એ લોન મસ્કની સ્પેસ-અક્સ કંપની બાર હજાર જેટલા સેટેલાઈટને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગોઠવવા માંગે છે. જેમાંથી ૭૦૦ જેટલા સેટેલાઈટ હાલમાં ગોઠવાઈ ચુક્યા છે. અત્યારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ૩૦૦૦ જેટલા સેટેલાઈટ કાર્યરત છે. ટૂંકમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી પૃથ્વી સ્નાન કરી રહી છે. સ્પેસ એક્સની સ્ટાર લિંક ગ્લોબલ ઇન્ટરનેટ સેવા, બોંઈગ કંપની વનવેબ અને સ્પાયર ગ્લોબલ પોતાની અલગ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા આગળ વધી રહ્યું છે. આખરે સેટેલાઈટની આટલી મોટી વણઝાર અચાનક કેમ ઉભરાઈ આવી છે.? નવા ઉપગ્રહ પૃથ્વીના ઇલેક્ટ્રોમેગ્નેટિક પર્યાવરણને અપગ્રેડ કરવા જઈ રહ્યા છે. ટેકનિકલ ભાષામાં તે અપગ્રેડ ધ૫ય્ધ એટલેકે ''ફીફ્થ જનરેશન વાયરલેસ નેટવર્ક'' તરીકે ઓળખાઇ રહ્યું છે. વૈશ્વિક ઇલેક્ટ્રોનિક ઈકોસીસ્ટમમાં લોકો હવે વધારે સારી ઇન્ટરનેટ સેવા, વિડિયો સ્ટ્રીમિંગ, આટફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટીના નામે એક પ્રકારનો છેતરવાનો ધંધો શરૂ થઈ ગયો લાગે છે. પૃથ્વીના પ્રાકૃતિક અને મનુષ્યના માનવીય અભિગમ ઉપર ટેકનોલોજીનો આ છેલ્લો મોટો એટેક થવા જઈ રહ્યો છે. જેની અસર આવનારા ભવિષ્યમાં જોવા મળશે? શું ખરેખર ''ફાઈવ જી'' જરૂરી છે ખરું?
''સ્માર્ટ પ્લેનેટ''
ફાઇવ-જીના આગમન સાથે જ દુનિયાને મીની મોબાઈલ ફોન માસ્ટ એટલે કે ટાવર કે બેઝ સ્ટેશનની જરૂર પડશે. વીજળીના થાંભલાની માફક દર સો મીટરના અંતરે એક મીની બેઝ સ્ટેશન ઉભુ થઈ જશે. દરેક બેઝ સ્ટેશન હાલના પાવર લેવલ અને ફ્રીકવન્સી કરતા વધારે ઉચ્ચ ફ્રીકવન્સી અને પાવર ધરાવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને વાતાવરણમાં વહેતું મુકશે. હાલમાં મોબાઇલ ટાવર જે બિલ્ડીંગ ઉપર, હાઈવે ઉપર લગાવવામાં આવે છે. તેના કરતા મીની બેઝ સ્ટેશન અત્યંત નાના હશે. દુકાન, ઓફિસ કે લેમ્પપોસ્ટની બાજુમાં તેને આરામથી ગોઠવી શકાશે. આ બધા જ બેઝ સ્ટેશન ડીસટીવીની માફક પૃથ્વીની ફરતે ફરી રહેલ વીસ હજાર જેટલા સેટેલાઈટ નેટવર્ક સાથે પોતાને જોડેલા રાખશે. જેના કારણે સરોવર, પર્વત, જંગલ,મહાસાગર, દરેક જગ્યાએ ફ્રી ઓફ ચાર્જ ઇલેક્ટ્રોનિક રેડિયેશન મળતુ થઈ જશે. આપણે હોંશે હોંશે પૃથ્વીને ''સ્માર્ટ પ્લેનેટ'' તરીકે મીડિયામાં વખાણતા રહીશું
