પ્રાર્થના જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ બનતી જાય તેમ તેમ પ્રભુની કૃપા નીચે ઊતરતી જાય


શ બ્દશક્તિનું સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે પ્રાર્થના. પ્રાર્થનારૂપે પ્રયોજાતા શબ્દો જેટલા પવિત્ર અને સામર્થ્યશાલી હોય છે એટલા પવિત્ર અને સામર્થ્યશીલ શબ્દો અન્ય કોઈ હોઈ નથી શક્તા. પ્રાર્થના સમયે વ્યક્તિનો અહંકાર પ્રાય: વિસર્જિત થઈ જતો હોય છે. કારણકે એ સમયે વ્યક્તિ એમ મહેસૂસ કરતી હોય છે કે જે કાંઈ શુભપ્રવૃત્તિ કરી રહ્યો છું યા કરવા ચાહું છું એ પરમ તત્ત્વની કૃપાનાં કારણે જ શક્ય છે. એથી એનો અહં તે સમય પૂરતો ખરી પડતો હોય છે. પ્રાર્થના માટેનું એક સદાબહાર સુવાક્ય સદા ય યાદ રાખવા જેવું છે કે ' પ્રાર્થના જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ પ્રભુની કૃપા નીચે ઊતરતી જાય છે.' સૂચિતાર્થ એનો એ છે કે પ્રાર્થના ભાવાનાત્મક રીતે જેટલી ઉચ્ચતર- ઉચ્ચતમ બને એટલી પ્રભુકૃપા આપણા માટે વધુને વધુ નિક્ટની બાબત બની રહે.

પ્રાર્થનાનું આપણું ભાવવિશ્વ ઉચ્ચતર- ઉચ્ચતમ બની રહે તે માટે આપણે પાંચ ગદ્ય પ્રાર્થનાઓ પર ચિંતનયાત્રા કરી રહ્યા છીએ. આજે એમાં વિચારીશું ત્રીજા ક્રમની ગદ્ય પ્રાર્થના. પ્રભુ સાથે માનસિક નિક્ટતાથી ઉત્કટતા વ્યક્ત કરતી એ પ્રાર્થના આ છે કે પ્રભુ ! તને સદાય સ્મરણમાં રાખી શકું એવી શક્તિ આપજે.

જીવનયાત્રાના દીર્ઘપટમાં આપણે કૈંકેટલીય વ્યક્તિના સંપર્કમાં-પરિચયમાં આવતા હોઈએ છીએ. પરંતુ એ તમામ વ્યક્તિઓ કાંઈ યાદ રાખવા જેવી નથી હોતી. સંપર્કમાં આવતીએ વ્યક્તિઓ સામાન્યત: ત્રણ કક્ષામાં વિભક્ત થઈ શકે. પ્રથમ અને કનિષ્ઢ કક્ષાની વ્યક્તિઓ એવી હોય છે કે જે કાયમ ભૂલી જવા જેવી હોય છે. આપણા સંપર્કમાં આવેલ જે વ્યક્તિઓ વ્યસની -વ્યભિચારી-કુસંસ્કારી- ભ્રષ્ટાચારી હોય તે તે તમામ વ્યક્તિઓને પ્રથમ-કનિષ્ઢ કક્ષામાં મૂકી એને ભૂલી જ જવી. કારણકે આવી વ્યક્તિઓ આપણાં જીવનનું સ્તર-સંસ્કારોનું સ્તર એકદમ નીચે લઈ જઈ એને ખતમ કરી દે છે. બની શકે કે આવી વ્યક્તિઓનો સંપર્ક ભૂલમાં અનાયાસે થઈ ગઈ હોય. પરંતુ પછી એને યાદ રાખવામાં જોખમ જ જોખમ છે. એથી આવી વ્યક્તિઓને કાયમ વીસરી જવી-વોસિરાવી દેવી.

