શાકભાજીના પાર્સલ તૈયાર કરતો કુઝિમસ્કી પોલેન્ડની ટોપ લીગનો ફૂટબોલર બન્યો

- ફૂટબોલર તરીકેનું મનગમતું કામ અને વતનના મીઠા ખોળાને ખૂંદવાનો આનંદ મેળવવા કુઝિમસ્કીએ વધુ પગારવાળી શાકભાજી પાર્સલ કરવાની નોકરી છોડી દીધી


જિં દગીની સફર અનોખી છે, જેમાં દરેકની મંઝિલ અલગ-અલગ છે, છતાં બધા એકબીજાનું અનુકરણ કરીને આગળ વધવાની કોશીશ કરતાં રહે છે. કોઈની સાથેની સ્પર્ધા કે પછી દેખા-દેખીના આધારે શરુ કરેલી યાત્રા ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી. બહારની પરિસ્થિતિ કે પ્રલોભનોને અવગણીને અંતર-મનમાં નક્કી કરેલી રાહ પર સતત આગળ વધતાં રહેવાથી ડગલેને પગલે આનંદની અનુભૂતિ થાય છે અને આ જ જિંદગીનું સાફલ્ય છે. ઘણી વખત નાની-અમથી સફળતાઓ માટે જિંદગીની દિશા બદલી નાંખનારાઓને આખરે તો એ જ રાહ પર પાછા ફરવું પડે છે અને આ સમયે પેરેડાઈઝ રિગેઈન જેવી અનુભૂતિ થાય છે. આવો જ અહેસાસ પોલેન્ડની ટોચની લીગમાં રમી રહેલા પ્રોફેશનલ ફૂટબોલર માતેઉશ કુઝિમસ્કીને થઈ રહ્યો છે.

પોલેન્ડની ટોચની ફૂટબોલ લીગમાં સ્થાન ધરાવતી વોર્ટા પોઝ્નાન નામની હાઈપ્રોફાઈલ કલબ સાથે કુઝમસ્કીએ કરાર કરી લીધો છે અને આગામી દિવસોમાં તે પોલેન્ડની રાષ્ટ્રીય ટીમમાં પણ સ્થાન મેળવશે તેવી આશા ટોચના ફૂટબોલ નિષ્ણાતો રાખી રહ્યા છે. એક સમયે પ્રોફેશનલ ફૂટબોલર બનવાનું સ્વપ્ન જોનારા કુઝમસ્કીની જિંદગી એક લાંબો પ્રવાસ પૂરો કરીને છેલ્લા કેટલાક વર્ષોથી જ ફૂટબોલના મેદાન પર પાછી ફરી છે અને અહીં જ તેને તેણે ગુમાવી દીધેલો જિંદગીનો રોમાંચ પાછો મળ્યો છે, જેના કારણે તેની પ્રતિભા સોળે કળાએ ખીલી ઉઠી છે. 

કુઝિમસ્કી હવે ત્રીસીની નજીક પહોંચી ગયો છે, ત્યારે તેના એક પછી એક સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે. યુરોપના ખોબા જેવડા દેશ પોલેન્ડની ટોચની ફૂટબોલ લીગને ઈકાસ્ટ્રાક્લાસા તરીકે ઓળખવામાં આવે છે અને કુઝિમસ્કીની કલબ વાર્ટા પોઝનાન એ પશ્ચિમ-મધ્ય વિસ્તારમાં આવેલા પોઝનાન વિસ્તારમાં આવેલી છે. વાર્ટા નામની નદીના કાંઠે વસેલા આ ગ્રેટર પોલેન્ડના શહેરમાં સ્થાયી થયેલા કુઝિમસ્કીની ફોરવર્ડ તરીકેની પ્રભાવશાળી રમતે તેને પ્લેઈંગ ઈલેવનનો નિયમિત સભ્ય બનાવી દીધો છે. તેણે રાતોરાત ચમત્કારિક સફળતા તો હાંસલ કરી નથી, પણ ફૂટબોલના મેદાનમાં પુનરાગમન બાદની તેની ડ્રીમ રન દુનિયાભરના લોકોને પ્રેરણા પૂરી પાડી રહી છે.

