દ્હાડી અને દ્હાડિયાં : વિકાસની કરોડરજ્જુ


આ ખો દિવસ મજૂરી કર્યાનો દર એ દ્હાડી. મજૂરી કરનાર દ્હાડિયો અને તે વધુ સંખ્યામાં હોય તો દ્હાડિયાં... શ્રમિક વર્ગનું મહેનતાણું ગામડામાં અને શહેરમાં અલગ અલગ હોય છે, વળી ક્યારેક કામની ઉચ્ચાવચતા ઉપર પણ તેનો આધાર રહેતો હોય છે. શ્રમિકો મોટાભાગે જમીન વિહોણા હોય છે. તેમની પાસે ઝાઝી મૂડી હોતી નથી. રોજ દ્હાડી જવું ને રોજેરોજની ખાધાખોરાકી મેળવવી. શ્રમ દ્વારા પેટિયું રળનારા જ્યારે બીજાને ત્યાં દિવસે શ્રમ કરવા જાય એ દિવસભરનું નિયત થયેલા જે મહેનતાણાને પામે એ દ્હાડી. અંગ્રેજીમાં તમે જેને  Daily wage કહો છો તે. ક્યાંક તને 'દનિયું' કે 'દનૈયું' કે 'મજૂરી' અથવા રોજ-રોજી જેવા શબ્દોથી ઓળખવામાં આવે છે. શહેર હોય કે ગામ આવો છૂટક મજૂરી કરનારો વર્ગ અસ્તિત્વ ધરાવે જ... એમના દ્વારા જ ગામ અને શહેરના કાર્યોને ગતિ મળે છે. બધી જ પ્ર-ગતિના મૂળમાં પેલાં દા'ડિયાં રહેલાં છે. સૂરજ ઊગે એટલે કામેય નવું અને કામ આપનાર શેઠેય નવો. કેટકેટલા રોજીદાતાના પરિચયમાં આવે પણ એને તો બસ કેવળ એની રોજીથી નાતો -'જાવું ધરાઈ ભાઈ એટલેથી આજનું આજ મળે ખાણું'

ગામડે જુવાર-બાજરીના પૂળા લણતા દા'ડિયાને ખબર છે કે ખડકેલા ડૂંડાના ગંજમાંથી એક કણ પણ તેને મળવાનો નથી અનાજના કોથળા ભરતા દા'ડિયાને ખબર છે કે આ ધાન મારું નથી માલિકનું જ છે. કપાસને દોહતા દા'ડિયાને ખબર છે કે આ કપાસ રૂમાંથી લાખો તાકા કાપડ બનશે પણ તેના ભાગ્યમાં તો ફાટેલું ખમીશ જ છે !! મગફળી, મગ, તુવેર વગેરેનો સલો કરનારાં દા'ડિયાં તો પાછળથી રહ્યું સહ્યું વેરાયેલું ભેગું કરી આપે છે. એમાંય એની દાનત બગડે નહિ - એ તો આંગડિયાનું કામ કરે છે. મોટા મોટા મહાલયો ભલે બને અને એના પાયામાં ભલે દા'ડિયાંનો પરસેવો પુરાયો હોય પણ તે દા'ડિયાંના ભાગ્યમાં તો એકલા અટૂલા ઊભેલા વૃક્ષનો છાંયો જ હોય છે - દાડિયાં સાચા અર્થમાં કર્મઠ હોય છે. લોભ, લાલચ થાય પણ ગીતાના સ્થિતપ્રજ્ઞાની જેમ મક્કમ મનનાં હોય છે, એ તો એમની દા'ડીનાં ઘરાક. મજૂરી મળી એટલે ગાવા લાગે -

'ભાઈ, આપણે તો આટલામાં રાજી' એણે ભલે મોટા મહેલ ઉભા કર્યા પણ એને ખબર છે એ તૈયાર થયા પછી તેને એમાં પ્રવેશ મળવાનો નથી. છતાં એ એનું કામ સદીઓથી કરે જાય છે.

દ્હાડિયાં એ બહુવચની શબ્દ છે - એમાં વયનું, પોષાકનું, જાતિનું જ્ઞાાતિનું વૈવિધ્ય જોવા મળે. કોઈ સાઠપાંસઠનું હોય તો કોઈ બારચૌદનું કોઈ બાળક કોઈ વૃધ્ધ, કોઈ સ્ત્રી તો કોઈ પુરુષ, જેવી જેની જરૂરિયાત... જરૂરિયાતવાળાં દ્હાડિયાં થાય છે. રોજ પેટિયા માટે વૈતરું કરે છે. બધામાં કામની ક્ષમતા પણ એકસરખી ના હોય, કોઈ ઝડપી હોય તો કોઈ ધીમી ગતિના સમાચાર જેવું કોઈ વખાનું માર્યું વ્યસની હોય તો કોઈ લાચાર !!

