માર્ગો રોબી ડેમિયન શેઝેલની ફિલ્મમાં એમ્મા સ્ટોનનું સ્થાન લેશે


ઓસ્કર એવોર્ડ વિજેતા અભિનેત્રી એમ્મા સ્ટોને ડેમિયન શેઝેલની બહુચર્ચિત ફિલ્મ બેબીલોન છોડી દીધી છે. હવે માર્ગો રોબી તેનું સ્થાન પૂરવા વાટાઘાટ ચલાવી રહી છે. જો વાટાઘાટો સફળ થશે તો આ ફિલ્મમાં રોબી અને બ્રેડ પિટ ફરી એકવાર સાથે દેખાશે. અગાઉ બંને ૨૦૧૯માં વન્સ અપન એ ટાઈમ ઈન હોલીવૂડમાં સાથે દેખાયા હતા. એક અહેવાલ મુજબ શેઝેલની ૨૦૧૬માં બનેલી ફિલ્મ લા લા લેન્ડમાં ભજવેલી ભૂમિકા બદલ ઓસ્કર એવોર્જ જીતનાર સ્ટોને આ ફિલ્મ સમયની કમીને કારણે છોડી દીધી છે.

બેબીલોનની પટકથા શેઝેલે જ લખી છે અને પોતે જ આ ફિલ્મનું દિગ્દર્શન પણ કરશે. લા લા લેન્ડના નિર્માતા માર્ક પ્લેટ ઓલિવિયા હેમિલ્ટન, મેથ્યુ પ્લફ અને ટોબે મેગિર સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કાર્ય સંભાળશે. ફિલ્મની કથા હાલ તો જાહેર નથી કરાઈ પણ એવું માનવામાં આવે છે કે ૧૯૨૦માં મૂંગી ફિલ્મોમાંથી બોલતી ફિલ્મો તરફ ફિલ્મ ઉદ્યોગના પ્રયાણ વિશેની આ વાર્તા છે.

રોબી ક્લારા બોની ભૂમિકા ભજવવા માટે વાટાઘાટ કરી રહી છે. ક્લારા બો હોલીવૂડની અગાઉના જમાનાની સુપરસ્ટાર હતી. બ્રેડ પિટ મૂંગી ફિલ્મના અભિનેતાની ભૂમિકા ભજવશે જે નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવવામાં નિષ્ફળ નીવડયો હતો. કહેવાય છે કે બ્રેડ પિટનું પાત્ર હોલીવૂડ અભિનેતા જોન ગિલ્બર્ટ પર આધારીત છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h1s0R8
Previous
Next Post »