વિપક્ષી ટેકાના નામે ખેડૂત આંદોલનની ગંભીરતા ઓછી ન આંકવી જોઇએ !


આ એકવીસમી સદી છે. હજી તો એની શરૂઆતના કાળમાંથી પસાર થઇ રહી છે. હજી તો એને બે દાયકા જ પસાર કર્યા છે. આટલા ટૂંકા ગાળામાં એ પેટભરીને વગોવાઇ ગઇ છે !  આમ જુઓ તો કોઇ સદી સમસ્યા વગર પસાર થઇ નથી.  મોગલ શાસનકાળ અગાઉનાં ઇતિહાસનો આપણને ઝાઝો પરિચય નથી,  અથવા સ્હેજે પરિચય નથી. પરંતુ  મોગલશાસનકાળથી માંડીને  અંગ્રેજશાસનકાળ સુધી, અંગ્રેજશાસનકાળથી માંડીને આઝાદી સુધી અને આઝાદીથી માંડીને સ્વરાજ સુધીના લાંબા સમયગાળામાં જે સદીઓ પસાર થઇ છે એમાં કોઇ સદી સમસ્યા વિહોણી નથી ગુજરી ! દરેક સદીને સમસ્યાઓમાંથી પસાર થવું પડયું છે !  દરેક સદીમાં સમસ્યાના નામ સરનામા બદલાયા હશે પરંતુ તાસીર બદલાઇ નથી ! દરેક સદીમાં દરેક સમસ્યાનો ઉકેલ શોધવો પડયો છે.  પણ ત્યાં  અંત આવી જતો નથી ! એક સમસ્યા ઉકેલો તો બીજી સમસ્યા  અટ્ટહાસ્ય કરતી આપણી સામે ઊભી  જ હોય ! સમસ્યા વિહોણો સમાજ કલ્પી શકાય નહિ. આમ જુઓ તો સમસ્યાનાં મૂળિયા જ સમાજમાં પડયા છે. સમાજ છે એટલે જ સમસ્યાં છે. સમાજ ન હોય તો કોઇ સમસ્યા આવે નહિ ને આવે તો સમાજ વગર ક્યાં જઇને  ઊભી રહે ?

સમસ્યાનું કોઇ એક સરનામુ નથી. સમસ્યા  દરેક ક્ષેત્રે જોવા મળે છે. મજદૂરને સમસ્યા છે, નોકરિયાતને સમસ્યા છે, વેપારીને સમસ્યા છે, વિદ્યાર્થીઓને સમસ્યા છે, શિક્ષકોને  સમસ્યા છે ! સંગઠિત-અસંગઠિત કામદારોને સમસ્યા છે. પ્રજા સમૂહમાં દરેકને આગવી સમસ્યા છે તો સમસ્યા વિહોણું શાસન પણ નથી. નેતાઓને પણ સમસ્યા છે. તમારૂં અસ્તિત્વ જ સમસ્યા છે. તમે છો એટલે સમસ્યા છે. સમસ્યા તમને પજવે છે એ સાથે જિન્દગીનો એહસાસ પણ કરાવે છે.

સમસ્યા ઉજાગરા કરાવે છે. એનો અર્થ એ કે તમને જાગૃત રાખે છે. સમસ્યા તમને દોડાવે છે. એનો અર્થ એ કે એ તમને સક્રિય રાખે છે. સમસ્યા ન હોય તો માણસ નિષ્ક્રિય બની જાય. આળસુ બની જાય. બેજવાબદાર બની જાય ! ટૂંકમાં સમસ્યા માણસને માણસ હોવાનો એહસાહ કરાવે છે !  આ રીતે સમસ્યા મદદગાર નીવડે છે અને તે પણ વણમાગી મદદગારી ! તમે હાક મારો ને  દોડી આવે તેને માણસ કહેવાય. હાક માર્યા વગર દોડી આવે એનું નામ સમસ્યા ! આ કોરોનાને કોને હાક મારી હતી ? તોય આવ્યો ને ? કેટલીક સમસ્યા માણસે જાતે ઊભી કરેલી પણ હોય છે. ઉતાવળમાંથી પણ સમસ્યા જન્મી શકે છે ! 

