જીવનના સમરાંગણમાં વચનપાલનમાં પીછેહઠ ન કરે, તે ખરો વીર!

- 'ભલે, આપનો નિર્ણય મારે માટે શિરોધાર્ય છે. હું  અવધપુરી પાછો જઈશ. આપના વિરહમાં ચૌદ વર્ષની અવધિ વીતાવીશ, ક્ષણેક્ષણે આપનું સ્મરણ કરીશ અને દૂર રહ્યે રહ્યે આપની કૃપાનો અનુભવ કરીશ. વિચારીશ કે મારા રામ આનંદમાં બિરાજે છે.'


મ હારાજ જનકની ઉપસ્થિતિમાં મળેલી સભામાં ગુરુ વશિષ્ઠે કહ્યું, 'તેઓ રઘુકુળના ગુરુ હોવા છતાં કોઈ નિર્ણય આપી શકે તેમ નથી. એક બાજુ પિતાની આજ્ઞાા શિરોધાર્ય કરનાર શ્રીરામ છે, તો બીજી બાજુ રામ પ્રત્યે અખંડ ભક્તિ સેવનાર ભરત છે. આથી એમણે કહ્યું કે આ કૂટ સમસ્યાનો ઉકેલ તમે બંને બંધુઓ ભેગા મળીને જ લાવો.'

એ પછી સહુની નજર શ્રીરામ પર ઠરી અને સહુએ વિચાર્યું કે રામ શો નિર્ણય આપે છે ? ભરતની ભાવનાને સ્વીકારીને એ અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થશે કે પછી પિતા દશરથે આપેલા વચનનું સ્મરણ કરાવીને ચિત્રકૂટ વનમાં ચૌદ વર્ષ ગાળશે. આખી સભા રામવચનના શ્રવણ માટે આતુર હતી, ત્યારે રામે કહ્યું,' આ જગતમાં ભરતસમાન ભાઈ થયો નથી. એની ઉપસ્થિતિમાં એના આંતરગુણોની પ્રશંસા યોગ્ય ન કહેવાય, પરંતુ ભરત જે કહે તે કરવામાં જ ભલાઈ છે. 'ભરત કહહિં સોઈ કિએં ભલાઈ' માટે મારો ભરત જે નિર્ણય આપશે તેને હું સ્વીકારીશ.' આટલા વચનો બોલીને રામની વાણી થંભી ગઈ. કોઈ નિર્ણય આપવાને બદલે એમણે લઘુબંધુ ભરત જે નિર્ણય આપશે, તેના સ્વીકારની વાત કરી. હવે સહુની નજર ભરત તરફ ઠરી.

ઋષિ વશિષ્ઠ, જનકરાજ અને માતાઓને વંદન કરીને ભરતે અશ્રુભરી આંખે અને ગળગળા અવાજે કહ્યું,' સમગ્ર જગત પર જેમની કૃપા અનરાધાર વરસે છે એવા મારા જ્યેષ્ઠબંધુએ મારા પર કરેલી કૃપાનું વર્ણન અશક્ય છે. પિતાના મૃત્યુના કારણરૂપ એવી મારા પર કેવી કૃપા ! મારા પિતાએ રામવિરહ સાથે આ જગતની વિદાય લીધી, એનો કર્તા હું છું. અવધપુરીના આત્મા સમાન જ્યેષ્ઠબંધુ શ્રીરામ, પરાક્રમી લક્ષ્મણ અને શીલની સાક્ષાત્ દેવી સમાન વૈદહીને વનમાં પારાવાર કષ્ટો સહન કરીને ભ્રમણ કરવું પડે એનું કારણ કોણ ? એનું કારણ પણ હું જ. બાળપણમાં લાડકોડમાં ઉછરનારી માતાઓને વૈધવ્યનું મહાભયાવહ દુઃખ પહોંચાડનાર કોણ ? તો તે છે આ ભરત અને આટલા બધા પાપ કરનાર ભરતને કરુણાનો પ્રવાહ વહેવડાવનાર રામે સ્નેહથી સ્વીકાર્યો, હૃદયે ચંપ્પો એવી કૃપા મેળવનારો હું અધમ, કઈ રીતે આનો ઉત્તર આપી શકું ? મારી યોગ્યતા કઈ ? શ્રી રામે મારા પર જવાબદારી નાખી, પરંતુ એમનો આ ભરત નતમસ્તકે એટલું જ કહે છે કે આપ જેનાથી પ્રસન્ન થાઓ, એવો નિર્ણય મને આપો. આપની પ્રસન્નતામાં જ મને પારાવાર કૃપાનો અનુભવ થાય છે. આથી આપ જે નિર્ણય આપશો તેને હું સર્વથા શિરોધાર્ય કરીશ. આપનો કોઈપણ પ્રકારનો નિર્ણય મારે માટે કૃપાપ્રસાદ બનશે.'