ઉત્તરીય પોલેન્ડમાં વહેતી વિસ્તુલા નદીના કાંઠે અનેક નાના-મોટા નગરો વસેલા છે, જેમાં ટેક્ઝેવનો પણ સમાવેશ થાય છે. ઐતિહાસિક અને ભૌગોલિક રીતે મહત્વનું સ્થાન ધરાવતા ટેક્ઝેવમાં જ કુઝિમસ્કીનો જન્મ થયો હતો. શાળાજીવન દરમિયાન પોલેન્ડની ટોચની ફૂટબોલ કલબમાં સ્થાન મેળવવા માટેનું સ્વપ્ન સેવનારા કુઝિમસ્કીને સ્થાનિક કલબ યુનિઆ ટેક્ઝેવમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક કોચીસની મદદથી ફૂટબોલર તરીકેની પ્રતિભાને નિખારનારા કુઝિમસ્કીએ અન્ય રમતોમાં પણ પોતાની કુશળતાની સાબિતી આપી હતી. જોકે, બધી રમતોમાં તેને ફૂટબોલ વધુ ગમતું અને તેનું સમગ્ર ધ્યાન માત્ર બોલને ગોલમાં મોકલી આપવા તરફ જ રહેતું.

સ્થાનિક કલબ ફૂટબોલમાં કાઠું કાઢનારા કુઝિમસ્કીએ પોલેન્ડના પ્રોફેશનલ ફૂટબોલમાં પ્રવેશ મેળવી લીધો. યુવા વયના આ ખેલાડીની રમતે તે સમયે પણ ભલભલા કોચિસ અને સ્કાઉટ્સને પ્રભાવિત કર્યા હતા. પોલેન્ડમાં પ્રોફેશનલ ફૂટબોલરોને ચૂકવાતી રકમ ખૂબ જ સામાન્ય હોવાથી મોટાભાગના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ વૈકલ્પિક નોકરીઓ શોધતાં રહે છે. કુઝિમસ્કી માટે નાણાંનો વિશેષ પ્રશ્ન નહતો, પણ બહેતર જિંદગીની ખ્વાઈશ તો દરેકના મનમાં રમતી જ હોય છે. યૌવનમાં ડગ માંડી રહેલા આ યુવા ખેલાડીને ઘુંટણની ઈજા થઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, ફૂટબોલની સાથે સાથે જિંદગી ચલાવવા માટે બીજા કોઈ સહારાની જરુર રહે છે.  

કુઝિમસ્કીની ઈજા ગંભીર હતી અને તબીબોએ તેને ચેતવણી પણ આપી કે, જો હજુ પણ રમવાનું ચાલુ રાખશો તો આ ઈજા વધુ ગંભીર બની શકે તેનાથી તમારે કારકિર્દીનો અંત પણ લાવવો પડી શકે છે. તબીબોની ચેતવણીના કારણે તેણે ફૂટબોલ છોડીને બીજી નોકરી શોધવાની શરુઆત કરી દીધી. આ દરમિયાન તેને લાગ્યું કે, જો ઈંગ્લેન્ડ જતાં રહીએ તો અમારી આથક સમસ્યા દૂર થઈ શકે તેમ છે અને આ જ કારણે તેણે ઈંગ્લેન્ડના પૂવય વિસ્તારમા આવેલા કેમ્બ્રિજશાયરમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. જ્યાં તે પરિવારની સાથે એક ઓળખીતાના ઘરમાં રહેવાનું નક્કી કર્યું.

નવા દેશમાં નોકરીની તલાશ કરવી આસાન નહતા. તેના મનમાંથી ફૂટબોલ લગભગ ભૂંસાઈ ગયું હતુ અને હવે માત્ર કેવી રીતે નાણાં કમાવા તેના પર તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. થોડી રઝળપાટ બાદ આખરે તેને એક વેરહાઉસમાં નોકરી મળી ગઈ. આ નવાસવા અને કૌશલ્ય વિનાના કુઝિમસ્કીને પહેલા તો સફાઈની કામગીરી સોંપવામાં આવી અને ત્યાર બાદ ધીરે ધીરે તેને શાકભાજીના પેકિંગની જવાબદારી સોંપાઈ. આખા દિવસ દરમિયાન તે ૧૦ થી ૧૫ કલાક સુધી શાકભાજી લાવવા-લઈ જવાથી માંડીને પેકેજિંગનું કામ કર્યા કરતો. તેની આવકમાં ચોક્કસ વધારો થયો હતો, પણ તેની જિંદગીનો આનંદ અને ચહેરા પરનો ઉજાસ ઓસરી ગયો હતો. 

