂળ નામ જ બની ગયાં છે.

એવું જ એક નામ હતું નિકલ.

નિકલ એટલે નાનામાં નાનો સિક્કો. નકામો માનવી, જેની કંઈ કિંમત નહિ તે, નકલ જ હશે ને! આપણે તુચ્છકારમાં ઢબ્બુ, પાવલી, અડધિયો, પિત્તળિયો, બબૂ(ચક) કહીએ... એવી જ રીતે લોકો એને નિકલ કહે.

નિકલ કંઈ સાવ નિકલ ન હતો. ગરીબ તો જન્મ્યો જ ન હતો. ટર્કીમાં ઈસવી સન પૂર્વે ૨૮૦માં જન્મેલા એ બાળકનું સરસ મજાનું નામ તો હતું નિકોલાસ. સારાં એવા પૈસાદાર માતાપિતાને ત્યાં જન્મ્યો હતો. પણ ઉદાર વડીલો વધુ જીવ્યાં નહિ. ઉદારનું ધન ઉધાર લોકો ખાઈ જતાં હોય છે. પ્રેમથી જે નિકોલાસને માતાપિતા જ ગમ્મતમાં નિકલ જેવા હુલામણા નામે બોલાવતાં, તે અનાથ નિકલિયો બની ગયો. અનાથ આશ્રમમાં ઊછરવા લાગ્યો.

ધનનું એવું છે. આવતાં વાર નહિ, જતાં તો જરાય વાર નહિ. કૌન બનેગા કરોડપતિ, ઘડીમાં રોડપતિ બની જતા હોય છે. અને તેઓ બિચારા રોડના ય પતિ નથી હોતા, કેમ કે રોડ ઉપરથી પણ તેમને રોડાં મારીને હાંકી કાઢવામાં આવે છે.

માતાપિતાના પૈસા તો સગાંઓ ખાઈ ગયાં પણ માતાપિતાની ઉદારતા કોઈ ખાઈ શક્યું નહિ. ઉદારતાનો એ વારસો તો નિકલને મળ્યો જ. એ ઉદારતા તેણે ગરીબાઈમાં પણ જાળવી રાખી. ગરીબો પણ મહેનત, મજૂરી, ટેકો, સહાય, માનવતા, ઉદારતા... જેવું ઘણું આપી શકે છે. ધનથી ન આપી શકાય તેવી ઉમદા સેવા તેઓ મન અને તનથી આપે છે.

અનાથાલયમાં તો બાળકને કામ કરવું જ પડે. નિકલ હોંશથી કામ કરતો, બીજાંનાં અને બધાંના કામ કરતો, ઉપરથી ભણતો પણ ખરો. તેને ભણવું ગમતું.

પણ ભણવા માત્રથી નિપૂણ કે નિષ્ણાત થઈ શકાતું નથી. નિકલ વિજ્ઞાાનનો, વેપારનો, કલાનો સ્નાતક ન થઈ શક્યો. પણ તે ધર્મનો ગ્રેજ્યુએટ થયો જ. ધર્મનું વાચન તેને ગમ્યું, ધર્મના સિદ્ધાંતો તેને ગમ્યા, ધર્મનું આચરણ તેને ગમી ગયું. ભગવાનનાં નામ અને કામ સાથે તે જોડાઈ ગયો.

તે બિશપ બની ગયો. સંત બની ગયો. દેવળનો પૂજારી તથા રખેવાળ બની ગયો. આચરી શકાય તેવા ગુણોનો તે પાદરી બની ગયો.

ભગવાનનું કામ કરવું ઘણું મોટું કામ છે.

ધર્મપુસ્તકોમાં કહ્યું છે: * ભગવાન ગરીબોની સાથે રહે છે અને ગરીબોનો ખ્યાલ રાખે છે. * ભગવાનને સહુથી પ્રિય બાળકો છે. * બાળક જ ભગવાન છે અને ભગવાન બાળકમાં જ વસે છે. * જે તરછોડાયેલા છે, ફેંકાયેલા છે, ત્યજાયેલા છે, તે ભગવાનના માણસો છે. ભગવાન તેમનો ખ્યાલ રાખવાનું પસંદ કરે છે. * ભગવાન વહેંચવામાં માને છે. * ભગવાનનું મુખ્ય કર્તવ્ય આપવાનું છે. * ભગવાન દાતા છે, દેનાર છે, જે આપે છે એ ભગવાનનું જ કામ કરે છે. * માફી, દયા, ઉદારતા ભગવાને બક્ષેલા ગુણો છે. * બાળકને ભલી દુનિયાનો ખ્યાલ આપો, બાળકો દુનિયાને ભલી બનાવશે. * માત્ર માતા જ નહિ, પિતા પણ બાળકની માતા બની શકે છે. તાત્પર્ય કે પિતાએ પણ બાળકને વહાલ લાડ પ્યાર આપવાં જ રહ્યાં. * આપનાર બોલનાર ન બને: એનો અર્થ કે દાતાએ બોલવાની જરૂર નથી: જે ગુપ્ત દાન કરે છે, મૌન રીતે આપે છે, એ જ સાચા દાતા છે. * જ્યાં બાળક છે ત્યાં સ્વર્ગ છે. * બાળકને વંદન કરો, સ્વર્ગ વસી રહેશે. * સ્વર્ગ ધરતીથી દૂરની કે પરની વાત નથી. * જ્યાં પ્રેમ, સ્નેહ, દયા, ઉદારતા, માફી છે ત્યાં જ સ્વર્ગ છે. * ભગવાનને હસતો જોવો હોય તો બાળકને હસતું  જોઈ લો.

