0 (ઝીરો) થી ૯ સુધીનું એમનું નાનકડું કુટુંબ. નાના મોટા આગળ પાછળ થઈ રકમમાં આ આંકડા પ્રમોશન પામે. આમ એમની 'કિંમત' કોઈ નહિ ને ક્યારેક એમનું 'મૂલ્ય' વધી ય જાય (પૂછે પેલા રૂપિયાની પાછળ ડાઘિયાની જેમ વાંહે પડેલા ડોલરિયાને!) નાનપણથી કેલેન્ડરમાં ઈસ્વીસનની તારીખ-મહિના-વરસની જન્મકુંડળીમાં મોટાભાગનાં ગોઠવાઈ ગયા છે તો અમુક તિથિતોરણમાં સુદ અને વદ વચ્ચે લોલકની આંદોલિત ગતિમાં છે. આખર તારીખનાં આંકડાઓ ૨૮, ૨૯, ૩૦ કે ૩૧ બેંક બેલેન્સને ડાયેટીંગ પર ઉતારી દઈ પાછા ૧ થી ૧૦ તારીખોમાં ચોપડાનાં જમાના ખાનામાં ગોઠવાઈ મહિના માટે તગડાં થઈ જાય છે. (જો જો નજર ના લાગે!)
તિથિમાં ૧૧ 'અગિયાર'ના નામે અને ૧૫ 'પૂનમ'નાં વૈભવમાં રીઝર્વ કોટામાં છે. ૧ એકમનાં નામે 'હેપી ન્યુ ઈયર'માં ગ્લોબલ ફીગર બની ગયો છે. જ્યારે દેશમાં બેસતો મહિનો કે બેસતું વરસમાં મોક્ષ પામ્યો છે. ૨ બીજના નામે ભાઈબીજમાં ફીટ છે, ૩ અખાત્રીજનાં મહૂરતમાં માનીતો છે. ૪ ને ગણેશચતુર્થીએ ગાજતો કર્યો છે, ૫ પાંચમ (લાભ) બની નામાના ચોપડામાં સાથિયા પાડે છે, ૬ રાંધણછઠમાં રસોડામાં બીઝી છે ૭ શીતળા સાતમ સ્વરૂપે ગૃહિણીને રસોડામાં ગુમાસ્તાધારો આપે છે. ૮ આઠમની મોનોપોલી વરસોથી કામણગારા કાનુડાએ પત્તાની કેટને ચિપાતી રાખી છે. ૯ નોમ નવરાત્રિ અને રામનવમીમાં આનંદપર્વ બની છે. ફાફડાં જલેબીમાં ૧૦ નો દશેરા અવતાર ફાફડા, જલેબી, રાવણદહનમાં અકબંધ છે. વાઘબારસમાં ૧૨ અને ૧૩ તેરસ બની શિવરાત્રીનાં પૂજનને વધાવે છે. કાળીચૌદશીઓ ૧૪ કૂંડાળામાં પગ મૂકી આવ્યો છે ને?
૭૮૬ દિવારમાં માર્કેટીંગ પામી પવિત્ર બની ગયો છે. ૧૦૦, ૧૦૧ ખાસ સેવાઓમાં ફીટ છે. (વળી ૧૦૦ની પેટાશાખાઓમાં કૌરવો, ક્રિકેટની સદી અને પરીક્ષાની ટકાવારી ફ્રેશ રહે છે.) ૯, ૨, ૧૧ (નૌ દો ગ્યારા) બોલો મુહાવરો બની ગયો છે. ૧૩ને કોણે બદનામ કર્યો? ૧૭ પૃથ્વી, શિખરિણી, ૧૯ શાર્દૂલવિક્રીડિતમાં, ૨૧ સ્ત્રગ્ધરામાં અને ૩૧ મનહરમાં આળોટે છે. ૩૫ ઠોઠિયા વિદ્યાર્થીઓની લક્ષ્મણરેખા બની ગયો છે. ૮૦-૧૨૦ બી.પી.ના આ અંકો ડૉક્ટરનાં ધંધાને વૃધ્ધિ, સમૃધ્ધિ આપે છે. ૨ બે નંબરનાં નામે બ્લેક મની અને બે નંબરનાં ધંધામાં ગૂંગળાયા કરે છે. ૧૦૮ કાં તો મણકામાં કાં તો એમ્બ્યુલન્સમાં દર્દીના સણકામાં આટાપાટા રમે છે. ચાર અંકોની જોડી વાહનનાં નંબરોમાં, છ નંબરોની પીનકોડમાં અને દસ નંબરી મોબાઈલમાં આપણી મેમરીને ઢંઢોળતી રહે છે.
શ્વાસોચ્છ્વાસ (૧૮) અને હૃદયનાં ધબકારા (૭૨) વિશ્વ ઉપર કેવા ચક્રવર્તી શાસનનાં છડીદારો છે!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nffy2r
ConversionConversion EmoticonEmoticon