ઉગતા સૂર્યને સૌ કોઈ પૂજે
- આપણી પાસે તો સૂર્ય ઉપાસના માટેના ઉત્તમ સ્તોત્રોય છે અને 'સૂર્ય' શબ્દના અનેકાનેક સમાનાર્થી શબ્દો પણ છે
ઉ ન્નતિ અને શક્તિના સ્રોતનું સરનામું છે સૂર્ય. બ્રહ્માંડના તારાગણ માહ્યલો પ્રમાણમાં એક નાનો તારો તે સૂર્ય. પૃથ્વ ઉપરના નાનામાં નાના જીવથી લઇને મસમોટા શરીર ધારણ કરનાર જીવને સુધ્ધાં સહારો છે. સૂર્યનો સૃષ્ટિમાં પર્યાવરણ અને વાતાવરણનું સંતુલન જાળવવા પણ કટિબધ્ધ છે સૂર્ય. સર્વશક્તિમાન, શક્તિપ્રપાતના નિમિત્ત એવા આ તારાને સચરાચર સૌ કહે છે સૂર્ય. આમ તો જે બળવાન હોય તેને સૌ નમે જ તેથી 'ભયેન પ્રીતિ' ન્યાયે પણ ભજવો રહ્યો સૂર્ય. માનવજાતને ખબર છે કે 'દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિએ' એટલે સૂર્યને ભગવાનનો દરજ્જો આપી આપણે એને અગ્નિસ્વરૂપે પ્રતીકાત્મક રીતે મંદિરના ગર્ભગૃહમાં સ્થાન આપી એની પ્રતિષ્ઠા કરી. મૂર્તિ તરીકે સ્થાપના કરી. સૂર્ય ભગવાનને છબીમાં પણ સમાવ્યા - જેમાં તેઓ સાત ઘોડાના રથ પર સવાર છે એવી કલ્પના કરી. પૂજા-પાઠ દરમ્યાન નાનકડા કોડિયામાં દીપક જ્યોત જલાવી તેમાં સૂર્યદેવતાનું આહવાન કરવામાં આવે છે. રખે માની લઇએ કે આસ્થાના આવા વિધવિધ પ્રકારો અને ઉપચારો ભારત દેશમાં જ થાય છે. પ્રાચીનતમ દેશોના ઇતિહાસને ઉખેળીએ તો સૂરજને દેવતા કે ભગવાન સ્વરૂપે પૂજાઘરમાં મંદિરમાં સ્થાપ્યાના અસંખ્ય ઉદાહરણો જોવા મળે. આપણી પાસે તો સૂર્ય ઉપાસના માટેના ઉત્તમ સ્તોત્રોય છે અને 'સૂર્ય' શબ્દના અનેકાનેક સમાનાર્થી શબ્દો પણ છે. વિશ્વભરમાં ભારત સહિત અનેક દેશોમાં સૂર્યમંદિરો સ્થપાયાં છે તેના પાયામાં છે શ્રદ્ધા, ભક્તિ, શિલ્પકળા, વાસ્તુકળા સ્થાપત્ય ચિત્ર કળા.