હાલના તબક્કે મોબાઇલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ અને વાઈફાઈ વગેરે ૩ગીગાહર્ટ્ઝ ફ્રીકવન્સી ઉપર કામ કરી રહ્યા છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના આ વિસ્તાર ''માઇક્રોવેવ'' તરીકે ઓળખાય છે. જો તમે આ આવૃત્તિને માપી કે જોઈ શકતા હોત તો, સ્માર્ટ ફોન ૮૦૦ મેગાહર્ટ્ઝ ફ્રીકવન્સી ઉપર કામ કરી રહ્યા છે, જેની તરંગ લંબાઈ ૩૭.૫ સેન્ટીમીટર એટલે કે અંદાજે ૧૫ ઇંચ જેટલી થાય. ૧.૯૦ મેગાહર્ટ્ઝ ફ્રીકવન્સીની તરંગ લંબાઈ ૧૬ સેન્ટિમીટર એટલે કે ૬ ઇંચ જેટલી થાય. હાલની વાયફાઈ સિસ્ટમ ૨.૪૦ ગીગાહર્ટ્ઝ ફ્રીકવન્સી ઉપર કામ કરે છે. જેની તરંગ લંબાઈ ૧૨ સેન્ટીમીટર એટલે કે અંદાજે પાંચ ઇંચ જેટલી થાય. ફીફ્થ જનરેશન વાયરલેસ નેટવર્ક ટેકનોલોજીના આગમન સાથે જ હાલની આ દુનિયા બદલાઈ જવાની છે. મોટાભાગના ઉપકરણ ખૂબ જ ઉચ્ચ ફિક્વન્સી અને ખૂબ જ નાની તરંગ લંબાઈ ઉપર કામ કરતા થઇ જશે આ તરંગ લંબાઈ હવે સેન્ટીમીટરમાં નહીં પરંતુ મિલિમીટરમાં માપવી પડશે.
''એક્સ્ટ્રીમલી હાઈ ફ્રીકવન્સી''
૩૦થી૩૦૦ ગીગાહર્ટ્ઝ ફ્રીકવન્સીનો સ્પેક્ટ્રમ ''એક્સ્ટ્રીમલી હાઈ ફ્રીકવન્સી'' તરીકે ઓળખાય છે. જેની તરંગ લંબાઈ દસ મિલીમીટરથી માંડીને એક મિલીમીટર જેટલી રહેશે. ફાઇવ-જી આવતાં જ આવું ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન આરામથી પૃથ્વીના પ્રાકૃતિક પર્યાવરણમાં ઉમેરાતું રહેશે. ફાઇવજી ટેકનોલોજી માટે મિલીમીટર તરંગ લંબાઇની બેન્ડ વિડ્થ વાપરવાનાં અનેક કારણ છે. હાલની કોમ્યુનિકેશન સિસ્ટમ માટે ઉપલબ્ધ ફ્રીકવન્સી કરતા વિશાળ ફ્રીકવન્સીનો સ્પેક્ટ્રમ, ''એક્સ્ટ્રીમલી હાઈ ફ્રીકવન્સી'' ઉપર ઉપલબ્ધ છે. સરળ ભાષામાં ખુબ જ વિશાળ જથ્થાનો ડેટા ખૂબ જ ઝડપથી, આ ફિક્વન્સી ઉપર વહેતો મૂકી શકાય તેમ છે. જેના કારણે વીડિયો જોતી વખતે જે ઝટકા વાગે છે, અથવા ડેટા ડાઉનલોડ થતો નથી. તે હવે ઝડપથી ડાઉનલોડ થઇ જશે એટલે કે ટેકનિકલ ભાષામાં લેટન્સી પ્રોબ્લેમ અથવા ટાઈમ-લેગ ઘટી જશે. ભવિષ્યની ટેક્નોલોજી ગણાતી ''ઓગમેન્ટેડ રિયાલિટી'' (અઆર) અને વર્ચ્યુઅલ રિયાલિટી (વિઆર) આસાન બની જશે. હવે આપણે વાસ્તવિક દુનિયાની માફક, વર્ચ્યુઅલ દુનિયામાં આસાનીથી ઘુસી જઈશું.
