ભારતમાં કોરોનાનો અને સરહદ પર ખંધા ચીનનો કહેર


વ ર્ષ દરમ્યાન એક તરફ દેશમાં કોરોનાનો કહેર ફરી વળ્યો છે ત્યારે ચીને અમાનવિયતાની હદ વટાવીને ભારત-ચીન સરહદે સતત સૈનિકોનો જમાવડો જારી રાખ્યો. પાંચ મે થી આજદિન સુધી તે જારી જ છે. લદ્દાખની ગલવાન એલએસી ૧૫ અને ૧૬ જૂનના દિવસોમાં બંને સૈન્યો વચ્ચેનું ફલેશ પોઈન્ટ બન્યું. ભારત તેની સરહદમાં જ રસ્તો બનાવી રહ્યું હતું તેનો વિરોધ કરતાં ઘૂસણખોરી કરી ચૂકેલ ચીનના સૈન્યને સમજાવવા ભારતીય સૈનિકો ગયા તો તેઓ જોડે ઝપાઝપી કરી લોખંડના સળિયા, જાડા ખીલા લગાવેલ બેટ તેમજ સાંકળથી હૂમલો કર્યો. ભારતના ૨૦ સૈનિકો માર્યા ગયા. માઇનસ ૨૦થી વધુ ડીગ્રીમાં આ સંઘર્ષ જામ્યો હતો. કેટલાક સૈનિકો ગલવાન નદીમાં પડી ગયા. ભારતે આંકડો જાહેર નથી કર્યો પણ ચીનના ૪૩ સૈનિકો પણ માર્યા ગયા. બંને સેના વચ્ચે પાંચ દાયકા પછી પ્રથમ વખત આ રીતે હાથોહાથનો જંગ જામ્યો હતો.

લદ્દાખના વિવાદિત પેંન્ગોગ લેક, ચુશુલ, સિક્કમ, અરૂણાચલ પ્રદેશની સરહદે પણ ચીને જમાવડો કર્યો. પાકિસ્તાન અને નેપાળ પણ ચીનને ઘૂસણખોરી, શસ્ત્રો ખડકવા માટે તેમની સરહદ ખુલ્લી મૂકી ચૂક્યું હતું. આ દરમ્યાન ભારત અને ચીન વચ્ચે પાંચ વખત સૈન્ય અધિકારીઓની ટીમ વચ્ચે અને મંત્રાલય સ્તરે બંને પક્ષે સૈનિકો અને શસ્ત્રો ખસેડવાની મંત્રણા થઈ પણ ચીન એવો આગ્રહ રાખે છે કે પહેલા ભારત હટી જાય.

ભારતને ભૂતકાળનો અનુભવ જોતા ચીન પર ભરોસો નથી. બંને સાથે તેમના શસ્ત્ર, સૈન્ય સરંજામ ખસેડે તેવી ભારતની વાજબી માંગણીને ચીન ગણકારતું નથી. ભારતે પણ યુદ્ધ થાય તો અમે તૈયાર છીએ તેમ ફાઈટર વિમાનો ગોઠવ્યા છે. હજુ ચીન કંઈ ગાંઠતું નથી. વડાપ્રધાન મોદી છેક સરહદે જઈ ભારતીયો જવાનોનો જુસ્સો વધારી આવ્યા. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટનનો ભારતને ટેકો છે. કેન્દ્ર સરકાર ઈન્કાર કરે છે પણ સેટેલાઇટ તસ્વીરો બતાવે છે કે ચીને કેટલોક વિસ્તાર હડપ કરી લીધો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rvanxP
Previous
Next Post »