આદિત્યનું લેટિન નામ છે SOL ગ્રીક નામ છે Helios
પ્રાચીન ઇજિપ્તમાં અનેક સૂર્યમંદિરો હતાં. એમાંનું એક તે 'ગ્રેટ ટેમ્પલ ઑફ રામસે'. પાંચમા રાજવંશે બાંધેલાં એ ત્રિસ્તરીય વિશાળ મંદિર સંકુલો છે. મુખ્યમંદિરનું સ્થાન ઘણું ઊંચું છે. કૉઝવેમાંથી જઈ, નાના પ્રવેશદ્વારમાં થઇ મંદિરે પહોંચાય. ૨૦૦૬માં પુરાતત્ત્વવિદોએ 'કેરો' શહેરના બજારના પાતાળમાંથી એ શોધી કાઢેલું. કદાચ એ રામસે એ બંધાવેલું સૌથી વિશાળ મંદિર હતું. કોલોરાડો-અમેરિકામાં મેસાવર્ડે નેશનલ પાર્કમાં 'પ્યુબ્લો કલ્ચર'માં એક સ્થાપત્ય છે જે સૂર્યમંદિર તરીકે વપરાતું. તેરમી સદીમાં બંધાતાં બંધાતાં તે અધૂરું રહી ગયેલું. 'ઇન્ડા એમ્પાયર' - 'ક્યુરિકાન્ચા' કુસ્કો-પેરુ ખાતે 'મુયુક માર્કા મંદિર' છે તે અગત્યનું છે. પેરુમાં જ વિલ્કાશુઆમન અને વિલ્કાવામન સૂર્યમંદિરો નોંધાયાં છે. દક્ષિણ મેક્સિકોમાં 'ટેમ્પલ ઑફ કૉસ કોમ્પ્લેક્સ' પાલેન્ડ નામક સ્થળે માયન સંસ્કૃતિની સાઇટમાં મળી આવ્યું છે જે બીજી થી નવમી સદી સુધીનું હોઈ શકે. ગ્વાટેમાલામાં પાંચમી સદીનું 'ટેમ્પલ ઑફ ધ નાઇટ સન' માયન સાઇટ પર છે. જાપાનમાં પાંચમીથી સાતમી સદી સુધીમાં અનેક 'શિન્ટો શ્રાઇન્સ' સૂર્યને સમર્પિત મંદિરો બન્યાં. 'આમાતેરાસુ' નામે સૂર્યદેવી તરીકેની ઓળખ એને મળી છે. શું આ મંદિરોની કળા સાથે કોઈ સ્પર્ધા-સરખામણી કરી આપણે કોઈ સ્થાપત્યને કરારો જવાબ દેવો છે ? ના. આ તો એકબીજાને પૂરક બની, કળાનું - તેના ગૌરવનું ગાણું ગાવું છે. દરેક કળા, દરેક કૃતિ અનૂઠી હોય. કળા માત્રને ચાહીએ અને તેનું સન્માન કરીએ.
સૂર્ય સંદર્ભે વિજ્ઞાાન, ભૂગોળ, ખગોળ, ગણિત, સાહિત્ય, ધર્મ અને વિવિધ કળાઓ આવે જ
વિશ્વસમસ્તમાં સૂર્યની ઓળખ જુદી જુદી રીતે થઇ છે પરંતુ તેના મૂળ કર્તવ્ય સૃષ્ટિના લાલન-પાલનને કારણે તેનું મહત્ત્વ અદકેરું રહ્યું છે. વિવિધ સંસ્કૃતિમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ, પ્રાર્થના, બલિદાન અને સમર્પણ સૂર્યને સમર્પિત કરવા માટે ખાસ મંદિરોની રચના પ્રાચીન કાળમાં કરવામાં આવેલી. વિશ્વસ્તરે એનું સંશોધન થયું અને ક્યાંક ભગ્નાવશેષો મળ્યા, તો ક્યાંક વળી સચવાયેલાં મંદિરો પણ મળ્યાં. 'વર્લ્ડ હેરિટેજ સાઇટ'માં કેટલાંક નોંધાયાં. ક્યાંક વળી એકલ-દોકલ સાઇટ મળી, તો ક્યાંક ઓડીશાના કોણાર્ક જેવું મોટું સંકુલ પણ મળી આવ્યું. ભારતમાં આઠમી સદીથી તેરમી સદી દરમ્યાન અનેક સૂર્યમંદિરો સર્જાયા. અલબત્ત, ત્યારબાદ પણ નવાં મંદિરો બન્યાના દાખલા છે. કાશ્મીરનું માર્તંડ મંદિર, ખજૂરાહોનું ચિત્રગુપ્ત મંદિર, બિહારનું દેવ સૂર્યમંદિર, મણિપુરનું એબુ ધોઉ કોરો હાનબ, અલમૌડાનું સૂર્યમંદિર, મધ્યપ્રદેશનું બ્રાહ્મણ્ય દેવ મંદિર, આસામનું સૂર્યપહર મંદિર, તામિલનાડુનું સૂર્યના હ કોવિલ, પંજાબનું મુલતાન આદિત્ય સૂર્યમંદિર ઉત્તરાખંડનું કાટરમાલ મંદિર, આન્ધ્ર પ્રદેશનું શ્રી સૂર્યનારાયણ સ્વામી મંદિર જેવા અગણિત મંદિરો ભારતભરમાં છે. ગુજરાતમાં ભવ્ય મોઢેરા સૂર્યમંદિર, ઘુમલીનું નવલખા મંદિર, કચ્છનું કંથકોટ મંદિર, સુરેન્દ્રનગરનું સૂરજ દેવળ મંદિર અને નવનિર્મિત એક સૂર્યમંદિર આણંદ નજીક નોંધાયેલું છે. અન્ય દેશોનાં કેટલાંક સૂર્યમંદિરો અંગે પણ જાણીએ અને પછી મોઢેરાના સૂર્યમંદિરે ડેરા-તંબુ નાખીએ.