શિયાળો બરાબરનો જામ્યો છે. આવી કડકડતી ઠંડીમાં પણ પંજાબના ખેડૂતો દિલ્હીની દરેક ભાગોળને આંતરીને બેઠા છે. ઠંડીના કારણે ૩૦ જેટલા ખેડૂતોના મરણ પણ થયા છે. છતાં આંદોલનકારી ખેડૂતો અડીખમ છે. ઠંડીના કારણે મરણ પામતા ખેડૂતની ઠંડા કલેજે અંતિમક્રિયા થાય છે અને ગરમ શ્વાસે શ્રધ્ધાંજલી અપાય છે. પણ  ઉઠવાનું નામ લેતા નથી. આ ખેડૂત આંદોલન સીધુ સરકાર સામે જ છે. સરકારે પાર્લામેન્ટમાં નવો  કૃષિકાયદો પસાર કર્યો છે.

ખેડૂતોને એ નવો કાયદો સ્વીકાર્ય નથી. એમણે એ કાયદો રદ કરવાની માગ કરી. પણ એમની માગને સરકારી  અણસૂની કરી નાખી  એટલે છેવટે ખેડૂતોએ આંદોલન ઉપાડયું. વડાપ્રધાન મોદીજીએ કહી દીધું, ગમે તે થાય કાયદો રદ નહિ થાય.  કાયદો રદ નહિ થાય એમ કહેવાના અંદાઝમાં કડકાઇ વર્તાય અને એમાંથી કોઇને અહંકારની વાસ  આવે એ સ્વાભાવિક છે. પણ   જરાક ઉંડાણથી જોઇએ તો લાગશે કે એ અહંકાર નથી મજબુરી છે, સરકારને પોતાની વાતને વળગી રહ્યા વગર છુટકો નથી. 

કોઇપણ કાયદો પસાર થવાનો હોય તો એના આગલા  દિવસે આખો એક દિવસ એના પર ચર્ચા ચાલે છે અને બીજા દિવસે બિલ પાર્લામેન્ટમાં રજુ કરવામાં આવે છે. મતદાનના આધારે એ બિલ પસાર થાય કે ન થાય, એ વાત જુદી છે. પણ ચર્ચા થવી  જરૂરી છે. આ નવો કૃષિકાયદો પાર્લામેન્ટમાં ચર્ચાયા વગર બહુમતીના જોરે પસાર કરી દેવામાં આવ્યો છે. નિયમ મુજબ આગલા દિવસે ચર્ચા થઇ હોત તો સરકારપક્ષે બહુમતી હોવાથી એને અટકાવી શકાયો ન હોત અને આસાનીથી કાયદો પસાર થઇ ગયો હોત. પણ સરકારે ચર્ચા કર્યા વગર બિલ પસાર કરી દેવાની ભૂલ તો કરી જ છે, અને એ ભૂલ એવી છે કે હવે અનુસર્યા વગર  છુટકો નથી !  અને એ ભૂલને અનુસરવા માટે સરકારે અડગતા દાખવવી જ પડશે. 

સરકારને એટલી તો ખબર છે કે  ડોશી તો મરતા મરશે પણ જમ પેધા પડી જશે તો મુસીબત થશે. ભુલ હોવા છતાં ભૂલને અનુસરીને કહેવુ જ પડે કે કાયદો રદ નહિ થાય ! આગળ કહ્યું તેમ આ મોદીજીનો અહંકાર નથી પણ મજબુરી છે. કારણ કે જો કૃષિકાયદો રદ થાય તો આવતી કાલે બીજા જૂથો પોતાના કાયદા રદ કરાવવા ઉમટી પડશે !  આજે મોદીજી કૃષિકાયદો રદ કરે તો આવતીકાલે કાશ્મીરનો ૩૭૦વાળો કાયદો રદ કરવાની માંગ નહિ ઊઠે એની શી ખાતરી ?

પરિસ્થિતિ એવી છે કે એક બાજુ સરકારને હવે પોતાના કાયદાને વળગી રહ્યા વગર છુટકો નથી તો બીજીબાજુ ખેડૂતોની સમસ્યા પણ નકારી શકાય તેમ નથી. માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાનું ઉત્પાદન વેચવા જાય છે તો ત્યાં એનો પૂરતો ભાવ મળતો નથી. સરકાર દ્વારા  ટેકાનો ભાવ ઉમેરાય તો પણ ખેતપેદાશનો ઉત્પાદન  ખર્ચ સરભર થતો નથી, અને  ખેડૂતો વધુ ને વધુ દેવામાં  ડૂબતા જાય છે ! સરકારે ખેડૂતોની આ સ્થિતિ પણ ધ્યાનમાં લેવી પડે ! આ સ્થિતિમાં વચલો માર્ગ કાઢવો પડે, પણ ખેડૂતોએ તો વચલા માર્ગનાય દરવાજા બંધ કરી દીધા છે !