ચિત્રકૂટમાં આવેલા અયોધ્યાવાસીઓ આ પ્રેમમય વાતાવરણના રંગે રંગાઈ ગયા. મહારાજ જનક વિચારે છે કે જિંદગીમાં બંધુપ્રેમનું આવું વિરલ દૃશ્ય કદી જોયું નહોતું. કુળપરંપરાનું નિર્વહન કરનાર કુળગુરુ આ ઔદાર્ય પર વારી જાય છે. પ્રેમ આપે છે, લેતો નથી. એને સ્વાર્થ દેખાતો નથી. માત્ર સમર્પણ જ સામે હોય છે. આખરે શ્રીરામે સભાને કહ્યું,

'મારા પ્રિય લઘુબંધુ ભરતે મને નિર્ણય આપવાનું કહ્યું છે, ત્યારે હું એટલું જ કહીશ કે જગતમાં માતાપિતાએ પોતાનાં પુત્રોમાં લાલન-પાલન માટે જે પ્રયત્નો કર્યા હોય છે તેનો બદલો સંતાનો કદી વાળી શકતા નથી. પુત્ર પોતાની શક્તિ પ્રમાણે માતા-પિતાની સેવા કરે છે. એવી સેવા કરવાનો આ સમય છે. પિતાનું ઋણ કોઈ ફેડી શક્યું છે ખરું ? ભરત.'

'જ્યેષ્ઠબંધુ, હું તો પુત્રદ્રોહી છું. પુત્ર તો એ જ કે જે પિતાનો સહારો બને. હું તો પિતાને બેસહારા બનાવનારો બન્યો છું ખરું ને.'

રામ કહે છે,' ના ભરત, એ વિધિની એક લીલા હતી. નિયતિનો એક ખેલ હતો. આપણે સહુ આપણા પરાક્રમી પિતાને ખૂબ ચાહતા હતા. એમના ઉપકારનો બદલો તો શી રીતે વાળી શકાય ? પણ હા, પિતાની ભાવનાઓને સાકાર રાખીને આપણે એમના ઉપકારોનું થોડું ઋણ ચૂકવી શકીએ.'

શત્રુધ્નએ સવાલ કર્યો,'કઈ હતી પિતાની ભાવના કે જેને આપણે પ્રાણાંતે પણ જાળવવી જોઈએ.'

શ્રી રામે કહ્યું 'ઇન્દ્રને સહાય કરનાર એવા આપણા પરાક્રમી પિતા યુદ્ધમાં જેટલા વીર હતા, એટલા જ વચનપાલનમાં પણ દૃઢ અને વીર હતા. યુદ્ધમાં એ પાછા પગલાં ભરવાનો સહેજે વિચાર ન કરે વચનપાલનમાં એ સદાય દૃઢ રહે. જેટલી એમને વિરતા વહાલી હતી, એટલા જ પ્રાણ કરતાં પણ વચન વહાલાં હતાં. ખરું ને !

ભરતે કહ્યું,' જ્યેષ્ઠબંધુ, વચનપાલન એ તો રઘુકુળની રીત છે. બરાબરને !'