પહેલાં સ્નાન; પછી દર્શનનો મહિમા
અમદાવાદથી આશરે ૧૧૦ કિ.મી.ના અંતરે મહેસાણા જિલ્લામાં મોઢેરા ગામથી ૨૫ કિ.મી. દૂર, પુષ્પાવતી નદીને કાંઠે અને પ્રાચીન સૂર્યમંદિર હાલ ભગ્ન અને અપૂજ છતાં હજુ કળાના તેજોવલયથી ઝળહળી રહ્યું છે તે ગુજરાતનું અને દેશનું ગૌરવ છે. કોણાર્ક સૂર્યમંદિર અને ખજુરાહોની અતિશિલ્પ સ્થાપત્યકળાથી ખચિત મંદિરોની જેમ જ મોઢેરાનું આ સૂર્યમંદિર સ્થાપત્ય, વાસ્તુ અને શિલ્પકળાનો પરચમ લહેરાવી રહ્યું છે. આપણી પ્રણાલી પ્રમાણે મંદિર પ્રવેશ પહેલાં અહીંના સૂર્યકુંડ અને તેમાં છે...ક નીચે આવેલી તેની વાવને મળી લેવું છે ? પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત આ સંકુલમાં જે ત્રણ સ્તર ગણાયાં છે તેમાંનું આ ત્રીજું સ્તર છે સૂર્યકુંડ જેને રામકુંડ પણ કહેવાય છે. અગિયારમી સદીના આરંભે બનાવાયેલ આ કુંડ અને સમગ્ર પરિસરમાં ગુજરાતનો સમૃધ્ધ સ્થાપત્ય-શિલ્પ કલા વારસો સચવાયેલો છે. મંદિરની આગળના મુખ્ય માર્ગે સ્નાનાર્થે પૂજાર્થે બંધાવાયેલ આ જળસંગ્રહ કુંડ ઉપરથી પ્રેરણા લઇ પાટણના સહસ્ત્રલિંગ તળાવની રચના કરવામાં આવેલી. સ્થાપત્યની દ્રષ્ટિએ કુંડના આ વિશિષ્ટ પ્રકારની ખૂબ સરાહા થયેલી છે. ૧૭૬ ફિટ ઉત્તરથી દક્ષિણ અને ૧૨૦ ફિટ પૂર્વથી પશ્ચિમે પથરાયેલ આ પરિસરમાં મુખ્ય પ્રવેશ પશ્ચિમે છે. ચોરસ અને લંબચોરસ પગથિયાં વચ્ચેના પગથારો (પડથારો) યાત્રીને ઘડીક ઉભા રહીને પોરો ખાવાની સોઈ આપે છે. દરેક ભાગે પ્રથમ સોપાન અર્ધવર્તુળાકાર છે. અહીંથી શરૂ કરી, બધે ફરી વળવું છે ?
લસરકો
હાથવણાટની વિશિષ્ટ કળામાં પ્રતિબિંબિત થતી સૂર્યકુંડની ભૌમિતિક ભાત
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JYWRS7
ConversionConversion EmoticonEmoticon