કુઝિમસ્કી જાણે જિંદગીનો ભાર ઉઠાવીને એક પછી એક દિવસ પૂરા કરી રહ્યો હોય તેવું તેને લાગતું. આમ ને આમ છ મહિના વિતી ગયા. ફૂટબોલ વિના જિંદગી જીવવી કેટલી દોહ્યલી છે તેનો અહેસાસ થવા લાગ્યો હતો. આ સમયગાળા દરમિયાન જ તેને જિંદગીની વાસ્તવિકતાનો અહેસાસ થયો અને તેણે ખુદને સવાલ કર્યો, શું આ કામ માટે પોલેન્ડ છોડીને અહીં સ્થાયી થવા આવ્યો હતો.... બસ, આ એક જ સવાલે તેની જિંદગીને બદલી નાંખી. તેનું મન તો ફરી ફૂટબોલના મેદાનમાં પાછું ફરવા માટે ઉતાવળું બન્યું હતુ અને હવે તેના પગમાં પણ થનગનાટ અનુભવાઈ રહ્યો હતો. આ જ સમયે જાણે કુદરતે પણ તેને વધુ એક તક આપી અને ઉત્તરીય લંડનમાં એક ઓપન ફૂટબોલ ટ્રાયલ્સનું આયોજન થયું. કોઈ કલબ સાથે જોડાયેલા ન હોય તેવા ખેલાડીઓ માટેની ટ્રાયલમાં ભાગ લેવા પહોંચેલા કુઝિમસ્કી પહોંચ્યો હતો, પણ તેને કોઈ વિશેષ આશા નહતી.

જ્યારે તે ફૂટબોલના મેદાન પર પાછો ફર્યો ત્યારે તે જાણે કિશોરાવસ્થાના દિવસોમાં પાછો ફર્યો હોય તેમ લાગ્યું. ટ્રાયલ્સમાં તેની રમત જોઈને કોચિસ દંગ રહી ગયા. એક કોચે તો તેને કહ્યું પણ ખરાં કે, તું આટલું સરસ ફૂટબોલ રમે છે તેમ છતાં કોઈ કલબની સાથે જોડાયેલો કેમ નથી ... આ ટ્રાયલ્સે તેની જિંદગીની રાહ બદલી નાંખી. ઈંગ્લેન્ડના ફૂટબોલની સાતમા સ્તરની લીગમાં તેને પહેલા કેમ્બ્રિજ સિટીની ટીમમાં સમાવી લેવામાં આવ્યો અને ત્યાર બાદ તેને હિસ્ટન સિટીની ટીમમાં તક મળી ગઈ. 

વેર હાઉસમાં નોકરી ચાલુ રાખવાની સાથે-સાથે ફૂટબોલર તરીકેની કારકિર્દીને આગળ ધપાવી રહેલા કુઝિમસ્કી ક્રિસમસના દિવસોમાં બે સપ્તાહના બ્રેક દરમિયાન પોલેન્ડ પરત ફર્યો હતો. આ દરમિયાન જ તેને તેના જૂના કોચનો ફોન આવ્યો અને તેને ટ્રેનિંગ સેશનમાં જોડાવાની ઓફર કરી. એકાદ-બે ટ્રાયલ રાઉન્ડ્સ બાદ બાલ્ટિયાક જેડિન્યા કલબમાં જોડાવાની ઓફર મળી. 

ઈંગ્લેન્ડના વેરહાઉસમાં મજૂરી કરવાના નાણાં વધુ હતા, જ્યારે પોલેન્ડમાં પ્રોફેશનલ ફૂટબોલર તરીકે રમતી રકમ ખૂબ ઓછી હતી. આમ છતાં, તેના જીવનનિર્વાહ માટે પુરતી હતી. આ જ કારણે તેણે ઓછી કમાણી છતાં વધુ આનંદ આપતી ફૂટબોલની રમતને પસંદ કરી. કુઝિમસ્કીના એક નિર્ણયને પગલે તેની જિંદગી તો ફરી આનંદમય બની જ સાથે સાથે તેની કલબ બાલ્ટાક જેડિન્યાએ જબરજસ્ત સફળતા મેળવતા ટિયર ટુ લેવલ સુધીની સફર મેળવી હતી. જિંદગીના અનુભવે કુઝિમસ્કીને વધુ પરિપક્વ ફૂટબોલર બનાવ્યો હતો અને તેના પર્ફોમન્સથી પ્રભાવિત થયેલી ટોપ ડિવિઝન કલબ વાર્ટા પોઝનાને તેને કોન્ટ્રાક્ટની ઓફર કરી અને તેણે પોલેન્ડના ટોચના ફૂટબોલરોમાં પણ આગવું સ્થાન મેળવી લીધું છે. 

પોલેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે થનગની રહેલો કુઝિમસ્કી વાસ્તવિકતાથી પણ વાકેફ છે. તેને તેની રમતની અને શરીરની મર્યાદાની ખબર છે અને એટલા જ માટે તે જરા પણ ઉતાવળ કરવા માંગતો નથી. તે આજે પણ કહે છે કે, ઈંગ્લેન્ડમાં શાકભાજીના પેકેજિંગની કામગીરીએ મારું ઘડતર કર્યું છે અને તેમાંથી શીખેલા પદાર્થપાઠને કારણે આજે હું મારા પ્રત્યેક ટ્રેનિંગ સેશન અને મેચોને મનભરીને માણી શકું છું. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nfBqun
Previous
Next Post »