રાજા કહે, શ્રેષ્ઠી હું મારા પુત્ર માટે આપની પુત્રીનો હાથ માગું છું


પૂ ર્વે રાજ્યકર્તાઓ ન્યાયપ્રિય હતા. રાજા ખુદ પ્રજાની ફરિયાદ સાંભળતા અને ફરિયાદનો નિકાલ કરી ત્વરિત ન્યાય આપતા. એ સમયે ઉજ્જયિની નગરીના રાજા વિક્રમાદિત્ય રાજ્ય કરતા હતા. પૂર્વોચાર્યોએ રાજા વિક્રમના ગુણોનું અનેક કથામાં વર્ણન કર્યું છે.

એ નગરીમાં વૈભવસંપન્ન શ્રીદત્ત શેઠ અને તેની પદ્મા નામે પત્ની રહેતી હતી. આ જ નગરમાં વરદત્ત નામે શ્રેષ્ઠી શ્રીદત્તના પરમમિત્ર હતા. બન્ને ગાઢ મિત્રતા હતી. બંનેની પત્ની સગર્ભા છે એવું જાણતા શ્રીદત્તે કહ્યું કે, આપણા બન્નેના સંતાનોમાં જો એકને પુત્ર અને બીજાને પુત્રી આવે તો આપણે બન્ને વેવાઈ બની જઈએ એવી મારી ભાવના છે. વરદત્તે કહ્યું કે, વાહ! આ સુંદર વિચાર છે. આપણા મૈત્રી સંબંધોમાં પારિવારિક મધુરતા ભળશે અને મૈત્રી ગાઢ બનશે.

આમ બન્ને મિત્રોએ નક્કી કર્યું કે એકને પુત્ર ને બીજાને પુત્રી આવે તો બન્નેના વિવાહ કરવા એવા વચને બંધાયા.

શ્રીદત્તે શંકા વ્યક્ત કરી કે આપણાં બાળકો પુખ્ત થાય એ સમય સુધીમાં આપણા બેમાંથી કોઈની વિદાય થઈ જાય તો આપણા વચનપાલનનું શું થાય?

વરદત્ત કહે કે, 'આપણે આ સગપણની સંમતિપત્રકમાં બધી વિગતો લખી અને બન્ને સહી કરી એક-એક પ્રતિ આપણા ઘરમાં રાખીએ. બન્નેએ એ પ્રમાણે લખાણ કરી પોતાની પત્નીઓને સુપ્રત કર્યું. પત્નીઓએ તો આને સહર્ષ વધાવી પોતાના કબાટમાં સુરક્ષિત જગાએ મૂકી દીધું.

સવા નવ મહિનાનો સમય પૂર્ણ થતાં શ્રીદત્તની પત્ની પદ્માને પુત્રજન્મ થયો. પુત્રનું નામ સુનંદન રાખ્યું. પછી ટૂંક સમયમાં વરદત્તની પત્નીની પ્રસૂતિ થતાં તેને ત્યાં પુત્રીનો જન્મ થયો. પુત્રીનો વિવાહ નક્કી હોવાથી તેનું નામ વાગ્દત્તા રાખ્યું. 

સમય રેતીની જેમ સરી રહ્યો છે. બન્ને બાળકો મોટાં થઈ રહ્યાં છે. પરંતુ ભવિષ્યમાં તે બન્ને પતિ-પત્ની થવાનાં છે તે તેમનાં માતા-પિતા સિવાય કોઈ જાણતું નથી. એ બાળકોને ખબર નથી કે પારણા વિવાહનાં ઉત્સુક માતા-પિતાએ પેટે ચાંડલાનું સગપણ નક્કી કર્યું હતું.

અકસ્માત શ્રીદત્ત અકાળે અવસાન પામતાં પદ્મા વિધવા થાય છે. સુનંદન અનાથ બને છે. શેઠનું અવસાન થતાં મુનિમ અને નોકરો મળીને શેઠના ધનનો સફાયો કરે છે અને પદ્મા અને સુનંદન નિર્ધન બને છે.કારમી ગરીબીમાં મહેનત કરીને પદ્મા પુત્રને ભણાવે છે. પુત્ર યુવાન થાય છે.