કાયદો રદ થી ઓછું કશું એમને ખપતું નથી. ખેડૂતો કાયદો રદ કરવાની માગ પર મક્કમ છે અને સરકાર કાયદાને વળગી રહેવા મક્કમ છે. બંને પક્ષે મક્કમતા એક સરખી રહેશે તો નિવેડો કઈ રીતે આવશે ને કેવો આવશે એ કલ્પી શકાય તેમ નથી ! હમણાં તો એમ લાગે છે કે આ મુદ્દાને અદાલતમાં લઈ જવો પડશે ! એ પણ સહેલું નથી. પછી તો બધા જ નવા કાયદા સામે આંદોલનો થશેને બધા જ કાયદા અદાલતમાં લઈ જવા પડશે ! ખરેખર ખૂબ નાજુક પરિસ્થિતિ છે.

સરકારે આ નવો કૃષિ કાયદો પાર્લામેન્ટમાં પસાર કરવામાં ન જોઈતી ઉતાવળ કરી નાંખી છે. પાર્લામેન્ટમાં બહુમતી હોવાને કારણે કાયદો પસાર કરવામાં કોઈ અડચણ આવવાની નથી એવી ધરપત હોવાથી ઉતાવળ કરવા જેવી નહોતી. સરકારે આ કાયદો પસાર કરવાનો નિર્ણય કર્યો ત્યારે જ એ સૌ પ્રથમ એ નિર્ણય જાહેર કરીને પ્રતિકારની રાહ જોવી જોઈતી હતી. પાર્લામેન્ટમાં તો વાંધો આવે એમ નહોતું. માત્ર ખેડૂતોનો પ્રત્યાઘાત જાણી લેવાયા હોત તો કાયદો પસાર કરવાના નિર્ણયમાં ફેર વિચાર કરવાની ભૂમિકા બંધાઈ હોત ! જો આ પ્રમાણે થયું હોત તો કાયદો રદ કરવા જેવી નાજુક પરિસ્થિતિ ઊભી થઈ ન હોત !

ખેડૂતોનું આ આંદોલન સ્વયંભુ છે. આવું કંઈ થાય છે ત્યારે રાજકીય તત્વો પોતાનો રોટલો શેકી લેવાની તક ઝડપી પાડતા હોય છે. પણ ખેડૂતોએ રાજકીય તત્વોને દૂર રાખ્યા છે. આ આંદોલને દેશભરના ખેડૂતોને ટેકો આપવા અપિલ કરી છે. અન્ય કોઈ ક્ષેત્ર પાસેથી ટેકો માંગ્યો નથી ! સરકારે ખેડૂતોને જવાબ આપવાના બદલે વિપક્ષો પર પ્રહાર કરવા માંડયો છે. ખેડૂત આગેવાનોએ સરકારને કાકલૂદી કરતાં જણાવ્યું છે કે વિપક્ષોના ટેકાની કલ્પના કરીને અમારા સ્વયંભૂ આંદોલનને કમજોર સમજવાની ભૂલ ના કરશો ! વિપક્ષો પર પ્રહારો કરવા સરકાર માટે પણ લાભદાયી નથી. આમાં ત્રણ મુદ્દા ઉપસ્થિત થાય છે. વિપક્ષો પર આક્ષેપ કરવાથી વિપક્ષો ટેકો આપવા જેટલા શક્તિશાળી હોવાનું સાબિત થાય છે.

બીજું કિસાન શક્તિનું સાચું મુલ્યાકન સમજવાનું ચૂકી જવાય છે. અને ત્રીજુ વિપક્ષો પર આક્ષેપ કરીને ખુદ મોદીજી પોતાની શક્તિને ઓછી આંકે છે. મોદીજીએ એક વાત સમજી લેવી જોઈએ કે અત્યારે તમારી ટક્કર લેવા જેટલી કોઈ વિપક્ષમાં તાકાત નથી. બીચારા વિપક્ષોને તો જીવવા માટે ખુદ પોતાનું બળ ઓછું પડે છે. એ શું બીજાને ટેકો આપવાના હતા ? વિપક્ષમાં તો હવે કોઈ શક્તિશાળી છે જ નહિ, એમની વાત જવા દો ! અઢળક મેજોરિટી અને અપાર શક્તિ ધરાવતા ખુદ ભાજપમાં પણ મોદીની બરાબરી કરે એવો બીજો કોઈ માણસ અત્યારે તો જોવા મળતો નથી ! આર.એસ.એસ. જેવો બળવાન સંઘ પણ ક્યારેક મોદી સામે કરગરતો જણાયો છે !

