'શ્રીનાથજી'ના 'આઠ' પ્રહરનાં દર્શનોની ઝાંખી


શ્રી નાથજી એટલે શ્રીકૃષ્ણનુ બાલગોપાલ સ્વરૂપ. આ સ્વરૂપ લાડમાં 'લાલા' તરીકે ઓળખાય છે. લાલો એટલે ભક્તજનોનો વ્હાલો, શ્રીનાથજીના મંદિરમાં જૂદા જુદા આઠ પ્રહરે જૂદા જૂદા આઠ સ્વરૂપનાં દર્શન તથા લાલન-પાલન થાય છે. સમય અને પ્રસંગને અનુરૂપ પદો ગાવાનો રિવાજ છે એ પદોને હવેલી સંગીત તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વ્રજભાષાની છાંટ અને પરંપરા દેખાય છે.

'શ્રી' એટલે ધન, લક્ષ્મી, સમૃદ્ધિ. 'શ્રીજી'નો અર્થ અસ્મિતા પણ થાય છે. 'શ્રીનાથજી'એટલે લક્ષ્મી અને અસ્મિતાનાં સ્વામી 'શ્રીકૃષ્ણ'નાં અનેક સ્વરૂપ છે. પરંતુ પુષ્ટિમાર્ગમાં સૌથી વધુ પ્રિય છે - શ્રીકૃષ્ણનું શ્રીનાથજીનું સ્વરૂપ. આ સ્વરૂપમાં શ્રીકૃષ્ણની ઉંમર છે સાત વર્ષ. આ વયે એમણે ટચલી આંગળીએ ગોવર્ધનપર્વત ઉંચક્યો હતો. અને ગોકુળવાસીઓને ઇન્દ્રનાં કોપથી થયેલ અતિ વૃષ્ટિથી રક્ષણ આપ્યું હતું અને ઇન્દ્રનું અભિમાન તોડયું હતું. આથી 'ગોવર્ધનનાથ' તરીકે પણ તેને પૂજાય છે.

શ્રીનાથજી એ કોઈ મૂર્તિ નથી એ જીવતું જાગતુ બાળ સ્વરૂપ છે તેનું સ્થાનક છે હવેલી એટલે રાજઠાઠ ધરાવતું નંદાલય આ બાળરાજાનું નિવાસ સ્થાન છે શ્રીનાથજીની ઝાંખી એ કોઈ દર્શન માત્ર નથી. એ છે હૃદયને પુલકિત કરતો ચમત્કાર છે. પુષ્ટિમાર્ગ એટલે શ્રીકૃષ્મનું સ્મરણ, રટણ, ઉપાસના, આરાધના, ભક્તિનું સાતત્ય અને મંથન, શ્રીકૃષ્ણ એટલે જ ઇશ્વર. એની ભક્તિએજ ધર્મ, સર્વસમર્પણ કરતી 'મીરાં' એ ભક્તિ યોગની પરાકાષ્ટા છે. 'શ્રીરાધાકૃષ્ણ'ની ને અહીં વિશિષ્ટ સ્થાન છે. તે છે પ્રેમલક્ષણા ભક્તિ એટલે ભક્ત અને ઇશ્વરનો સંવાદ. ઇશ્વરની પરમ કૃપા પર આધાર રાખનાર સંપ્રદાય એટલે 'પુષ્ટિમાર્ગ' આ પુષ્ટિમાર્ગ દૈવીકૃપાનો માર્ગ છે. ભક્તિનો માર્ગ છે. સાચા ધર્મનું ઝરણું છે.

આ માર્ગમાં જગતને છોડવાનું નથી. પરંતુ તેને માણીને ઇશ્વરનાં સૌંદર્યમાં એકાકાર થવાનું છે. એવી પુષ્ટિમાર્ગની રસ અને આનંદ બક્ષી જીવન દ્રષ્ટિ છે. મનને મારી નાખવાથી કદી ઇશ્વર ન મળે. સાહિત્ય, સંગીત, ચિત્ર, કળા, સ્વાદ, રસ, ને મન ભરીને માણો. ઉત્સવો ઉજવો, આનંદમાં તરબોળ  થઇ જાઓ. શક્ય છે કે કોઈક દિવસ પરમાનંદમાં ભળી જવાશે.