દહાડિયાં ખેતીકામે આવે ત્યારે કાં કાપણી, કાં લણણી કાં અનાજ લેવાનું હોય ક્યારેક ઘરકામ માટે આવ્યાં હોય તો કડિયાને સહાયક બની તગારાં ઊંચકે માલ બનાવે. કૂવાનું કામ હોય, ઢાળિયા બાંધવાના હોય, પાળા કરવાના હોય, હલો કરવાનો હોય. પૂળા બાંધવાના હોય, પૂળા ભેગા કરવાના હોય. નિંદામણ કરવાનું હોય આવાં અનેક કામો દ્હાડિયાં કરે... એક સાથે કરે... સવારે આઠ વાગે આવે અને બપોર થતામાં તો ઘેર જાય... ફરી બપોરે રોટલા ખાઈને આવે અથવા રોટલા ખાય આડાં પડે અને ત્રણ-સાડાત્રણે કામે ચઢે અને છ વાગતા પ્હેલાં તો રામરામ કરી જાય... દહાડિયાં બધાં સરખાં ના હોય.. બધાંની દાનત કેવળ દિવસ પુરો કરી દેવાની ના હોય, કોઈ કોઈ દહાડિયાં લાગણીથી કામ કરે. હેતથી કરે વધારે રોકાવાનું થાય તો રોકાઈ જાય, પુરુ કરીને જ જાય.. માલિકને રપત ના પડાવે - સહાયરૂપ થાય...

ઉપરથી પરસેવે રેબઝેબ થતાં દા'ડિયાંની ભીતર કેવી સમસ્યાઓથી સળગતી હોય છે ? દ્ડાહિયાં ભેગાં બેસે ત્યારે જાતભાતની વાતોય કરે... કોઇને કપડાંની અનાજની, દવાની ખેંચ હોય, કોઇને પાણીની ખેંચ હોય કોઇની સાસુ જબરી તો કોઇનો ધણી જબરો... કોઇનો પડોશી વસમો તો કોઇના વેવાઈ માથાભારે... કોઇનો જમાઈ જમ જેવો તો કોઇનો દીકરો દુશ્મન જેવો... 'ભાતભાત કે લોગ' અમથુ કહ્યું છે ? બધાં પોતપોતાની નવલકથા લઇને આવે... થોડીથોડી સંભળાવી હળવાં થાય.. નિશાળે જતાં બાળકો, ઓફિસે જતા કારકૂનો એમ કામે જતાં દ્હાડિયાં એટલો વખત ઘરથી છૂટાં પડે છે. કેટલાક ભગવાન-માતામાં માને છે તો કેટલાક ભગત છે કોઈ ભૂતપ્રેતને પણ સ્વીકારે છે. કેટલાક બાધા-માનતાઓ પણ રાખે છે - એમાં શ્રદ્ધા મહત્ત્વની હશે કે નિરક્ષર હોવાનું પરિણામ ?

અમાસના દિવસે સામુહિક રજા રાખે. ગમે તેવી લાલચથી લોભાય નહિ. દ્હાડિયાં સંપીલાં પણ ખરાં, એકે રાખેલા કામમાં બીજુ દખલ પણ ના કરે. સાથે જાય સાથે આવે. સાથે ખાય.. નાતજાતનો મેળ ના હોય પણ એક જગાએ મિલન થઇ જતાં જનમોજનમનાં દોસ્તાર પણ બની જાય. ઉછી ઉધારાંય કરે... અને કોક કટેવને પણ ડિલ સુધી આવવા દે... પછી દિલ સુધી ભલે ને આવે ? પૈસાના કારણે મજૂરી કરે પણ વટ્ટેય રાખે... ઉપાડ કરે અને મજૂરી કરી કરીને એ ચૂકવી પણ દે... બે પાંદડે થવા જાય અને કુદરત ચાબખો મારે... કાં દવાખાનું.. કાં વહુ ભાગી જાય કાં દીકરી પાછી આવે... કાં ઘર પડી જાય... કાં ચોમાસુ કોરું નીકળી જાય. મજૂરી કરવા છતાંય એ તો હતો ત્યાંનો ત્યાં.

દ્હાડિયાં શરીરે ખડતલ ભાગ્યમાં ભલે ઘી દૂધ ના હોય પણ ઘી દૂધ ખાનાર ને પણ પાછા પાડે એવી તાકાત. કોઇને છેતરવાની બુધ્ધિ એની પાસે નથી પણ કોઇને સહાયરૂપ થવા માટેનું તેની પાસે બાવડાનું બળ છે. દ્હાડિયાં પાસે બેંકબેલેન્સ હોતું નથી પણ એમના ચહેરામાં તૃપ્તિની રેખાઓ ઝગમગતી જોઈ શકાય. દ્હાડિયાં કોઈ કામની ઉપેક્ષા નહિ, જે કામ મળે તે કામ કરવા ઉપડી જાય. કોઈ અનુભવ ના હોય, પણ શીખી જાય. અભણ હોવા છતાં સંકર કપાસના બિયારણના વાવેતરમાં તેની કોથળીઓ બાંધવામાં એ પાવરધો બની જાય છે. પ્રજાએ પાડેલા ભલભલા મોટા ખાડા એ પૂરતો રહ્યો છે, ભલે આજ સુધી એના પેટનો ખાડો એવો ને એવો રહ્યો !