'હા'

'તો જે પિતાને પ્રાણ કરતાં પણ વચનની વધારે કિંમત હતી, એવા પિતાને આપેલાં વચનમાં થોડીય બાંધછોડ કરીએ, તો સ્વર્ગમાં રહેલા પિતાનું અંતઃકરણ દુભાશે. એમને થશે કે મારા પુત્રોએ વીરતા નહીં, પણ કાયરતા બતાવી છે. પ્રાણ જાય છતાં યુદ્ધમાં પરાક્રમી પાછો ન પડે, એ રીતે જીવનયુદ્ધમાં વચનપાલનમાં પીછેહઠ ન કરે તે ખરો વીર. પ્રિય ભરત ! આજ સુધી મેં તને કદીય નારાજ કર્યો નથી. તું જાણે છે કે પિતાની આજ્ઞાાનું પાલન કરવું તે તારો ય ધર્મ છે એમ મારો પણ ધર્મ છે.'

'અર્થાત્?'

'એટલે કે જેમ પિતાએ મને એક આજ્ઞાાનું પાલન કરવા કહ્યું છે એમ તારે પણ પિતાની બીજી આજ્ઞાાનું પાલન કરવાનું છે. તારા અગાધ પ્રેમને હું અંતરથી ઓળખું છું, કિંતુ આપણા પ્રેમ કરતાં પિતૃઆજ્ઞાા ચડિયાતી છે. આથી ચૌદ વર્ષ હું વનવાસ સેવીશ અને તારે ચૌદ વર્ષ અયોધ્યાનું રાજ્ય કરવાનું છે. પિતાએ મને જે આજ્ઞાા કરી, તેનું તું પાલન કરે અને તને જે આજ્ઞાા કરી, એનું હું પાલન કરું, તે કોઈ કાળે શક્ય બને તેમ નથી. હું અયોધ્યાના રાજસિંહાસન પર બેસું અને તું ચિત્રકૂટમાં વનવાસ ભોગવે તે વાત તો કોઈ કાળે શક્ય નથી તે તું જાણે છે. પ્રિય ભરત, તને હું એટલી વિનંતી કરું છું કે પિતૃવચનનું પાલન કરવામાં તું મને સહાય કર.'

રામનાં આ વચનો સાંભળીને ભરતની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આનો પ્રત્યુત્તર શો આપવો ? તેથી ભરતે કહ્યું,

'ભલે, આપનો નિર્ણય મારે માટે શિરોધાર્ય છે. હું  અવધપુરી પાછો જઈશ. આપના વિરહમાં ચૌદ વર્ષની અવધિ વીતાવીશ, ક્ષણેક્ષણે આપનું સ્મરણ કરીશ અને દૂર રહ્યે રહ્યે આપની કૃપાનો અનુભવ કરીશ. વિચારીશ કે મારા રામ આનંદમાં બિરાજે છે.'

મંત્રી સુમંત્રએ કહ્યું,'ચિત્રકૂટમાં રાજ્યાભિષેક કરવા માટે સઘળી સામગ્રી લાવ્યા છીએ, હવે એનું શું કરીશું ? અનેક તીર્થોનાં જળ આપણે સાથે લાવ્યા છીએ, તે જળનું કરીશું શું.'

રામે કહ્યું,' આ માટે અત્રિ ઋષિનું માર્ગદર્શન લઈને એને ક્યાંક પધરાવી દો.'

અને ત્યારબાદ અત્રિ ઋષિનાં સૂચન પ્રમાણે એક સજળ કૂપમાં રાજ્યાભિષેકની સઘળી સામગ્રી પધરાવી દીધી. એ કૂપનું-કૂવાનું નામ- ભરતકૂપ રાખ્યું અને અત્રિ ઋષિએ સહુને ભરતકૂપનો મહિમા સમજાવ્યો.

એ પછી વૈરાગી ભરતે ગિરિરાજ ચિત્રકૂટની પરિક્રમા કરી. તીર્થોમાં સ્નાન કર્યું ઋષિઓના દર્શન કર્યા અને ત્યારબાદ એ રામ પાસે આવ્યા અને કહ્યું,' આવતીકાલનો દિવસ શુભ દિવસ છે અમે જઇએ ?'

ભરતના આ શબ્દોએ રામના હૃદયને વલોવી નાખ્યું.

(ક્રમશઃ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WXdLU6
Previous
Next Post »