આ પુષ્ટિ માર્ગમાં નાથદ્વારનાં શ્રીજીનાં દૈનિક આઠ દર્શન તો અલૌકિક છે જે પુષ્ટિમાર્ગનાં મહાન વૈભવની ઝાંખી કરાવે છે. ખાસ કરીને શ્રીજીનું સ્વરૂપ શ્યામ અથવા રક્તશ્યામ રંગનું છે. ગુલાબી રંગની માળા આભૂષણો ફુલની ભરતવાળી શિલ્કની ધોતીમાં સજ્જ અને સફેદ મોતી ઉપરાંત આ બધામાં મોરપિછવાઈ એક ગજબનું આકર્ષણ ઉભું કરે છે. 'શ્રીજી' હાજરાહજુર હોય તેવો ભાસ થાય છે.

'શ્રીજી'નાં આઠ સ્વરૂપોના દર્શન નાથદ્વારામાં અનન્ય મહત્ત્વ દર્શાવે છે. જે મંગળા, શણગાર, ગ્વાલ, રાજભોગ, ઉથાપન, ભોગ-આરતી અને શયન સ્વરૂપના જૂદા જૂદા આઠ સ્વરૂપ જોવા મળે છે.

૧. મંગળા દર્શન: એટલે દિવસનાં પ્રથમ દર્શન. મંગળા શબ્દશુભનો સૂચક છે આ દર્શનથી પ્રભુની ઝાંખીની શરૂઆત થાય છે. આ દર્શનનો મુખ્ય ભાવ 'બાલભાવ' છે. મંગળા સમયે તેમના હાથમાં વાંસળી આપવામાં આવે છે અને શ્રીજીને માખણ, મિસરીને દૂધનો ભોગ ધરવામાં આવે છે. આ દર્શન દરમ્યાન આરતી ઉતારવામાં આવે છે. મંગળા આરતી શ્રધ્ધાળુનાં મનના અંધકારને દૂર કરે છે. આ સમયે સવારનાં લલિત ભૈરવ કે બિલાસ રાગ ગવાય છે.

૨. શણગાર દર્શન: મંગળા દર્શનના એક કલાક પછી બીજા દર્શન જે થાય છે તેને શૃંગાર દર્શન કહેવાય છે. માથાથી પગ સુધી બની ઠનીને શ્રીનાથજી દર્શન આપે છે. મોરપિચ્છ ચંદ્રિકા સહિતના મુકુટથી માંડી પગની મોજડી સુધીનો શણગાર, ઋતુ પ્રમાણેનાં વસ્ત્રો, ફુલહાર, અલંકાર આભૂષણ બધુ નખશિખ બાલકૃષ્ણને સંતોષ થાય તેવો હોય છે. મીઠાઈ ધરવામાં આવે છે.

ભોજન બાદ શ્રીજીના હાથમાં વાંસળી મુકવામાં આવે છે. જેથી તે તેમની પ્રિય રાધાજીને ગમતા રાગ બજાવી શકે. કવિ નંદદાસ આ દર્શનના મુખ્ય ગાયક છે.

૩. ગ્વાલ દર્શન: શણગાર દર્શનનાં બરાબર એક કલાક બાદ ત્રીજા દર્શનનો સમય છે. બાલકૃષ્ણનો ગાયો ચરાવવાનો સમય થઇ રહ્યો છે. આ સમયે બાટી સુખડી સેવના લાડુ બાસુદી અને દૂધનો ભોગ ધરાય છે. આ દર્શનમાં કોઈ પણ જાતનાં અલંકાર કે વાંસળી સાથે નથી કારણ કે આ સમયે ગોવાળિયા સાથે ગેડીદડા રમવાનાં છે. ગોવિંદ સ્વામી આ દર્શનનાં ગાયક છે.

૪. રાજભોગ દર્શન: 'રાજભોગ' એટલે શ્રીજીને ધરવામાં આવતું દિવસનું મુખ્ય ભોજન. આ દર્શન સમયે શ્રીનાથજીનો ઠાઠ રાજાશાહી છે. ઢોલ નગારા વાગે સાથે રાજભોગની આરતી થાય છે. આ દર્શન બાદ પ્રભુ ત્રણ કલાક માટે વિરામ લે છે. કુંભનદાસ આ દર્શનના મુખ્ય કીર્તનકાર હતા.