બીજી કક્ષામાં એવી વ્યક્તિઓ આવે કે જેમની સાથેના સંપર્ક કાર્યવશ રચાયા હોય. એ વ્યક્તિઓ આપણાં જીવનમાં ધનિષ્ઢરૂપે નહિ, ફક્ત 'પ્રોફેશનલ' રૂપે સંપર્કમાં આવી હોવાથી એ સંબંધની જીવન પર સારી-નરસી કોઈ અસર લગભગ નથી હોતી. આથી આવી વ્યક્તિઓ કાર્યપૂરતી યાદ રાખીને પછી વીસરી જવા જેવી હોય છે. જેમ કે કોઈની પાસેથી ઉઘરાણીની રકમ લેવાની હોય યા કોઈને રકમ આપવાની હોય એનો સંબંધ, વહીવટી કાર્યો માટે નગરસેવક-ધારાસભ્ય વગેરેનો સંબંધ, કાયદાકીય કાર્ય માટે વકીલનો સંબંધ યા સુરક્ષાનાં કાર્ય માટે 'પોલીસ'નો સંબંધ. આવા આવા જીવનનાં સ્તરે કોઈ કાયમી અસર ન રાખવી.

ત્રીજી કક્ષામાં એવી વ્યક્તિઓ આવે કે જેમની સાથેના સંબંધ કાયમી યાદ કરવાના હોય. કારણકે એમની સાથેના સંબંધો ઉપકારનાં સ્તરે રચાયા હોય છે. એવા ઉપકારો કે જેનાં કારણે વ્યક્તિનું જીવન સમૃધ્ધ-સ્થિર થયું હોય અને સન્માર્ગ તરફ વળ્યું હોય. માતા-પિતા, કલ્યાણમિત્ર, સદ્ગુરુભગવંતો વગેરે આ વિભાગમાં આવે. એમના દ્વારા વ્યક્તિનાં જીવનમાં દ્રવ્ય-ભાવ ઉપકારો એવા જબરજસ્ત થાય છે કે એમને હયાતિમાં તો ખરા જ, બલ્કે હયાતિ પછીય યાદ રાખવા જોઈએ. એમનું સ્મરણ તો કૃતજ્ઞાતાનું દ્યોતક ગણાય.

આ કૃતજ્ઞાતાની પ્રાર્શ્વભૂમિકા પર વિચાર કરીએ તો, પરમાત્માનું સ્મરણ સૌથી વિશેષ થવું જોઈએ. કારણકે એ માતા-પિતા, કલ્યાણમિત્ર, સદ્ગુરુ વગેરે કરતાં ય શ્રેષ્ઢ ઉપકારી છે. એમના ઉપકારો અસીમ અને અપ્રતિમ છે. આત્મોત્થાનની પરિભાષામાં કહીએ તો નિગોદથી નિર્વાણ સુધી પરમાત્માના ઉપકારો છે. આથી જ પૂર્વોક્ત પ્રાર્થનામાં લખાયું છે કે પ્રભુ ! તને સહાય સ્મરણમાં રાખું એવી શક્તિ આપજે. ભક્ત હૃદય પ્રભુનાં સ્મરણ વિશે કેવી કેવી મસ્ત ઊર્મિઓ ધરાવે એની એક જૈન અને એક જૈનેતર સાહિત્યની ઝલક જોઈએ:

- જૈન પરંપરાની એક ભક્તિસ્તવનામાં પ્રભુને ઉદ્દેશી આ પંક્તિઓ લખાઈ છે કે:- 

સમય સમય સો વાર સંભારું,

તુજ શું લગની જોર રે...

- તો જૈનેતર પરંપરાની એક સંસ્કૃત પંક્તિમાં જણાવાયું છે કે 'વિપદ્ વિસ્મરણં વિષ્ણો, સ્મપત્ તત્સ્મરણં પુન:' મતલબ કે વિષ્ણુ અર્થાત પરમતત્ત્વનું વિસ્મરણ એ જ વિપત્તિ છે અને એમનું સ્મરણ એ જ સંપત્તિ છે.