શ્રેષ્ઠી વરદત્તની કન્યા પણ યૌવનના આંગણામાં પગ મૂકે છે. વરદત્તને એ સ્મરણ છે કે, 'હું લેખિત વચનથી મારી પુત્રી શ્રીદત્તના પુત્ર સુનંદન સાથે વિવાહ કરવા બંધાયેલ છું.' પરંતુ સુનંદની નિર્ધન હાલત જોઈને તેને લાગે છે કે 'આવા ગરીબ ઘરમાં હું મારી પુત્રીને કઈ રીતે આપું?' તેનામાં પુત્રીમોહની તિવ્રતા હતી. તેને વચનભંગનો ડર ન હતો.

આ શહેરમાં ઘણાં વણિકો કરોડપતિ હતા, પરંતુ ડર એ હતો કે પદ્માભાભી પાસે આ લખાણ હતું અને તે રાજ્યમાં ફરિયાદ કરે તો?

રાજા વિક્રમાદિત્ય ન્યાયપ્રિય રાજવી હતો તેથી તેણે વિચાર્યું કે, 'હું રાજા સાથે જ મારી પુત્રીનો વિવાહ કરું.'

રાજા વિરુદ્ધ ફરિયાદ કોઈ કરી ના શકે. તે રાજા પાસે જઈને પ્રાર્થના કરે છે કે, 'મારે ત્યાં સંસ્કારી, સ્વરૂપવાન પુત્રીરત્ન છે જેનું પાણિગ્રહણ કરી આપના અંતઃપુરમાં સ્થાન આપો.' રાજાએ શ્રીફળ સોપારીનો સ્વીકાર કરી સંમતિ આપી.

યથા સમય રાજા જાન લઈને વાજતેગાજતે વરદત્તના ઘર તરફ જાય છે. શહેરમાં ઉત્સવ છે. વરની શોભાયાત્રા શ્રીદત્તના ઘર પાસેથી પસાર થઈ રહી છે. ત્યારે સુનંદન માતાને કહે છે કે, 'ચાલ મા, રાજાની જાન જોવા ચાલ.' પદ્માની આંખમાં આંસુ જોઈને સુનંદન પૂછે છે કે, 'તું કેમ રડે છે? આજે તો શુભ અવસર છે.' પદ્મા મૌન છે. પુત્ર કહે, 'મા, મારા સોગંદ, મને રડવાનું કારણ કહે.' પદ્મા કહે, 'રાજા જેને પરણવા જાય છે તે વાગ્દત્તા કન્યા તારી વાગ્દત્તા છે.' તે ભૂતકાળના વચનબદ્ધ લખાણની વાત કરે છે. 'મા, મને એ લખાણ વાંચવા આપ.' માતા કાગળ વાંચવા આપે છે. શ્રીદત્ત કાગળ લઈને દોડે છે. શોભાયાત્રામાં રાજાની સવારી પાસે બૂમ પાડે છે, 'રાજા મને ન્યાય આપો.' અધિકારીઓ દૂર કરી કહે છે કે ઃ 'કાલે રાજસભામાં આવજે.' રાજા મારો ન્યાય હમણાં કરો, નહીં તો મોડું થશે.'

ન્યાયપ્રિય રાજા થંભી જાય છે. તેની વિગત સાંભળી કાગળ વાંચે છે. મુગટ સિવાય વરરાજાનાં તમામ વસ્ત્રો તેને પહેરાવે છે. તેની માને તેડાવે છે. જાન વરદત્તના ઘરે પહોંચે છે. વરદત્ત, સુનંદનને વરરાજા રૂપે જોતાં આશ્ચર્યપૂર્વક રાજા સામે જુએ છે.

રાજા કહે, 'તમે તમારી પુત્રીના વિવાહ સુનંદન સાથે કરવા અને વચને બંધાયા હતા, પણ હું સમજું છું કે નિર્ધનને તમારી પુત્રી તમે ન આપી શકો, પરંતુ આજે એ નિર્ધન નથી. હે શ્રેષ્ઠી, હું મારા પુત્ર સુનંદન માટે આપની પુત્રીનો હાથ માગું છું.' વરદત્તે આનંદથી તેનો સ્વીકાર કર્યો અને વિક્રમાદિત્યના ન્યાયનો જયજયકાર થયો.         

- ગુણવંત બરવાળિયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37KGemf
Previous
Next Post »