કોઇક કોઇકવાર દ્હાડિયાંએ રોજી કરતાંય વધારે કામ કર્યાના દાખલા છે. દ્હાડિયાં એ પુણ્યકર્મો પણ કર્યાં છે. 

અમારા ગામનાં કંકુ ડોસી વિધવા... તેમના ખેતરની બાજરી વાઢવા આવી ગયેલી... વરસાદ પડુ પડુ થાય... દહાડિયાંને દિવસે નવરાશ નહિ... ભેગાં થઇ રાતોરાત ડેસીની બાજરી વાઢી- લણી અને ડોસીને બાજરી પહોંચાડી દીધેલી... ડોસીએ વગર કહ્યે - અડધું ધાન દહાડિયાંને આપી દીધેલું ને કહેલું - 'ભા, તમે ના હોત તો મારા હાથમાં ધૂળેય આવવાની ન્હોતી' અને વાતેય સાચી હતી... બાજરી લીધા પછીના દિવસોમાં ધોધમાર વરસાદ આવી ગયો હતો. એ પુણ્યકર્મ નહિ તો બીજું શું ?

દ્હાડિયાં પાર વગરના વૈવિધ્યથી ભરેલાં... કોઈ ઉપવાસ કરે કોઈ વ્રત કરે. કોઈ બાધા રાખે... કોઈ અગિયારસો ય કરે કોઈ પ્રેત કાઢે. કોઈ ડાકલાં વગાડે... કોઈ કુંવારાં કોઈ વાંઢાકોઈ એકાવા... જિંદગીની બોઝ ઉપાડીને ઝૂકી ગયેલાં છતાં રોજેરોજ પેટિયા માટે વેઠ કરી ટટ્ટાર રહેતાં એ દ્હાડિયાં આપણી સમાજે વ્યવસ્થામાં સચવાયાં છે - નભ્યા છે. શારિરીક શ્રમનું મૂલ્ય કાંઈ ઓછુંહોતું નથી. એ શ્રમિકો જ સમાજનું સૌભાગ્ય છે. સાચી મૂડી છે, મજૂરીનો મોભો વધારવાની જરૂર છે - મજૂરી જ મગજ ચલાવે છે એ સમજાવું જોઇએ.

સમાજ આવા નૈષ્ઠિક શ્રમિકોની ઠીબમાં પોતાના ભાગ્યમાંથી થોડું થોડું વધારે આપતાં શીખવું પડશે નહિ તો આવનારા દિવસોમાં સાચા પડશે. કવિ ઉમાશંકર અથવા સાચા પાડશે. દાડિયાં કવિ ઉમાશંકરને.

'ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે

ખંડેરની ભસ્મકણી ન લાધશે.'

સમાજમાં ડુંગરા જેવું ચઢાણ ચઢતાં આવાં કર્મઠ દા'ડિયાં વાસ્તવમાં કેમ ખીણોમાં ધક્કેલાતાં જાય છે તેનું રહસ્ય હજુ કોઈ ઉકેલી શક્યું નથી. કદાચ દાડિયાં જ ઉકેલશે.

વિનોબાએ ક્યાંક લખ્યાનું સ્મરણ છે- 'ન્યાયાધીશ જો રોજેરોજ કલાકેક મજૂરીનું કામ કરશે, કોદાળી ઉપાડશે, લાકડાં ફાડશે, દળશે કાંતશે - તો તેના ચુકાદા વધારે સાચા નીવડશે.' કબીરે વણકર થઇને વણવાનું કામ કર્યું છે, રોહીદાસે ચર્મકર્મ કર્યું છે નામદેવે દરજી કામ કર્યું છે. કૃષ્ણભગવાને ગાયો ચારી છે - મોટાભાગના સંતોએ શ્રમનો સાક્ષાત્કાર કરેલો છે... આપણે પણ આપણા અને દેશના ભલા માટે મજૂરી કરવાની સૂગ ના રાખીએ. દા'ડિયાંને માન-મરતબો આપીએ. કેવળ દહાડિયાંની લાચારીનો લાભ લેવાને બદલે તેના તરફ કૂણી નજરે જોશું તો એનોય માંહ્યલો રાજી રહેશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JYocnw
Previous
Next Post »