ભક્તિને સાચા અર્થમાં આત્મસાત્ કરનાર ભક્તાત્મા એના ઇષ્ટ દેવને હૃદયસ્થ કરી કઈ હદે એમને સ્મતૃના સરોવરમાં સુસ્થાપિત રાખે એ જાણવું છે ? તો વાંચો આ કાલ્પનિક છતાં હૃદયસ્પર્શી કથા:

રામચન્દ્રજી જ્યારે વનવાસમાં હતા ત્યારની વાત. એકવાર તેઓએ પગપાળા ખૂબ દીર્ઘ પ્રવાસ કર્યો. થકાન ખૂબ હતું અને એ દિવસે ભોજનમાં કાંઈ મળ્યું ન હતું. એથી સહુ વ્યગ્ર હતા. એવામાં લક્ષ્મણે એક કુટિર દૂરથી જોઈ.' અંદર કો'ક તો વ્યક્તિ મળશે જ' એ આશાથી લક્ષ્મણ કુટિર સુધી પહોંચી ગયા. અંદર રહેલ માજીને અતિથિરૂપે પરિચય આપતાં માજીએ રામ-લક્ષ્મણ-સીતા ત્રણેયને ભોજન માટે આમન્ત્રિત કર્યા. ખૂબ વયસ્ક અને દરિદ્ર હોવા છતાં માજીએ જે ભાવુકતાથી' અતિથિદેવો ભવ' સૂત્ર ચરિતાર્થ કર્યું એથી રામચન્દ્રજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. ભાવુક માજીના સૂકા રોટલામાં એમને અયોધ્યાના રાજમહેલના મિષ્ટાન્નો કરતાં ય વધુ મીઠાશ લાગી. રામચન્દ્રજીએ કૃતજ્ઞાભાવે માજીને કાંઈક માંગવાનું કહ્યું.

પ્રારંભે તો માજીએ કાંઈ પણ માંગવાનો ઇન્કાર કર્યો. પરંતુ વારંવાર આગ્રહ થતાં માજી માંગવા તૈયાર થયા. અલબત્ત, એ આ વનવાસી અતિથિઓને પિછાણી શક્યા ન હતા. સંતોષી માજીએ કોઈ ધન-દોલત યાચવાના બદલે સાવ ક્ષુલ્લક માંગણી કરી: ' તમારે મને સહાય કરવી જ છે તો એક કામ કરો. અહીંથી થોડે આગળ એક ઝૂંપડી છે. એમાં મારાં ચાલીશ છાણાં થાપેલાં છે. વયનાં કારણે મને એ અહીં સુધી લાવવામાં થોડું કષ્ટ પડે છે. તમારામાંથી એક વ્યક્તિ એ છાણાં અહીં લાવી દે તો હું રાજી થઈ જઈશ.' લક્ષ્મણને મનોમન થયું: આ અભણ માજીને કોની પાસે કેવું કાર્ય કરાવાય એની સમજ નથી. બાકી રામચન્દ્રજી જેવી વિભૂતિને છાણાં ઉપાડવા જેવું કાર્ય એન ચીંધે.' રામચન્દ્રજીના વચન ખાતર લક્ષ્મણે એ કાર્ય પોતે કરવાનું નક્કી કર્યુ અને એ સ્વયં ચાલીશ છાણાં ઉઠાવીને લઈ આવ્યા.