ખેડૂતોની વાત ગંભીરતાથી લેવી જોઈએ. ઊંડાણપૂર્વક વિચારવી જોઈએ. ખેડૂતોની જેટલી અવગણના થઈ છે. એટલી બીજા કોઈની થઈ નથી. જગતના દરેક ઉત્પાદકો પોતાના ઉત્પાદનનો ભાવ નક્કી કરી શકે છે. ખેડૂત જ એક એવો ઉત્પાદક છે કે એને એની મરજી મુજબ ભાવ મળતો નથી. મરજી મુજબ તો બહુ મોટી વાત કહેવાય, ખેડૂતને તો બિચારાને એનું મહેનતાણું પણ મળતું નથી. ખેતીખર્ચ પાછળ ખર્ચેલા નાણાં પણ પાછા મળતા નથી. ખેડૂતોને પોતાનું ઉત્પાદન વેચવાની સગવડ પ્રાપ્ત થાય એ માટે માર્કેટયાર્ડ ઊભા કરવામાં આવ્યા છે. પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોની બાઈ બાઈ ચાયણી જેવી દશા થાય છે એ જોવા કોણ જાય છે ! આજકાલ રાજકીય માર્કેટયાર્ડ તેજીમાં છે. રાજકીય માર્કેટ યાર્ડમાં ચૂંટણીનું ઉત્પાદન વેચાણ છે.

ધારાસભ્યો અને સાંસદો એ ચૂંટણીનું ઉત્પાદન કહેવાય. અને એ તેજીમાં છે. એક એક ધારાસભ્યના ચાર કરોડથી અગિયાર કરોડ રૂપિયા સુધીનો ભાવ બોલાઈ ગયો. આટલા પૈસા ભાજપ જ ચૂકવી શકે. બીજા પક્ષો તો કંગાળ છે. એક કરોડ પણ ન ખર્ચી શકે. ભાજપને રેડીમેઈડ સભ્યો મળી જાય છે. પણ આ મુદ્દાને નીતિ વિષયક રીતે વિચારીએ તો એ ચૂંટણીનું પણ અપમાન છે અને મતદારનું પણ અપમાન છે.

સરવાળે લોકશાહી પર જ પ્રહાર થાય છે. મતદાર અમુક પક્ષના જ ઉમેદવારને મત આપવા ઈચ્છ તો હોય તે એ પ્રમાણે એની પસંદગીનો ઉમેદવાર ચૂંટાઈને પોતાને ન ગમતા પક્ષમાં જોડાઈ જાય તો મતદારનું અપમાન છે. સવાલ એ છે કે મતદાર ખામોશ કેમ છે ? જો તે મત વિસ્તારના મતદારો એ વેચાઈ ગયેલા ધારાસભ્ય પાસે બળજબરીથી રાજીનામુ લખાવી લેવું જોઈએ. ગુજરાતમાં નવ નિર્માણ આંદોલન વખતે યુવાનો ધારાસભ્યના ઘરમાં ઘૂસીને ધારાસભ્યની ફેંટ પકડીને ઘરમાંથી બહાર ઢસડી લાવ્યા છે. અને રાજીનામા લખાવ્યા છે ! આજનો મતદાર શી રીતે પોતાનું અપમાન સહન કરીને ખામોશ રહી શકે છે ?

એ નવનિર્માણ આંદોલન હોય, મહાગુજરાત આંદોલન હોય કે ખેડૂત આંદોલન હોય કોઈ દિવસ આંદોલનને અન્ડર એસ્ટીમેન્ટ ન કરવો જોઈએ. આંદોલન નાનું કે મોટું ! પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય હોય, એને ગંભીરતાથી લેવો જોઈએ. હવે આ ખેડૂતોના આંદોલનનો કેવો નિવેડો આવે છે એ અત્યારે તો ચિંતાનો વિષય છે !

અડપલું

ડૂબો તે મુજકો ઈતના તો હરીફો મેં કહાં દમ થા

મેરી કશ્તી વહાં ડૂબી જહાં પાણી બહોત કમ થા !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37P2HOV
Previous
Next Post »