અહીં સમસ્યાનો અંત આવતો નથી, મિલીમીટર તરંગ લંબાઈની ફિક્વન્સી વાપરતા એક સમસ્યા પેદા થવાની છે. આટલી નાની તરંગ લંબાઈ આસાનીથી ભૌતિક અવરોધો, જેવા કે દિવાલ, કોન્ક્રીટ, ઝાડ, કાચ, ધાતુ, લાક્ડા, પ્લાસ્ટીક વગેરેને આસાનીથી પાર કરી શકશે નહીં. તેથી તેને શક્તિશાળી બનાવવા માટે ખૂબ જ નજીકના અંતરે માઈક્રોસેલ અથવા બેઝ સ્ટેશન ઉભા કરવા પડશે. બે બેઝ સ્ટેશન વચ્ચે સોમીટર જેટલું અંતર રહેશે. આટલા અંતરે તરંગોને શક્તિશાળી બનાવવામાં આવશે તો જ તરંગો, બિલ્ડીંગની દીવાલો, કોન્ક્રીટ, ઝાડ, કાચ, ધાતુ, લાક્ડા, પ્લાસ્ટીકમાંથી પસાર થઈ આપણા મોબાઈલ ડિવાઈસ સુધી પહોંચી શકશે. ખતરનાક વાત એ છેકે હાલના આપણા મોબાઇલ જે માઇક્રોવેવ રેડિએશન છોડે છે. તેના કરતાં ફાઇવજી નેટવર્કના ડિવાઇસ અનેકગણું વધારે રેડિએશન મુક્ત કરતા થઈ જશે. જેના માટે માઈક્રોસેલ અથવા બેઝ સ્ટેશનનું એક આખું નવુ નેટવર્ક ઉભુ કરવુ પડશે. ટેકનિકલ ભાષામાં તે ''ફેઝ્ડ એરે ટેકનોલોજી'' તરીકે ઓળખાય છે. આવા સિગ્નલ ટૂંકા સમયગાળામાં વધારે સંખ્યામાં વહેતા મુકવામાં આવશે. જેથી સિગ્નલો એકબીજાને ઓવરલેપ થતાં રહેશે. તરંગોનો અતૂટ પ્રવાહ મળતો રહેશે. જેનો નુકસાનકારી પ્રભાવ ખૂબ વધારે હશે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન
રેડિએશનનો એક ડોઝ તમારા શરીરના કોષમાં ભળે તે પહેલાં જ બીજો નવો ડોઝ કોષ ઉપર આક્રમણ કરી રહ્યો હશે. શક્તિશાળી રેડિએશનનો ડોઝ, નાજુક અને પોચા શરીરના કોષો અને કોશિકાઓમાં પ્રવેશે ત્યારે કોશિકાઓની હાલત શું થાય? આખી દુનિયા વ્યાપારી ધોરણે કામ કરી રહી છે. ફાઇવજી ટેકનોલોજીના કારણે, ૨૦૨૫ સુધીમાં વૈશ્વિક ગ્લોબલ મીડિયા ઈન્ડસ્ટ્રી ૧૩૦૦ અબજ ડોલરનો નફો કમાવવા જઈ રહી છે.
૧૮૮૦ના દાયકા પહેલા પૃથ્વી ઉપર માત્ર કુદરતી સ્વરૂપે પેદા થતી વીજળી અને વાવાઝોડું ત્રાટકતું હતું. વીજળી અને સૂર્યપ્રકાશ દ્વારા પૃથ્વી ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઠલવાતું રહેતું હતું. જેની માત્રા ખુબજ અલ્પ હતી. ૧૯મી સદીમાં વિદ્યુતના આવિષ્કાર સાથે જ મનુષ્યનું ભવિષ્ય જ નહીં, તેના આચાર-વિચાર અને વિચારસરણી સમગ્ર બદલાઈ ગયા.
વીજળીની સપ્લાય લાઈન ૫૦થી૬૦ હર્ટ્ઝ ફ્રીકવન્સી ઉપર કામ કરવા લાગી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ. ૧૯૨૦ના દાયકામાં લોંગ વેવ ફ્રીકવન્સીના રેડિયો તરંગો વાતાવરણમાં ભળવા લાગ્યા. લોકો રેડિયો ઉપર સમાચાર, ગીતો, નાટકો, નેતાઓના ભાષણ વગેરે સાંભળી મનોરંજન મેળવવા લાગ્યા. લોકો માટે રેડિયો મનોરંજનનુ સાધન બની ગયુ. ભારતની આઝાદીની ઘોષણા પણ રેડિયો ઉપર જ કરવામાં આવી હતી. ૧૯૩૦ અને ૪૦ના દાયકામાં રેડિયો માટે મીડીયમ અને શોર્ટ વેવ ફિક્વન્સી ઉપયોગમાં લેવામાં આવી.(૫૦૦ કિલોહર્ટ્ઝ થી ૧૭૦૦ કિલોહર્ટ્ઝ). હવે પરદેશના રેડિયો સ્ટેશન પણ રાત્રિના સમયે આરામથી સાંભળી શકાતા હતા. ટેકનોલોજી વધારે આગળ વધી અને ૧૯૫૦ના દાયકામાં વેરી હાઈ ફિક્વન્સીની શરૂઆત થઈ. જેની રેન્જ ૩૦થી૩૦૦ મેગાહર્ટ્ઝ જેટલી હતી. હવે લોકોનાં મનોરંજન માટે ટેલીવિઝન નામે નવુ માધ્યમ મળી ગયુ. પૃથ્વીવાસીઓને રેડિયો અને ટીવી કાર્યક્રમોની ગુણવત્તા સુધારેલી જોવા મળી. મનોરંજનની આખી દુનિયાનો આયામ બદલાઈ ગયો.