૫. ઉથાપન - દર્શન: આરામ કરીને જાગવાનાં દર્શનનું નામ ઉથાપન દર્શન. સમયે શંખ ફુંકવામાં આવે છે. શ્રીજી નિંદ્રામાંથી જાગી ગાયો સહિત ઘેર પાછા વળવાનો આ સમય છે. આ દર્શનના મુખ્ય ગાયક સુરદાસને માનવામાં આવે છે. આ દર્શન સમયે ફળ ફૂલ, દુધની મલાઈ મીઠાઈ, શક્કરપારા વગેરે ધરાય છે.

૬. ભોગ દર્શન: ઉથાપન પછી એક કલાકે દિવસનાં છઠ્ઠા દર્શન ભોગનાં થાય છે. શ્રીજીને હળવું ભોજન અપાય છે. છડીદાર પાઘડી, પટલ્લ, સોનાનાં કડાં પહેરીને પહેરીને ઉભા છે. ગાયોને દોહવાનો સમય છે. મયુરપંખથી શ્રીજીને વિંઝણો વીંઝાય છે. જેથી બહારથી આવતા સમયે કોઈ નજર લાગી હો યતો અનિષ્ઠો દૂર થાય. ચતુર્ભુજદાસ આ દર્શનનાં ગાયક છે.

૭. સંધ્યા આરતી દર્શન: સાંજના દર્શન એટલે સંધ્યા આરતી દર્શન ગોધૂલિ ગાયોને ચરાવીને શ્રીકૃષ્ણ જ્યારે પાછા વળે છે - આવે છે તે સમયે શરીરમાં લાગેલા અનિષ્ઠો કાઢવાનો માતૃભાવ. આરતી આ અનિષ્ઠોથી બચાવે છે.

આખા દિવસની પ્રવૃત્તિ બાદ શ્રીનાથજી અત્યારે હળવા ફૂલ જેવા વસ્ત્રોમાં છે. તેમને વાંસળી આપવામાં આવે છે. સંધ્યા આરતીમાં પખવાજ, મૃદંગની રમઝટ અને ઘંટારવનાં આંદોલનો ભક્તોને ડોલાવે છે. છીલરસ્વામી આ દર્શનના ગાયક છે.

૮. શનય દર્શન: દિવસનાં છેલ્લા દર્શન એટલે આ શયન-દર્શન. આ દર્શન પહેલાં મંદિરના પૂજારી હવેલીનાં ધાબા પર આવે છે અને રસોયાને બીજા દિવસે વહેલા આવવા જણાવે છે. ત્યારબાદ આ દર્શન થાય છે. આ સમય છે શ્રીનાથજીને સૂવાનો, વિવિધ વાનગીઓ શ્રીજીને ધરવામાં આવે છે. ગાયક તેના કીર્તનમાં શ્રીનાથજીનાં વખાણ કરે છે. જે હાલરડાના સ્વરૂપમાં છે. વીણા વાદન કરવામાં આવે છે. આરતી કરવામાં આવે છે. પાનનું બીડુ પણ અર્પણ કરવામાં આવે છે.

શ્રીનાથજી રાત્રે આરામથી વિરામ લઇ શકે તે માટે સુવાની સુંદર પથારી તૈયાર કરાય છે. ગાલિચા બિછાવવામાં આવે છે તેના ઉપર શ્રીજી ચાલીને સૂવા માટે જાય છે. કોઈપણ જાતનો અવાજ ન થાય તેનું આયોજન કરાય છે. આ દર્શનનાં મુખ્ય ગાયક ક્રિશ્નદાસ છે. આ દર્શન મદનમોહનજીના ભાવથી થાય છે. નાથદ્વારામાં આખુ વર્ષ શ્રીજીનાં ઉત્સવો ઉજવાતા હોય છે. સહુને જયશ્રીકૃષ્ણ સાથે.

- ડો. ઉમાકાન્ત જે. જોષી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rssrbJ
Previous
Next Post »