નિકલમાંથી સાચા અર્થમાં નિકોલાસ બનેલા સંતે ભગવાનનું કાર્ય શરૂ કર્યું. માત્ર દેવળનાં સેવાકાર્ય કરીને બેસી ન રહેતાં તેમણે ગુપ્ત રીતે લોકો સામે જવા માંડયું. દેવળમાં ભગવાન પાસે આવીને વિનંતી કરતાં લોકોની વિનંતી નિકોલાસ ગુપ્ત રીતે પૂરી કરી દેતા. તેઓ, ગરીબ વસ્તીમાં, ઝૂંપડાંઓમાં, ટાઢથી થથરતાં લોકોના વિસ્તારમાં જઈ હરેકને જરૂરી વસ્તુઓ પૂરી પાડતા.

સંત નિકોલાસના હસતા ચહેરામાં દુખિયાં, પીડિત, પિછડેલા લોકો ભગવાનનાં જ દર્શન કરવા લાગ્યા. અમીર, સાધન-સંપન્ન લોકો પણ નિકોલાસને પસંદ કરતા અને પોતાની પાસે જે કંઈ હોય તે ભગવાનને નામે સંતને આપવા તૈયાર થઈ જતા. સંત નિકોલાસ તેનો સદાય સદુપયોગ કરતા.

કોઈને ખબર ન પડે માટે સંત નિકોલાસ મદદકાર્ય માટે રાત્રી પસંદ કરતા. વહેલી પરોઢનું તેમનું પ્રથમ કર્તવ્ય 'દેવા'નું રહેતું. અર્થાત્ આપવા માટે પ્રભાત જેવી બીજી કોઈ ભાત નથી. મેળવનાર જ્યારે ઊઠતાંની સાથે ઇચ્છિત વસ્તુ મેળવે છે, ત્યારે ભગવાનનો આભાર માને છે. તે એમ જ માને છે કે ભગવાને જ તેનું સપનું પૂરું કર્યું છે.

તમારી ઉદારતાનો યશ સદા ઈશ્વરને આપો, એ જ જીવન સંત નિકોલાસ જીવી ગયા.

સંત નિકોલાસે એ કાર્ય કર્યે જ રાખ્યું. કર્યે જ રાખ્યું. આપવાનું કાર્ય કરતાં કરતાં જ સંત નિકોલાસ પસાર થઈ ગયા.

લોકોેે એ શિરસ્તો બંધ કેવી રીતે કરે? તેમણે ઉદારતાનો એ રિવાજ ચાલુ રાખ્યો. એક સંત ગયા તો અનેક લોકો સંત બની ગયા, બધાં જ સંત બની ગયા.

તહેવારો ઉદારતા અને દાનના વહેવારો બની રહ્યા.

પવિત્ર તહેવાર નાતાલમાં દાનનો તથા ભેટનો મહિમા વધ્યો. માત્ર શુભેચ્છા જ નહિ પણ નક્કર શુભ કાર્ય કરી લોકો સંતોષ અને આનંદ પામવા લાગ્યા.

સંત નિકોલાસનું કાર્ય શરૂ થઈ ગયું. વરસોનાં વરસો સુધી ચાલુ રહ્યું. પણ સંતની પ્રતીકમૂર્તિ કેવી હોઈ શકે?

જર્મનીના પ્રસિદ્ધ ચિત્રકારે સંત નિકોલાસનું એક રૂપ તૈયાર કર્યું. એ ચિત્રકારનું નામ થોમસ. ૧૮૪૦થી ૧૯૦૨ના સમયગાળામાં થઈ ગયેલા એ ચિત્રકારે કલ્પેલા સ્વરૂપને જ લોકોએ સંત નિકોલાસ રૂપે અપનાવ્યા.

એ જ સંત નિકોલાસ આગળ ઉપર સાન્તા ક્લોઝ બની ગયા.

નિકલમાંથી નિકોલાસ બનેલા સાન્તા ક્લોઝની આ જ કથા છે. સંતદાદાનો એક જ નિયમ છે: આપો, જરૂર છે એને આપો, જેની પાસે નથી એને આપો, જે જીવવા માટે ટળવળે છે એને આપો, તમારી પાસે છે તો આપો, દુઃખીને, દર્દીને, દલિતને, દદડતાને આપો... આપો... આપો... આપો... જ. મજૂરને આપો, કિસાનને આપો, અપંગને આપો. એવું આપો કે તેઓ ઊભા થઈ જાય!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nxWUTF
Previous
Next Post »