શું ઇન્ટરનેટના ઓવરડોઝ સિવાય આપણી જિંદગી આગળ વધશે નહીં?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વધારે ઉચ્ચકક્ષાની ફિક્વન્સી ઉપર કામ થવા લાગ્યું. જે રડાર ટેકનોલોજીનો આધાર બની. છેવટે વધારે ઉચ્ચ કક્ષાની ફિક્વન્સી આવી, જેનો વ્યાપ આજના મોબાઈલ, લેપટોપ, સ્માર્ટફોન અને વાઇફાઇ સુધી પહોંચી ગયો. ટેકનોલોજીની સીડી ઉપર મનુષ્ય છેલ્લા પગથિયાં આગળ આવીને ઊભો છે. જ્યાંથી આગળ હવે ''એક્સ્ટ્રીમલી હાઈ ફ્રીકવન્સી''ની દુનિયા શરૂ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની તરંગલંબાઈ હવે મિલિમીટરમાં પહોંચી ચૂકી છે. આવનારા સમયમાં સમગ્ર પૃથ્વી ઉપર અદ્રશ્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું ધુમ્મસ છવાયેલું જોવા મળશે. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ વધારેને વધારે ઊંચી ફિક્વન્સી ઉપર મનુષ્ય કામ કરતો જાય છે.
ટેકનોલોજીના વિકાસ સાથે મનુષ્ય પ્રકૃતિ સાથેનો સાનિધ્ય ગુમાવીને ઇલેક્ટ્રોનિક્સ દુનિયામાં ખોવાતો જશે. સામાજિક સંબંધો પણ ઈલેક્ટ્રોનિક ડીવાઈસ સુધી જ સીમિત થઈ જશે. તેને ખોવાઈ જવા માટે હવે વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગ્મેન્ટેડ રિયાલીટી પણ હાજર હશે. અન્ય મનુષ્ય/સજીવ સૃષ્ટિ સાથે સંપર્ક તૂટતો જશે. પર્યાવરણ, મનુષ્ય ઉપરાંત અતિસૂક્ષ્મ બેક્ટેરિયાથી વિશ્વની અનેક પ્રાક્તિક ઈકોલોજીકલ સિસ્ટમને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનાં ભારે ડોઝથી નવડાવીને, મનુષ્ય ટેકનોલોજી નામનુ મનોરંજન માંણતો રહેશે.
ખાસ પ્રકારની હેલ્મેટ ઇલેક્ટ્રોનિક ગ્લાસ, કોન્ટેક લેન્સ અને મોબાઈલ ફોનમાં ''ડિવાઇસ ઓવરલે'' દ્વારા મનુષ્ય આભાસી દુનિયામાં ડૂબી જશે. ટેકનોલોજીના માસ્ટરોઅ કલ્પના કરેલ ''ઇન્ટરનેટ ઓફ થિંગ્સ'' કામ કરતી થઈ જશે. તમારા ઘર, ઓફિસ, કાર્યાલયનાં દરેક ઉપકરણ ઇન્ટરનેટ સાથે જોડાયેલા રહેશે. તમારી પ્રાઇવસી ઉપર ગુગલ જેવી મોનોપોલી ધરાવતી ઇન્ટરનેટ કંપનીઓ આસાનીથી તરાપ મારીને બેઠી હશે. તમારી દરેક ગતિવિધિનો રેકોર્ડ તેમના ડિજીટલ સર્વરમાં જમા થયેલ હશે. આવા સમયે આપણે પોતાની જાતને એક જ સવાલ પૂછવાની જરૂર પડશે? શું ખરેખર આપણને આવા હેવી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની જરૂર છે ખરી? શું ઇન્ટરનેટના ઓવરડોઝ સિવાય આપણી જિંદગી આગળ વધશે નહીં? જો તમારો જવાબ હા હોય તો ફાઇવજી ટેકનોલોજીના વિરોધ માટે તમારે આગળ આવવાની જરૂર છે!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ajoEn
ConversionConversion EmoticonEmoticon