પણ..માજીએ તો ભારે કરી. એમણે ધરાર ઇન્કાર કર્યો કે ' આ છાણાં મારા નથી. તમે આ બીજાનાં છાણાં લઈ આવ્યા છો. આ પરત મૂકી આવો અને એ કુટિરમાં મેં જે સ્થળ બતાવ્યું હતું ત્યાંથી મારાં છાણાં લાવો.' લક્ષ્મણ જરા નારાજ થઈને બોલ્યા: 'માજી ! છાણાં પર કોઈનાં નામ નથી લખ્યા. વળી છાણાં બધાં સરખાં જ છે. તો પછી તંત કેમ કરો છો ?' પરંતુ માજીએ પોતાનો આગ્રહ જારી રાખ્યો. લક્ષ્મણ એ છાણાં પરત લઈ જઇ પુનઃ માજીએ બતાવેલ છાણાં લઈ આવ્યા. મરક-મરક હસતાં માજીએ એમાંથી એક છાણું હાથમાં લઈ લક્ષ્મણનાં કાન તરફ ધરીને કહ્યું: 'સાંભળ. આમાંથી એકદમ આછો 'રામ...રામ' નો ધ્વનિ નીકળે છે. કેમ કે આ દરેક છાણાં થાપતી વેળાએ મારાં મુખમાં રામનામનો જાપ ચાલુ જ હતો !' લક્ષ્મણ દંગ થઇ ગયા માજીની રામભક્તિથી !

હા, તો આને કહેવાય ઇષ્ટદેવ પ્રત્યેનું-પરમ તત્ત્વ પ્રત્યેનું સદૈવ સ્મરણ કે જેમાં પ્રવૃત્તિ ભલે બાહ્ય જગત સંબંધી હોય, પરંતુ ભીતરનું અનુસંઘાન પરમતત્વ તરફનું હોય.

સંસ્કૃતભાષામાં તદ્વિતના બે પ્રત્યય મળે છે: તર અને તમ. બેમાં વધુ હોય ત્યાં 'તર' પ્રત્યય લાગે અને તમામ કરતા વધુ હોય ત્યાં'તમ' પ્રત્યય લાગે. ઉદાહણરૂપે વિચારીએ 'પ્રિય' શબ્દ. બે ચીજના મુકાબલામાં જે વધુ પ્રિય હોય તેને કહેવાય પ્રિયતર. જેમકે બાળકને ચોકલેટ અને બરફી બન્ને પ્રિય છે. પરંતુ બેમાં જો એને બરફી વધુ પ્રિય હોય તો એના માટે બરફી પ્રિયતર ગણાય. હવે બધા જ ખાદ્ય પદાર્થોમાં જે એને સૌથી વધુ મનપસંદ હોય એ એના માટે ગણાય પ્રિયતમ. જેમકે ચોકલેટ- બરફી- પેંડા- ગુલાબજાંબુ વગેરે બધા ખાદ્યપદાર્થો કરતા એને જો 'આઈસ્ક્રીમ' સૌથી વધુ પ્રિય હોય તો 'આઇસ્ક્રીમ' એના માટે ગણાય પ્રિયતમ.

ભક્તિતત્ત્વના મર્મજ્ઞા ચિંતકો કહે છે કે આપણાં જીવનમાં પ્રિય અને પ્રિયતર તત્ત્વ ભલે અન્ય હોય, પરંતુ પ્રિયતમ તત્ત્વ માત્ર એક જ હોવું જોઈએ અને એ હોય પરમાત્મા. પૈસો-પ્રતિષ્ઢા-પરિવાર-પદ વગેરેનાં આકર્ષણો મંદ મંદ થતા જવા જોઈએ અને પ્રભુશાસન-પ્રભુવચન અને પ્રભુ પરનું આકર્ષણ વધુને વધુ ઘટ્ટ થતું જવું જોઈએ. મહાયોગી આનંદઘનજી મહારાજે તો પ્રભુ જ સૌથી વધુ આકર્ષણનું પાત્ર-પ્રિયપાત્ર હોય એ રીતે અધિકારપૂર્વક પ્રભુને પ્રિયતમરૂપે સંબોધતા ગાયું છે કે'ઋષભજિનેશ્વર પ્રીતમ માહરો..' આપણે પણ પ્રભુને 'પ્રિયતમ ' બનાવવાના ભાવપૂર્વક ગાઈએ કે:

નીર વિના સરિતા સૂની, ચન્દ્ર વિનાની રાત,

હું સૂનો પ્રભુ તુજ વિના, તને સમરું દિન ને રાત.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aHoZEe
Previous
Next Post »